Wednesday, January 08, 2014

ઉંમર ઉંમરનું કામ કરે છે

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૫-૦૧-૨૦૧૪ | અધીર અમદાવાદી |

પુરુષને તેનો પગાર અને સ્ત્રીને તેની ઉંમર પૂછવી એ ઉચિત ગણાતું નથી. જો કે આ વાત ગઈ સદીની છે. આ સદીમાં બેઉને બંને વસ્તુ પુછાતી નથી.ભગવાને પણ માજી કે ડોશીઓનો ફાલ ઉતારવાનો બંધ કરી દીધો છે એટલે હવે ૫૦ અને ૬૦ વર્ષની ‘ગર્લ્સ’ જ જોવા મળે છે. આગામી વર્ષોમાં કોઈ મહિલા વડાપ્રધાન થશે તો ડોશી કે માજી શબ્દનો પ્રયોગ કરનારની ધરપકડ કરવાનો કાયદો લાવે એવું પણ બને. જયારે આજકાલ પુરુષોને ઉંમર પૂછો તો લાગી આવે છે. શાક માર્કેટ કે લારી ઉપર ખરીદી કરનાર કેટલાય કાકાઓને કોઈ કાકા કહે તો હાડોહાડ લાગી આવે છે. એટલું લાગી આવે છે કે જે લારીવાળાએ કાકા કીધું હોય એની લારી પરથી આજીવન શાક નહી લેવાની કઠોર પ્રતિજ્ઞાઓ પણ આવા કાકાઓ લઈ લેતાં હોય છે. જોકે પોતાને લોકો કેમ કાકા કહે છે? એ સમજવા માટે જો ખાલી અરીસામાં ધ્યાનથી જુવે તો ઘણી સમાજસેવા થઈ શકે.

આ અરીસાની વાતથી ગાલિબ યાદ આવે. ગાલિબ કહે કે ‘उम्र भर ग़ालिबयही भूल करता रहा, धुल चेहरे पे थी और आईना साफ़ करता रहा’! તોયે ઉંમર થાય ને ચહેરા પર કલરકામ, વાળમાં ડાઈ, અને કપડાથી ઉંમર છુપાવવાની કોશિશો કાટ ખાધેલા લોખંડ પર કલર કર્યો હોય તેવો દેખાવ સર્જે. માથે ટાલ હોય, એમાં ડાઈ કરે અને એ પણ સ્વહસ્તે, ત્યારે ટાલમાં જે કાળો મેશ રંગ ચોંટે, એ પછી તમને કોઈ કાકા ન કહે તો કહેનાર ખુદ કાકો કે કાકી હશે એમ સમજવું! સ્ત્રીઓમાં ઉંમર વધે એમ બ્યુટી પાર્લરના ખર્ચા વધે. અમુક તોદૂધવાળાની જેમ બ્યુટીશીયન જ બંધાવી દેતા હશે જે રોજ સવારે આવીને રંગ-રોગાન કરી જાય!

પુરાણકાળમાં ઋષિ મુનિઓ હજારો વરસ ખેંચી કાઢતાં હતાં. જો કે એ લોકો હજારો વરસ જીવીને શું કરતાં હશે, તે સંશોધનનો વિષય છે. હા, એ વખતે વાહન વ્યવહાર અને હવાઈ યાત્રા ન હોવાથી મોટા ભાગનો સમય એક ગામથી બીજા ગામ જવામાં જ વીતી જતો હશે. એમાં પાછાં બીજે ગામ એ પહોંચે ત્યારે જેને મળવા ગયાં હોય તે ત્રીજે ગામ ગયો હોય એટલે એની રાહ જોવામાં કદાચ બીજાં મહિનાઓ નીકળી જતાં હશે. પાછું ટેલિફોન પણ ન હોય એટલે આવશે કે નહી, એ નક્કી ન કહેવાય. પાંડવો તો જુગારમાં હારી ગયાં એટલે તેર વરસ વનવાસ ગયાં હતાં. એમાં અર્જુનથી બીજી એક ભૂલ થઇ એમાં એ બીજાં તેર વરસ માટે વનવાસ ચાલ્યો ગયો હતો. એટલે ૨૬ વરસ તો જંગલમાં જ ગયા. એટલે ટીવી, ફેસબુક જેવા મનોરંજન અને ટાઈમ પાસના સાધનો ન હોવા છતાં જિંદગી કંટાળા વગર પૂરી થઈ જતી હતી.

Source : web
ઉંમર થાય એટલે માણસ ફિલસૂફ બનતો જાય છે. ઘણા ઘરમાં ન બોલી શકે એટલે જાહેરમાં ફિલસુફીઓ ઠોકે. વાતવાતમાં બોલે કે ‘ઉંમર તો ઉંમરનું કામ કરે જ’. હવે આમાં નવું શું કીધું વડીલે? દરેક પોતપોતાનું કામ કરે. વિદ્યાર્થી વિદ્યાર્થીનું કામ કરે. કડિયો કડિયાનું કામ કરે. નેતા નેતાનું કામ કરે. ડોક્ટર ડોક્ટરનું કામ કરે. કેમ કોઈ આવી ફિલસુફી નથી ઠોકતું? બસ ઉંમર જ હાથમાં આવે છે? આ ઉંમર ઉંમરનું કામ કરે એવું કહી વડીલે શું તોપ ફોડી? ઉંમર ઉંમરનું કામ ન કરે તો કોનું ઝુમ્મરનું કામ કરે? સોરી. આજકાલ કવિતાનાં રવાડે ચઢ્યો છું એમાં આ ઉંમરની સાથે ઝુમ્મર પ્રાસમાં આવી ગયું.

