Sunday, January 18, 2015

ગધેડાઓને પણ એવોર્ડ મળે છે

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૮-૦૧-૨૦૧૫ | અધીર અમદાવાદી |

આ સમાચાર વાંચીને અમારું રોમરોમ પુલકિત થઈ ઉઠ્યું છે. સમાચાર જ એવા છે. જે લોકોએ ફેસબુક પર અમારું પ્રોફાઈલ પિક્ચર જોયું છે એ આ વાત વધારે સારી રીતે સમજી શકશે. વાત જ એવી છે. વિચિત્ર રીતે વિરોધ પ્રદર્શિત કરવા માટે જાણીતાં કન્નડનાં વટલ ચલુવલી પક્ષનાં નેતા વટલ નાગરાજે બે ગધેડાઓનું રાજ્યોત્સવ એવોર્ડથી સંયુક્ત સન્માન કર્યું. ગધેડાઓને પ્રસંગોચિત નવડાવી-ધોવડાવી, હારતોરા કરી, સ્થળ પર લાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ગધેડાઓ પર ગુલાબનાં ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. એ પછી ગધેડાઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. નાગરાજના કહેવા મુજબ ગધેડા અતિ ઉપેક્ષિત પ્રાણી છે, એમની કદર થવી જોઈએ.

મઝાની વાત તો એ છે કે આ એવોર્ડ માટે કોઈ એપ્લીકેશન મંગાવવામાં

નહોતી આવી. કોઈ એપ્લીકેશન સ્વીકારવામાં પણ નહોતી આવી. એવોર્ડ વિજેતાને નક્કી કરવા કોઈ પ્રકારની જ્યુરી પણ નહોતી બેસાડવામાં આવી. છતાં એવોર્ડ અપાયો. એ પણ ગધેડાને. એક નહીં, બે બે. આ સંયુક્ત સન્માન ગધેડાઓએ મૂંગે મોઢે સ્વીકારી લીધું કે હોંચી હોંચી કરીને વધાવી લીધું તે સમાચારમાં જાણવા નથી મળતું. અમે ઈન્ટરનેટનાં માધ્યમથી નાગરાજનો મોબાઈલ નંબર શોધી ફોન પણ જોડ્યો પણ તેમણે વાત ન કરી. પણ હકીકત એ છે કે ગધેડાંને એવોર્ડ અપાયો. જોકે ગધેડાને એવોર્ડ અપાય એ ઘટના ફિલ્મી એવોર્ડની છેલ્લા કેટલાંક વર્ષોની તવારીખ જાણનાર માટે આશ્ચર્યજનક નથી. કારણ કે ફિલ્મી એવોર્ડ આજકાલ ગધેડાઓને જ અપાય છે. એ પણ ગધેડા જેટલી કાળી મજુરી કર્યા વગર, માત્ર રૂપિયાનાં જોરે!

દુનિયાભરમાં ગધેડાઓનાં હાર્ડવર્કિંગ હોવાં બાબતે વિદ્વાનો કે અન્ય લોકોમાં કોઈ મતભેદ નથી. સૌ માને છે કે ગધેડા સખત મજુરી કરે છે. પાકિસ્તાનમાં તો ગધેડાગાડી પર એટલું વજન લાદવામાં આવે છે કે ગાડી ઘણીવાર પાછળ નમી પડે અને ગધેડું હવામાં ઊંચકાઈ જાય છે. ગધેડાની કદર નથી થતી એ પણ કદાચ સાચું છે. કારણ કે આટલા મહેનતુ પ્રાણી હોવાં છતાં અક્કલ વગરના માણસને ગધેડો કહેવામાં આવે છે. જેમ કે “ઘરડો ગધેડો થયો તો પણ આટલું નથી આવડતું?”, “ગધેડાને તાવ આવે એવી વાત કરે છે”, જેવા નિષ્ઠુર શબ્દપ્રયોગો ગધેડાંને અન્યાયકારી છે.

