Wednesday, September 14, 2016

સર્જ પ્રાઈસિંગ, વ્યવહારમાં

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૪-૦૯-૨૦૧૬ 

‘હવે તો રાજધાનીમાં પણ સર્જ પ્રાઈઝિંગ લાગુ પડશે’ જીગ્નેશે ઓફિસમાં પ્રવેશ કરતાં જાહેર કર્યું. ‘ખબર છે’ ત્રણ જણા એક સાથે બોલ્યા.
--
હવે દરેક વ્યક્તિ એકના એક સમાચાર ઓછામાં ઓછા ચાર પાંચ વાર તો જુવે જ છે. પહેલું ચેનલ સર્ફ કરતાં કરતાં જુદી જુદી ચેનલ પર એકનું એક પીપુડું વાગતું હોય એ. બીજું એજ સમાચારનું સોશિયલ મીડિયાના બની બેઠેલા એક્સપર્ટસ દ્વારા ઓનલાઈન વિશ્લેષણ વાંચીને. એ પછી ત્રીજા નંબરે એ જ સમાચાર ઓફિસમાં સાંભળ્યા હોય તો ઘેર, અને ઘરે સાંભળ્યા હોય તો ઓફિસમાં ટ્રાન્સમીશન થાય ત્યારે ઓફલાઈન સાંભળવા મળે. આજે જીગ્નેશ આ રીતે જ સર્જ પ્રાઈઝિંગનાં સમાચાર લાવ્યો હતો જે બધાને ખબર હતા. જેમ હવાઈસફર કરનાર જેટલી મોડી ટીકીટ બુક કરાવે તેમ ટીકીટનાં ભાવ વધતા જાય છે, તેમ જ હવે રાજધાની ટ્રેઈનનાં બુકિંગમાં થશે. આ રીતે ઓનલાઈન ટેક્સી સેવા આપનાર પણ ઊંચા ભાવ વસુલે જ છે. રીક્ષામાં પણ રાત્રે દોઢું ભાડું છે. હિલસ્ટેશન્સ પર હોટલનાં ભાવ શિયાળાનાં અને ઉનાળાના જુદા જ હોય છે. ડોકટરો પણ ઈમરજન્સીમાં કેસ જોવાનો ચાર્જ અલગ લેતા હોય છે. ઇકોનોમિકસમાં ડિમાંડ-સપ્લાયનાં નિયમો તો વર્ષોથી જાણીતાં છે. ટૂંકમાં તત્કાળ રીઝર્વેશન નામની ડોશી મરી ગઈ એમાં સર્જ પ્રાઈસિંગ નામનો જમ ઘર ભાળી ગયો એમ ચોક્કસ કહી શકાય. આ બધા ગરજવાનને ખંખેરવાના દાવ છે. જોકે ઓફિસમાં જીગ્નેશ દ્વારા ચર્ચા છેડાઈ એ પછી ચર્ચાએ અલગ મોડ લીધો. પ્રોગ્રામર રુતુલે તુક્કો ચલાવ્યો કે ‘સાલું આ સર્જ પ્રાઈઝિંગ આપણી નોકરીમાં અને પગારમાં લાગુ પડે તો?’

અને બધા ચમકી ઉઠયા. માય ગોડ.

‘બ્રીલીયંટ આઈડિયા રુતુલીયા’ કહી સૌથી સીનીયર કામચોર શાહભાઈએ વધાવી લીધો.

‘મંથ એન્ડ અને માર્ચ એન્ડમાં કામ કરવા માટે પગાર સર્જ રેટથી મળવો જોઈએ’. બીજું બોલ્યું.

‘સાંજે છ પછી કામ કરીએ તો સર્જ રેટથી સેલરી ગણાવી જોઈએ’,

‘હા યાર, એટલે આ શાહભાઈ જેવા સાડા પાંચમાં વોશરૂમમાં જઈને માથું ઓળવા માંડે છે તે બંધ થઈ જશે’.

‘અરે આગલી કંપનીમાં તો મારે બેસતા વર્ષે અને રક્ષાબંધન પર પણ જવું પડતું હતું, એવા દિવસોમાં સેલરી ૨૫૦% મળવી જોઈએ’

પછી તો એક પછી એક તુક્કા આવવા લાગ્યા.
અન-રીઝર્વ જનરલ ક્લાસમાં નથી સર્જ પ્રાઈઝિંગ. જલ્દી આવી જા !!

--
ઓવરટાઈમ અને બોનસ આ બે મિકેનીઝમ નોકરીયાતો માટે ઓલરેડી છે જ. પણ એમાં રેટ ફિક્સ રહે છે. સર્જ પ્રાઈઝમાં રેટ વેરીએબલ રહે છે. ટૂંકમાં એક કલાક કામ તમે રોજ કરતાં હોવ અને મંથ એન્ડના પ્રેશરમાં કરતાં હોવ તો તમને મંથ એન્ડમાં અલગ રેટ મળવા પાત્ર થાય. આ તો તુક્કા છે, બાકી પેટ માટે બધી જધામણ કરતો નોકરિયાત પથારીમાં ગમે તે બાજુ મ્હોં કરીને સુવે, એનું પેટ વચ્ચે જ આવે છે.

