Monday, July 23, 2012

એકડાની મોનોપોલી

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૨-૦૭-૨૦૧૨ |અધીર અમદાવાદી |
 
મનુષ્યના જીવનમાં એક નંબરનું બહુ મહત્વ છે. આમ તો ગણિતજ્ઞોએ શૂન્યની બીજી બાજુ માઈનસમાં આખી સંખ્યા સૃષ્ટિ શોધી છે, પણ ગણતરીની શરૂઆત તો એકથી જ થાય છે. માતાની કુખે પહેલું બાળક જન્મે એટલે એ આપોઆપ એક નંબરનું બાળક ગણાય છે. એનાં ભણવાની શરૂઆત પહેલાં ધોરણથી થાય છે. આ બાળક કૉલેજમાં જાય તો પણ એને ફર્સ્ટ ઇયરમાં જ પ્રવેશ મળે છે. પછી એ પ્રેમમાં પડે, એક વાર, બે વાર, ત્રણ વાર, અનેક વાર. પણ મહિમા તો પહેલાં પ્રેમનો જ ગવાય છે. અરે, પહેલું ચુંબન ક્યાં કોઈ ભૂલી શકે છે? માણસ લગ્ન કરે તો તે સૌથી પ્રથમ પહેલાં લગ્ન જ કરે છે, એની ગમે તેટલી શાખ હોય, એ ગમે તેટલો પૈસાપાત્ર હોય, એ સીધાં બીજાં લગ્નથી શરૂઆત નથી કરી શકતો. અને લગ્ન કરે એટલે પાછી પ્રથમ રાતનું મહત્વ ક્યાં ઓછું છે? બીજાં લગ્નની ત્રીજી રાતે શયનખંડ સજાવે એવું જોયું છે કદી કોઈએ? જબરી જોહુકમી છે આ નંબર વનની!

જેણે પણ આ એકડાની શોધ કરી છે, એણે એકડાની મોનોપૉલી કરી બીજા આંકડાઓને હળાહળ અન્યાય કર્યો છે, અને એટલું જ નહિ આ કાવતરાનું મૂળ સદીઓ જુનું છે. હા, કાલિદાસે પણ અષાઢસ્ય પ્રથમ દિવસે કહ્યું હતું, દ્વિતીય, તૃતિય કે ચતુર્થ દિવસે નહિ. રામાયણમાં દશરથની રાણી નંબર વન કૌશલ્યાનાં પુત્ર નંબર વન રામને વનમાં જવું પડે અને પોતાના પુત્ર ભરતને ગાદી મળે એ માટે રાણી નંબર બે કૈકયીએ કેટલાં પ્રયત્ન કરવા પડ્યા હતાં. વિચારો કે આ નંબર વનનું આટલું વર્ચસ્વ ન હોત તો રામાયણ રચાત? 

શૂન્ય ગમે તેટલાં હોય પણ એકડા વગર એનું મૂલ્ય શૂન્ય જ હોય છે, પણ આગળ એકડો લાગે એટલે એ દસ, એક સો, એક હજાર, એક લાખ, એક કરોડ, એક અબજ બની જાય છે. એક શૂન્ય પાલનપુરીના અપવાદને બાદ કરતાં શૂન્યની કિંમત એકડા વગર કંઈ નથી. એવું કહેવાય છે કે સ્ત્રી પુરુષ એકબીજા વગર એકડા વગરના મીંડા જેવા છે. પણ વાસ્તવિક જીવનમાં કોણ એકડો અને કોણ મીંડું છે એ નક્કી કરવા માટે (શારીરિક રીતે એક જણ એકડા જેવું અને બીજું મીંડા જેવું દેખાતું હોય તો પણ!) આ બંને અંદર અંદર કાયમ ઝઘડતા રહે છે, અને એમ જ જીંદગી પૂરી થઈ જાય છે.

