Wednesday, August 06, 2014

કેટલાંક મોન્સુન બ્રેકિંગ ન્યૂઝમુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૩-૦૮-૨૦૧૪ | અધીર અમદાવાદી | 
---------------------------------------------------------------------------------------------------------------------------
વરસાદી પાણી અન્ડરપાસમાં ભરાય
માટે મુનસીટાપલી* કમિશ્નરે રાખી બાધા.

Image Courtesy: Dr. Hemang Desai
અમદાવાદ: જેમનાં ડેપ્યુટેશન પર દિલ્હી જવાના સમાચારથી નગર ગાજી રહ્યું છે તેવા મુનસીટાપલી કમિશનર અમદાવાદથી ખરાબ રેકોર્ડ લઇ જવા નથી માંગતા. અમદાવાદમાં બે ઈંચ વરસાદમાં તંત્રની પોલ લોકો આંગળીઓ કરી અને ફોટા પાડીને ખોલે છે. આવામાં કમિશનર સાહેબે આ વરસાદમાં જો અન્ડરપાસમાં પાણી ન ભરાય એ માટે બાધા રાખી હોવાનું જાણવા મળે છે. માનતા પૂરી થાય તો સાહેબ એક દિવસ માટે નોકર-ચાકર વગર પસાર કરશે એવું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં  ઠેકઠેકાણે આવેલા રેલ્વે અન્ડરપાસની ડ્રેનેજ ડીઝાઈન માટે એવું કહેવાય છે કે કૂતરા સુસુ કરી જાય તો પણ અન્ડરપાસ બંધ કરવો પડે. દર વર્ષે અંડરપાસમાં વાહનો ફસાય છે એટલે જ હવે અન્ડરપાસનું ડ્રેનેજ સુધારવાને બદલે મુનસીટાપલીએ અતિઆધુનિક દરવાજા મૂકી અન્ડરપાસમાં એક ફૂટથી વધારે પાણી ભરાય તો દરવાજા આપોઆપ બંધ થઈ જાય તેવી ગોઠવણ પ્લાન કરી છે. ટૂંક સમયમાં ડેમની જેમ અન્ડરપાસનાં દરવાજા ખોલ-બંધ કરવા માટે મુનસીટાપલી ‘અન્ડરપાસ ગેટ ઓપરેશન સેલ’ પણ ચાલુ કરશે.

અમદાવાદમાં વરસાદ પડે એટલે મુનસીટાપલીનો મોન્સુન પ્લાન યાદ આવે. અમુક જુનાં છાપાઓ તો માત્ર અમુક-તમુક ઈંચ વરસાદ પડ્યો એટલાં સમાચારનાં આધારે છાપામાં ‘પાલિકાનો મોન્સુન પ્લાન પાણીમાં’ એવું છાપી મારે છે. જે મોટેભાગે સાચું પણ પડે છે. ‘વરસાદ પડે એટલે પાણી ભરાય’ એ હવે ગટરોને પણ ખબર છે. અમુક બાળકો કે જે છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં જન્મ્યા છે અને ભારતની બહાર ક્યાંય ગયા નથી તેમને પાણી ભરાવાની ઘટનાથી નવાઈ નથી લાગતી. પણ જો ખુદ કમિશ્નરે બાધા રાખવી પડે તો લોકોનું શું થાય? તે હવે લોકજીભે ચર્ચાઈ રહ્યું છે. n


ગૌ-માંસની બેરોકટોક હેરફેરનો વિરોધ
કરવા રસ્તા ઉપર ઉતરી આવી ગાયો.

