કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૭-૦૧-૨૦૧૮
ડાયટીંગ કરનાર જાણે છે કે સલાડ (ઓકે, સેલડ) કેટલી વાહિયાત વસ્તુ છે. એમાં ઉપરથી ડ્રેસિંગ થાય એટલે એનાં ટેસ્ટમાં કોઈ ફેર ન પડે, માત્ર ઉપાડ વધી જાય. પણ પછી એ ડિઝાઈનર બીટ અને ગાજર ડીશમાં જ રહી જવા પામે છે. ઘણાં લોકો સલાડ પરના આ ડ્રેસિંગ જેવા હોય છે. નકામા, નિરુપયોગી, નિરુદ્દેશ, નિષ્કારણ અને નિરર્થક. આવા લોકોની તારીફમાં શોભાના ગાંઠિયા શબ્દ પ્રયોગ થાય છે. એકતા કપૂરની મમ્મી શોભાના બાબા તુસ્સારે પણ શોભાના ગાંઠિયા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ સંદર્ભમાં શોભાના ગાંઠીયા તુસ્સારની બહેન એકતાને શોભાની ચટણી પણ કહી શકાય. આવા સ્ટાર સંતાનને બાદ કરતાં શોભાના ગાંઠિયાઓ પતિ, કલીગ, બોસ, બનેવી, નોકર, જેવા અનેક સ્વરૂપે પણ મળી આવે છે.
શોલેમાં સાંભા એ શોભાનો ગાંઠિયો હતો. ગબ્બર વારેઘડીએ ઊંચા ખડક પર બેઠલા એના ચમચા સાંભાને પૂછતો કે આજકાલ સરકારે મારા માથા પર કેટલું ઇનામ રાખ્યું છે? અને સાંભા જેતે દિવસનો હાજર ભાવ જણાવતો. આ સિવાય સાંભો આખી ફિલ્મમાં માત્ર એક ડાયલોગ બોલે છે અને એક ગોળી છોડે છે, છતાં સરકારી કર્મચારીની જેમ પૂરો પગાર લે છે. અંદાઝ અપના અપના ફિલ્મમાં રાબર્ટ અને ભલ્લા બંને પણ શોભાના ગાંઠીયા હતા જ અને એટલે જ તેજા એક વાર બોલી જાય છે કે ‘સાલે દસ દસ હજાર કા સુટ પહનતે હૈ લેકિન અકલકી અઠન્ની પણ ઇસ્તમાલ નહિ કરતે.’ આ ઉદાહરણો તો ફિલ્મી થયા; સમાજમાં પણ આ પ્રકારના લોકો જોવા મળે છે.
‘કામ કા ન કાજ કા દુશ્મન અનાજ કા’ - આ હિન્દી કહેવત મુજબના લક્ષણો ધરાવતા દાગીનાઓ શોભાના ગાંઠિયાની જનરલ કેટેગરીમાં આવે. આપણે ત્યાં ગૌરી વ્રત વખતે કુમારિકાઓ ગાતી હોય છે કે ’ગોરમા, ગોરમા રે કંથ દેજો કહ્યાગરો...’. પણ આજકાલ ચકો-ચકી બંને દાણા લેવા જતા હોઈ કહ્યાગરો ઉપરાંત કામગરો અને કામણગારો કંથ શોધવાનો ઉપક્રમ છે, જે ભાગ્યે જ કોઈને મળે છે. મોટેભાગે તો જે કામણગારા હોય એ કામગરા નથી હોતા અને તત્ત્વત: જે પુરુષ કામણગારો હોય, પણ કામગરો ન હોય એને શોભાનો ગાંઠીયો જ કહેવાય. આવા શોભાના ગાંઠીયા નથી ઘરકામમાં મદદ કરતા કે નથી એવી નક્કર કમાણી કરતા. એમના હોવા ન હોવાથી કોઈને ફરક પણ પડતો નથી. જડ વસ્તુની જેમ એ લોકો આ પૃથ્વી ઉપર માત્ર જગ્યા રોકતા હોય છે. ઇંગ્લીશમાં એક શબ્દ છે – glibness, જેનો એક અર્થ થાય છે સામાવાળાને ખુશ કે પ્રભાવિત કરવાની આતુરતા; શોભાના ગાંઠિયા પોતાનો કરતબ અજમવવા કાયમ તત્પર હોય છે. અને પારંગત એટલા કે પાર્ટીમાં આવેલી મહિલાઓને ખાતરી