જોકે એવોર્ડ મેળવનાર ગધેડા ભાગ્યશાળી ગણાય કે નહી એ વિષયે વિદ્વાનોમાં મતભેદ છે. અમુકનું માનવું છે કે ગધેડાને શાલની શું જરૂર? શાલનું ગધેડા શું કરશે? કે પછી ગધેડા ખરેખર શાલ ઓઢવા પામશે કે કેમ? કે પછી કુંભાર કે કુંભાર-ભાર્યા શાલ વાપરશે? આમ શાલ ઓઢાડીને સન્માન કરવું એ સાહિત્યમાં સામાન્ય ઘટના છે. લગનમાં પણ વેવાઈનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. જ્ઞાતિનાં સમારંભોમાં મુખ્ય મહેમાન એવા જ્ઞાતિના અગ્રણીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવે છે. આ બધાં લગભગ ઘરડાં હોય છે. ઘરડાં લોકોને શાલ ઉપયોગી પણ થાય. પણ ગધેડાંને શાલનો શો ઉપયોગ?

એવોર્ડ સમારંભ પહેલાં ગધેડાને નવડાવવામાં પણ આવ્યા હતાં. આ ઘણી આવકારદાયક વાત છે. સામાન્ય રીતે હાથી, ઘોડા, અને કૂતરાને આવી વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે. ગધેડાને એનો માલિક નવડાવતો હોય, કે એને નવડાવવા માટે માણસ રાખ્યો હોય એવું અમે જોયું કે સાંભળ્યું નથી. તો પછી ગધેડાં ગંધાય છે એવી ફરિયાદ શું કામ કરવી? ગધેડાને ધનતેરસનાં દિવસે રંગવામાં આવે છે. એ પણ આટલા ગોરા-રૂપાળા પ્રાણીનાં શરીર પર સાવ હલકા રંગોથી ઢંગધડા વગરના ચીતરડા કરવામાં આવે છે. ગધેડાને શેમ્પુ કરો, મેનીક્યોર-પેડીક્યોર કરો એ પછી ફરિયાદ રહે તો અમને જાણ કરજો!

જેમ ગુલાબને કોઇપણ નામ આપવાથી એની ખુશ્બુમાં ફેર નથી એમ ગધેડાને ગર્દભ, ગધ્ધો, રાસભ, વૈશાખનંદન, શંખકર્ણ, લંબકર્ણ, શીતલાવાહન કહેવાથી એનાં ગર્દભત્વમાં ફરક નથી પડતો. એને તો હું ભલોને મારું કામ ભલું. એ ખોટી ગોસિપમાં પડતો નથી. હા, ક્યારેક ગુસ્સે ભરાય તો બરાડા પાડે એ અલગ વાત છે, પણ આજકાલ તનાવભરી શહેરી લાઈફમાં કોણ પોતાનો ટેમ્પર નથી ગુમાવતું? ખરેખર તો ગધેડો ખુબ જ પરિપક્વ અને ડાહ્યું પ્રાણી છે. ગાયની જેમ એ રસ્તા ઉપર વાહનચાલકોને નડતો નથી. વાઘ અને દીપડાની જેમ એ માણસો પર હુમલો નથી કરતો. વાંદરાની જેમ એ ધાબે મુકેલા છુંદા નથી ખાઈ જતો. કૂતરાની જેમ એ આપણી બાઈક પાછળ દોડતો નથી.

ગધેડાનો સ્વભાવ અડિયલ છે એવી એક સામાન્ય ફરિયાદ છે. પણ એકલા ગધેડાં જ અડિયલ હોય છે? તમારી આજુબાજુ નજર નાખશો તો તમને ગધેડાં પણ પ્રેમાળ લાગશે. લાગણીશીલ લાગશે. શરૂઆત ઘરથી જ કરજો. અમદાવાદના પ્રખ્યાત સીજી રોડ પર લોકો ચાલુ વાહને વિન્ડો શોપિંગ કરતાં હોય છે. પછી ઇચ્છા થાય ત્યાં વાહન ઉભું કરી દે. ખરેખર ગધેડાં તો સાયન્ટીફીક કારણોસર અડીયલ હોય છે. એમને જ્યાં જોખમ જણાય ત્યાં એ અટકી જાય છે. જોખમ વ્યક્તિથી હોય કે પરિસ્થિતિથી. જો ગધેડાં અડિયલ ન હોત અને કહ્યા મુજબ વર્તન કરતાં હોત તો એમની સરખામણી પતિ સાથે ન થાત?

