Sunday, July 08, 2012

વરસાદને જાહેર નોટીસ


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૮-૦૭-૨૦૧૨ | અધીર અમદાવાદી |  

સદર અમારા અસીલ પહેલી તરફવાળા તે ગુજરાતની છ કરોડની પ્રજા, ઉ.વ. ૧૯૬૧ થી ગણતરી કરતાં આશરે: ૫૧, ધર્મ: બિનસાંપ્રદાયિક, રહેવાસી: મુકામ, પોસ્ટ, રાજ્ય: ગુજરાત, દેશ: ભારતની  સૂચના અને ફરમાયશથી બીજી તરફવાળા વરસાદ ઉર્ફે મેઘરાજા એટલે કે આપને આ જાહેર નોટિસ આપી જણાવીએ છે કે .........

સદર કામે અંગે આપ અમારા અસીલ સાથે છેલ્લા કેટલાક ચોમાસાથી કુદરતી ન્યાયના સિદ્ધાંતને આધારે વણલખાયેલ કરારનું વિશિષ્ટ પાલન કરવામાં સાક્ષમતા દાખવતા નથી. આપનાં  અમારા સદર અસીલ સાથે થયેલ કથિત કરારની મુખ્ય શરત મુજબ વર્ષનાં ચાર મહિનાને ચોમાસાની ઋતુ જાહેર કરવામાં આવી છે. આ કરાર મુજબ દક્ષિણ ભારતમાં આવેલા કેરલ રાજ્યમાં આપના પ્રવેશ કર્યાના દીન 15 માં જ આપ અમારા અસીલનાં રાજ્યમાં કોઈપણ પ્રકારના બોજા વગર વરસશો. આથી આ જાહેર નોટિસ થકી જણાવવાનું છે કે અમારા અસીલ તરફથી સદર કરારની તમામ શરતો, કલમો અને પેટા કલમોનું, પાલન કરવામાં આવેલ છે. આ કરારની મુખ્ય શરતોની અનુસૂચિ નીચે મુજબની છે.

1.                   ટિટોડીએ ક્યાં ઈંડા મૂક્યા?’ અને એથી કેવો વરસાદ પડશે?’ એ અંગે અમારા અસીલ કે એમનાં કર્તાઓએ એપ્રિલ મહિનામાં જ આગાહી કરવાની રહેશે.  
2.                   વરસાદ પડે તે માટે પૂર્વ તૈયારી અને સજ્જતા દેખાડવા પહેલી તરફવાળાએ દેડકા દેડકીનાં  લગ્ન કરાવી લગ્નના રંગીન ફોટા રાજ્યનાં દરેક પ્રમુખ દૈનિક સમાચારપત્રોમાં છપાવવાના રહેશે.
3.                   વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હોમ હવન કરવાના રહેશે તેમજ ભૂદેવોએ જરૂર પડ્યે આપને રીઝવવા પાણીનાં પીપમાં પણ બેસવાનું રહેશે.
4.                   આપના આગમન પૂર્વે સમગ્ર તંત્ર સાબદું થઈ ગયું છેએ મતલબના સમાચાર દરેક સ્થાનિક અખબારોમાં છપાવવાના રહેશે.
5.                   આપના આગમન પૂર્વે જળાશયોની સપાટી કેટલી નીચી ગઈ?’ તે અંગે અહેવાલ પ્રગટ કરી લોકોને પાણીના સંકટથી વાકેફ કરી ભયભીત કરવાના રહેશે.
6.                   આપના આગમનથી લોકો ઊંઘતા ઝડપાય એ હેતુથી અમારા અસીલે હવામાન ખાતા મારફતે ખરી-ખોટી આગાહીઓ કરી લોકોને ચોંકાવી નાખવાના રહેશે.
7.                   આપની મહત્તા વધારતી કવિતાઓ અને સ્ટેટસ ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર મૂકવાનાં રહેશે એટલું જ નહિ આ દરેક પોસ્ટમાં શક્ય હોય એટલાં લોકોને ટૅગ કરવાના રહેશે.
8.                   દાળવડા અને મકાઈની લારીવાળાઓ થકી વરસાદી માહોલ જમાવવામાં યથાયોગ્ય પ્રયત્ન કરવાના રહેશે.
9.                   આપનું આગમન થતાં જ જ્યાં ભૂવા પડયા હોય તે અંગેની સંપૂર્ણ સચિત્ર માહિતી અમારે આપની મહત્તા વધારવા માટે પ્રકાશિત કરવાની રહેશે.

