Sunday, January 11, 2015

ફાટેલાં પતંગ ચગાવવાની કળા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૧-૦૧-૨૦૧૫
 
ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં જાન્યુઆરીનું પહેલાં પખવાડીયામાં પ્રજા પતંગમય બની જાય છે. એમાં રજાઓનો મેળ હોય તો ભલભલા ધાબા પર મળી જાય. જોકે ધાબે ચઢનાર બધાને પતંગ ચગાવતા આવડતું હોય એવું જરૂરી નથી. અમુક ધાબે ચઢી બીજાને પતંગ ચગાવવામાં સહાયરૂપ થાય છે. એમાં તડકો ખાવો, ચીકી ખાવી, પતંગને કિન્ના બાંધવી, ફીરકી પકડવી, પતંગ લુંટવી, લચ્છો વાળવો, ગૂંચ ઉકેલવી, બુમો પાડવી જેવા કાર્યોનો સમાવેશ થાય છે. આવા સહાયક કલાકારોનાં ટેકાથી અઠંગ ખેલાડીઓ પકડેલો, ફાટેલો, સાંધેલો, જુનો, છાપ ખાતો એવો કોઇપણ પતંગ ચગાવી મારે છે. દુનિયા પણ એક મોટું ધાબુ છે અને એમાં કેટલાય કસબીઓ એવા છે કે જે ગમે તેવા ફાટેલાં-તૂટેલા પતંગ ચગાવી શકવાની કળા ધરાવે છે.

ફાટેલી નોટ ચલાવવામાં અને ફાટેલા-સાંધેલા-અકોણા પતંગ ચગાવવામાં એક સરખી તકલીફ થાય છે. ફેર માત્ર એટલો જ કે નોટનો નંબર સાબૂત હોય તો બેન્કવાળા નોટ બદલી આપે છે, પણ ફાટેલા પતંગમાં એવી સેવા મળતી નથી. ફાટેલા-સંધેલા પતંગ ઉડાડવાની તમે ગમે તેટલી કોશિશ કરશો તો એ પાછો તમારી પાસે જ આવશે. પણ હાર્યા વગર ગુંદરપટ્ટી લગાડી, ઢઢ્ઢો વાળી, નમણ બાંધી કે પૂછડું લગાડીને એને ફરી ચગાવવાની કોશિશ કરવી. પવન અનુકુળ હોય, આગળ નડતર ન હોય તો એ ચગી જાય તો ચગી પણ જાય. કોઈ ગેરંટી નહી. પણ અનુભવે એક વાત સમજાઈ છે કે સાંધેલા, રીપેર કરેલા કે પૂછડા-નમણ વગેરેથી મોડીફાય કરેલા પતંગ નવા નક્કોર પતંગ કરતા વધુ પેચ કાપે છે. એમાં પણ કપાઈને આવેલા ફાટેલા પતંગને સાંધીને ચગાવવાની અલગ મજા છે. આ એક લુપ્ત થતી કલા છે. અહમદશાહ બાદશાહના જમાનામાં આ કલા શીખવાડતી ડીમ્ડ યુનીવર્સીટી અમદાવાદમાં જ ધમધમતી હતી એવું કહેવાય છે. ક્યાં હતી એનું સંશોધન ચાલુ છે. મણીનગર વિસ્તારના કલાકારોની સાંધણકલામાં કુશળતા જોતાં એ યુની. કાંકરિયાની આસપાસ ક્યાંક હોવાની શક્યતા ખરી પણ આધાર-પુરાવા વગર કંઈ કહેવાય નહિ.