એનાં અદ્વિતીય અવાજ અને વિનાસંકોચ લાગણી વ્યક્ત કરવા માટે આળોટવાને કારણે ગધેડાને ઘણી ખ્યાતિ મળી છે. જોકે શેરડી ખાવા જતાં શિયાળ અને ગધેડાની વારતામાં ગધેડાને ખુબ અન્યાય પણ થયો છે. કથિત વાર્તામાં ચોરીછૂપે શેરડીના ખેતરમાં શેરડી આરોગ્યા બાદ ગધેડું આળોટે છે અને ભૂંકે છે જેનાં કારણે ખેડૂત જાગી જાય છે અને ગધેડાને ફટકારે છે. સૌથી પ્રથમ તો શિયાળ અને ગધેડું શેરડી ખાય એ વાત જ માન્યામાં આવે એવી નથી. તમે કોઈએ ગધેડાને શેરડી ખાતો જોયો હોય તો એનો ફોટો અમને ચોક્કસ ઈ-મેઈલ કરજો. આમ છતાં શેરડીના ખેતરવાળી વાતમાં જો ગધેડાએ આળોટી અને ભૂંકીને પોતાની ખુશાલી વ્યક્ત કરી એમાં ખોટું શું છે? એટલું પણ વાણી કે પ્રાણી-સ્વાતંત્ર્ય આપણે એમને ન આપી શકીએ? આ ઉપરાંત અન્ય પ્રશ્ન એ ઉભો થયા છે કે ગધેડાનાં બોલવાને ભૂન્કવું કહેવું તે શું યોગ્ય છે? વાઘ અને સિંહ ત્રાડ પાડે કે ગર્જના કરે, પોપટ બોલે અને કોયલ ટહુકે, ઘોડો હણહણે પણ કૂતરાને ભાગે ભસવું અને ગધેડાને માટે ભૂન્કવું શબ્દો પ્રયોજનાર ભાષાશાસ્ત્રીઓમાં ગધેડાં બાબતે વૈજ્ઞાનિક સમજનો અભાવ જણાય છે.

Compilation of Donkey related cartoons by Mahendra Shah
Compilation of Donkey as subject matter cartoons by Mahendra Shah (USA)

વૈજ્ઞાનિકો અને અભ્યાસુઓ ગધેડાને કદી અન્ડરએસ્ટીમેટ નથી કરતાં કારણ કે લગભગ ૪૫૦૦ વર્ષ પહેલાં જયારે ગધેડાને પાલતું બનાવવામાં આવ્યા હતાં ત્યાર પછીના સમયમાં કોઈની પાસે ગધેડાં હોય એ સ્ટેટ્સ સિમ્બલ ગણાતું હતું, જેમ અત્યારે અમુક કાર ગણાય છે. ગધેડાં પરના અનેક ટેસ્ટથી સાબિત થયું છે કે ગધેડાઓ પોતાનાં કદ અને વજનના અન્ય પ્રાણીઓની સરખામણીમાં અડધું ખાય છે અને લગભગ બમણું કામ આપે છે. પાછો ગધેડાઓનો ડાયટ પ્લાન એની સરખામણી સૌથી વધું જેની સાથે થાય છે એ ઘોડા કરતાં વધારે ફ્લેક્સિબલ છે. ખોરાકમાં એ લીલા પાંદડા અને અનાજને બદલે સુકું ઘાસ ખાઈ ચલાવી લે છે. ગધેડાની ઊંચાઈ ઓછી હોવાથી એનાં પર સામાન લાદવામાં સરળતા રહે છે. ભલે ગધેડાં દુનિયામાં ડફોળાઈનાં પ્રતિક મનાતા હોય, તેઓ ઇન્ટેલીજન્ટ હોય છે. ગધેડાઓ અંદર અંદર હરિફાઈમાં નથી ઉતરતા અને ટીમ-વર્કમાં માને છે. એકવાર એને વિશ્વાસ બેસી જાય પછી એની પાસેથી ધાર્યું કામ લઈ શકાય છે. ગધેડાના આટલા ગુણ વાંચીને એવું નથી થતું કે આટલા સારા તો કર્મચારીઓ પણ નથી હોતાં ? n

No comments:

Post a Comment