Sunday, November 20, 2011

ભીખ માંગવાની સ્ટાઈલ


| સંદેશ  | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૦-૧૧-૨૦૧૧ | અધીર અમદાવાદી | 

આ વિજય વિટ્ટલ માલ્યા નામનો માણસ છે ઘણો રસપ્રદ. માલ્યા આઈપીએલમાં ક્રિકેટ ટીમ ખરીદે અને કુમ્બલે અને દ્રવિડ જેવા ઘરડાઓના ભરોસે ગાડાં વળાવે છે. માલ્યાને ઝડપ ગમે છે, એ ફોર્મ્યુલા વન રેસિંગમાં ટીમ સ્પોન્સર કરે. એ ફૂટબોલની ક્લબનો માલિક છે. એ ગોલ્ફની ટુર્નામેન્ટ સ્પોન્સર કરે છે. માલ્યા ટીપુ સુલતાનની તલવાર અને ગાંધીજીની ચીજવસ્તુઓ પણ હરાજીમાં ખરીદે છે. માલ્યા પાસે સ્ટડ ફાર્મ છે અને ઘોડાની રેસમાં ભાગ લે છે. એ માણસ પાસે ૩૧૧ ફૂટ લાંબુ પ્રાઈવેટ યોટ (જહાજ) છે. અને આ જ માલ્યા કિંગ ફિશર નામની એર લાઈનનો માલિક પણ  છે. પણ આ એર લાઈન દેવામાં ડૂબી ગઈ છે. અને એને ઉગારવા માટે માલ્યા સહિત લાગતાં વળગતાં પ્રયત્નો કરી રહ્યા છે, અથવા એવો દેખાવ કરી રહ્યા છે.

ગાંધીનાં ડ્રાય ગુજરાત સાથે જેને સીધો સંબંધ ન હોઈ એવાં લીકર કિંગ વિજય માલ્યાની કિંગ ફિશર એરલાઈનની ફાઈનાન્શિયલ હવા ટાઈટ થઈ ગઈ હોવાથી સરકાર પાસે ‘બેઈલ આઉટ’ પેકેજની ટહેલ નાખી છે. એક અંદાજ મુજબ કંપનીને ૨૦૦૦ કરોડની જરૂર છે. જોકે આથી વધારે વિગત આપણને ખબર નથી, પરંતુ સરકારને લેવાનાં નીકળતા રૂપિયાનું તો નાહી જ નાખવાનું થશે એટલું તો કોઈ નવો નિશાળીયો પણ કહી શકે. અહિં આપણે પેટ્રોલનાં ભાવ વધે તો બે દિવસ કચકચ કરી છેવટે નવા ભાવે પેટ્રોલ ભરાવીએ જ છીએ. પણ વિજય માલ્યાની કિંગ ફિશરને પેટ્રોલનાં ભાવ નડ્યા એટલે સરકાર પાસે એરલાઈન ચલાવવા રૂપિયા માંગ્યા છે. સાલું, આપણી પાસે માંગવાની આવી આવડત અને હિંમત હોત તો આપણે પણ ક્યાંના ક્યાં પહોંચી ગયા હોત, નહીં?

આવી આ કિંગ ફિશર કંપનીનાં કેલેન્ડર ઘણાં ચર્ચામાં છે. આ કેલેન્ડરમાં એક સાદગી જોવાં મળે છે. એની મોડલો ફોટા પડાવતી વખતે ઘણાં ઓછા વસ્ત્રો પરિધાન કરે છે. એક સમયે માલ્યાએ હરાજીમાં ગાંધીજીની વસ્તુઓ ખરીદી હતી, પણ આ ઓછા કપડાં માટેની પ્રેરણા ગાંધીજી તો નહીં જ હોય એવું અમારું દ્ર્ઢ પણે માનવું છે. પણ આ ઓછાં કપડા પહેરેલી મોડલોનાં કારણે કેલેન્ડર હીટ જાય છે. સુજ્ઞ વાંચકોએ આમાં એર હોસ્ટેસ અને મોડેલો વચ્ચે ગોટાળો કરવો નહિ. પણ કિંગ ફિશરની મોડલો પાસે પહેરવા માટે કપડા નથી અને માલ્યા સરકાર પાસે પેકેજ માંગે છે એટલે બેઈલ આઉટ વાળી વાત તો સાલી જેન્યુઈન લાગે છે. બાકી રૂપિયા હોત તો મોડલો મોંઘી સાડીઓ પહેરીને ન ફરતી હોત?

