Sunday, July 20, 2014

ઈવની અકળામણ કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------

એક સંશોધન મુજબ એવરેજ સ્ત્રી શું પહેરવુંએ નક્કી કરવામાં જિંદગીનું એક વર્ષ ખર્ચી નાખે છે. તૈયાર થવાના સમયની ગણતરીમાં તો પડવા જેવું જ નથી કારણ કે તૈયાર થવામાં કેટલો સમય લાગશે એ વોર્ડરોબની લંબાઈ પહોળાઈ પર આધાર નથી રાખતો. એ સ્ત્રીઓના જીન્સ પર આધાર રાખે છે અને જેમ જીન્સ બધે બ્લુ કલરના જ હોય એમ સ્ત્રીઓના જીન્સ પણ ઇન્ડિયા હોય કે અમેરિકા બધે સરખા જ હોય છે. પ્રસંગમાં પહેરવાના કપડાં નક્કી કરતી વખતે પ્રસંગ સવારનો છે કે સાંજનો? સગું કેટલું નજીકનું છે? નજીકના મિત્રો અને સગલીઓ શું પહેરશે? બ્લાઉઝ થશે કે નહિ? પ્રસંગમાં આવનારાઓએ અગાઉ આ ડ્રેસ જોયો છે કે કેમ? જેવા પ્રશ્નો પણ ઊભા થાય છે. આમ એકંદરે તૈયાર થવામાં થતાં કલાકોમાંથી અડધો સમય તો નિર્ણય લેવામાં થઈ જાય છે. કમનસીબે આવી સ્ત્રીઓની મદદ કરે તેવા કોમ્પ્યુટર પ્રોગ્રામ કે સ્માર્ટફોન એપ્લીકેશન્સ હજુ બજારમાં આવી નથી.

એવું નથી કે માનવજાત વતી નિર્ણય લઇ શકે એવા કોમ્પ્યુટરો ઉપલબ્ધ નથી. કોમ્પ્યુટરને માનવ મગજને સમકક્ષ લાવતા આર્ટીફીશીયલ ન્યુરલ નેટવર્ક પર પાછળના વર્ષોનો ડેટા ફીડ કરીને એની મદદથી સિડની ઓલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓનું અનુમાન લગભગ ૮૦% ચોકસાઈથી કરી શકાયું હતું. પણ પ્રસંગ, નારીના મૂડ અને ચોઈસ પ્રમાણે સાડી, જ્વેલરી, મેક-અપ, એક્સેસરીઝ, હેર સ્ટાઈલ, ફૂટવેર વગેરે નક્કી કરવા માટે જો ફાસ્ટેસ્ટ સુપર કોમ્પ્યુટરને ધંધે લગાડવામાં આવે તો પણ જવાબ આવતા સહેજે બે-ત્રણ દિવસ તો થઇ જ જાય. આ માટે પ્રોગ્રામિંગ કરવા સાથે કોમ્પ્યુટર પર એક ખાસ ચીમની પણ લગાવવી પડે જેથી નિર્ણય લેવામાં કોમ્પ્યુટર ગોટે ચડે તો ધુમાડા સીધા ઘરની બહાર કાઢી શકાય.

નારીઓને જો સૌથી વધુ કોઈ સમસ્યા નડતી હોય તો એ રંગની છે. એમાં પણ એ પુરુષને પોતાના કામમાં જોતરે ત્યારે કકળાટની શરૂઆત થતી હોય છે. રંગ બાબતે એમની સાથે વાદ-વિવાદ ન થાય એ માટે ધીરજથી એમનું રંગશાસ્ત્ર સમજી લેશો તો કદી બદામી, મોરપીંછ કે પોપટી કલર બતાવવા માટે બદામ, મોર કે પોપટ શોધવા નીકળવું નહિ પડે! બીજ એ તિથી જ નહિ કલરનું નામ પણ છે અને બરગંડી, ગાજર અને રાણી પણ રંગના જ નામ છે એ તમારી જાણમાં હોવું જોઈએ. આ ઉપરાંત એણે જાતે રંગના નામ પાડ્યા હોય તે અને આગળ ઉપર જે નવા નામ પાડે એ, બધા જ યાદ રાખવા એ પુરુષની જવાબદારી છે એવું પુરુષો સમજે તો સુખ હાથવેંતમાં જ ગણાય.