રૂપિયામાં પણ એક નંબરના રૂપિયા અને બે નંબરના રૂપિયા હોય છે. ઘણાને બે નંબરના રૂપિયા બહુ ગમે છે, જોકે એક નંબરના તો એમને ગમે જ છે. એક નંબરના રૂપિયા બેંક ખાતાઓમાં રહે છે અને એ સફેદ કહેવાય છે. તો બે નંબરના તિજોરી અને લોકરોનાં અંધારાંમાં રહે છે અને બ્લેક મની કહેવાય છે. રૂપિયામાં પણ આમ રંગભેદ છે, અને એ પણ નંબરને આધારે છે એ વાત ઘણી દુ:ખદ છે.

સંઘર્ષ કરી આગળ આવેલ ગોવિંદા નામનાં ફિલ્મ અભિનેતા કમ કોમેડિયનની ઘણી હીટ ફિલ્મોનાં ટાઇટલમાં નંબર વન હતું. પણ કુલી નંબર ૧, જોડી નંબર ૧, હીરો નંબર ૧ જેવી ઘણી ફિલ્મમાં કામ કરવા છતાં એ અભિનેતા નંબર ૧ ન બની શક્યો. આ દરમિયાન એને લેટ લતિફ નંબર ૧ નું માનદ ઉપનામ પણ મળ્યું. પછી એણે નેતા નંબર ૧ બનવા કોશિશ કરી. પણ રાજકારણમાં એ ફિલ્મો જેટલો સફળ ન થઈ શક્યો. છેલ્લે એની દશા વોશરમેનનાં ડોબરમેન જેવી થઈ ગઈ. (આ બોલ બચ્ચનફિલ્મ જોઈ ત્યારથી થોડો અંગ્રેજીનો પ્રૉબ્લેમ થઈ ગયો છે!) જોકે આ રાજકારણના મામલે તો આ છોટેમિંયા પહેલાં બડે મિંયા અમિતાભે પણ ક્યાં આંગળાં નહોતા દઝાડ્યા? એ પણ એ પ્રાઈમ મિનિસ્ટર કમ ફ્રેન્ડ નંબર ૧ માટે! 

રાજકારણમાં આમેય નંબર વનનું મહત્વ ખૂબ છે. અહિં કોઈ સંપત્તિમાં તો કોઈ પૂતળા બનાવવામાં, કોઈ ઉત્સવો કરવામાં તો કોઈ કૌભાંડો કરવામાં, કોઈ ઉદ્ઘાટન કરવામાં ને કોઈ કંઈ નહિ કરવામાં નંબર વન હોય છે. પાછાં આ નંબર વન નક્કી કરવા જાત જાતના સર્વે થતાં હોય છે. એમાં ચીફ મિનિસ્ટર નંબર વનનો સર્વે ગરમાગરમ ચર્ચા જગાવે છે. જેની તરફેણમાં સર્વેના પરિણામો  હોય તે રાતોરાત હોર્ડીંગો પર ચઢી જાય અને જેનું નામ સર્વેમાં પાછળ હોય એ સર્વેની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કરે. રાજકારણીઓને આમેય આવું વિરોધનું રાજકારણ બહુ ફાવે. રાજકારણમાં નંબર વન હોવું પૂરતું નથી, નંબર વન દેખાવું પણ એટલું જ જરૂરી હોય છે.

વિશ્વમાં દરેક કંપનીઓ પોતાને નંબર વન કંપની સાબિત કરવા પ્રયત્ન કરે છે. અમુક તો પોતે નંબર વન છે એવું જાતે જાહેર પણ કરી દે છે. એક મોબાઈલ કંપની પણ પોતે નંબર વન છે એવું જાહેર કરે છે, પણ અમારા અનુભવ પ્રમાણે એ કંપની કોલડ્રોપ રેટમાં નંબર વન છે. કોઈ કંપની એમની ફૅક્ટરીમાં સૌથી વધારે ઘાસ છે એ બાબતે પણ નંબર વન હોઈ શકે. તમે ઝીણા અક્ષરોથી લખેલું લખાણ વાંચો ત્યારે સાચું ખબર પડે. આવી કંપનીના કસ્ટમર કેરમાં ફોન કરો, અને પ્રથમ પ્રયત્ને તમારું કામ થઈ જાય તો તમે પોતાને લકી નંબર વન ગણજો, બીજું શું!
 

No comments:

Post a Comment