Sunday, July 27, 2014

પાંખોવાળા મંકોડાની ડાયરી

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૭-૦૭-૨૦૧૪ | અધીર અમદાવાદી |

અમારામાં એક ક્ત્તુ કરીને આઇટમ છે. એનું મગજ થોડું ઓવરસાઈઝડ છે. એ ભારે જાણકાર છે અને પાછું યાદ પણ રહે છે. મને એટલું બધું યાદ નથી રહેતું. એણે ક્યાંક વાંચ્યું કે સાંભળ્યું હતું કે અમે વરસાદ સમયે વધુ એક્ટીવ થઈએ છીએ. તો ઘણાં સ્ટ્રીટલાઈટ નીચે સમાધિગ્રસ્ત થઈ જાય છે. આ તો સારું છે કે અમે ગુજરાત અને અમદાવાદ જેવા પ્રોગ્રેસીવ સિટીમાં છીએ નહીંતર ઉત્તરભારતમાં હોત તો ફાનસ ને મીણબત્તી પણ જોવા ન પામત. આ પણ ક્ત્તુ એ જ કહ્યું હતું.

આજે સવારે ચારે બાજુ પુર આવ્યું હોય એવું લાગતું હતું. ઉપર આકાશમાંથી ચાર-પાંચ ખાંડના દાણા ભેગા કરો એટલી સાઈઝના મોટ્ટા મોટ્ટા ટીપાં પડતાં હતાં. અમારી આખી જમાત થોડીક ગભરાયેલી હતી. મારા મોટાભાગના જાતભાઈઓ કુંડાની બાહર પ્રોજેક્ટ થતી ધારનાં નીચેની તરફ લટકેલા હતાં. અમુક બેવકૂફો કુંડાની નીચે ઘુસેલા હતાં. પણ કુંડામાંથી વરસાદનું પાણી છલકાય એમાં કેટલાય તણાઈ જતાં હતાં. અમુક તો કુંડાના તળિયામાંથી કાદવવાળું પાણી નીકળતું એમાં ચોંટી જતાં હતાં. જે તણાઈ જાય એનાં વિષે અમને ફરી સાંભળવા મળતું નહોતું.

જેમ જેમ જેની જેની પાંખો આવે એમ ફ્લાઈટ લઈને અજવાળા તરફ ઉડવા લાગે એ અમારી ખાસિયત. મને હજુ પાંખ ઉગુ ઉગુ થતી હતી. એવું મને અંદરથી લાગતું હતું. મારા સમુ અંકલની લીડરશીપમાં શરૂઆતમાં એક જૂથ ગ્રાઉંડફ્લોરનાં ફ્લેટમાં ઘુસ્યું હતું એવા લેટેસ્ટ સમાચાર અને એ સમાચારની પૂર્તિ રૂપે એ ફ્લેટમાંથી કોઈ બેબાકળી સ્ત્રીની ચીસો સંભળાઈ રહી હતી. ધડાધડ બારીઓ બંધ કરવાના અવાજ આવી રહ્યા હતાં. અમે આગળ જનારને ચેતવ્યા હતાં કે બધાને પાંખો ફૂટે એની રાહ જુઓ તો સારું. પણ મારા સેકન્ડ કઝીન વત્તુને ઉતાવળ હતી. કારણ કે સીત્તીને પાંખો આવી ચુકી હતી અને એ સમુ અંકલના જૂથમાં ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટની બાલ્કની સુધી પહોંચી ચુકી હતી. વત્તુને રોકવો એ ખાંડની ફેક્ટરીમાં મંકોડાને મોંઢું બંધ રાખવાનું કહેવા જેવું કામ હતું. હવે ગ્રાઉન્ડ ફ્લોર અમારા માટે બંધ થઈ ચુક્યો હતો. એટલે અમારે પાંખો આવે ત્યારે પહેલાં માળ જવાનું નક્કી થયું હતું.

- અને મને પાંખો ફૂટી! બાયોલોજીકલી શું થતું હશે તે રામ જાણે, પણ પડખામાં ગલીપચી થતું હોય એવું મને લાગ્યું. ને ધીમેધીમે પાંખો પ્રગટ થઈ. પાંખો આવવાની રાહ જોઈને બેઠેલા મારા કેટલાક જાતભાઈઓ મને ઈર્ષ્યાથી જોઈ રહ્યા. જેમને પહેલેથી પાંખો આવી ચુકી હતી એ પહેલાં માળનું જૂથ તૈયાર થાય તેની રાહ જોતું હતું. કેટલાક ઉતાવળિયા અને નિરાશાવાદીઓ ફ્લેટમાં ઘુસવા નહિ મળે એમ માની સ્ટ્રીટલાઈટ તરફ જવા લાગ્યા હતાં. મને તો પહેલેથી જ બીજાં માળે ફ્લેટમાં જવાની તમન્ના હતી, પણ પહેલાં માળ સુધી જવાય તો પણ જીવન ધન્ય છે એવું મને લાગતું હતું. કારણ કે પાંખો વગર ચોવીસ પગથિયા ચઢી અથવા તો પાણીની પાઈપલાઈન મારફતે બાથરૂમના રસ્તે ઘરમાં ઘૂસવું અમારામાં ઘણું અઘરું ગણાતું હતું. હા, અમારામાંનાં બે-ચાર જણ પાંખો આવતાં પૂર્વે લીફ્ટમાં ઘુસવામાં સફળ થયા હતાં પણ છેલ્લા માળ સુધી પહોંચી બે જણા ઉતરવા જતાં છેક અંધારિયા ભોંયરા સુધી લીફ્ટ લીધાં વગર ક્રેશ-લેન્ડ થયા હતાં. બીજાં બે જણા ઉતરી ન શક્યા તે હજુયે લીફ્ટમાં અપ-ડાઉન કરે છે, એવા સમાચાર જાણવા મળ્યા છે.

મને પાંખો ફૂટી એટલે મેં પાંખો હલાવવાનો પ્રયત્ન કર્યો. આ મંકોડાસહજ ચેષ્ટા છે. એનાથી હું ઉપરની તરફ ઉડ્યો. થોડીવાર પ્રયત્ન કરવાથી મને ધારી દિશામાં ઉડવાની ફાવટ આવી ગઈ. અમારું જૂથ તૈયાર હતું, ચોથી બેચમાં અમે દોઢસો-બસો જણા થતાં હતાં. બસ, અમારા મીથાકાકાની સરદારીમાં અમે ઉપરની બાલ્કની કે જેમાંથી પ્રકાશ આવતો હતો એ તરફ પ્રયાણ શરુ કર્યું. ઉપર અમને ડરાવવા માટે મોટી સિસોટીઓ વાગતી હતી. જોકે ચાર સીસોટી પછી અંદરથી કોઈ સ્ત્રીનો ‘હની ગેસ બંધ કર’ એવો અવાજ સંભળાયો. એ પછી સીસોટી સિસકારામાં ફેરવાઈ ગઈ. ઉપર પહોંચ્યા પછી મીથાકાકાએ કહ્યું ત્યારે અમને ખબર પડી કે આ કિચન છે. દોઢસોમાંથી અમે સિત્તેર-એંશી જણા ઉપર પહોંચ્યા હોઈશું. કિચનનું બારણું અમને આવકારવા ખુલ્લું હતું.

બાલ્કનીની લાઈટ અમને લલચાવી રહી હતી. પણ ત્યાં ગરોળી નામનું એક વિકરાળ પ્રાણી દીવાલ ઉપર આંટા મારતું હતું. આટલું મોટું પ્રાણી અમારા અમુક સાથીઓને ન દેખાયું અને બલ્બની લાઈટના મોહમાં એ ઉડ્યા અને ગરોળીનો કોળિયો બની ગયા. મીથાકાકાએ અમને દરવાજામાંથી અંદર ઘુસવા સુચના આપી. અંદર જતાં જ અમારામાંથી દસબાર જણા ગેસ નામના ઉપકરણની બ્લ્યુ ફ્લેમ તરફ તો પાંચ દસ માટલાની પાછળ ઠંડકમાં ભરાઈ ગયા. અમે ઉડતાં ઉડતાં એક વિશાળ રૂમમાં પહોંચી ગયા. ત્યાં અમે ટ્યુબલાઈટ પાસે અગાઉની બેચમાં આવેલ એક-બે જણને ઉડાઉડ કરતાં જોયા. અહા, જો પૃથ્વી પર કોઈ સ્વર્ગ હોય તો એ અહીં જ છે. રૂમમાં ટીવી ચાલુ હતો અને એક માણસ ચડ્ઢી અને ટી-શર્ટ પહેરીને ટીવી ઉપર મેચ જોતો હતો, એ અમારી ગતિવિધિઓથી બેખબર અને બેફીકર હતો. અમે ટીવીની ફ્લેટ પેનલની બદલાતી લાઈટસને અથડાઈને પાવન થઈ આવ્યા. આ ઉડાઉડમાં અમુક મહાવિનાશક પંખામાં અથડાઈને ફેંકાઇ ગયા.

પણ ત્યાં અચાનક અંદરનું બારણું ખુલવાનો અવાજ આવ્યો. પવનનો સુસવાટો રૂમમાં ફેલાઈ ગયો. કોઈ રૂમમાં આવ્યું અને થોડા સમય પહેલાં ગ્રાઉન્ડ ફ્લોર પર થઈ હતી તેવી જ ચીસાચીસ સંભળાઈ. અમને સમજ ન પડી, પણ થયું એવું હતું કે આવનાર સ્ત્રીના હાથમાં મોબાઈલની લાઈટ જોઈ અમારા ચાર-પાંચ સાથીઓ ત્રાટક્યા હતાં. એમાં નિશાનચૂક થતાં સ્ત્રીના ગળામાં અને અન્ય અંગો ઉપર અમુક અથડાયા હતાં. અમે તો ટ્યુબલાઈટની આસપાસ ઉડતાં રહી મગજને તર કરવાનું ચાલુ રાખ્યું હતું. પણ સ્ત્રી ટીવી જોતાં પુરુષને ‘શું ભૂંડની જેમ પડ્યો છે, આ જીવડા ઘુસ્યા દેખાતાં નથી? લાઈટ બંધ કર, અને બહાર કાઢ’. એવું બોલી. બસ, પછી કિચનની બાલ્કનીને બાદ કરતાં ઘરની બધી લાઈટ બંધ થઈ ગઈ. અમે ઇન્સ્ટીન્ક્ટીવલી બાલ્કની તરફ ઉડ્યા. ઉડતાં ઉડતાં ઘરની બહાર નીકળી હું નજીકનાં સ્ટ્રીટલાઈટ પોલ તરફ પહોંચી ગયો. ત્યાં અમારા જાત ભાઈઓ મને આશ્ચર્ય અને અહોભાવથી જોઈ રહ્યાં. પછી તો એમને મેં ટીવી અને ગેસની બ્લ્યુ ફ્લેમની વાત કરી. બસ એ વાતો કરતાં કરતાં ક્યારે મારી પાંખો ખરી પડી એ ખબર ન પડી. હવે જમીન પર પટકાઈ આ ડાયરી લખી રહ્યો છું. આગળ શું થશે એ ખબર નથી, પણ મારું જીવન ધન્ય થઈ ગયું હોય એવું લાગે છે ! 




વર અને વરસાદને જશ નહિ

 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી 27-07-2014
---------------------------------------------------
 


ગુજરાતીમાં એક ખોટી કહેવત છે કે વહુ અને વરસાદને જશ નહિ. સંયુક્ત કુટંબ સમયની આ કહેવત હશે જયારે વહુઓ કામ કરી કરીને મરી જતી અને એમને કોઈ જશ નહોતો મળતો હોય. બહુ જૂની વાત થઈ એ તો. બાકી પુરેપુરી શક્યતા એ છે કે કોઈએ આ કહેવત ટ્વિટ કરી હશે અને ઓટો-કરેક્ટને કારણે વરની જગ્યાએ વહુ લખાઈ ગયું હશે. આવું જો ભૂલથી ન થયું હોય તો હવે રાઈટ ટાઈમ છે ભૂલ સુધારીને આ કહેવતમાં ફેરફાર કરવાની. વર અને વરસાદ શબ્દમાં આમેય ઘણી સામ્યતા છે.

વરસાદ સમયસર આવે તો એની કિંમત નથી હોતી. વહેલો આવે તો એ કમોસમીમાં ખપે છે. તંત્ર અને લોકો ઊંઘતા ઝડપાય છે. છેવટે એને એમ થાય કે આના કરતાં તો ન આવ્યો હોત તો સારું થાત. વરનું પણ આવું જ નથી? ઓફિસથી ઘેર  આવે તો ટોણો મારવામાં આવે કે ‘કેમ વહેલા?’ એનું વહેલા આવેલું માથે પડે, કારણ કે પેલીને ચિંતા હોય કે વહેલો આવ્યો છે તો ચા માગશે, નાસ્તો માગશે કે પછી ટીવીનું રીમોટ પકડીને મેચ જોવા બેસી જશે. માણસ રોજ મોડો આવતો હોય તો એનાં વહેલા આવવાની કદર થાય છે. પણ સમયસર ઘેર આવનાર જો સમય કરતાં વહેલો આવે તો એની કદર નથી થતી, પૂછપરછ થાય છે. વર અને વરસાદ શરૂઆતમાં સારા લાગે છે. પણ એકવાર જામે પછી એની કિંમત નથી થતી. ‘સવારે આવ્યો’, ‘ઓફિસ જવાના સમયે જ પડે છે,’ ‘રજાના દિવસે પડે તો જવું ક્યાં?’ આવી ફરિયાદો વરસાદ માટે થાય છે. જોકે ગંદકી બેઉને કારણે થતી હોવાની ફરિયાદ સાંભળવા મળે છે.

