Sunday, May 03, 2015

ડીમ લાઈટ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૩-૦૫-૨૦૧૫

ટોલ બુથ પર આગળનાં વાહન પાછળ સવા ચાર મિનીટ બગડતા ટોલ બુથ કર્મીને અમે કંટાળા સાથે પૂછ્યું કે ‘શું તમારું નામ ધીરુભાઈ છે?’ એણે ઠંડકથી જવાબ આપ્યો ‘ના, શાંતિલાલ છે.’
------
ઘણાં એટલા સ્લો હોય છે કે એમને જોઇને સ્લો મોશનમાં મુન વોક કરતી ગોકળ ગાય યાદ આવે. જેમ હાથીને ધક્કા મારવાથી દોડાવી શકાતો નથી એમ અમુક લોકોને હોંશિયાર બનાવવા સારામાં સારા શિક્ષક કે પ્રોફેસર માટે અશક્ય હોય છે. એક માતા સો શિક્ષકની ગરજ સારે એવું ભલે કહેવાતું હોય, પણ સો શિક્ષક સમાન મમ્મીઓ પણ આવા નંગોને હોંશિયાર બનાવી નથી શકતી. પોલીટીક્સમાં આપણે આવી ડીમ લાઈટ જોઈ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો પોતે ડીમ લાઈટ નથી એ સાબિત કરવા પ્રમોશનલ વિડીયો બનાવવા પડે એટલી હદે ડમ્બ લોકો પડ્યા છે.

જેમ વીજળી થયા પછી થોડીવાર રહીને અવાજ સંભળાય છે, એમ ઘણાંને જોક કીધા પછી થોડીવાર રહીને ચમકારો થાય છે. કેટલાક ને એ પણ નથી થતો. એમને ચોક-ડસ્ટર લઈને સમજાવવા પડે કે, જુઓ પહેલા આવું થયું, પછી આવું થયું, અને છેલ્લે આવું થયું, ચાલો હસો જોઈએ! સાલું જોક કીધા પછી જયારે કોઈને એ સમજાવવો પડે ત્યારે એન્જીન વગરની કારને ધક્કા મારતાં હોઈએ એવું લાગે છે. પણ ક્યાં સુધી ધક્કા મારવા?

અમુક ડીમ લાઈટ હોય છે અને અમુક ટ્યુબ લાઈટ. ડીમ લાઈટ ઝીરોના બલ્બ જેવા હોય છે જેમાં બ્રાઈટનેસ કાયમી ધોરણે ઓછી હોય છે. ટ્યુબ લાઈટ મોડી મોડી પણ લાઈટ આપે છે. જોકે ટ્યુબ લાઈટ સળગે ત્યાં સુધી એ ઝબકારા માર્યા કરે છે. એમાંના ઘણા ઉડી ગયેલી ટ્યુબ લાઈટ જેવા હોય છે, હમણાં સળગશે, હમણાં સળગશે એવી આશા આપણને બંધાવી જાય. કૂવામાં હોય તો હવાડામાં આવે જ એવું આ બત્તીઓના કિસ્સામાં હંમેશા સાચું નથી હોતું. ઘણીવાર બાપ હેલોજન લાઈટ જેવો હોય અને દીકરો અગરબત્તી જેવો હોય એવા અનેક કિસ્સાઓ ફીલ્મ ઇન્ડસ્ટ્રીમાં મળશે. અમુક સફળ ફિલ્મ સ્ટાર્સનાં પુત્રો એકાદ હીટ આપે ત્યારે એ ઝળહળશે એવી આશા બંધાવી જાય પણ પછી ચાઈનીઝ લાઈટની સીરીઝ જેવું. હજી પણ એમની ઠરેલી બત્તીમાંથી પ્રકાશ પુંજ પ્રગટ થશે એ આશાએ ઘણા સ્ટાર/ પ્રોડ્યુસર પિતાઓ એમના કરંટ વગરના હોલ્ડરમાં હજાર વોટના બલ્બ ભરાવતા જોવા મળે છે.