સર્જ પ્રાઈઝીંગમાં મુખ્ય વાત મંદીના સમયે અથવા રોજબરોજની કામગીરીમાં સસ્તી સેવાઓ આપવાની અને મોકો મળતા વધારે ભાવ પડાવી લેવાની વાત છે. આ હિસાબે કામવાળાઓ હોળી અને દિવાળી વખતે સર્જ પ્રાઈઝ માંગે તે વાજબી જ છે ને? અહીં બોનસ અને સર્જ પ્રાઈઝ વચ્ચે કન્ફયુઝનને સ્થાન નથી, મૂળ વાત જે ભાવ હોય તેનાથી વધારે કે ઉપરની રકમ વસુલવાની છે. સ્વાભાવિક રીતે જ ટેક્સી કે ફ્લાઈટમાં કંપની તમારી પાસે બોનસ ના માંગી શકે.

આ રીતે તો પછી ઘરમાં પણ સર્જ સર્વિસ રૂલ્સ લાગુ પડે. હાસ્તો. ઘરમાં તો કેશ ટ્રાન્ઝેક્શન થાય નહીં એટલે પોઈન્ટ સિસ્ટમ દાખલ કરવી પડે. અડધી રાત્રે નાસ્તો બનાવવાના સર્જ પોઈન્ટ્સ મળે. મેચ જોતી વખતે અને દારુ પીતી વખતે બાઈટીંગ કે બરફની ગોઠવણ કરવાના સ્પેશિયલ સર્જ પોઈન્ટ્સ. અહીં અગત્યનું એ છે કે બ્રેકફાસ્ટ, લંચ કે ડીનર જેવી નોર્મલ સર્વિસના પોઈન્ટ મળતા નથી. સામી તરફ પતિને પત્નીને રેલ્વે સ્ટેશન મુકવા જવાની હોય તો એના પોઈન્ટ ન મળે. પરંતુ સાસરા પક્ષનાં મહેમાનોને સ્માઈલ આપવામાં કે સાસરે જતી વખતે ડ્રાઈવરની સેવા આપવાના પતિને ખાસ સર્જ પોઈન્ટ્સ મળે, જે હિસાબ કરતી વખતે પત્નીના બેલેન્સમાંથી બાદ થાય!

દસેક વર્ષ પહેલા અમારી સાથે બની ગયેલી એક સાચી ઘટનાની વાત છે. સુરતથી મધરાત્રે બે વાગે મણિનગર સ્ટેશન ઉતરી અમે કાંસ તરફ અમારા ઘરે જવા દક્ષિણી ફાટક પાસે ઉભેલા એકમાત્ર રિક્ષાવાળાને જયારે પૂછ્યું, ‘આવવું છે?’ તો એણે તોરમાં કહ્યું કે ‘ડબલ ભાડું થશે’. અમદાવાદી અને એમાય મણિનગરનું પાણી પીધું હોય એ એમ ડબલ ભાડું થોડું આપે? આમેય સામાન ન હોવાથી અમે ઘર તરફ પગપાળા પ્રયાણ કર્યું. આજે તો દેખાડી જ દેવું છે કે રાત્રે બે વાગે કોઈ અમદાવાદીને ચાલવામાં વાંધો નથી આવતો. અમદાવાદમાં આમેય મધરાત્રે કૂતરા અને પીધ્લા સિવાય ખાસ ડર રાખવા જેવું નથી. અમે થોડું આગળ ચાલ્યા હોઈશું એટલામાં રિક્ષાવાળાને બીજા પ્રવાસી ન મળતાં, અને કદાચ અમે રહેતાં હતા તે તરફ જ જવાનું હશે એટલે, અમારી પાછળ આવી કીધું ‘સારું બેસી જાવ દોઢું આપજો’. પણ અમને લોભ થયો કે આ રિક્ષાવાળો અગાઉ અમારી ગરજનો લાભ ઉઠાવતો હતો, હવે એને ગરજ છે, માટે અમે મોકો જોઈ કીધું ‘પણ હું આટલું ચાલ્યો, ટાઈમ બગાડ્યો, હવે સિંગલ ભાડામાં આવવું હોય તો આવ’. કહેવાની જરૂર નથી કે રિક્ષાવાળો કશુક બબડતો બબડતો ચાલ્યો ગયો અને અમે ચાલતાં ઘેર પહોંચ્યા! આમાં રિક્ષાવાળાએ ડબલ ભાડું માગ્યું એ સર્જ પ્રાઈઝિંગ અને અમારો પ્રયાસ સફળ થયો હોત તો એ રીવર્સ સર્જ ઈફેક્ટ કહેવાત.

મસ્કા ફન
મામા પોની વાળતાં હોત તો માસી ન કહેવાત?

No comments:

Post a Comment