વરસાદ આ વખતે હાઉકલી કરીને જતો રહ્યો. એ દરમિયાન લોકો વતી ટીવી ચેનલોએ દુકાળની ચિંતા વ્યક્ત કરી. વિરોધપક્ષોનાં નેતાઓ શાસકપક્ષ કરતાં વધુ ચિંતાતુર થયા. પોલિસ વિભાગ પણ દુકાળ પડશે તો ચોરી-લુંટફાટ વધશે અને અપજશમાં ઉમેરો થશે એ વિચારે ચિંતિત થયો. શાકભાજીનાં વેપારીઓએ જે ઉગી ચૂક્યું છે એનાં પણ ભાવ વધારી દીધા. છાપાના ઉત્સાહી ફોટોગ્રાફરોએ  કાળી માટી, કે જેનાં સ્વભાવમાં પાણી પીને ફૂલવાનું અને સુકાતાં સંકોચાઈને તિરાડોમાં પરિણમવાનું છે તેના ફોટા પાડીને લોકોને યથાશકિત બીવડાવ્યા. જોકે કેડમાં છોકરું અને માથે બેડા ઉચકીને આવતી પનિહારીનો ફોટો અને નીચે 21મી સદીના ગુજરાતની દશા પર કટાક્ષ કરતા કેપ્શન સાથેની ફોટો સ્ટોરી હજી સુધી આવી નથી એ ગનીમત છે. એકંદરે પાલિકા કર્મીઓ કે જે વરસાદ આવવાથી દોડતાં થઈ જાય છે એ સિવાય સૌએ ચિંતા વ્યક્ત કરી.

વર અને વરસાદ બેઉ ભીના કરે છે. વરસાદ સહુને ભીના કરે છે અને વર ઘર માટે પરસેવો પાડીને પોતાના કપડા ભીના કરે છે. વર અને વરસાદ બેઉ તોફાની હોય છે. વરના તોફાનો પર વહુનો કાબુ હોઈ શકે છે, પણ વરસાદના તોફાનો પર કોઈનો કાબુ નથી હોતો. વર અને વરસાદ બેઉ મેકઅપ ખરાબ કરે છે.  વર અને વરસાદ બેઉ પડે છે. એકનાં સ્વભાવમાં પડવું છે બીજો લગ્ન કરીને પડે છે. ખાડામાં. ઘણી વખત વરસાદ ખેંચાઈ જાય છે, વર પણ પત્નીનું શોપિંગ, વહેવાર અને ઘર ખર્ચમાં ખેંચાઈ જતો હોય છે. વરસાદ ઝરમરથી લઈને ધોધમાર વરસે છે. વર મરતાં મરતાં હસી શકે છે. ખડખડાટ હસવા માટે તો એને ઓફિસ કે બેચલર પાર્ટીમાં જવું પડે છે.

જોકે વરસાદ પર જેટલી કવિતા થાય છે એટલી વર પર નથી થતી. વરના આગમનથી મોર તો શું કૂતરું ય થનગાટતું નથી. ટહુકા તો બાજુ એ રહ્યા પણ કોઈ ભાવથી ‘આવો’ કહે તોય પાર્ટી ધ્રુસકે ચડી જાય એવી એની મનોદશા હોય છે. વરસાદનું સ્વાગત મકાઈ અને દાળવડા ખાઈને થાય છે. વરના આગમન સાથે ‘ડ્રાય ક્લીનમાંથી સાડી લાવ્યા?’, ‘કરીયાણાનું બિલ ચુકવ્યું?’, ‘મામીને ત્યાં ડોલચું આપી આવ્યા?’ એવા સવાલો પૂછીને એનું મગજ ખાવામાં આવે છે. વરસાદ આવે ત્યારે કડાકા અને ભડાકા થાય છે. જયારે કડાકા અને ભડાકા કરવાની વરની ઈચ્છા તો ઘણીય હોય છે પણ પછી મનમાં જ મેરેજ અને મનમાં જ ડાયવોર્સ થઇ જતા હોય છે! વરસાદના વધામણા આખું ગામ ખાય છે જયારે વરને વરની મા સિવાય કોઈ પૂછતું નથી.

જોકે આટલું બધું લખ્યા પછી અમને એ વિચાર આવે છે કે વરની સરખામણી કોઈની સાથે શું કામ કરવી? બિચારાની પોતાની કોઈ આઇડેન્ટિટી જ નહી? પરણ્યો એટલે પઈનો? 

Sunday, July 20, 2014

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા : કરણ જોહર ધર્માદા ફંડમાં રૂપિયા આપવા સારા



હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા પંજાબની કુડીનો રોલ આલિયા ભટ્ટ કરે છે. એની બહેનપણીના લગ્નમાં અને પોતાનાં લગ્ન માટે કોઇપણ ભોગે પાંચ લાખ રૂપિયાનો લેંઘો ખરીદવા એ દિલ્હી આવે છે. અમારા જેવા ગુજરાતીઓ તો લેંઘામાં કેવા હીરામોતી ટાંક્યા હશે એ વિચારે ગોટે ચઢી જાય ત્યારે સાડી સત્યાવીસ મીનીટ પછી ખબર પડે કે આપણે જેને ચણીયા-ચોળી કહીએ છીએ તેને આલિયા અને પંજાબીઓ લેંઘો કહે છે. પણ આલિયા કીધી કોને!

આ બાજુ દિલ્હીમાં હમ્પ્ટી નામનો નવજુવાન શર્મા કોઈ વાતે શરમાતો નથી. એ એટલો ડોબો હોય છે કે આર્ટસમાં હિસ્ટ્રી સબ્જેક્ટમાં પાસ થવા એણે પ્રોફેસરને ધમકી આપવી પડે છે, જ્યાં પ્રોફેસરની ભાણી એવી આલિયા સાથે તેની મુલાકાત થાય છે. પછી તો પંજાબી કુડી કે જે અડધી સેમી બમ્બૈયા અને ક્વાર્ટર પંજાબી મિશ્રિત હિન્દી બોલતી હોય એવી આલિયા સાથે હમ્પ્ટી અને એનાં ત્રણ દોસ્તોની દોસ્તી થઈ જાય છે. આલિયા કે જેનું નામ કાવ્યા હોય છે તે મોઢામાં ખાવાનું હોય ત્યારે બોલવાની માહિર હોય છે તે હમ્પ્ટીને કોફીશોપમાં અને ઠેકઠેકાણે મળે છે.