આના બદલામાં બીજી તરફવાળા એટલે કે આપશ્રીએ નીચે મુજબની મુખ્ય શરતોને આધીન રહી વરસવાનું રહેશે,

1.       વરસમાં ફક્ત ચાર મહીના, સમયસર, માફકસર, સમરસ, તથા કોઈ પણ મતવિસ્તાર તરફ તરફદારી કર્યા સિવાય બધે એકસરખું વરસવાનું રહેશે.
2.       શહેરના એક વિસ્તારમાં ધોધમાર વરસાદ અને બીજાં વિસ્તારમાં તડકો જેવી અસંતુલિત પ્રવૃત્તિઓથી આપ દૂર રહેશો.
3.       આ ઉપરાંત આપ ઓફિસ કે સ્કૂલ જવા અને છૂટવાના સમય દરમિયાન વરસવાની પ્રવૃત્તિ કરશો નહિ.
4.       કવિ-લેખકોના ઘર સિવાય આપને સાંબેલાધાર કે નેવાધાર વરસવાની છૂટ રહેશે નહિ.
5.       ગ્રામ્ય અને ખેતીલાયક વિસ્તારમાં આપે કાચું સોનું વરસેએ મુજબનું વરસવાનું રહેશે.
6.       બિન-વરસાદી સમય દરમિયાન થોડા થોડા વાદળાં મોકલી વાતાવરણ માફકસર ઠંડું રાખવાનું રહેશે.  
7.       સરકારે જેવી બનાવી છે તેવી ગટરોને માન આપી, તથા ગટરોની જે છે તે સ્થિતિમાં એની ક્ષમતાને અનુલક્ષીને, વરસાદની તીવ્રતા ગોઠવવાની રહેશે.

અમારા અસીલ ઉપરોક્ત કરારમાં સમાવિષ્ટ તમામ શરતોનું પાલન કરી રહ્યા હોવા છતાં, અને લાગુ પડતી અન્ય શરતોનું પાલન કરવા તૈયાર હોવા છતાં, આ વર્ષે પણ ચાર પૈકી એક મહીનો આખો વીતી ગયો હોવા છતાં, આપશ્રી એ રાજ્યમાં ભેજ અને ગરમીનું વાતાવરણ ઊભું કરી ભય ફેલાવવાની પ્રવૃત્તિ કરી છે. આમ આપ દ્વારા આ કરારનું પાલન કરવામાં આવેલ નથી તે સ્પષ્ટ જણાય છે. જો તમે કરાર મુજબનું વર્તન કરવામાં કસૂર કરશો તો અમારા અસીલ તમારી સામે દીવાની અને ફોજદારી રાહે પગલા ભરશે જેની ગંભીર નોંધ લેશો.

સદરહુ નોટિસ અમો કથિત કરારના વિશિષ્ટ પાલન કરાવવા હેતુ તેમજ આપના કસૂરે આપવાની થતી હોઈ સદરહુ નોટિસની ફી નો તમામ ખર્ચ આપના શિરે રહેશે જેની નોંધ લેશો.

અમદાવાદ                                                                    ___________________
તા. ૨૮-૦૬-૨૦૧૨                                               અધીર અમદાવાદી, વકીલ                                             
અમારી સૂચના અને ફરમાયશથી
--------------
ગુજરાતની પ્રજા

ડ-બકા
તારો હાથ, તારી બોલી અને તારો જ વિજય,
લે ઉછાળ શોલેનો આ ઐતિહાસિક સિક્કો બકા.

                       2 comments: