Thursday, April 11, 2013

ઇન્ડિયન પકાઉ લીગ



| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૭-૦૪-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 

તમે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના...’ ગીત સાંભળ્યું હશે. પણ એવી કોઈ બેગાની શાદી કે જેમાં એકે એક જાનૈયો અબ્દુલ્લો હોય એવું નહિ જોયું હોય. અને જાનૈયા પણ એવા કે જેમને એ કોના લગનમાં નાચે છે એની પણ ખબર ન હોય! આવા એક લગન કે જેમાં આવા હરખ-પદુડા અબ્દુલ્લાઓ અઢળક ભરતી કર્યાં છે, અને જુનાં ખડ્ડુસ અબ્દુલ્લાઓ જેમાં બેન્ડવાળા ઉપર ઉછળતા રૂપિયા ભેગા કરવા જ આવે છે એ ‘ઇન્ડિયન પકાઉ લીગ’ શરુ થઈ રહી છે. કરોડો રૂપિયા અને કરોડો માનવ કલાકો આ બેગાની શાદીમાં સમર્પિત થઈ જશે.

આપણે કમાણી પર ૨૦-૩૦ ટકા ઇન્કમટેક્સ ભરીએ છીએ, પણ આ પકાઉ લીગની કરોડોની કમાણી પર સરકાર મનોરંજન કર માફ કરી દે છે એ બતાવે છે કે આ પકાઉ લીગમાં ખરેખર કોઈ મનોરંજન જ નથી. આ પકાઉ લીગની રોજ રોજની મેચોથી દેશમાં માઈગ્રેનના પેશન્ટ્સ વધ્યાનો વર્લ્ડ હેલ્થ સંસ્થાને એક એનજીઓએ હમણાં રીપોર્ટ મોકલ્યો છે. જોકે આ એનજીઓએ આઈપીએલ આયોજકો પાસેથી સહાય માંગી અને ન મળી એટલે આવો રીપોર્ટ કરવામાં આવ્યો એવી ચર્ચા અધીર ન્યુઝ નેટવર્ક (એ.એન.એન.) પર જોવા મળી હતી.

ઇન્ડિયન પકાઉ લીગની (આઈપીએલની) શરૂઆત ખેલાડીઓની હરાજીથી થાય છે. અંગ્રેજોએ આપણને ક્રિકેટની રમત આપી છે. એ જ અંગ્રેજોએ ભારતમાં ગુલામી અને સર્વન્ટ કલ્ચર પણ આપ્યું હતું. પકાઉ લીગમાં મોટા મોટા ખેલાડીઓની જયારે હરાજી થાય છે ત્યારે અંગ્રેજો અને ગુલામીની યાદ તાજી થાય છે. હરાજીમાં જોકે ભારતની સાથે સાથે બીજાં દેશોના ‘બેનને કોઈ લેતું ન હોય અને ભ’ઈને કોઈ દેતું ન હોય’ ટાઈપના ખેલાડીઓ પણ વેચાવા આવે છે. અમુક વાર તો ગધેડાય ઘોડાના ભાવે વેચાતાં જોવા મળે છે. પછી જાહેરાત અને ટેલીવિઝન હકો વેચાય છે. બધું જ્યાં બીકાઉ હોય ત્યાં મેચો ફિક્સ નહિ હોય એવું માનવા માટે નક્કર કારણો શોધવા પડે, ખાસ કરીને એનાં આયોજકોના નામે ચઢેલા કૌભાંડો અને એમની મથરાવટી જોતા!

મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનો એક અનુભવ આ સંબંધે જણાવું. જ્યારે ગાનારમાં દમ ન હોય ત્યારે ઓર્કેસ્ટ્રામાં મ્યુઝિક લાઉડ કરી દઈ ગાનારની ખામીઓ દબાવી દેવાનો પ્રયાસ થાય છે. પકાઉ લીગમાં ચીયર લીડર્સ આ લાઉડ મ્યુઝિકનું કામ કરે છે. ક્રિકેટમાં ચીયર લીડર્સનો આઈડિયા દાદ માંગી લે એવો છે. એ બતાવે છે કે આ પકાઉ લીગના આયોજકો કેટલા રંગીન સ્વભાવના છે. વીસ ઓવરની મેચમાં ચોગ્ગા છગ્ગા અને એ મારતાં વિકટો પડે ત્યારે ચીયર લીડર્સ જે દેકારો મચાવે એ પછી કોમેન્ટ્રી નબળી હોય તો પણ એ તરફ ધ્યાન ન પડે. આ ચીયર લીડર્સના લીધે સ્ટેડીયમની ખાલી પડેલી સીટો તરફ લોકોનું ધ્યાન નથી પડતું એ નફામાં! અમુક ને છગ્ગાના એક્શન રિપ્લે કરતાં પેલી નચનીયાના ઠુમકાનો એક્શન રિપ્લે થાય તેમાં વધારે રસ હોય છે. એટલે જ રસિકોની માંગ છે કે ચીયર લીડર્સ પર કેમેરા AK-47ની જેમ અંધાધૂંધ ફેરવવાને બદલે ફાયર બ્રિગેડવાળાના ધાધુડાની જેમ એકધારો રાખવો જોઈએ, પછી ભલે પાછળ એકાદ ઓવર જતી રહે!

પકાઉ લીગને પકાઉ હોવા માટે એકની એક જાહેરાતોનું રીપીટ ટેલીકાસ્ટ પણ જવાબદાર છે. કેટરીના જો આટલી બધી વખત મેંગો ડ્રીંક પીવે તો ટોઇલેટના આંટાફેરા ખાવામાં ફિલ્મો ક્યારે કરે, એવો કોઈને પણ વિચાર આવે. અને વિચારો કે જો લોકોને કેટરિનાને જોઈને આવો કંટાળો આવતો હોય તો પછી કપિલ દેવ કે પેલા એમડીએચ મસાલાવાળા કાકાની જાહેરાત વારંવાર આવે તો કેટલો માનસિક ત્રાસ થાય? આમને તો થાય છે કે પકાઉ લીગના પ્રમોશન માટે ફારાહ ખાન પાસે ટી.વી. પર જાહેરાતમાં જેટલુ ‘જમ્પક જમ્પક જમ્પક જપાંગ ...’ કરાવ્યું છે એટલુ એની પાસે ક્રિકેટની પીચો પર કરાવ્યું હોત તો આપણી પીચો કમસેકમ મહુડીની સુખડી જેવી સરસ કડક તો બની હોત!  

આ બધામાં પકાઉ લીગ ટીમના માલિકો સૌથી વધારે બોર કરે છે. ગયા વર્ષે કોલકોતાના માલિક જેને અમે પ્રેમથી જમરુખ ખાન કહીએ છીએ, એણે ટુર્નામેન્ટ જીત્યાં પછી પોતાના અંત:વસ્ત્રનું પ્રદર્શન કર્યું હતું. કદાચ એનાં ફેન્સને લોયલ્ટીના ઇનામ સ્વરૂપે એ હશે. પણ જે રીતે ફિલ્મસ્ટાર્સ ટ્વીટર ઉપર અને સ્ટેડીયમ પર પોતાની ટીમને ચીયરઅપ (અને હવે તો હ્ગ પણ!) કરે છે તે તો જાણે ખેલાડીઓને નહિ પણ કૂતરાઓએ ડોગ શોમાં ભાગ લીધો હોય અને બકઅપ કરતાં હોય એવું વધારે લાગે છે! આ પકાઉ લીગમાં પણ આપણે શિલ્પા, પ્રીતિ, જુહી, નીતા જેવાઓનો વધારાનો ત્રાસ સહન કરવાનો જ છે. હે ઈશ્વર, રક્ષા કરજો! 

ડ-બકા
આપનું મુખ જોઈ મનમાં થાય છે;
બ્યુટી-પાર્લરવાળા જબરું કમાય છે. 

No comments:

Post a Comment