અમદાવાદ: અમદાવાદના યુનિવર્સીટી વિસ્તારના મોડલ રોડ ઉપર આજે સવારે અનેક ગાયો રસ્તા ઉપર આડી પડીને રાજ્ય અને શહેરમાં ગાયોની હત્યા અને ગૌ-માંસની હેરફેરના કિસ્સા અંગે વિરોધ કરતી નજર આવી હતી. ગોપાલકોએ આ અંગે ગાયોની દોરવણી ન કરી હોવાનું પણ જાણવા મળે છે. આજે સવારે સાડા નવનાં અરસામાં ઓફિસ જતાં વાહનચાલકો અને યુનિવર્સીટી અભ્યાસ કરવા આવતાં વિદ્યાર્થીઓનું ધ્યાન ચાલીસ-પચાસ ગાયો કે જેમની ઘણી રોડ પર ચોખ્ખી જગ્યા શોધી પોતાનાં જીવની પરવા કર્યા વગર પોલીસની નિષ્ક્રિયતાનો વિરોધ કરતી નજર આવી હતી.
આ અંગે અમારા સંવાદદાતાએ જયારે ટોળામાં સૌથી આગળ બેઠેલી લીડર જેવી ગૌરી ગાય સાથે વાત કરી ગૌરીએ જણાવ્યું હતું કે આ અંગે અમે રજૂઆત કરવા પોલિસ સ્ટેશન ગયાં તો પોલિસકર્મીઓએ અમને બેરહેમીથી લાકડીઓ મારી ભગાડી દીધી હતી. એથી અમે અહિંસક રીતે વિરોધ કરવા માટે સૌના પ્રિય એવા યુનિવર્સીટી વિસ્તારમાં ભેગાં થયા છીએ.’ જયારે ગૌરીને એમ પૂછવામાં આવ્યું કેતમારા અગામી કાર્યક્રમો શું છે?’ તો એણે જણાવ્યું હતું કે જો અમારી અહિંસક લડતને લોકોનો ટેકો અને પોલીસની નક્કર કાર્યવાહીમાં નહીં પરિણમે તો અમે લોકોને શીંગડે ચડાવવા તેમજ સાંકડા રસ્તાની મધ્યમાં બેસી ટ્રાફિક જામ કરવા જેવા જલદ પગલા લેતાં અટકીશું નહિ.’ સરકાર અને પોલિસ કમિશ્નરે આ બાબતમાં હંમેશની જેમ મૌન સાધ્યું છે.
જોકે અંદરખાને એવું જાણવા મળે છે કે આ તો વરસાદ સમયનું સામાન્ય દ્રશ્ય છે અને લોકો ગાયો વચ્ચે વાહન ચલાવવા એવા ટેવાઈ ગયા છે કે જે દિવસે ગાયો ન હોય તો પણ લોકો સીધી લીટીમાં વાહન ચલાવી નથી શકતા. મુનસીટાપલી ઢોર ત્રાસ નિવારણ હેલ્પલાઈન પર નંબર ડાયલ કરવાનો પ્રયત્ન કરતાં સામેથી જવાબ મળ્યો હતો કે આ મુનસીટાપલી વિઝા હેલ્પલાઈન છે. જો તમે ગાયોના ત્રાસથી કંટાળીને બીજાં કોઈ દેશમાં સ્થળાંતર કરવા ઇચ્છતા હોવ તો અમારા વિઝા એક્સપર્ટ સાથે વાત કરવા લાઈન ..... ચાલુ રાખોn