તરત જ એ લોકો એક ડીજે પાર્ટીમાં જાય છે જ્યાં ડીજેને બદલે વરુણ ગાય અને નાચે છે. ‘મેં તેનું સમજાવા ..’ ગીત સિવાયના ગીતો ફિલ્મ પૂરી થાય એ પહેલાં ભૂલી જાય એવા છે. પણ થોડા જ સમયમાં આલિયા હમ્પ્ટી એન્ડ દોસ્તારો સાથે હમ્પ્ટીનાં ફાટેલાં ડોળાવાળા ટાલીયા બાપુજીની સ્ટેશનરીની દુકાનમાં જ નાઈટઆઉટ માટે તૈયાર થઈ જાય છે. એટલું જ નહિ તરત જ બીયર પીવામાં પણ હમ્પ્ટી સાથે કમ્પીટીશન કરે છે, એટલું જ નહિ જીતી ને અંબાલાનું નામ રોશન કરે છે. બીયર માલિયાની કંપનીનો હતો કે નહિ એ ખબર નથી, પણ આલિયા માટે તાલીયાં તો થઈ જાય !!

કિસ કરે છે કે ખાનગી વાત,એ નક્કી થતું નથી....
હમ્પ્ટી કાવ્યાને લેંઘો ખરીદવા ફાઈનાન્સ કરે છે તો કાવ્યા સામે એટલાં જ રૂપિયા હમ્પ્ટીને કાર ખરીદવા ગીફ્ટ આપે છે. ઈન્ટરવલ સુધીના પિક્ચરનો એટલો જ સાર કે ડીઝાઈનર લેંઘાની કિંમતમાં મળે છે મારુતી કાર! આમ તો કાવ્યાના એનારાઈ મુરતિયા સાથે લગ્ન નક્કી થયા હોય છે. આ મુરતિયો બત્રીસ લક્ષણો હોય છે અને વરુણ એની આગળ મગતરા જેવો હોય છે, પણ આલિયાની ચોઈસ પણ એટલી ઉંચી ક્યાંથી હોય? પછી તો ડીડીએલજે તમે જોયું જ હશે એટલે આલિયાના પંજાબી ફાધર અને ફેમીલીનાં ત્રાસની આખી સ્ટોરી કહી તમને વધુ બોર નથી કરતો. આમેય અંત સુધી પહોંચતા ડાયરેક્ટર પણ ફિલ્મ બનાવતા થાકી ગયો હોય એવું લાગે છે.

એકંદરે આલિયા ભટ્ટ આલિયા ભટ્ટ જેવી જ વર્તણુંક આખી ફિલ્મમાં કરે છે. આમ છતાં ફિલ્મના લેખક અને ડિરેક્ટરે અંબાલાની છોકરીનું જે સુંદર ચરિત્ર નિરૂપણ કર્યું છે એ જોતાં ગુજરાતી રસિકજનો અંબાલાની છોકરીઓને શોધી-શોધીને ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલતા થઈ જાય તો નવાઈ નહિ. બાકી આવી ફિલ્મ જોવા કરતાં  કરણ જોહર ધર્માદા ફંડમાં ડાયરેક્ટલી રૂપિયા આપવા સારા. 

ઈવની અકળામણ



 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------

એક સંશોધન મુજબ એવરેજ સ્ત્રી શું પહેરવુંએ નક્કી કરવામાં જિંદગીનું એક વર્ષ ખર્ચી નાખે છે. તૈયાર થવાના સમયની ગણતરીમાં તો પડવા જેવું જ નથી કારણ કે તૈયાર થવામાં કેટલો સમય લાગશે એ વોર્ડરોબની લંબાઈ પહોળાઈ પર આધાર નથી રાખતો. એ સ્ત્રીઓના જીન્સ પર આધાર રાખે છે અને જેમ જીન્સ બધે બ્લુ કલરના જ હોય એમ સ્ત્રીઓના જીન્સ પણ ઇન્ડિયા હોય કે અમેરિકા બધે સરખા જ હોય છે. પ્રસંગમાં પહેરવાના કપડાં નક્કી કરતી વખતે પ્રસંગ સવારનો છે કે સાંજનો? સગું કેટલું નજીકનું છે? નજીકના મિત્રો અને સગલીઓ શું પહેરશે? બ્લાઉઝ થશે કે નહિ? પ્રસંગમાં આવનારાઓએ અગાઉ આ ડ્રેસ જોયો છે કે કેમ? જેવા પ્રશ્નો પણ ઊભા થાય છે. આમ એકંદરે તૈયાર થવામાં થતાં કલાકોમાંથી અડધો સમય તો નિર્ણય લેવામાં થઈ જાય છે. કમનસીબે આવી સ્ત્રીઓની મદદ કરે તેવા કોમ્પ્યુટર પ્રોગ્રામ કે સ્માર્ટફોન એપ્લીકેશન્સ હજુ બજારમાં આવી નથી.

એવું નથી કે માનવજાત વતી નિર્ણય લઇ શકે એવા કોમ્પ્યુટરો ઉપલબ્ધ નથી. કોમ્પ્યુટરને માનવ મગજને સમકક્ષ લાવતા આર્ટીફીશીયલ ન્યુરલ નેટવર્ક પર પાછળના વર્ષોનો ડેટા ફીડ કરીને એની મદદથી સિડની ઓલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓનું અનુમાન લગભગ ૮૦% ચોકસાઈથી કરી શકાયું હતું. પણ પ્રસંગ, નારીના મૂડ અને ચોઈસ પ્રમાણે સાડી, જ્વેલરી, મેક-અપ, એક્સેસરીઝ, હેર સ્ટાઈલ, ફૂટવેર વગેરે નક્કી કરવા માટે જો ફાસ્ટેસ્ટ સુપર કોમ્પ્યુટરને ધંધે લગાડવામાં આવે તો પણ જવાબ આવતા સહેજે બે-ત્રણ દિવસ તો થઇ જ જાય. આ માટે પ્રોગ્રામિંગ કરવા સાથે કોમ્પ્યુટર પર એક ખાસ ચીમની પણ લગાવવી પડે જેથી નિર્ણય લેવામાં કોમ્પ્યુટર ગોટે ચડે તો ધુમાડા સીધા ઘરની બહાર કાઢી શકાય.