અંગ્રેજીમાં એવું કહેવાય છે કે લાઈફ બિગીન્સ એટ ફોર્ટી. અર્થાત ચાલીસ વર્ષે જિંદગીની ખરી શરૂઆત થાય છે. ખાસ કરીને પશ્ચિમના દેશો આ ચાલીસીનું માર્કેટિંગ કરે છે. બાકી તો આ એજ સમય છે જયારે ફાંદ, સફેદ વાળ, ચામડી પર કરચલીઓ, ટાલ જેવી અનેક ઉંમરની નિશાનીઓ દેખાવાની શરૂઆત થાય છે. આપણે ત્યાં તો ચાલીસમાં પહોંચે એટલે ચારધામ ચાલુ થાય. છોકરાં પરણાવવાની પળોજણ ચાલુ થાય. મકાન ખરીદવાની માથાકૂટ શરું થાય. ડ્રેસિંગ સેન્સ ઝાંખી થતી જાય. કામ કરવાની સ્પીડ ઘટતી જાય. વાહન ચલાવતા બીક લાગવા માંડે.

ઉંમર થાય એટલે યાદશક્તિ ક્ષીણ થાય. આ કુદરતી ક્રમ છે. કોઈ વસ્તુ યાદ રાખવા રૂમાલમાં ગાંઠ મારી હોય પણ ગાંઠ કેમ મારી હોય એ યાદ ન આવે. માણસોના ચહેરા અને નામ યાદ ન આવે. જોકે ઉછીના લેનારની યાદશક્તિ કોઈ પણ ઉંમરે દગો દે છે એવો સૌને અનુભવ છે. માણસની ઉંમર થાય એટલે એકની એક વાત ચાર વાર કહેવાની આદત પડે. પહેલાં ત્રણ વાર કીધું છે એ યાદ હોય તો પણ. અને કહેનાર સસરા હોય તો વિવેક ખાતર પણ ચારેય વખત રસપૂર્વક સાંભળવાનો દેખાવ પણ કરવો પડે. છતાં ઘડપણમાં ભૂલકણા સ્વભાવએ લીધે ક્યાંક મુકાઈ ગયેલી વસ્તુ શોધવામાં અને હૈયે હોયને હોઠે ન આવતી હોય તેવી વાત યાદ કરવામા ટાઈમ પાસ થઈ જાય છે, એ ફાયદો! આવામાં અમારી વણમાગી સલાહ છે કે તમારી પાસે પુરતો ટાઈમ ન હોય તો કાનમાં રૂ નાખ્યું હોય કે માથે સ્કાર્ફ બાંધ્યો હોય એવા કાકા કે માસીને તબિયતની ખબર પૂછશો નહિ.
 
“બી.એ. હુએ, નોકર ભયે, પેન્શન મિલી ઓર મર ગયે”. ઘણાની જિંદગી આ ક્યાંક સાંભળેલી કવિતાની ચાર લાઈનમાં સમેટાઈ જાય એટલી બિન-ઘટનાસ્પદ હોય છે. જ્યોર્જ બર્નાડ શોએ વૃધ્ધાવસ્થા વિષે કહ્યું છે કે તમે ઘરડા થાવ એટલે હસવાનું બંધ નથી કરી દેતાં, તમે હસવાનું બંધ કરી દો એટલે ઘરડા થાવ છો. જો તમને કોઈ વાતે હસવું આવે અને તમારે વિચારવું પડે કે અત્યારે અને અહિં હસાય કે નહી? તો ચોક્કસ સમજ્જો કે તમે ઘરડા થઈ ગયા છો. બાકી એકલા કે ટોળામાં, ઘરમાં કે ઓફિસમાં જ્યાં અને જયારે હસવું આવે ત્યારે રોકી રાખવું નહી. જોકે આ વાતમાં બેસણું અપવાદ છે.

4 comments:

  1. ખાનગીમાં પૂછી શકું કે આપની ઉંમર શું છે?

    ReplyDelete
  2. માથે ટાલ હોય, એમાં ડાઈ કરે અને એ પણ સ્વહસ્તે, ત્યારે ટાલમાં જે કાળો મેશ રંગ ચોંટે, એ પછી તમને કોઈ કાકા ન કહે તો કહેનાર ખુદ કાકો કે કાકી હશે એમ સમજવું! Lolz :)

    ટાલવાળાઓ તો માથે ડાઈ ને બદલે બ્લેક બૂટપોલીશ કરાવે તો ય ચાલે :P

    ReplyDelete
  3. તમારી વણમાગી સલાહ બહુ ગમી !!

    ReplyDelete