Sunday, May 17, 2015

પત્નીને પિયર મોકલવાની કળા

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૭-૦૫-૨૦૧૫ | અધીર અમદાવાદી |
-
કૌશલે ભોળા થઈને કૌશલ્યાને કહ્યું ‘હું શું કહું છું, મમ્મી-પપ્પા આ વખતે ભાઈના ત્યાં લંડન તો નથી જવાના ને ઉનાળામાં?’

હકીકત એ હતી કે ડોહાએ પોતે કહ્યું’તુ કે, ‘કૌશલકુમાર આ વખતે કીર્તિભઈની છોકરીના લગન છે મે એન્ડમાં, અને પછી જુનની ચોવીસમીએ જ્ઞાતિના ફંકશનમાં હાજરી આપવી પડે એવી છે, કારોબારીમાં છું એટલે, એટલે આ વખતે આ ગરમીમાં અહીં જ રહેવું પડશે, શું થાય?’ પણ કૌશલ કોલેજ કાળ દરમિયાન નાટકમાં ભાગ લેતો હતો એ આખી વાત કૌશલ્યાએ ડિસ્કાઉન્ટ કરી નાખી હતી.

કૌશલ્યા: ‘મારે વાત તો થઈ નથી, પણ જવાના હોત તો મને મમ્મીએ કહ્યું જ હોત’.

કૌશલે સોગઠી મારતાં ચહેરા પર માસુમિયત જાળવીને જવાબ આપ્યો: ‘તો ઠીક, મેં કીધું મમ્મીની તબિયત નરમ ગરમ રહે છે ને આમ લંડન દોડાદોડ કરે એ સારું નહિ’.

કૌશલ્યા : ‘સાચે મમ્મી બહુ વિક થઇ ગયા છે, અને પપ્પા જ્ઞાતિની પંચાતમાંથી ઊંચા નથી આવતા’

કૌશલ મનમાં વિચારે છે કે, ભૂતકાળમાં એકવાર સસરાને પોતે પંચાતીયા કીધા હતા એમાં ઘરમાં કેવું યુદ્ધ ખેલાઈ ગયું હતું. પણ એવું મનમાં લાવ્યા વગર, કૌશલકુમાર ઉર્ફે કેકે આગળ ચલાવે છે. ‘શું કરે પપ્પા પણ? રીટાયર થયા પછી એમને રૂપિયાની ભલે જરૂર ન હોય, પણ કોઈ પ્રવૃત્તિ તો જોઈએ ને?’

કૌશલ્યા: ‘પણ મમ્મી એકલી પડે છે એનું શું? આખો દિવસ બિચારી સીરીયલો જોયા કરે છે’.

મમ્મીની રોવાધોવાની સીરીયલ જોવાનાં ગાંડપણ વિષે ટીકા કર્યા બાદ અઠવાડિયા સુધી રોજ કોબીનું બાફેલું શાક ખાવું પડ્યું હતું તે કૌશલને યાદ આવી ગયું. પણ એને પણ અવગણીને કૌશલે આગળ ચલાવ્યું.

કૌશલ: ‘હા, સાચેજ, મમ્મી એકલી પડી ગઈ છે. પણ શું થાય? તું પણ જઈ શકે એમ નથી આ વખતે’.

કૌશલ્યા : ‘કેમ? હું જઈ જ શકું એમ છું.’

કૌશલ : ‘એટલે તું ચોક્કસ જઈ શકે, પણ આ તો તું પેલા ડ્રાઈવિંગ ક્લાસ જોઈન કરવાનું વિચારતી હતી એટલે મેં કીધું’.

કૌશલ્યા : ‘ડ્રાઈવિંગ તો ગમે ત્યારે શીખાશે, મને લાગે છે હું જઈ જ આવું. પણ ટીકીટ મળશે ને?’

કૌશલ મનમાં વિચારી રહ્યો. આને દસ વરસથી ડ્રાઈવિંગ શીખવાડું છું. પાંચ-દસ કિમી. ચલાવીને પછી બહાના કાઢી ઓટો કે સ્કુટી પર નીકળી પડે છે. છેવટે કંટાળીને ક્લાસ ભરવાનું નક્કી થયું હતું.

કૌશલ : ‘હા, એ પણ છે, ડ્રાઈવિંગ ક્લાસ તો બારેમાસ ચાલુ જ હોય છે, અને ટીકીટ તો ગમે તેમ કરીને કરાવી દઈશ. નહિ થાય તો ફ્લાઈટમાં જજે, બીજું શું’.

---

નર્સરીમાં દાખલ કરેલા બાળકને ઘરમાં તૈયાર કરો ત્યારથી એનો કકળાટ ચાલુ થઈ જાય. એને મુકવા જાવ કે વાનમાં બેસાડો ત્યારે તો ભેંકડા ચાલુ થઈ જાય છે. પત્નીને પિયર જવાની દરખાસ્ત પતિ તરફથી મુકવામાં આવે તો એના રીએક્શન પણ ધમાકેદાર હોય છે. સફળ પતિ એ છે, જે પત્નીને પિયર જવા પ્રેરે છતાં પેલીને ખબર નથી પડતી કે આખા આયોજનમાં ક્યાંય વિઘ્ન ન આવે તે માટે પોતાનો સગ્ગો પતિ વિઘ્નહર્તાનો રોલ કરી રહ્યો છે.