ડીમ લાઈટોના ગામ નથી વસતાં. એ આપણી વચ્ચે જ રહેતી હોય છે અને એમને અલગ તારવવી અઘરી હોય છે. મહાભારત વખતે અર્જુને પ્રભુને એના વિષે પૂછ્યું હોત તો ‘डिम लाइटस्य लक्षणानि’ મથાળા હેઠળ આપણને વિગતે જાણવા મળત, પણ કમનસીબે એવું નથી થયું. ખરેખર કામ અઘરું છે કારણ કે એક તો આવી ડીમ લાઈટોનો દેખાવ છેતરામણો હોય છે ઉપરથી એમનું પેકેજીંગ અને માર્કેટિંગ એટલું જોરદાર હોય છે જ્યાં સુધી એ પૃથ્વીરાજ ચૌહાણને ભારતના વડા પ્રધાન ન ગણાવે કે કોઈ અઘરો ન્યુઝ એન્કર અલગ અલગ માત્રાના કરંટ આપીને એમનો ટેસ્ટ ન કરે ત્યાં સુધી ડીમ લાઈટ લાઈમ લાઈટમાં નથી આવતી. જોકે આવી બત્તીઓને ઓળખવામાં અને પ્રસિદ્ધિ આપવામાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ સૌથી આગળ છે.

નાના બાળકો એકદમ ક્યુટ લાગતા હોય છે. એમના માટે સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે બાળક તો ભવિષ્યનો નાગરિક છે. આવા ટેણીયા વિષે એના મા-બાપનો જે અભિપ્રાય હોય એવો જ એ મોટો થઇ ને બને તો આપણા દેશમાં પાંચેક કરોડ સચિન, ત્રણ કરોડ ધોની, અઢી કરોડ જેટલા સલમાન, દોઢ કરોડ જેટલી દીપિકા, એકાદ કરોડ જેટલા રણબીર, અને પચાસ સાઈઠ લાખ માઈકલ જેક્સન અને બીલ ગેટ્સ પણ પાકે. એ વખતે ભૂલવું નહિ કે અક્કલમઠ્ઠાઓ અને ડીમ લાઈટો નાનપણમાં તો ક્યુટ જ લાગતી હોય છે. ઇન ફેક્ટ તમે જેને તેડીને રમાડી રહ્યા છો એ ભવિષ્યનો હોનહાર નાગરિક છે કે અક્કલમઠ્ઠો છે એ કહેવું કઠીન હોય છે. જોકે ‘પુત્રના લક્ષણ પારણામાંથી’ કહેવત મુજબ મા-બાપને આની સૌ પહેલા ખબર પડતી હોય છે. તોયે આપણે ત્યાં છોકરું સુસુ કરી ને કહે અથવા કહીને સુસુ કરે, બંને કિસ્સામાં મા-બાપ ગર્વ લેતાં જોવા મળે છે. એમને ભણાવવા-ગણાવવામાં પુરતી કીકો માર્યા પછી પણ એન્જીન ઉપડે નહિ તો છેવટે સુયોગ્ય પાત્ર જોઇને પરણાવી દેતા હોય છે. સામેવાળું પાત્ર બરોબરીનું મળે તો ‘હશે, એક જ ઘર બગડ્યું’ એવું આશ્વાસન લેવામાં આવતું હોય છે.

આ દુનિયામાં અક્કલમઠ્ઠાઓ છે તો બુદ્ધિમાનોની કિંમત છે. બધાં એક સરખાં બુદ્ધિશાળી હોત તો જીવવાની મઝા ન આવત. કારણ કે પાંચ બૌદ્ધિક બેઠા હોય અને તમે જોક કહેશો તો ભાગ્યે જ કોક હસશે. કાં એમને તમારા જોકમાં બાલીશતા દેખાશે અથવા એમને તમારો જોક સ્ત્રી કે નિર્બળનું અપમાન કરનારો, પશુ પીડન પ્રેરક, પોલીટીકલી અયોગ્ય વ્યક્તિનું સમર્થન કરનારો લાગશે. બીજું કંઈ નહિ તો છેવટે હસવામાં અહમ નડશે. તમે કીડીના જોકની શરૂઆત ‘પહેલી કીડીએ કહ્યું....’ થી કરશો તો એ સવાલ ઉઠાવશે, કે ‘જોકમાં ક્યારેય બીજી કીડી વાત શરુ ન કરે? તમારાં ટુચકા બધાં સ્ટીરીયો ટાઈપ છે’. એની સામે ડીમ લાઈટને ખબર હોય કે તમે જોક કહી રહ્યા છો તો એ તમારું માન જાળવવા માટે પણ હસી લેશે, અને તમને મોળા નહિ પાડવા દે. બસ એને ખબર પડવી જોઈએ કે જોક ક્યારે પૂરો થયો. n


મસ્કા ફન
સ્વીચ ઓન કર્યાની
સાડા ત્રણ મિનીટ પછી
ટ્યુબ લાઈટ ચાલુ થઈ
... ને તમે યાદ આવ્યા.

No comments:

Post a Comment