Tuesday, July 23, 2013

ડકવર્થ લુઈસના નિયમો વ્યવહારમાં

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૧-૦૭-૨૦૧૩ | અધીર અમદાવાદી |

શો મસ્ટ ગો ઓનની ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને વન ડે મેચોમાં જ્યારે વરસાદ કે અન્ય વિઘ્નના કારણે પૂરી પચાસ ઓવર મેચ ન રમાય તો વરસાદ રોકાય ત્યારે ઓવરો ટૂંકાવીને પણ મેચ રમાડવી એવો રિવાજ છે. પણ આમ ઓવર ઘટાડતા પૂર્વે પહેલી ઇનિંગ રમાઈ ગઈ હોય તો બીજી બેટિંગ કરનારને ઓછી ઓવરમાં રન બનાવવા સહેલા પડે છે. કારણ કે ઓછી ઓવરમાં વિકેટની ચિંતા કરવાની હોતી નથી. આમ સર્જાતી સ્કોરિંગની વિષમતા નિવારવા ડકવર્થ અને લુઈસ નામનાં બે આંકડાશાસ્ત્રીઓ દ્વારા બનાવેલ ફૉર્મ્યુલાનો ઉપયોગ બાકીની ઓવરમાં બીજી ટીમે કેટલો સ્કોર કરવો એ નક્કી થાય છે. આ નિયમને કારણે આપણે ઘણીવાર મેચ જીત્યાં છીએ તો ઘણી વાર હાર્યા પણ છીએ. ડક વર્થ અને લુઇસ મેથડ એટલી અટપટી છે કે ખુદ ગાવસ્કર એ સમજવામાં ગોથા ખાય છે. વરસાદ પછી જ્યારે ડકવર્થ લુઈસ ફૉર્મ્યુલા પ્રમાણે કેટલી ઓવરમાં કેટલો સ્કોર કરવાનો છે એ ટાર્ગેટ સ્ક્રીન પર આવે ત્યારે ઓસ્ટ્રેલિયન અને ઈંગ્લેન્ડ જેવા દેશોના કૅપ્ટનના મોઢામાંથી ગાળો નીકળતી જોઈ શકાય છે. આમ છતાં આ ડક વર્થ લુઈસ મેથડ વ્યવહારમાં અપનાવવી જોઈએ તેવી માંગ પણ કેટલાંક જૂથો તરફથી ઊઠી છે.

વિદ્યાર્થીઓને અમુક પ્રોફેસરો આતંકવાદી જેવા ભાસે છે. આવા જ પ્રોફેસરો એવી દરખાસ્ત લઈ લાવ્યા છે કે ડકવર્થ લુઈસ પરીક્ષામાં પણ લાગુ પાડવામાં આવે. એમનું કહેવું છે કે પરીક્ષામાં અમુક વિદ્યાર્થીઓ મોડા આવે છે. પેપર ગમે તેમ ચેક થતાં હોય એટલે આવા વિદ્યાર્થીઓ પાસ પણ થઈ જાય છે. એટલે અમુક ખડ્ડુસ પ્રોફેસરોએ મોડા આવનાર વિદ્યાર્થીઓ માટે ડકવર્થ લુઈસ લાગુ પાડવામાં આવે એવી માંગ કરી છે. આ નિયમ મુજબ ધારો કે કોઈ વિદ્યાર્થી અડધો કલાક મોડો આવે તો એને અઢી કલાકમાં તો પેપર પૂરું કરવાનું જ રહે પણ પેપર સોને બદલે એકસો ચાલીસ માર્કનું થઈ જાય, એને એટલાં એક્સ્ટ્રા ક્વેશ્ચન અલગથી આપવામાં આવે. આમ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સમયસર આવે એમને જ એડવાન્ટેજ રહે.

પતિ સમુદાયે ડક વર્થ લુઈસ નિયમ લગ્નજીવનમાં લાગુ પડે તેવો રસ દર્શાવ્યો છે. સામાન્ય રીતે પત્નીઓ ક્રેડિટ કાર્ડને બદલે પતિને સાથે લઈ શોપિંગ કરવા જાય છે. આમ તો ક્રેડિટ કાર્ડ વગરનો પતિ તલવાર વગરના યોદ્ધા સમો ગણાય. ક્રેડિટ કાર્ડ ન હોય છતાં એ લોકો પતિને સાથે લઈ જ જાય છે કારણ કે બિલ પેમેન્ટ તો પતિ કે ક્રેડિટ કાર્ડ બંનેથી થાય છે, પણ ખરીદેલી થેલીઓ ઊચકવા પતિ જ કામ આવે છે. આ ઉપરાંત આમ કરવામાં પતિ પાસે હા પડાવી ખરીદી કરવામાં પત્નીઓને અનેરો આનંદ આવે છે. પણ પતિઓને રૂપિયા ખર્ચવા અને થેલીઓ ઊચકવા કરતાં પત્નીઓ સાથે ખરીદીમાં જે સમય જાય છે તેનાથી ઘણા પ્રૉબ્લેમ થાય છે. તો આ લીમીટેડ ટાઈમ શોપિંગ મેચમાં પતિઓ ડકવર્થ લુઈસ રુલ લાગુ પાડવા ઇચ્છે છે. એનાથી પત્નીઓએ શોપિંગમાં શરૂઆતમાં લીધેલાં સમય અને ખર્ચેલા રૂપિયા અનુસાર શોપિંગ માટે બાકી સમય કેટલો આપવો અને કેટલાં રૂપિયા આપવા એ નક્કી થઈ શકે. એટલે જો શોપિંગમાં શરૂઆતમાં વધારે સમય જાય તો વાપરવાના રૂપિયા ઘટી જાય. અને જો પહેલી દુકાને જ ટૂંક સમયમાં જોરદાર શોપિંગ કરે તો આમેય શોપિંગ બજેટનો ટાર્ગેટ વહેલો અચીવ થઈ જાય. આમ પતિ લોકોને ચા અને કોફી બંનેમાં જીભ રાખવા મળે છે.