પણ માંગવા માંગવામાં ફેર હોય છે. ભિખારી ભીખ માંગે છે. કિન્નરો તાબોટા પાડી માંગે છે. ઉદ્યોગપતિ લોન માંગે છે. લુંટારા ચપ્પુ બતાવી માંગે છે. નેતાઓ પાર્ટી ફંડનાં નામે માંગે છે. સરકારી કર્મચારીઓ હવે જાહેરમાં માંગે છે. અમુક વાર તો નક્કી કરેલ ભાવ કે ટકાવારી મુજબ માંગે છે. આમાં રસપ્રદ વાત એ છે કે ભિખારી સહિત બધાં માંગનાર પાસે પહેલેથી રૂપિયા તો હોય છે જ! આ ભિખારીઓ આજકાલ  ફાઈવ સ્ટાર હોટલોમાં રહે છે. કારમાં ફરે છે. દુબઈના ભિખારીનો કિસ્સો તમે કદાચ સાંભળ્યો હશે. અહિં ઘર આંગણે ભારતમાં તો પ્લાનીંગ કમિશનની વ્યાખ્યા મુજબ દિવસના ૩૨ રૂપિયા ખર્ચ કરી શકે એ ગરીબ નથી ગણાતો. આ કમિશને ભિખારીની હજી સુધી કદાચ કોઈ વ્યાખ્યા નથી આપી. ભિખારીઓ ચોક્કસ ૩૨ રૂપિયા કરતાં વધારે કમાય છે અને ખર્ચ કરે છે. માટે હવે ભિખારી કોને ગણવો એ મોટો પ્રશ્ન છે.

આ માલેતુજાર અને ધનકુબેરો વધારે માલદાર થવા રૂપિયા ખર્ચી ઉનાળામાં પણ સુટ પહેરી ફરતાં હોય એવાં કન્સલ્ટન્ટ રોકી રીપોર્ટ બનાવડાવે છે. એ રીપોર્ટનાં આધારે લોન મેળવે છે. કંપનીઓ ખોલી શેરમાં અધધધ રોકાણ મેળવે છે. કાળક્રમે એ રૂપિયા ઉડી જાય છે. એમાંય જો કંપની એરલાઈન ચલાવતી હોય તો રૂપિયા ઉડી જાય એટલે વિમાનો ઉડતા બંધ થઈ જાય છે. અને છેલ્લે નાદારી નોંધાવાનો વારો આવે છે. પણ મારી તમારી આપણી સરકાર એવામાં ‘મૈ હું નાં’ કરી ક્યાંકથી આવાં આલિયા માલિયા જમાલિયાને બચાવવા પ્રગટ થાય છે. આમ બળતું ઘર મનમોહનાર્પણ કરવાના તાયફા થાય છે. પણ આ સરકાર એટલે પાછુ આપણે જ ને? રૂપિયા તો છેવટે આપણાં જ ખિસ્સામાંથી જવાના છે ને દોસ્ત!

ડ-બકા
ક્યાં તારા સૌન્દર્યનાં વ્યાપને વધતો અટકાવ બકા,
અથવા તો પાંપણ પર લીંબુ મરચા લટકાવ બકા.2 comments:

  1. આ મોંઘવારીમાં લીંબુ મરચા ના લટકાવાય....
    બહુ મોંઘા છે.

    બકાને વાંચવાની મઝા આવી ગઇ.

    ReplyDelete