નારીઓને જો સૌથી વધુ કોઈ સમસ્યા નડતી હોય તો એ રંગની છે. એમાં પણ એ પુરુષને પોતાના કામમાં જોતરે ત્યારે કકળાટની શરૂઆત થતી હોય છે. રંગ બાબતે એમની સાથે વાદ-વિવાદ ન થાય એ માટે ધીરજથી એમનું રંગશાસ્ત્ર સમજી લેશો તો કદી બદામી, મોરપીંછ કે પોપટી કલર બતાવવા માટે બદામ, મોર કે પોપટ શોધવા નીકળવું નહિ પડે! બીજ એ તિથી જ નહિ કલરનું નામ પણ છે અને બરગંડી, ગાજર અને રાણી પણ રંગના જ નામ છે એ તમારી જાણમાં હોવું જોઈએ. આ ઉપરાંત એણે જાતે રંગના નામ પાડ્યા હોય તે અને આગળ ઉપર જે નવા નામ પાડે એ, બધા જ યાદ રાખવા એ પુરુષની જવાબદારી છે એવું પુરુષો સમજે તો સુખ હાથવેંતમાં જ ગણાય.

એવું કહેવાય છે કે હકીમ લુકમાન પાસે દુનિયાના દરેક પ્રશ્નોના જવાબ હતા પણ અમે ખાતરી સાથે કહીએ છીએ કે જયારે એની પત્ની એને ‘આજે શું પહેરું?’ પૂછે ત્યારે એ પણ સલવાતો હશે. આ એવી જવાબદારી છે જે આઉટસોર્સ કરી શકાતી નથી. જેને પૂછવામાં આવ્યું હોય એણે જ જવાબ આપવો ફરજીયાત છે, અને વળતી ગાળો પણ એણે જ ખાવાની હોય છે. આમાં પાંડવો અપવાદ ગણાય કારણ કે એ લોકો જવાબદારી એક બીજા પર ઢોળી શકતા હશે. બાકી સદીઓ વીતી ગઈ પણ પ્રશ્ન હજુ વણઉકેલ છે. આજે પણ સારા પ્રસંગે જતી વખતે આ પ્રશ્ન પૂછાય જ છે. હિન્દીમાં આવી પરિસ્થિતિમાં પુરુષોની હાલત વર્ણવવા માટે इधर कुआं, उधर खाई રૂઢીપ્રયોગ પ્રયોજાય છે.

કયા પ્રસંગે શું પહેરવું એમાં દુવિધા, ત્રિવિધા કે લક્ષ-વિધા થાય એમાં નવાઈ નથી. આજકાલ તો ફક્ત કપડામાં જ વરસે દહાડે પાંચસો ઓપ્શન મળી રહે છે. શુભ પ્રસંગે સ્ટાઈલ-પેટર્ન-ફેબ્રિક અપનાવવામાં મોડા પડેલા લોકો ડિસ્કો-થેકમાં આવી ચડેલા ખાદીધારીઓ જેવા અલગ તરી આવે છે. અમુક કિસ્સાઓમાં માર ખાઈને ધર્મ પરિવર્તન કરવું પડતું હોય છે. જેમ કે આજકાલની ૬૦-૬૫ વર્ષની ‘યુવતીઓ’ સાડલાને તિલાંજલિ આપીને સલવાર-કમીઝ કે સ્લેક્સ-કૂર્તી પર આવી ગઈ છે. એમાં પણ અમેરિકા છોકરાના કીડ્ઝોને રમાડીને પાછી આવેલી ‘હોટ’ ’તરુણીઓ’ એમના કાકા છાપ ‘હબી’ સાથે ટેરીકોટનના પેન્ટ, ટીઝ અને સ્પોર્ટ્સ શુઝમાં સજ્જ થઇને પડાવેલા ફોટા ફેસબુક પર અપલોડ કરતી થઇ ગઈ હોઈ અહીંની ૪૦-૫૦ વર્ષની ‘કિશોરીઓ’ માટે તો શું પહેરવું એ સમસ્યા થઇ ગઈ છે.

એ હિસાબે આદિ પુરુષ આદમને સારું હતું કે ઇવ એને એવું પૂછવા નહિ આવતી હોય કે ‘આદુ, ટારઝન અને જેનના લગ્નમાં કેળનું પાંદડું પહેરું કે ડીયર સ્કીનનું સ્કર્ટ પહેરું?’ કારણ કે એ યુગમાં આવા પ્રસંગો ય નહોતા અને કોઈ જોનાર પણ નહોતું. બાકી આ બધી જોયાની જ માયા છે.

આદમના ડ્રેસમાં ખીસું નહોતું


મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૦-૦૭-૨૦૧૪ | અધીર અમદાવાદી |
સાયન્સ એવું કહે છે કે આપણે વાંદરામાંથી ઉતરી આવ્યા છીએ. આ થીયરી ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ તરીકે પણ જાણીતી છે. આમ વાંદરા અપગ્રેડ થતાં થતાં માણસ બન્યા છે. જોકે કમ્પ્યુટર અને મોબાઈલ ફોન અપગ્રેડ થાય તો નવા વધારે સારા વર્ઝન આવે છે, પણ આવું માણસ જાત માટે કહી શકાય એવું નથી. પ્રમાણિક માબાપનો છોકરો ભ્રષ્ટ પાકે છે. આપબળે ભણેલાં મા-બાપના છોકરાંને ડોનેશન આપી એડમિશન લેવા પડે છે અને છતાં એમને પાસ થવાના ફાંફા હોય છે. વાંચવાના શોખીન મા-બાપના છોકરાને ચોપડી હાથમાં લે તો માથું દુખવા મંડે છે. અસલી પોલીસવાળાના છોકરાં નકલી પોલીસ બનીને લોકોને છેતરે છે.


જોકે અમુક ધર્મ અને માન્યતા એવું કહે છે કે આપણે આદમ અને ઇવ નામના સ્ત્રી-પુરુષમાંથી ઉતરી આવેલા છીએ. ભગવાને આદમને બનાવ્યો. આદમને ઇડન ગાર્ડનમાં એકલું એકલું લાગતું હતું એટલે ભગવાન આદમની પાંસળીમાંથી ઇવને બનાવી. પણ બગીચામાંથી એપલ ખાવાની મનાઈ કરી જે ઈવે ખાધું અને આદમને ખવડાવ્યું. એમાંથી આખી માણસજાત ઉતરી આવી. આદમ-ઇવ સમયની પરિસ્થિતિ રસપ્રદ હશે એવું અમને લાગે છે.