થઇ જાય કે નક્કી એમની સહેલીએ એમનાથી ખાનગીમાં મહાદેવજીને કોહીનુર બાસમતી ચોખાની આખી ગુણ ચઢાવી હશે. આ ગાંઠીયામાં કેટલો સોડા છે એ જાણતા આ મહિલાઓના પતિદેવોને પણ ફડક રહે કે કયાંક રાંધવા, સાંધવા અને સંજવાળવાના કામમાં આપણો નંબર ના લાગી જાય. એમનાં ગયા પછી ગાંઠિયો પાછો ટીવી પર ચોંટી જતો હોય છે. રીમોટ એનાં હાથમાંથી છૂટતું નથી. કવચિત છૂટે તો રિમોટનું સ્થાન મોબાઈલ લે છે. આવા પુરુષ ધ્રુવના તારા જેવા હોય છે, જે ઘરમાં જુદાજુદા સમયે અને જુદી જુદી જગ્યાએથી જોવા છતાં એક જ સ્થાને-સોફા ઉપર- બિરાજેલા જણાય છે. આવી જોડીઓમાં પતિ શોભાનો ગાંઠિયો હોય અને પત્નીનો સ્વભાવ તીખા મરચાં જેવો હોય પછી છોકરાં ચટણી-સંભારા જેવા જ હોય! તો પણ આવી ડેશિંગ ડીશો જ્યુબીલીઓ ખેંચી કાઢતી જોવા મળે છે.
અમુકને પરાણે શોભાના ગાંઠિયા બનાવવામાં આવતા હોય છે. જેમ કે આપણે ત્યાં બનેવી કે જમાઈને માન આપીને ઉંચે બેસાડવાનો રીવાજ છે. વર્ષોથી એમની સેવા પણ કરવામાં આવે છે અને એમનો પડ્યો બોલ ઝીલવામાં આવે છે. પ્રસંગોએ એમણે ખિસામાં હાથ નાખીને ઊભા રહેવાનું હોય છે તોયે ચાર જણા આવીને એમને ખુરશીનું પૂછી જશે. પાર્ટી બરોબરનું દાબીને બેઠી છે એવી ખબર હોવાં છતાં ચાર જણા આઠ વખત ‘તમે જમ્યા કે નહી’ એવું પૂછી જશે. પણ બધા આ સરભરાને લાયક હોતા નથી. આમાંને આમાં ઘણા છછુંદરો માથામાં ચમેલીનું તેલ નાખતા થઇ જાય છે. જોકે આપણા સમાજમાં સાસુ નામની સંસ્થા આવા છછુંદરોને ઠેકાણે કરી જ દેતી હોય છે, પણ એની ય એક લીમીટ હોય છે. કુલ મિલાકે હાલ યે હૈ કી જમાઈ દીકરા જેવા અને દીકરા જમાઈ જેવા થતાં જાય છે. ટૂંકમાં બેઉ નકામાં થતાં જાય છે.
ધારોકે તમારા ભાગે શોભાનો ગાંઠિયો આવી જ ગયો હોય તો તમે શું કરો? શોભાના ગાંઠીયા કંઈ ચટણી જોડે ખાઈ શકાતા નથી કે નથી શોભાના ગાંઠીયાનું શાક બનાવી શકાતું. તો શું થઇ શકે? આ સવાલ જેટલો મોટો છે એટલો જ એનો જવાબ આસાન છે. પહેલાં તો એ ચેક કરો કે ગાંઠિયો રંગે રૂપે કેવો છે? જો એમાં મીનીમમ પાંચમાંથી અઢી કે ત્રણ મિર્ચી આપી શકાય એમ હોય તો એને મોડેલીંગમાં ગોઠવી દો. એમાં ચાલી જશે કારણ કે એ આખો ધંધો જ ‘બાંધી મુઠ્ઠી લાખની’ના સિદ્ધાંત પર ચાલે છે. એમાં બોલવાનું નથી હોતું પણ ફક્ત બની ઠનીને બેસવાનું હોય છે જેમાં આપણા ગાંઠીયાઓ એક્સપર્ટ હોય છે. દીપક પરાશર અને અર્જુન રામપાલ નભી ગયા તો તમારા ગાંઠિયાએ શા પાપ કર્યા છે તે રહી જશે?
મસ્કા ફન
લેંઘાની બે બાંયો એક જ માણસના બે પગને જુદા કરે છે.
જયારે લુંગી દેશની એકતાની ભાવનાની પોષક છે.
No comments:
Post a Comment