Sunday, November 16, 2014

ભેંસ પે ચર્ચા


મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | 
| ૧૬-૧૧-૨૦૧૪ | અધીર અમદાવાદી |

સુરતમાં પ્લેન સાથે ભેંસ અથડાઈ. આ વાતની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. તો અમે કેમ રહી જઈએ? અમે તો પોતે ભેંસપીડિત છીએ. આ ૧૧૦ ટકા સત્યઘટના છે. બે વખત અમને ભેંસે ધ્વસ્ત કર્યા છે. એ પણ સુરતમાં જ. પહેલી વખત રાત્રે ઉધના-મગદલ્લા રોડ ઉપર અમે જતાં હતાં. જવાનું હતું ઉધના દરવાજા પાસેના થિયેટરમાં મુવી જોવા. એ વખતની સુરત રીજીયોનલ એન્જીનીયરીંગ કોલેજનાં યંગ પ્રોફેસર કમ દોસ્ત સાથે રાત્રે સાડા આઠે બાઈક પર રમરમાટ જતાં હતાં. ભેંસનું કરવું તે એક ભેંસને પણ કલાક, મીનીટ અને સેકન્ડના હિસાબે એ જ સમયે રોડ ક્રોસ કરવાની ઈચ્છા થઈ. જે અમને ભેંસથી માત્ર સાડા પાંચ ફૂટનાં અંતરે રહ્યા હોઈશું ત્યારે ખબર પડી. પછી તો બ્રેક મારી. બાઈક સ્કીડ થઈ. ભેંસ સાથે ટક્કર ટળી, પણ બંનેને સરસ મઝાનું છોલાઈ ગયું. બીજી વખત હજીરા સાઈટ પરથી રાત્રે સુરત પાછાં આવતા હતાં. એ વખતે અમે શાપુરજી પાલોનજીમાં એન્જીનિયર હતાં. કંપનીનું ફોર વ્હીલર હતું. મોડું થયું હતું એટલે અમે અને ડ્રાઈવર બે જ જણા હતાં. આ વખતે ભેંસનું આખું ઝુંડ રોડ ક્રોસ કરતું હતું. જે ડ્રાઈવર કરતાં અમને પહેલાં દેખાયું. એમાં એક-બે ભેંસ ઉલળી પડી. ઝટકો વાગવાથી અમારા ઢીંચણમાં બેઠો માર વાગ્યો એટલે અઠવાડિયું ઊભા રહેવામાં અમને તકલીફ પડી. ત્યારે અમને એવો વિચાર આવ્યો હતો કે ભેંસ પર ચારેબાજુ રીફલેકટર લગાડવાની જરૂર છે. અથવા કાળા પ્રાણીઓને રસ્તા પર નીકળવા માટે પ્રતિબંધ મુકાવો જોઈએ. પણ અમે યોગ્ય સ્તરે રજૂઆત ન કરી શકાય એટલે આજે ભેંસ પ્લેન સાથે અથડાતી થઈ ગઈ !

હિન્દી ચેનલ્સની ભાષામાં કહીએ તો ‘ભેંસકી ઘટનાસે એરપોર્ટ કી  સિક્યોરીટી પર કઈ સવાલ ખડે હુએ હૈ’. જો ભેંસ ઘૂસી શકે તો કંઈ અને કોઈપણ પણ ઘૂસી શકે છે. કાલે ઉઠીને તમે પ્લેન બોર્ડ કરતાં હોવ ત્યારે નિસરણી પાસે કોઈ ભિખારી પણ ‘ભગવાન તમારી યાત્રા સલામત રાખે’ બોલતો સામે મળે. અને આમ ભેંસક ઘટનાઓ બનતી રહી તો આવા આશીર્વાદ આપતાં ભિખારીઓને રૂપિયા આપનારા પણ મળી આવશે. અથવા ટ્રેઈનમાં બને છે એમ, વિમાનમાં બોર્ડીંગ કરોને રૂપિયા ઉઘરાવવા કિન્નરો દેખા ‘દે’. અને જો ખારી સિંગ કે ભૂંસું-નમકીન વેચવાવાળા ફૂટી નીકળે, તો સુરતીઓને નવાઈ તો ન જ લાગે, બલ્કે આનંદ થાય.

જો લેન્ડિંગ વખતે પ્લેન ભેંસ સાથે અથડાયું હોત તો સો-દોઢસોનાં રામ રમી ગયા હોત. યમની સવારી પાડા ઉપર આવે છે. પણ અહીં પાડો નહીં ભેંસ અથડાઈ છે. એટલે જ સવાલ ઉઠ્યો છે કે ભેંસ જ કેમ અથડાય છે? પાડો કેમ નથી અથડાતો? કે પછી ભેંસ અને યમરાજના પાડા વચ્ચે સાંઠગાંઠ છે? બધાં અખબાર અને ચેનલો પર સમાચાર જોતાં કોઈ એક પણ જગ્યાએ પાડાનો ઉલ્લેખ નથી. અમે સમાજશાસ્ત્રી નથી. અમે પશુવિજ્ઞાની પણ નથી. કાયમ અકસ્માતો ભેંસ દ્વારા જ કેમ થાય છે એ અમારી સમજની બહાર છે. અને કોઈ અમને સમજાવશે નહીં ત્યાં સુધી એ અમારી સમજમાં આવશે પણ નહીં.