એવું કહેવાય છે કે હકીમ લુકમાન પાસે દુનિયાના દરેક પ્રશ્નોના જવાબ હતા પણ અમે ખાતરી સાથે કહીએ છીએ કે જયારે એની પત્ની એને ‘આજે શું પહેરું?’ પૂછે ત્યારે એ પણ સલવાતો હશે. આ એવી જવાબદારી છે જે આઉટસોર્સ કરી શકાતી નથી. જેને પૂછવામાં આવ્યું હોય એણે જ જવાબ આપવો ફરજીયાત છે, અને વળતી ગાળો પણ એણે જ ખાવાની હોય છે. આમાં પાંડવો અપવાદ ગણાય કારણ કે એ લોકો જવાબદારી એક બીજા પર ઢોળી શકતા હશે. બાકી સદીઓ વીતી ગઈ પણ પ્રશ્ન હજુ વણઉકેલ છે. આજે પણ સારા પ્રસંગે જતી વખતે આ પ્રશ્ન પૂછાય જ છે. હિન્દીમાં આવી પરિસ્થિતિમાં પુરુષોની હાલત વર્ણવવા માટે इधर कुआं, उधर खाई રૂઢીપ્રયોગ પ્રયોજાય છે.

કયા પ્રસંગે શું પહેરવું એમાં દુવિધા, ત્રિવિધા કે લક્ષ-વિધા થાય એમાં નવાઈ નથી. આજકાલ તો ફક્ત કપડામાં જ વરસે દહાડે પાંચસો ઓપ્શન મળી રહે છે. શુભ પ્રસંગે સ્ટાઈલ-પેટર્ન-ફેબ્રિક અપનાવવામાં મોડા પડેલા લોકો ડિસ્કો-થેકમાં આવી ચડેલા ખાદીધારીઓ જેવા અલગ તરી આવે છે. અમુક કિસ્સાઓમાં માર ખાઈને ધર્મ પરિવર્તન કરવું પડતું હોય છે. જેમ કે આજકાલની ૬૦-૬૫ વર્ષની ‘યુવતીઓ’ સાડલાને તિલાંજલિ આપીને સલવાર-કમીઝ કે સ્લેક્સ-કૂર્તી પર આવી ગઈ છે. એમાં પણ અમેરિકા છોકરાના કીડ્ઝોને રમાડીને પાછી આવેલી ‘હોટ’ ’તરુણીઓ’ એમના કાકા છાપ ‘હબી’ સાથે ટેરીકોટનના પેન્ટ, ટીઝ અને સ્પોર્ટ્સ શુઝમાં સજ્જ થઇને પડાવેલા ફોટા ફેસબુક પર અપલોડ કરતી થઇ ગઈ હોઈ અહીંની ૪૦-૫૦ વર્ષની ‘કિશોરીઓ’ માટે તો શું પહેરવું એ સમસ્યા થઇ ગઈ છે.

એ હિસાબે આદિ પુરુષ આદમને સારું હતું કે ઇવ એને એવું પૂછવા નહિ આવતી હોય કે ‘આદુ, ટારઝન અને જેનના લગ્નમાં કેળનું પાંદડું પહેરું કે ડીયર સ્કીનનું સ્કર્ટ પહેરું?’ કારણ કે એ યુગમાં આવા પ્રસંગો ય નહોતા અને કોઈ જોનાર પણ નહોતું. બાકી આ બધી જોયાની જ માયા છે.

No comments:

Post a Comment