આદમ પાસે ઇવ હતી અને ઇવ પાસે પણ ક્યાં ઓપ્શન્સ હતાં? એટલે જ એણે ઇવને ઈમ્પ્રેસ કરવા કળા કરવી પડે, બાઈકના સ્ટંટ કરવા પડે કે અમુક ચોક્કસ બ્રાન્ડના ડીઓ છાંટવા નહોંતા પડતાં. આદમને ઇવને કોફીશોપ લઇ જવાના ખર્ચા પણ નહોંતા કરવા પડતાં. એમાંય બેઉ જણા પાંદડાના કપડાં પહેરતા હતાં. હા, ક્યારેક ઇવ આદમને પૂછતી હશે કે ‘આ પીપળાના કુમળાં રેડ પાનમાં હું કેવી દેખાઉં છું?’ અને ત્યારે આદમ આંખ મીંચકારીને કહેતો હશે કે ‘આ પાન એક સાઈઝ મોટા આવી ગયા છે, આમાં તું થોડીક જાડી લાગે છે.’ જોકે આવી મજાક પછી બંને જણાએ ઝાડ પરથી ફળ તોડીને જ ખાવાના હોઈ આદમને ભૂખ્યા રહેવું પડે તેવી નોબત નહિ આવતી હોય.

ઇવ સીધી જ પરણવા લાયક ઉંમરે જ જન્મી હતી અને આદમ એક જ હતો એટલે પપ્પા-મમ્મીની ખુશી ખાતર કોક પૈસાદાર પણ રીંછ જેવા છોકરા સાથે પરાણે લગ્ન નહોતાં કરવા પડ્યા. આદમ સાથે એનું લીવ-ઇન કહી શકાય. પણ ખર્ચો શેર કરવાની અને ઘરકામમાં વહેંચણી અને વારા પાડવાની જરૂર નહોતી પડી. આમ તો માત્ર આદમને જ ઈમ્પ્રેસ કરવાનો હોવા છતાં ઇવ ઝરણાના મીનરલ વોટરથી જ મોઢું ધોતી હતી, જેનાં માટે એણે સવારે થોડું ચાલવું પડતું હતું. જોકે ચાલવાથી ઇવનાં પગ નહોતાં દુખતા કે એણે રાત્રે પગે બામ ઘસીને સુવું નહોતું પડતું. એ રાત્રે સુતી વખતે એક જાતની માટીનો લેપ ચહેરા ઉપર લગાડતા શીખી હતી જેનાથી એની ત્વચા મુલાયમ રહેતી હતી. ક્યારેક એ મોઢા ઉપર મધ પણ ચોપડતી. પણ આદમ ભુખ લાગી હોય તો મધ ચાટી જતો. વેલા પર ઉગતું ખિસકોલી જેવા ચટપટા ધરાવતું શાક કે જેને ઇવ સ્ક્વીરલ વેજી કહેતી હતી તેના ચકતાં કરીને આંખ ઉપર મુકવાથી ડાર્ક સર્કલ્સ દુર થાય છે એવું ઇવ અનુભવથી શીખી હતી.

આદમ સુખી હતો. એને કોઈ નોકરી નહોતી કરવાની. એને બોસ પણ નહોતો. બોસ નહોતો એટલે એણે ખુશામત નહોંતી કરવી પડતી. ઓફિસ જ નહોતી એટલે એને ચુગલીખોર સહકર્મીઓ ન હતાં. ઓવરટાઈમ અને અપ્રેઈઝ્લ શબ્દો એણે સાંભળ્યા જ નહોતાં. આમ તો એની પાસે ડોક્ટર, એન્જીનીયર કે સીએ જેવી કોઈ ડીગ્રી પણ નહોંતી. ખરેખર તો આપણો જે વડવો ગણાય છે, એ આદમ પાસે કહેવા જેવી કોઈ આવડત પણ નહોંતી. ઓફિસ જવા-આવવામાં એનાં દિવસના ત્રણ-ચાર કલાક બગડતા નહોતાં. એકંદરે ઓફિસ કે ઓફિસમાં લફરા કરવાની શક્યતા ન હોઈ ઇવને ઈર્ષ્યા કે શંકા કરવાનું કોઈ કારણ નહોતું.

આમ છતાં ઘણાં પુરુષો આજેય આદમની ઈર્ષ્યા કરે છે. કારણ કે આદમને સાસુ નહોતી. ન એને પોતાનાં જમાનાની વાતો કરીને બોર કરે એવા સસરા હશે. વાર-તહેવારે રક્ષાબંધન અને ભાઈબીજ પર એણે સાસરે જમવા જવું નહિ પડતું હોય. આદમને સાળો કે પરણેલી સાળી નહોતી કે જેમના તોફાની અને ઓવરસ્માર્ટ છોકરાંની બર્થ ડેમાં એણે પરાણે જવું પડતું હોય. ન એને સાળાના કૂતરાને પરાણે રમાડવું પડતું હશે. એનીવર્સરી પર ઇવને જાતે તોડેલું ફૂલ કે પછી દુરના વિસ્તારમાં થતી વેલના કોઈ હાર્ટ શેપના પાંદડા ડ્રેસ તરીકે પહેરવા ભેટ આપે તો ચાલી જતું હશે. આદમે ઇવને ખુશ કરવા એનીવર્સરી પર ફાઈવસ્ટાર હોટલ લઇ નહિ લઇ જવી પડતી હોય. આદમ જે પાંદડાનો ડ્રેસ પહેરતો એમાં ખીસું જ નહોતું એટલે એ સુખી હતો.

ઘણી સ્ત્રીઓ ઈવની ઈર્ષ્યા કરે છે. ઇવને પણ સાસુ, સસરા, આળસુ દિયર અને વારેતહેવારે પિયરમાં ધામા નાખતી નણંદ નહોતી. રોજરોજના કંકાસથી કંટાળીને એમણે અલગ ઘર લેવું પડે તેવી જરૂરિયાત ઊભી નહોતી થઈ. આદમને દોસ્ત નહોતાં જે એને રાતે દસ વાગ્યે બેચલર પાર્ટીમાં ખેંચી જાય. ઘરમાં ટીવી પણ નહોતું કે આદમ ફૂટબોલ કે ક્રિકેટ મેચ જોવા જામી પડે અને મેચ જોતાં જોતાં ‘જોને ઇવ ડાર્લિંગ મેચ મસ્ત જામી છે, અને બહાર વરસાદ પડે છે, ભજીયા ખાવા મળે તો મઝા પડી જાય’ એવી ફરમાઇશ કરે.