પણ એરપોર્ટ ઓથોરીટી હવે શું કરશે એ મોટો સવાલ છે. ભેંસ અથડાવવાથી પ્રાઈવેટ કંપનીએ સુરતની ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. જેમ પાકિસ્તાનમાં બોમ્બ ધડાકાનાં પગલે ક્રિકેટ ટીમો પોતાનો પાક પ્રવાસ રદ કરે છે એમ જ. આ ઘટનાને પગલે ઓથોરીટીએ હેલીકોપ્ટર ઉડાડી ભેંસોનું હવાઈ નિરીક્ષણ શરુ કર્યું છે. આટલા મોટા એરપોર્ટની બાઉન્ડ્રીનું રક્ષણ કરવું અને એમાં બાકોરા ન પડવા દેવા એ તો એમનાં માટે અશક્ય જ લાગે છે. એટલે કદાચ નજીકના ભવિષ્યમાં એરપોર્ટ ઓથોરીટી ભેંસોને ડચકારા બોલાવીને ભગાડી શકે તેવા માણસો ભરતી કરશે. આમાં વધારે પગાર કે ભથ્થાની લાલચમાં જો મુનસીટાપલી સ્ટાફ ચાલુ નોકરીમાંથી રાજીનામું આપી આમાં જોડાશે તો પાછાં હતાં ત્યાંનાં ત્યાં ઘાટ થશે.

અત્યારે તો ભેંસ ઘૂસી જાય પછી બાઉન્ડ્રીને તાળા મારવા જેવી કવાયત ચાલી રહી છે. પશુપાલકો માટે આવી ઘટનાઓ ભેંસ આગળ ભાગવત જેવી છે, કારણ કે એમનાં માટે કાળા અક્ષર ભેંસ બરાબર છે. જોકે આ પશુપાલકોની પણ એક વોટબેંક છે, એટલે એમની ભેંસને ડોબુ કહેવાની ભૂલ આપણાથી ન થાય. એટલું સારું છે કે એમણે એરપોર્ટ ઓથોરીટીને એમ નથી પૂછ્યું કે ‘મેરી ભેંસ કો ટક્કર કયું મારી’. જોકે એરપોર્ટમાં ઘુસ્યા સિવાય આજુબાજુમાં ઘાસ મળતું હોવાં છતાં પાળેલી ભેંસ અંદર ઘૂસી એ પશુપાલકોનાં ભરોસાની ભેંસ પ્લેન સાથે અથડાય એવું થયું. પણ ગઈ ભેંસ રનવે પર ત્યારથી તંત્ર હંમેશની મુજબ ચોંકી ઉઠ્યું છે, એટલે ભેંસ એનાં શીંગડા સહિત પશુપાલકોને ભારે જરૂર પડશે. અમારા જેવા ઉત્સાહીઓએ આ ઘટના પશ્ચાત ભેંસ સુરતની ભાગોળે, છાશ છાગોળે ને ફેસબુક પર ધમાધમ મચાવી દીધી હતી. જોકે અમારા જેવા ભેંસાસુર અવાજે બુમો પાડે એ ભેંસ આગળ બિન વગાડવા જેવું નકામું છે.  

આપણે ત્યાં સ્ટેડીયમમાં કૂતરા ઘૂસી જાય છે. વડોદરા શહેરમાં મગરો ઘૂસી જાય છે. દિલ્હીની ઓફિસોમાં વાંદરા ઘૂસી જાય છે. નારોલના ઘરોમાં ગટરના પાણી ઘૂસી જાય છે. ગાંધીનગર પાવર પ્લાન્ટ નજીક રહેતા લોકોના ઘરમાં રાખ ઘૂસી જાય છે. ખારી નદીમાં કેમિકલયુક્ત પાણી ઘૂસી જાય છે. જમાલપુરમાં પીવાના પાણીમાં ગટરના પાણી ઘૂસી જાય છે. આપણાં ત્યાં ઘૂસવું એ એક કલ્ચર છે. ઘણાં લોકો ‘ઘૂસ’ કહેવડાવવામાં ગર્વ લે છે. ‘ફલાણા ભાઈ તો ભારે ઘૂસ છે, ગમે ત્યાં ઘૂસી જાય’! એમાં આ ગાય-ભેંસ ને વાંદરા-કૂતરાં ગમે ત્યાં ઘુસતા થઈ ગયાં છે.

વિખ્યાત એક્ટર અને કોમેડીયન ગ્રાઉચો માર્ક્સ કહે છે કે જો તમે જતાં હોવ અને તમારા રસ્તામાં કાળી બિલાડી આડી ઉતરે તો એમ સમજવું કે એ પ્રાણી ક્યાંક જાય છે. એ જ્યાં જતું હોય ત્યાં જાય, એ કંઈ આપણને પૂછીને નથી જવાનું. અને આપણે ના પાડીએ કે પ્રતિબંધ મુકીએ તો એ રોકાવાનું નથી. આપણે ગમે ત્યાં જઈએ રસ્તામાં એક નહીં, અનેક પ્રાણીઓ આડા ઉતરશે જ. એટલે જે કરવાનું છે એ આપણે કરવાનું છે. પણ પ્રજા તરીકે આપણે સરકાર ભરોસે છીએ. સરકાર કરે તે ખરું! સરકાર રાખે તેમ રહીએ. સરકાર તારી માયા! 

1 comment:

  1. plese make the color reversed it is not bearable to read in black background

    ReplyDelete