આ માટે પિયર જવાની ડેટસ અને કોઈ અન્ય સામાજિક પ્રસંગની તારીખોની અથડામણ, ટ્રેઈન-પ્લેનનું બુકિંગ, જ્યાં જવાની છે ત્યાં એ તારીખોમાં ઘર ખુલ્લું હોવું જેવી અનેક બાબતોનું સફળ કો-ઓર્ડીનેશન કરવું પડે છે. ફ્લાઈટ કે ટ્રેઈનનું શીડ્યુલ સહેજે અટવાય નહિ એ માટે પંદર દિવસ પેલ્લાથી હવામાન ખાતાની આગાહીઓ જોતા હોય, પોતાને ઓફીસમાંથી રજા મળશે નહિ એ વાત ની ખાતરી કરાવવા એક મહિનાથી ઓવરટાઈમ કરીને મોડા ઘરે પધાર્યા હોય અને ઘરે આવીને સતત બોસની બુરાઈ કરી હોય. જેથી પિયરે મુકવા કે લેવા જવાની જવાબદારીમાંથી છટકી શકાય। ખાવા-પીવામાં તકલીફ પડશે એ પ્રશ્નના હાલ સ્વરૂપે છેલ્લા અઠવાડિયામાં ‘મને તો એમેય પેટ માં ગરબડ છે હમણાં 3-4 દિવસ તો દહીં-ખીચડી જ જમી લઈશ’ ના નાટક!! આમ પતિની મેનેજરીયલ સ્કીલ્સ કાબિલેદાદ હોય છે, પણ એને દાદ આપનારનું મ્હોં બંધ રાખવા પાછા વિશેષ પ્રયાસો કરવા પડે છે. ટૂંકમાં જે માણસ પત્નીને પિયર મોકલવામાં સફળ થાય તે થોડા દિવસ બુદ્ધ બની જાય છે. બાકી, સોક્રેટીસો તો ચૌરે અને ચૌટે અથડાય જ છે!

પત્ની પિયર જાય એ દુઃખી થવાની ઘટના છે કે ખુશીની, તે ચર્ચાનો વિષય હોઈ શકે. આ અંગે અમે મહિલાઓ સાથે ઘર્ષણમાં ઉતરવા તૈયાર પણ નથી. એટલે જ સિક્કાની બીજી બાજુ વિષે પણ લખવું જરૂરી છે. ઘણાં પતિ એવા હોય છે કે જેમનાથી શેક્યો પાપડ પણ ભાંગતો નથી. ખીચડી તો દુર ચા પણ બનાવતા એમને આવડતી નથી. એટલે પત્ની પિયર જાય ત્યારે જાતમહેનત કરવામાં એમને કોઈ જાતનો રસ નથી હોતો. પત્નીની ગેરહાજરીમાં જરૂરી કામમાં જેવા કે દૂધ લેવું અને ગરમ કરવું, વાસણ સાફ કરવા, કપડાં ધોવડાવવા અને ઈસ્ત્રી કરાવવા અનિવાર્ય હોય છે. પણ કપડા ઇસ્ત્રીમાં આપવા જેટલા સામાન્ય કામમાં મહાશય સાફસૂફી માટે રાખેલા કટકા અને ફાટેલી ચાદરોને પણ જોયા વિના ઇસ્ત્રીમાં આપી દે છે. આવા કામોમાં ભોગેજોગે જો પુરુષ આવડત ધરાવતો હોય તો તે પત્નીની સફળતાની નિશાની છે. પણ ખેદ સાથે કહેવું પડે છે કે પત્નીઓ આમાં પણ મહદઅંશે નિષ્ફળ ગયેલી જણાય છે. મમ્મીઓને તો પોતાના ચિરંજીવીને આવી કળા આપવાનું જરૂરી જણાયું જ નથી.

પત્ની પિયર જાય એટલે જોકે વાત પૂરી થતી નથી. હવે કંઈ એ દિવસો નથી કે જયારે જન્મ-મરણના સમાચાર પણ ટેલીગ્રામથી કે પાડોશીના ફોન પર આપવા પડતાં હતાં. હવે તો ટ્રેઈન પ્લેટફોર્મ છોડે એ પહેલા વોટ્સેપ પર મોનીટરીંગ ચાલુ થઈ જાય છે. ‘હજુ પ્લેટફોર્મ પર જ ઉભો છે ઓફીસ નથી જવું?’ હોંશિયારપૂરમાં જન્મેલી પત્નીએ વોટ્સેપ પર બે બ્લુ ટીક જોઈ જાણી લીધું હતું કે પાર્ટી જો ડ્રાઈવ કરતી હોત તો બ્લુ ટીક જોવા ન મળત! પણ એને કઈ રીતે કહેવાય કે પેટની ગડબડ બતાવવા બે દિવસથી ખીચડી ખાઈને કંટાળી ગયો છું, અને પ્લેટફોર્મ ઉપર જ ઉજવણીની શરૂઆત કરી દીધી છે?

હવે પત્નીના પિયર બીજા શહેરમાં હોતા નથી, હોય તો છોકરાંના ભણતરને કારણે ડગલે ને પગલે એ પિયર જતી નથી, અને પિયર જાય તો એ ઝાઝું ટકતી નથી. આમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના લીધે પત્ર લખવા અને જવાબ મેળવવાનો રોમાંચ સાવ જતો રહ્યો છે, એટલે સુધી કે હવે કવિઓના વિરહ ગીતોની ક્વોન્ટીટી અને ક્વોલીટી પહેલાના જેવી નથી રહી. પુરુષો સ્વનિર્ભર બને અને ઘરનું કામકાજ શીખે એ હેતુથી નહીં તો એમનામાં રહેલા કવિને ઉજાગર કરવા માટે પણ પત્નીઓએ પિયર જવું જોઈએ. શું કો છો? n

No comments:

Post a Comment