Sunday, May 03, 2015

ગુલ્ફીથી એસી સુધી

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૩-૦૫-૨૦૧૫ | અધીર અમદાવાદી |

નાના હતા ત્યારે વેકેશનમાં વતન વિસનગર જતાં, ત્યાં આખા ઘરમાં એક જ પંખો હતો. ઘરની દીવાલો પહોળી હોવાથી અંદર ગરમી તો બહુ નહોતી લાગતી, પણ ઠંડક તો નહોતી જ. એટલે વાંસની પટ્ટીના હાથપંખા ચલાવવા પડતાં. એમાં પહેલી આંગળી છોલાઈ જતી. જે સધ્ધર હોય એમના ભરતકામ કરેલા હાથપંખાની દાંડી પોલીશ કરેલી રહેતી, જે હાથમાં ઓછી વાગતી. ઘર માથે છાપરું હોવાથી રાત્રે સુવા કોઈ સબંધીનાં ધાબે જતાં. દિવસે પતરાની કટાયેલી પેટીમાં બરફ અને મીઠું નાખી એમાં ફસાવેલા પતરાના મોલ્ડમાં ફ્લેવર્ડ મીલ્ક રેડી, ઠારીને બનાવેલી ગુલ્ફી ખાતાં કોઈ રોકતું નહોતું.

હવે તો બધે એસી આવી ગયા છે. જેમને ‘એર કંડીશન’ બોલતાં નથી આવડતું એમનાં ઘર, કાર અને ઓફિસો એસી છે. હવે હોટલ, રેસ્ટોરાં, કોચિંગ કલાસીસ, અને કોલેજથી લઇ કરિયાણાની દુકાનો સુધી એસી લાગી ગયા છે. હવે નોકરીમાં પગાર તો સારા મળે છે, પણ જાણે ચેનલ, ટેલિફોન, ઈન્ટરનેટ અને ઈલેક્ટ્રીસીટીનાં બીલ ભરવા માટે જાણે વધુ કમાતાં હોઈએ એવું લાગે છે. ઘણીવાર તો સારી અને સળંગ ઊંઘ આવે તે માટે નખાવેલ એસીનું બિલ ભરવાનો સમય આવે ત્યારે એસીમાં પણ ઊંઘ નથી આવતી. આમ છતાં પરસેવો વાળવા સ્ટીમ કે સોના બાથ લેવા જવું પડે છે. હા, આપણે ત્યાં હજી બાથરૂમમાં એસી નથી આવ્યા એટલે નહાયા પછી એટલો પરસેવો થાય છે કે શરીર લૂછતાં લૂછતાં ક્યારે પરસેવો લૂછવાનું ચાલુ થઇ જાય છે એ ખબર નથી પડતી.

ઉનાળામાં કુતરું પણ ભીની જગ્યામાં ખાડો કરીને ઠંડક જોઈ બેસે છે. કીડી-મંકોડા માટીના કુંડાની નીચે ભરાય છે. એવી જ રીતે ઘરમાં કે ઓફિસમાં જ્યાં એસી લાગેલું હોય ત્યાં કોઈનું કોઈ કારણ શોધી બધાં ભેગા થઇ જાય છે. એક જમાનામાં ગુજરાતી કરમુક્ત ફિલ્મો એસી થીયેટરમાં લાગી હોય, તો માત્ર ઠંડક માટે એ ફિલ્મો જોઈ નાખતા. આશ્રમ રોડ પર આવેલા મિલોનાં શો રૂમમાં એસીની ઠંડક માણવા માટે આંટો મારતાં. બારી દરવાજા પર ખસની ટટ્ટી લગાડીને એની ઉપર સાંજ પડે પાણી છાંટવામાં, અને પછી એ સુંઘવા અને પાસે ઉભા રહી ઠંડક માણવામાં સમય પસાર થઇ જતો હતો.

એસી ઠંડક આપે છે. બેક્ટેરિયા ફિલ્ટર કરે છે. મચ્છર ભગાવે છે. એસી માટે બારીઓ બંધ કરવાથી ઘરમાં ઓક્સિજન ઘટે તો સ્માર્ટ એસી એ ખેંચી આપે છે. એસી સેટ કરો એ પ્રમાણે ચાલુ અને બંધ થાય છે. ભલું હશે તો ભવિષ્યમાં એસી કચરા-પોતા પણ કરશે. આજકાલ એસી એટલા સ્માર્ટ થઇ ગયા છે કે રૂમમાં તમારી કે તમારા કૂતરાની હાજરી પારખી લઈને એસીનો ફલો એડજસ્ટ કરે છે. અમદાવાદી તો રીમોટ કન્ટ્રોલ રમકડા ચલાવી આ એસી કામ કરે છે કે નહિ તે ચેક કરે છે. જોકે આવા સ્માર્ટ એસીનાં મોટા ભાગના સ્માર્ટ ફીચર્સ બાળકો અથવા ઇન્સ્ટોલ કરનાર મિકેનિક સિવાય કોઈ વાપરી શકતું નથી એ અલગ વાત છે. એમાં અમુક વાપરનારા એટલા ડમ્બ હોય છે કે ઓન-ઓફ કરવા માટે પણ એમને ટ્રેનિંગ આપવી પડે છે, અને ટ્રેનિંગ લીધા પછી પણ માત્ર ઓન-ઓફ કરવા જતાં એસીના બીજાં સેટિંગ ખોરવી નાખે છે. આવા લોકોની સૌથી સામાન્ય ફરિયાદ ‘જો તો, ક્યારનું એસી ચાલુ કર્યું, હજુ ઠંડક કેમ નથી થતી?’ હોય છે.