ખરેખર તો એ વખતે સ્ત્રીઓએ ઘરકામ કરવું અને પુરુષે કામધંધો એવા વાડા પડ્યા નહોતાં એથી બેઉ જણ ખભેખભો મિલાવીને ફળ તોડીને ખાતા અને સ્વૈરવિહાર કરતાં હશે. ઇવને રોજ કુકર ચઢાવવાની ઝંઝટ નહોતી. કામવાળો જ નહોતો એટલે કામવાળાનાં નિયમો નહોતાં કે ‘આટલું જ સાફ કરીશ’ કે ‘નવ વાગ્યે વાસણ નહિ થયા હોય તો જાતે કરી લેવા.’ કામવાળો મોબાઈલ ન ઉપાડે તો ઈવનું બ્લડપ્રેશર હાઈ થવાનો સવાલ જ નહોતો. અહીં તો જ્યાં એ લોકો પડ્યા રહેતા એ જગ્યા ગંદી થાય તો સાફ કરવાને બદલે બીજાં દિવસે જગ્યા બદલી નાખતા હતાં. પથારીમાં ચાદર તરીકે પણ મોટા પાંદડા જ હતાં એટલે એકંદરે પહેરવા, પાથરવા અને ઓઢવામાં પાંદડા જ હોઈ કપડાં એટલે કે પાંદડા ધોવાની ઝંઝટ નહોતી, બધું ડિસ્પોઝેબલ હતું. હા, પાંદડામાં ઈયળ હોય તો સાચવવું પડતું અને એકબીજાના પાંદડામાંથી ઇયળો શોધી કાઢવામાં એમનો સારો એવો ટાઈમપાસ પણ થઈ જતો હતો.

સૌથી મોટું સુખ તો આખો દહાડો બેઉ આમને સામને રહેતા હતાં એટલે એમને મોબાઈલ, ફેસબુક અને વોટ્સેપ જેવા સોશિયલ નેટવર્કિંગના ટુલ્સની જરૂર પણ નહોંતી. પન્નાલાલ પટેલની ક્લાસિક નવલકથા માનવીની ભવાઈમાં ‘બાવાજીની લંગોટી’ વાતમાં આવે છે એમ જેમ જેમ આ સંસાર રચાતો ગયો તેમ તેમ તકલીફો ઊભી થતી ગઈ. શું કરીએ તકલીફ તો રહેવાની!

Sunday, July 13, 2014

સેલ્ફીમાં ફોટો જાતે પાડવાનો હોય



મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૧૩-૦૭-૨૦૧૪ | અધીર અમદાવાદી |

સોશિયલ મીડિયામાં પ્રચલિત શબ્દો અંગ્રેજી ડિક્શનરીમાં ઉમેરવામાં આવે છે. હમણાં જ બીજા પ્રચલિત શબ્દો સાથે સેલ્ફી શબ્દ ઓક્સફર્ડ અને વેબસ્ટર ડિક્શનરીમાં ઉમેરવામાં આવ્યો છે. લોકસભા ઇલેક્શનમાં મોદીજી એ વોટ આપીને ટ્વીટર પર શેર કરેલાં પોતાનાં જાતે લીધેલા ફોટા એટલે કે ‘સેલ્ફી’એ છાપાના અને વેબસાઈટ્સના ઘણાં પાનાં બરબાદ કર્યા હતાં. ડી જ્નર્સ, બ્રાડલી કુપર વગેરેનો ઓસ્કાર સેલ્ફી ટ્વીટર પર વીસ લાખ રીટવીટ પામ્યો હતો. જસ્ટીન બાઈબરનો શર્ટ વગરનો સેલ્ફી, બરાક ઓબામાનો કેમરૂન સાથેનો નેલ્સન મંડેલાના ફ્યુનરલ વખતનો સેલ્ફી, નાસાના અવકાશયાત્રીનો ‘આઉટ ઓફ ધ વર્લ્ડ’ સેલ્ફી કે પછી નવપરણિત યુગલનો નામદાર પોપ સાથેના સેલ્ફી ઈન્ટરનેટ પર જુદાજુદા કારણોસર હજુ ધૂમ મચાવે છે.

સેલ્ફી એ ફોટોગ્રાફર્સના મ્હોં પર તમાચો છે. પાસપોર્ટથી લઈને લગ્નની ફોટોગ્રાફી સુધી તમારે અપને આપ કો પુલિસ, સોરી, ફોટોગ્રાફર કે હવાલે કરી દેવાની હોય છે. તમે એવા જ દેખાઈ શકો જેવા ફોટોગ્રાફર ચાહતો હોય. તમે ખણી ન શકો. તમને આખી જિંદગી છને પાંચ થઈ હોય એમ નમેલા ઊભા રહેવાની ટેવ હોય તોયે તમારે છ વાગ્યાની જેમ સિધ્ધાં ટટ્ટાર ઊભા રહેવું પડે. પછી ફોટો જોનાર ૯૦% લોકો તમને ઓળખી ન શકે કે આ સીધો ચમનો થઈ જયો?” એમાંય પાછાં હાથ ક્યાં રાખવા એ પ્રશ્ન તો પાસપોર્ટ ફોટો પડાવતી વખતે પણ મુંઝવણ પેદા કરતો હોય છે. આમ સેલ્ફી તમને ફોટોગ્રાફરની નાગચૂડમાંથી મુક્તિ અપાવે છે. વધારામાં સેલ્ફી પાડતી વખતે આજુબાજુ ઊભા રહી તમારી મજાક ઉડાડતાં લોકોનું ગળું પણ તમે બીજા હાથથી પકડી શકો છો!

સેલ્ફી પાડવો એ ચોક્કસ કળા છે. સૌથી મોટું કારણ એ છે કે સેલ્ફીમાં ફોટો એક હાથ કરતાં નજીકના અંતરથી લેવો પડે છે. એમાં આપણે કંઈ લાંબા હાથ ધરાવનાર અર્જુન તો છીએ નહિ કે વધારે લાંબા થઈ શકીએ. એમ તો કાનુન પોતાનો શ્રેષ્ઠ સેલ્ફી પાડી શકે કારણ કે કાનુન કે હાથ લંબે હોતે હૈ’. આ તો પીજે થયો! પણ ગળું કબુતર જેવું હોય, કે પછી દાંત પાનમસાલા ખાઈને પીળા પડી ગયા હોય, એ છુપાવીને સેલ્ફી પાડવો એ કળા જ છે. આ ઉપરાંત ટાલ, દાઢી કરવાની અણઆવડત, વાળમાં ખોડો, ડાર્ક સર્કલ્સ, સ્ત્રીઓના હોઠની ખરી બોર્ડર આવું બધું સેલ્ફીમાં છતું થઈ જાય છે. એટલે જ સેલ્ફીને પણ ફોટોશોપ કરવાનું ચલણ વધતું જાય છે. ફોટોશોપ કરવું એ પણ નવો શબ્દ છે.