પતિ સમુદાયના શોપિંગ માટે ડક વર્થ લુઈસ નિયમોની ભલામણ કરવાનો છે, એવી હવા માત્રથી પત્ની સમુદાય પણ જાગી ગયો હતો. એમણે ઓફિસ કામના લીધે મોડા આવતાં અથવા મહિનો મહિનો બહારગામ રહેતા પતિઓને માટે નિયમો ઘડી કાઢ્યા છે. જેમ કે, સાંજે ક્યારેક મોડા આવનાર પતીએ બીજા દિવસ સવારે મોડા ઓફિસ જવાનું રહેશે. મન્થ એન્ડીંગના નામે છેલ્લું અઠવાડિયું મોડું આવનાર પતિએ આગામી મન્થની શરૂઆતમાં, પગારના બીજાં દિવસે, ચાલુ ઓફિસે ગુલ્લી મારી પત્નીને શોપિંગમાં સાથ આપવાનો રહેશે. સામાન્ય રીતે પતિઓએ મહિનામાં ચોક્કસ સમય ફેમિલી માટે ફાળવવાનો હોય છે. કોઈ પતિ ધારોકે મહિનાના પહેલાં પંદર દિવસમાં રોજ મોડો આવે તો પછીના પંદર દિવસમાંથી સાત દિવસ તો એણે રજા મૂકી ઘેર જ રહેવું પડે. જો પતિ બહારગામ પડ્યો રહે હોય તો બાકીના પંદર દિવસ રજા મૂકવી પડે. જોકે રજા દરમિયાન પતિની ફરજો વિષે રુલ કશું કહેતો નથી એટલે એ પરસ્પર સમજૂતીથી નક્કી કરવાનું રહશે.

સરકારી કર્મચારીઓ કામચોર અને ભ્રષ્ટ્ર હોય છે એવી સાર્વત્રિક ફરિયાદ સાંભળવા મળે છે. આનાં ઉકેલ માટે મજબૂત લોકપાલ બિલ બનતું નથી. એટલે પબ્લિક ભ્રષ્ટ્રાચારી કર્મચારીઓ માટે પણ ડકવર્થ લુઈસ જેવી કોઈ ફૉર્મ્યુલા લાગુ કરવામાં આવે તેવી માંગ કરી રહી છે. એમાં ભ્રષ્ટ્રાચાર નાબૂદીની કોઈ દરખાસ્ત નથી, કારણ કે એ શક્ય નથી. પણ રૂપિયા લઈને સમયસર કામ ન કરતાં કર્મચારીઓની લાંચની રકમ નક્કી થઈ શકે છે. જેમ કે નક્કી થયેલ લાંચની રકમમાંથી દસ ટકા ઍડ્વાન્સ આપવામાં આવે.  બાકીની રકમ ફાઈલની ઝડપ મુજબ વધે કે ઘટે. આમ થવાથી કર્મચારીઓ ફાઈલ એક ટેબલથી બીજાં ટેબલ, અને છેક સાહેબના ઘેર જઈ સહી કરાવતા ને સાહેબો ફાઈલોના નિકાલ માટે રવિવારે સ્પેશિયલ ફાઈલ ક્લીઅરન્સ ડ્રાઈવકરતાં થઈ જાય. બાકી સરકાર ખરેખર જો કર્મચારીઓની ઠંડી ઉડાડવા માગતી હોય તો કામને પગાર સાથે સાંકળતી પ્રાઇવેટ કંપનીઓ જેવી ડકવર્થ-લુઈસ ફૉર્મ્યુલા બનાવે તો એ બે-ચાર મહિના પગાર ડકથયા પછી લૂઝથઈને કામની વર્થસમજી જાય.  

પણ શું થાય? આ લાઇફ છે, ક્રિકેટ થોડું છે? અહિં તો એક જ મેચ આખી જિંદગી ચાલે છે. અહિં, દરેક પોતાની રીતે નિયમ બનાવે છે, પણ ધાર્યું કોઈનું નથી થતું!
 

3 comments:

  1. એક જ મેચ આખી જિંદગી ચાલે છે. અહિં, દરેક પોતાની રીતે નિયમ બનાવે છે, પણ ધાર્યું કોઈનું નથી થતું!

    sahi hai boss.. ! :D

    ReplyDelete
  2. It is very interesting suggestion but very difficult to implement. Still very hilarious.

    ReplyDelete