અત્યારના સ્ટાર સંતાનોના પપ્પાઓ ફાટેલા-સાંધેલા-અકોણા પતંગ ચગાવવાની કલાના ખાંટુ ગણાય છે. એ લોકો એમનાં ઝોલા ખાતાં પતંગને ચગાવવા બ્લોઅર મુકાવે એ હદે જઈ શકે. છતાંયે પતંગ જો છાપ ખાય તો ફાયરબ્રિગેડની સ્નોરકેલ પર કોક ફોલ્ડરને બેસાડીને છૂટ પણ અપાવે! બીજો કોઈ લંગશ નાખે કે કાપી ન જાય એ માટે આજુબાજુના ધાબા ખાલી પણ કરાવી દે. જેમ ફાટેલાં પતંગને ચગાવવા લાયક બનાવવા એને પૂંછડી લગાડવી પડે, વજન બાંધવું પડે, ઢઢ્ઢો વાળવો પડે, કિન્ના સરખી કરવી પડે એમ આજકાલ સ્ટારસંતાનને બત્રીસ લખણો બનાવવા માટે એના પપ્પા-જીજા-કાકા-મામા વગેરે એની પાસે એક્ટિંગ, ડાન્સ, માર્શલ આર્ટ, બોડી બિલ્ડીંગ વગેરેના ક્રેશ કોર્સ કરાવવા ઉપરાંત સ્વીમીંગ, હોર્સ રાઈડીંગ, એડવેન્ચર સ્પોર્ટ્સ અને વોટરસ્પોર્ટ્સ વગેરે એટલું કરાવતા હોય છે કે એમાંના અમુક તો બત્રીસના બદલે છત્રીસ લખણા થઈને છકી જતા હોય છે. રાકેશ રોશન જેવા ભાગ્યવાન બહુ ઓછા હોય છે. બાકી જ્યાં થૂંકના સાંધા કર્યા હોય ત્યાં મણ મણનાં વજન થોડાં ટકે? અમુક કૂવા પોતે સુકા ભંઠ હોય તો પણ એમના હવાડામાં પાણીના ધધૂડા પડે એવી આશા સાથે કીકો મારતા હોયછે!

ફિલ્મ કરતાં રાજકારણમાં માહોલ જુદો છે. એમાં લોકો ટીકીટ ખર્ચીને તામારું કામ જોવા નથી આવતા. રાજકારણમાં પતંગ ફાટેલો છે કે આખો એ મહત્વનું નથી હોતું, એ પતંગ કોના ધાબાનો છે એ વધુ મહત્વનું હોય છે. ધાબાપતિ જો સમર્થ હોય તો પતંગના નામે થોડું કમાન-ઢઢ્ઢા જેવું હોય અને જરી તરી કાગળ હોય હોય તો પણ ચાલે.આપણે તો રાજકારણમાં એવા પતંગો જોયા છે જેમાં કાણું તો શું મોટું બાકોરું હોય, પતંગમાં કાગળને બદલે ગુંદર પટ્ટી વધારે હોય, ઢઢ્ઢાથી લબૂક હોય કે પછી ફૂલ હવામાં પણ છાશ ખાઈને વળીવળીને ધાબામાં પાછો આવી જતો હોય. આમ છતાં એ ધાબા પરના અઠંગ પતંગબાજો એને આસમાનમાં ઉડાન ભરાવી દેતા હોય છે. ચગ્યા પછી કોઈ એને હાથમાંથી કાપી ન જાય એ માટે જરૂર પડે તો સાથે મોટી ઢાલ પતંગ પણ ચગાવી રાખતા હોય છે. આવા પતંગોમાં જ્યાં સુધી સહેલ ખવાય ત્યાં સુધી ખાઈ લેવાની હોય છે, પછી કોઈ ઉસ્તાદની ચીલ પતંગ એને હાથમાંથી કાપીને ધાબાવાસીઓને નેક્સ્ટ ઉત્તરાયણ સુધી લચ્છા વાળતા કરી દેતી હોય છે.

ઇન્ડસ્ટ્રી હોય કે ક્રિકેટ, ફિલ્મ હોય કે રાજકારણ, ફાટેલાં પતંગો આપણા એટલે કે પ્રજાના માથે જ મારવામાં આવે છે. આ પતંગોને જોવા, એમનાં વખાણ વાંચવા, એમનાં લવારા સાંભળવા એ પ્રજાના ભાગ્યમાં લખાયેલું છે, કારણ કે આપણી લોકશાહીમાં રાજાશાહી પાંસઠ વર્ષે પણ ડોકિયા કરે છે. એટલે જ આપણાં હિસાબે અને જોખમે એ પતંગો હવામાં ઊડે છે!

મસ્કા ફન

ગુંદરપટ્ટીને થૂંકવાળી કરવા જતાં મોઢામાં ગુંદર અને ગુંદરપટ્ટી પર એકલું થૂંક રહે છે.

No comments:

Post a Comment