અમદાવાદનાં રસ્તાઓ પર ભરાતાં 
વરસાદી પાણીમાં વિકસાવાશે બીચ ટુરીઝમ.
અમદાવાદ: આજે ગાંધીનગરમાં પર્યટન મંત્રીની હાજરીમાં બ્રાઝિલની એક કંપનીએ સરકાર સાથે અમદાવાદમાં બીચ ટુરીઝમ વિકસાવવા કરાર કર્યા. એવું જાણવા મળે છે કે બ્રાઝિલમાં ઇકોનોમીનાં ખરાબ હોવાને પગલે બીચ ટુરીઝમનાં પણ વળતાં પાણી થયા છે. ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તોફાનોના કારણે થાઈલેન્ડ જેવા દેશમાં પણ હવે લોકો ભારત તરફ વળ્યા છે. આવામાં સદા અગ્રેસર ગુજરાત-અમદાવાદે બ્રાઝિલની કંપની સાથે અમદાવાદમાં કુદરતી રીતે સર્જાતાં આર્ટીફીશીયલ બીચ બનાવી અમદાવાદની પાણીની સમસ્યાને વિકાસની તકમાં ફેરવી નાખવાનું નક્કી કર્યું છે.
યોજનાની પ્રાથમિક જાણકારી આપતાં બ્રાઝિલીયન કંપનીના સીઈઓ શ્રી રોનાલ્ડોએ જણાવ્યું હતું કે અમદાવાદ બીચ ટુરીઝમ માટે આદર્શ છે. અમારા ફીઝીબીલીટી સ્ટડીમાં જાણવા મળ્યું કે અમદાવાદની પ્રજા બીચની મઝા માણવા ચારસો પાંચસો કિમી ડ્રાઈવ કરીને દીવ અને દમણ જાય છે એનાં બદલે અમારી ઘર આંગણે બીચ આપવાની યોજના છે. આ યોજના અંતર્ગત બધાં જ અન્ડરપાસને ચોમાસાથી શરુ કરીને ત્રણ મહિના સુધી પ્રાઈવેટ બીચમાં ફેરવી દેવામાં આવશે. આમેય અન્ડરપાસનું પાણી નીકળતું નથી તેવામાં લોકો અંડરપાસમાં ધુબાકા તો મારે જ છે, તો એને કાયદેસર રીતે બીચમાં ફેરવી નાખી અમે મુસીબતને તકમાં ફેરવીશું. આ ઉપરાંત અન્ય રસ્તાઓ કે જ્યાં ઝરમર વરસાદમાં પાણી ભરાઈ જાય છે ત્યાં બંને તરફથી પ્રવેશબંધી કરી વોટર સ્પોર્ટ્સ માટે વાપરવામાં આવશે. ટૂંક સમયમાં સ્પીડ બોટિંગ, વોટર સ્કીઈંગ જેવી એક્ટીવીટી ચાલુ કરવામાં આવશે જયારે અન્ડરપાસમાં સ્ક્યુબા ડાઈવિંગ અને અન્ડર સી વોક પણ કરાવવામાં આવશે. આ માટે રેતી તો વરસાદના પાણી સાથે ઢસડાઈને આવે જ છે પણ જરૂર જણાતાં પાણીમાં મીઠું પણ ઉમેરવામાં આવશે..
જોકે આ યોજનાનો અમુક સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. આ યોજના અમલમાં મુકાશે તો રસ્તાઓ બંધ થવાથી લોકોને વધારે હાલાકી પડે તેવી પીઆઈએલ હાઈકોર્ટમાં થવાની શક્યતા છે. છતાં સરકાર આ યોજના અમલમાં મુકવા કટીબદ્ધ હોઈ એમણે લીગલ ઓપિનીયન પણ મેળવી લીધો છે. જાણવા મળે છે કે ચોમાસાના દિવસોમાં ગયાં વર્ષોમાં કેટલા રસ્તા કેટલા દિવસ બંધ રહ્યાં હતાં તેની રજૂઆત વિરોધ પક્ષે વિધાનસભામાં કરી હતી. રસ્તા બંધ જ રહે જ છે તો આ યોજનાનો અમલ કરવાથી લોકોને વિશેષ હાલાકી નથી પડવાની તેવો જવાબ સરકાર હાઈકોર્ટમાં વિપક્ષે રજૂ કરેલ આંકડાઓને આધારે આપશે તેવું મનાય છે. આ સમાચાર સાંભળીને કેટલાક અધીર અમદાવાદીઓએ પેન્ટ કપાવીને ચડ્ડીઓ બનાવવાની શરૂઆત કરી દીધી છે. n
-------------
*મુનસીટાપલી = પચીસ હજારની વસ્તી ધરાવતી મ્યુનિસિપાલિટી લેવલનું કામ કરતું મ્યુનિસિપલ કોર્પોરેશન

1 comment:

  1. જોરાદર કાન આમર્ળો છે તમે મુનસીટાપલીનો પણ., પણ., કદાચ તેમને અસર નહી થાય., જ્યારે અસર થશે તો સમજી લેવાનુ કે સરકારે મુસીટાપલીની જગ્યાએ બીજી કોઇ વ્યવસ્થા કરહી હશે..

    ReplyDelete