ફોટોગ્રાફર તમારો ફોટો પાડે તો ભારતમાં એ સ્માઈલ પ્લીઝ કહે છે. દુનિયામાં સ્માઈલનાં પર્યાય તરીકે ‘સે ચીઝ’ કહેવાનો રિવાજ છે. કોરિયામાં ‘કિમ ચી’, જાપાનમાં ‘સેઈ નો’ મતલબ કે રેડી તૈયાર, ફિનલેન્ડમાં ‘મુઇક્કું’ અને ચીનમાં ‘રીંગણ’ માટે વપરાતો ચાઈનીઝ શબ્દ બોલાય છે. જોકે સેલ્ફી પાડતી વખતે તમારે જાતે પોતાની જાતને હસવું આવે એવું કંઇક બોલવું પડે છે. પણ પોતાને હસાવવા એ અઘરું કામ છે. તમને માન્યામાં ન આવતું હોય તો લાખો લોકોને હસાવનાર સુરેન્દ્ર શર્માને યાદ કરો. આમેય સેલ્ફી પાડતી વખતે કેમેરા તરફ જોઈ રહેવું કે અન્ય દિશામાં એ કોયડો હોય છે. એમાં અન્ય દિશામાં જોઈ ફોટો ખેંચવાથી ખાલી વાળનો, ગળાનો કે પછી ખાલી કાનનો ફોટો આવી શકે છે. અમિતાભ બચ્ચને ઇલેક્શન પછી પાડેલો સેલ્ફી પણ મહાનાયકને ન્યાય કરે તેવો નહોતો.
 
સેલ્ફી એકદમ નવો ટ્રેન્ડ છે. આઝાદી સમયે સેલ્ફી નહોતાં નહીંતર દાંડીમાં સવિનય કાનુનભંગ કરતાં ગાંધીજીનો સેલ્ફી ધો.૯નાં ઇતિહાસના પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર જોવા મળત. મહાભારત કાળમાં સેલ્ફી હોત તો મહાભારતમાં ગીતા જ્ઞાન આપતાં શ્રી કૃષ્ણને ઘડીક અટકાવીને અર્જુને કહ્યું હોત કે પ્રભો, એક મીનીટ થોભી જાવ, પહેલાં એક સેલ્ફી થઈ જાય, ગીતાના કવર પેજ પર મુકવા કામમાં આવશે”. આવું થયું હોત તો એ ઓલટાઈમ બેસ્ટ સેલ્ફીનો એવોર્ડ પામત. પણ એ વખતે સંજય-ધુતરાષ્ટ્રનું દુરદર્શન હતું, પણ કેમેરા કે સેલ્ફી નહોતાં!

સેલ્ફી બીજાં પાડી શકે? આ સવાલ હવે પૂછાવા લાગ્યો છે. સેલ્ફી વિષે પુરતી જાણકારી ન ધરાવનાર કોકને કેમેરા આપીને બોસ, એક સેલ્ફી પાડી આપોને પ્લીઝએવું પણ કહી શકે છે. આજકાલ નાનીમોટી વાતમાં ચીટીંગ કરતાં કોઈને શરમ નથી આવતી. એવામાં કોઇ એવો ફોટો કે જેમાં વ્યક્તિનો કમસેકમ એક હાથ ન દેખાતો હોય તેને ટેકનીકલી સેલ્ફી તરીકે ખપાવી શકાય છે. એટલે જ હવે સેલ્ફી જેવા જ લાગતા જ કપલ સેલ્ફી, ફેમીલી સેલ્ફી, ગ્રુપ સેલ્ફી, ટીમ સેલ્ફી, મેરેજ સેલ્ફી, હનીમુન સેલ્ફી, તથા કોઈપણ શુભ પ્રસંગના સેલ્ફી પાડી આપવામાં આવશે” આવી કોઈ જાહેરાત છાપામાં કે ચોપાનિયામાં જોવા મળે તો નવાઈ ન લાગે. ખરેખર તો સેલ્ફી અને સેલ્ફીશ વચ્ચેની ભેદરેખા અભિનેત્રી દીપિકા પાદુકોણેની ડોક જેવી પાતળી છે. માણસોને સેલ્ફ પ્રમોશનમાં રસ છે, અને એ માટે એ કોઈ પણ હદે જઈ શકે છે. એમાંય સાહેબો કોઈ કામ જાતે ન કરે. પીએ હોય, હાથ નીચે કામ કરતાં કર્મચારી હોય. એમની બેગ ઉચકવા અને પાણીનો ગ્લાસ આપવા પટાવાળા હોય. આવા સાહેબો સેલ્ફી કઈ રીતે લઇ શકે? સેલ્ફી લેવો એ બીલો ડીગ્નીટી ન કહેવાય? કોઈને ખબર પડે કે ‘ફલાણા સાહેબ તો પોતાનો સેલ્ફી પણ જાતે ખેંચે છે!’ તો કેવું લાગે? બીજા સમકક્ષ સાહેબો આગળ એમની ઈજ્જત કેટલી રહે? એટલે જ, જે પોતાને સાહેબ કહેવડાવવામાં ગર્વ લેતું હોય એમને માટે સેલ્ફી લેવા માટે સરકારે ખાસ પોસ્ટ ઊભી કરવી જોઈએ. ખમતીધર લોકો આજકાલ હનીમુન પર ફોટોગ્રાફરને લઇ જાય છે, તો સેલ્ફી ખેંચવા ફોટોગ્રાફરને રોકે તો કોઈને નવાઈ ન લાગે.   

સેલ્ફીના ઘણાં ઉપયોગ છે. અરીસાની ગેરહાજરીમાં સેલ્ફી પાડી વાળ બરોબર છે કે નહિ તે નક્કી શકાય છે. મેકઅપ પણ ઠીક કરી શકાય છે. હસવાને કારણે લીપ્સ્ટીક ને રડવાને કારણે આઈ-લાઈનર ખરાબ થઈ છે કે નહિ તે ખાતરી સેલ્ફીથી કરી શકાય છે. સ્ત્રીઓ પોતાનું મ્હોં બંધ હોય એવા સેલ્ફી પાડીને ઓળખીતા-પાળખીતાને ચોંકાવી દઈ શકે છે. માવો-મસાલો ખાનારા સેલ્ફીની મદદથી વિરાટ દર્શન સ્ટાઈલમાં મ્હોં ફાડી મ્હોંમાંના ચાંદાના ફોટા પાડી ડોક્ટરને મોકલી ઓપરેશનની ડેટ ફિક્સ કરી શકે છે, આ સેલ્ફીનો સોશિયો-મેડિકલ ફાયદો છે. છે ને ફાયદા સેલ્ફીના?