Saturday, July 21, 2012

પકો અમેરિકા પહોંચી ગયો

 | મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૫-૦૭-૨૦૧૨ |અધીર અમદાવાદી |
 
‘કેવી રીતે જઈશ’ નામની એક અલગ ગુજરાતી ફિલ્મ આવી છે. એમાં છોકરો અમેરિકા જાય એવી ઘેલછા ધરાવતાં પરિવારની વાત સરસ રજૂ થઈ છે. આ અમેરિકા મંદીગ્રસ્ત હોવા છતાં અમેરિકા જનાર હજુ પણ એટલાં જ ઉત્સાહથી ત્યાં જાય છે એ હકીકત છે. કોક નોકરી ન મળતાં પાછાં પણ આવે, પણ મોટાભાગના દુધમાં સાકરની જેમ અમેરિકામાં ભળી જાય છે. ઓગસ્ટ મહિનામાં ત્યાં નવી ટર્મ ચાલુ થાય એટલે એફ-૧ વિઝા પર અમેરિકા જવાની સિઝન ભારતમાં જુન-જુલાઈમાં આવે.  

પકો (ઉર્ફે પકેશ પ્રવિણચંદ્ર) એન્જીનિયર થયો હોય, જીઆરઇ અને ટોફેલ જેવી પરીક્ષાઓ આપી હોય, અને એડમિશન ફોર્મ ભર્યા પછી જેવી અમેરિકન યુનિવર્સીટી એડમિશન ઓફર સાથે આઈ-૨૦ મોકલે એટલે જેમ પગ પર કીડીઓ ચઢી હોય એમ આખો પરિવાર ઉપરનીચે થઈ જાય. પપ્પા બેન્ક બેલેન્સના આંકડા વિઝા કન્સલ્ટન્ટને ગમે તેવાં કરવાં ચારેબાજુ છેડા અડાડવા લાગે. એમાં જેના ક્રેડીટ કાર્ડના બિલ ભરાતાં ન હોય કે ચૌદ હજારના ચેક પણ બાઉન્સ થતાં હોય એવાં લોકોના ખાતામાં પણ પચીસ ત્રીસ લાખ રૂપિયા રાતોરાત બોલતાં થઈ જાય. તો બીજી તરફ મમ્મી સ્વેટર અને લઈ જવા માટેના વાસણો અલગ કરવાં લાગે. અમેરિકામાં કોઈ ઓળખીતા-પાળખીતા કે દૂરના મામા રહેતાં હોય તો એમને ફોન લગાડી સમાચાર આપવામાં આવે કે ‘ભાણો આવે છે’. પણ મામા રહેતા હોય ત્યાંથી પકાની યુનિવર્સીટી વિમાનમાં જાવ તો  પણ પાંચ કલાક અને છસો ડોલર (ગુણ્યા સત્તાવન!) થાય એ મામા સમજાવે તો પણ આપણા આ પ્રવિણભાઈને ‘કોક છે આપણું ત્યાં’ એ વાત પર રાજી થતાં ન રોકી શકે!

પછી તો વિઝા માટે દોડધામ શરું થાય. ગુજરાતમાંથી આવનાર મુંબઈ રહેતાં સગાને આગોતરા ફોન કરી જાણ કરે કે ફલાણી ઢીંકણી તારીખે કોલ છે, અમે આવીએ છીએ. એમ્બેસીમાં જઈ ઇન્ટરવ્યૂમાં શું કહેવું, કેવી રીતે કહેવું, અને ખાસ તો શું ના કહેવું એ ખાસ શીખવવામાં આવે. અંગ્રેજીમાં જે સાડત્રીસ માર્ક્સ સાથે પાસ થતો હોય એ પાછો શિખામણ આપે કે જવાબ કઈ રીતે આપવા. ‘ગભરાયા વગર જવાબ આપજે’, ‘જોજે મામાની ત્યાં મોટેલ છે એ ભૂલમાં પણ બકતો, નહીંતર ખલ્લાસ’ જેવી સલાહો અપાય. એમાં સાથી મિત્રો કે જે અગાઉ વિઝા માટે જઈ આવ્યા હોય, કે અન્યો કે જેમણે બીજાં પાસે ખાલી સાંભળ્યું હોય એ પણ પોતાનું વિઝા જ્ઞાન પ્રગટ કરે. ‘પાંચ નંબરની વિન્ડો ન આવે તો સારું, ત્યાં બધાની ફાઈલ રીજેક્ટ થાય છે’. અમુક એમ્બેસીમાં ઘુસ્યા પછી કેવી રીતે વર્તવું એની પકાને શિખામણ આપે. ‘જોજે પાછો ત્યાં નખ ન ચાવતો’. ‘ફ્રેન્ડ્સ સાથે ગપ્પા મારવા ન માંડતો’, ‘આપણે એમ જ કહેવું કે ભણીને પાછાં જ આવવાનું છે, ફાધરનો બિઝનેસ છે ને એટલે’, ‘તારું નામ બોલાય એ ધ્યાનથી સાંભળજે નહીંતર આઇશ પાછો ધોયેલા મૂળાના પિત્તા જેવો!’.