જોકે માણસોની જેમ જ બધા એસી સ્માર્ટ નથી હોતા. કોઈ પણ સ્ટાર વગરની મિડલ ક્લાસ હોટલમાં ભરાયા હોવ તો ખબર પડે. વિન્ડો એસી હોય તો પણ કોઈ સ્ટાર પુત્રની જેમ બાંધેલી સ્પીડમાં ચાલતું હોય. અમુક એસી રજનીકાંતના ઘરમાંથી સેકન્ડ-હેન્ડમાં ખરીદ્યા હોય એમ જોતજોતામાં એટલી ઠંડક કરી દે કે રાતે કબાટો ફેંદી ઓઢવાના શોધીને ઓઢવા પડે. ક્યાંક જેરીને મધરાતે ધાડ પાડતો રોકવા પરાણે જાગતાં ટોમનાં પોપચાંની જેમ એસીની ગ્રીલ એની જાતે પડી જઈ ફરશને ઠંડી કરતી હોય. અમુક એસી દીપિકા પાદુકોણે જેટલા હોટ હોય. એમાં હવા પણ લગભગ ગરમ આવતી હોય છે. સ્પ્લીટ એસી હોય અને માથા ઉપર હોય, તો ટાઢા તબુકલાની જેમ પાણીનું ટીપું એકાએક મસ્તિષ્ક પર ટપકીને આપણને ચોંકાવી દે. આ બધી અગવડો વચ્ચે, વિન્ડો એસીની ગ્રીલમાં કાગળના ડૂચા ફસાવી, અથવા પલંગને દીવાલથી દુર ખસેડવા જેવા અનેકવિધ ઉપાયો કરી તમે જયારે સુઈ જાવ ત્યારે કૂકડો બાંગ પોકારવાની તૈયારીમાં હોય. પણ એસીના ઘોંઘાટમાં એ ક્યાં સંભળાય?

એક જમાનામાં જેમને અમિતાભ બચ્ચનને ફિલ્મમાં લેવો ના પોસાતું હોય એવા નિર્માતા મિથુનને લઈને ફિલ્મો બનાવતા. એ વખતે મિથુન દા ગરીબ નિર્માતાના અમિતાભ કહેવાતા. પછી મિથુન દાના ભાવ પણ ઉંચકાયા. ત્યારે જે નિર્માતાઓ પાસે મિથુન દાની ફી ચૂકવવાના પૈસા ના હોય એ ગોવિંદાને લેવા લાગ્યા. ગોવિંદા ત્યારે ગરીબ-ગરીબ નિર્માતાનો મિથુન કહેવાતો. એસીમાં પણ આવું જ કંઇક છે. જેમને બચ્ચન જેવા એસી અને એના ઊંચા ઈલેક્ટ્રીસીટી બીલ ના પોસાતા હોય એ લોકો માટે એર કુલર એ મિથુન દા, અને પંખો ગોવિંદા છે. જે લોકોની હેસિયત શ્રેયસ તલપદે કે કુણાલ ખેમુના પ્રોડ્યુસરો જેવી હોય છે, એ લોકો માથે ભીનો ટુવાલ મુકીને કામ ચલાવે છે.

આવામાં બે મોટા ફિલ્મ સ્ટાર્સ માથામાં નાખવાથી ઠંડક થાય તેવા તેલની જાહેરાત કરે છે. એ અલગ વાત છે કે કોઈ માને એમ નથી કે એ બે જણા પોતે પણ પણ આ તેલ વાપરતા હશે. એસીના બીજા વિકલ્પ તરીકે હજુ ઘણા લોકો ધાબામાં સુવે છે. આ તકનો લાભ લઇ તસ્કરો, નોકરો માટે જે કાયમી ફરિયાદ હોય છે તે, ઘર અને તિજોરી બરોબર સાફ કરી નાખે છે. જે રૂમમાં એસી હોય એ જ રૂમમાં તિજોરી હોય છે, એ જોતાં એસી રૂમમાં સૂનારને ત્યાં ઉનાળામાં ચોરીની શક્યતા ઓછી રહેલ છે. ગરમીમાં સુયોગ્ય કપડા એ એસીનો ત્રીજો વિકલ્પ છે. એમાંય જુના સમયના ધોતિયાં તો એરકન્ડીશન્ડ હતા. કાણાવાળા ગંજી ગરીબોનું એસી છે. એમાં કાણા પાડવા નથી પડતાં. એટલે જ ઉનાળામાં નવા ગંજી ન પહેરવા.

યુરોપ અમેરિકા જેવા શીત પ્રદેશોમાં લોકો ઉનાળાની રાહ જુવે છે. આપણે ત્યાં લાખો રૂપિયા ખર્ચીને ઉનાળામાં સ્વિત્ઝરલેન્ડ, યુરોપ, અમેરિકા જેવા ઠંડા પ્રદેશોમાં ફરવા જવાની ફેશન છે. તડકો નીકળે એટલે વિદેશમાં સ્ત્રીઓ બીકીની પહેરીને સનબાથ લે છે. પરસેવો પાડવા સોના બાથ લે છે. અહીં ઘર આંગણે તડકામાં કામ કરતાં લોકોની આપણે દયા ખાઈએ છીએ. ઉનાળામાં શિયાળાની અને શિયાળામાં આપણે ઉનાળાની રાહ જોઈએ છીએ. આપણે સવારે સુરજની પૂજા કરીએ છીએ અને બપોરે ગરમીનો કકળાટ. આપણને કોઈ વાતે સુખ નથી !  

No comments:

Post a Comment