વિઝા મળે એટલે તો ઘર જાણે યુદ્ધ છાવણીમાં પલટાઈ જાય. આખા ઘરમાં ઇન્કમ ટેક્સની રેડ પડી હોય એમ બેગો ખુલ્લી પથરાયેલી હોય. બે મોટી અને એક નાની એમ ત્રણ બેગ ખરીદી હોય, પણ ત્રણેય જુદાં રંગ અને ડીઝાઈનની હોય. એમાં મમ્મી જો શિક્ષક હોય તો બેગમાં ભરવાની ચીજવસ્તુઓનું કાયદેસર લીસ્ટ બને. એમાં પાછાં વિભાગો પાડ્યા હોય. કપડાં, વાસણો, નાસ્તો, અનાજ-મસાલા, કોસ્મેટીક્સ, દવાઓ વગેરે વગેરે. એટલે પકો ત્યાં જઈ ત્રણ વખત લોન્ડ્રી કરે ત્યાં સુધી તો એનાં કપડામાંથી દવાઓ, હિંગ, ઢેબરાં જેવી વસ્તુઓની મિક્સ વાસ આવતી હોય. પકેશ હોંશિયાર હોય તો એનાં કપડાંની ખરીદીનો વહીવટ જાતે કરે, નહીંતર મમ્મી કોકને ભળાવે. પાછું આપણે ત્યાં એ સુખ છે કે આબુથી લઈને અમેરિકા સુધી જવું હોય તો સાથે શું લઈ જવું, કેવા કપડાં લઈ જવા અને ક્યાંથી શોપિંગ કરવું સસ્તું પડશે, કેટલું વજન લઈ જવાય, જેવી સલાહ વગર મફતમાં મળી જાય છે. એટલું જ નહીં, તમને સો બસોનું ડિસ્કાઉન્ટ કરાવી આપવા આવા શુભેચ્ચકો ઓફિસમાં અડધા દિવસની ગાવલી પણ મારી દેતાં ખચકાતા નથી!

હજુ પણ ઘણાં છોકરાં અમેરિકા જાય ત્યારે જિંદગીમાં પહેલી વાર પ્લેનમાં બેસતા હોય છે. એટલે એ એરપોર્ટમાં ઘુસે એટલે પાછળ ગપ્પા મારતું ટોળું સાબદું થઈ ‘આવજો આવજો’ કરવાં લાગે. પેલો પાસપોર્ટ, ટીકીટ અને સામાન સાથે બેગેજ સ્ક્રીનીંગ, ટીકીટ, ઈમિગ્રેશન અને સિક્યોરીટી એમ એક પછી એક કાઉન્ટર પર થતો, કદીક ખોટી લાઈનમાં સમય બરબાદ કરી, છેવટે વેઇટિંગ લોન્જમાં બોર્ડીંગની રાહ જુએ છે. પણ વિમાનમાં બેસે એટલે કઠણાઈ શરું થાય છે. એક તો સાંકડી સીટ, અડધી રાતની ફ્લાઈટ હોય, થાક્યો હોય  અને પેલા આદીલ મન્સૂરીએ કહેલા એ વળાવવા આવેલા ચહેરાઓ આંખોમાં ફરતાં હોય એટલે ન એ ઉંધી શકે ન એ જાગી શકે. એમાં એર હોસ્ટેસ સુચના અને પછી વેલકમ ડ્રીન્કસ વગેરેનો મારો ચલાવે. ‘એને ના પાડીએ તો ખોટું લાગી જાય તો?’ એ હિસાબે એરહોસ્ટેસ જિંદગીમાં ભાવી નથી એવી કડવી કોફી ઓફર કરે તો પકો એ પણ ગટગટાવી જાય છે. ને પછી આવું અનેક ગમતું ન ગમતું કરતો કરતો પકો આખરે અમેરિકા પહોંચી જાય છે. ત્યાં એરપોર્ટ પરથી જ ભારત પહોંચી ગયાનો ફોન કરે એટલે જાણે ઈડરિયો ગઢ જીત્યા હોય એમ અડધાં ગામને ફોન કરી જાણ કરવામાં આવે કે ‘પકો અમેરિકા પહોંચી ગયો.’
 

5 comments:

  1. superb... manas ni ghelcha nu aatlu saras varnan....

    ReplyDelete
  2. આમ ને આમ જ કેટલાએ પકાઓ અમેરિકા પહોચી ગયા. અને પ્રભુ આપે તો એચ ૧ વીસની વાત કરી પણ આટલોજ ઉત્સાહ વિઝીટર વિસા મેળવી અને રોકાઈ જનારમાં અને વિસા વગર ઘૂસી જનારમાં પણ હોય છે. અને એ અંગે સલાહ આપનારા પણ છે. આપના નિરીક્ષણ ને દાદ દેવી પડે બાપુ.

    ReplyDelete
  3. very nicely presented. Keep up the good work.

    ReplyDelete
  4. Bhai ,, tame vat to khari kari .. pan kharekhari varta to America avya pachi saru thay che ... ena par anathi ganu vadhare lakhi shakay em che ..

    ReplyDelete
  5. Nice observations. Been there, done that!

    ReplyDelete