Sunday, July 03, 2011

બબલ ગમ કે બબાલ ગમ ?

| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | ૦૩-૦૭-૨૦૧૧ |

ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કેટલાક સરખાં ઉચ્ચાર ધરાવતાં શબ્દો છે.  શબ્દ એક જ હોય પણ અર્થ જુદાં હોય. આવાં એક શબ્દ ગમના ઘણાં અર્થ થાય છે. હિન્દીમાં દુઃખને ગમ કહે છે. આ ગમ ભુલાવવા દેવદાસ જેવા શરાબ પીવે છે, એને હિન્દીમાં ગમ ગલત કરનાકહેવાય. ગુજરાતીમાં ગમ ખવાય છે. જેમ કે પતિ બોલતો હોય અને પત્ની ઘાંટો પાડે, અને પછી પતિ બાકીનું વાક્ય મનમાં બોલે તો એને ગમ ખાધી કહેવાય. આવા પતિને જ્યારે પત્ની હમેશની જેમ કોઈ કામ સોંપે, અને એ રાબેતા મુજબ ઉંધુ વેતરી આવે ત્યારે પત્ની સાવ બાઘાં જેવા છે, આમને તો કંઈ ગમ પડતી નથીએવું પણ કહેતી હોય છે. અને અંગ્રેજીમાં ગુંદરને ગમ કહે. ગુંદરનું કામ ચોંટવાનું છે. જોકે આ ગમ ભારતીય ટપાલ ટીકીટની પાછળ લાગે તો એ એનો ચોંટવાનો ગુણ થોડો વખત ભૂલી જાય છે. અને આ ગમ જો બબલ ગમ કે ચ્યુંઈંગ ગમ બને તો એને ચગળી પણ શકાય છે. આ બબલ ગમનો મૂળભૂત ગુણ એ છે કે એ કલાક સુધી ચાવો તો પણ સરકારી વચનોની જેમ પેટમાં કશું આવતું નથી. પણ આ જ ગમ જ્યારથી ફાઇનાન્સ મિનિસ્ટરની ઑફિસમાં ચોંટેલી જડી હોવાની વાત મળી છે, ત્યારથી એ બબલ ગમ મટીને બબાલ ગમ બની ગઈ છે.

ગમ બોલે તો ગુંદર એ ચોંટડુક માણસો માટે વપરાતું વિશેષણ છે. આ તો ગુંદરીયો છેએવું આવા ગુંદર પ્રસાદો માટે વપરાય છે. એકવાર આપણી ઑફિસમાં કે ઘરમાં મહાશય કે મહોતરમાં પધારે એટલે પછી ઊખડવાનું નામ જ ન લે. તમે ભલેને પછી બગાસાં ખાવ, ઘડિયાળમાં વારંવાર સમય જુઓ, કે પછી તમે મોડું થવાથી તમારો આગળનો પ્રોગ્રામ કૅન્સલ કરો છો એવું જાહેર કરો. એ તમારા ઘરમાં આવી ટીવી જોઈ શકે છે, છાપા વાંચી શકે છે, પુસ્તક કે મેગેઝીન પર ચોંટી શકે છે. અને આ બધું એ કરતાં હોય ત્યારે તમારે બધું કામ કે મોજ છોડીને એમને આ કરતાં જોયા કરવાના. વચ્ચે વચ્ચે એ બ્રેકમાં તમારી સાથે વાત કરી લે તો તમારે એ એમનો ઉપકાર સમજવાનો. એવું કહે છે ચીપકવાનાં કુદરતી ગુણો જેનામાં છે તે પોદળો જ્યાં પડ્યો હોય એ ત્યાંથી ઊખડે તો સાથે ધૂળ સાથે લઈને ઊખડે છે. આવી હસ્તીઓ પણ તમારો સારો વખત આવે ત્યારે ઊખડે તો સોપારી, પુસ્તક, ડીવીડી, ઇસ્ત્રી અને સ્ત્રીઓના કિસ્સામાં હાજમોલાથી લઈને હેર ડ્રાયર સુધીનું કશુંક લઈને ઊખડે છે. હવે જોઈએ આ પ્રણવદાની ઓફિસવાળી ગમ શું લઈને ઊખડે છે !

પ્રણવ મુખરજીનાં ટેબલ અને ઑફિસમાં કમ-સે-કમ સોળ જગ્યાએ આ બબાલ ગમ ચોટેલી મળી આવી છે. વિપક્ષને એવું લાગે છે કે કોક મુખરજીની જાસૂસી કરી રહ્યું છે. સામાન્ય સંજોગોમાં સરકારી તપાસ એજન્સીઓનું નામ સાંભળીને વિપક્ષી નેતાઓના કબાટમાં છુપાયેલા હાડપિંજરોની દાઢ કકડવા લાગતી હોય છે, પરંતુ આ ખાસ કિસ્સામાં એમને રાતોરાત સરકારી તપાસ એજન્સીઓ પર અતિ-વિશ્વાસ આવી જવાથી એમણે તપાસની માંગ પણ કરી દીધી છે. જોકે આવું કેમ થયું એ પાછળ કોર્પોરેટનાં કોક માંધાતાથી માંડીને કર્મચારીઓ સુધી શંકાની સોય તકાઈ ચૂકી છે. અમારો જૈમિન જાણભેદુ તો આ ગુટખા બનાવતી કંપનીનું કાવતરું છે એવું કહે છે. કૉમન વેલ્થ ગેઇમ વખતે ખેલાડીઓના આવાસમાં પાન-મસાલાની પિચકારીઓને અવળી પબ્લિસિટી મળી હતી તેથી ગિન્નાયેલા ગુટખાકિંગ્સને એ ઘટના પાછળ ચ્યુંઈંગ ગમની કંપનીઓનું મ્હો હોય એવું લાગ્યું હશે, ને એનો બદલો લેવા આ ચ્યુંઈંગ ગમ ગેટ ઊભું કર્યું હોય. પણ જૈમિનીયાની વાતમાં વજૂદ તો છે, કારણ કે ભારત એક જ દેશ છે જેમાં બીજા દેશોની સરખામણીમાં ચિંગમ જોઈએ એટલી ચાલતી નથી, પાન મસાલાનાં કારણે.

મુખરજીને જોકે આમ સોળ સોળ જગ્યાએથી આ ચીકણો પદાર્થમળવાથી ખાસ આશ્ચર્ય નથી થયું. કદાચ એવું હોય કે એમની ઑફિસમાં બાળકો પિકનિક માટે આવતાં હોય અને એમાં રમત રમતમાં પ્રનોબ દાદાની કેબીનમાં ચિંગમ ચોંટાડી હોય. અરે એવું પણ બની શકે કે ઉંમર લાયક પ્રનોબ કાચા કાનનાં હોય, અને એ સ્વીકારતા ન હોવાથી કર્મચારીઓ એમની શ્રવણ શક્તિની કસોટી કરવા ચિંગમ ખાઈ જડબું હલાવતા હોય, અને પ્રનોબ સામે માથું ! પછી ઈશ્કો કુછ ભી શુનાઈ નહિ દેતા બાબાએવું કહી ચિંગમ ટેબલ નીચે કે દીવાલ પર ચોટાડી ને જતાં હોય. એવું પણ શક્ય છે કે દાદાએ ખુદ પાઈપ પીવાનું છોડ્યું એના બદલે ચ્યુંઈંગ ગમ ચાલુ કરી હોય અને પછી પોતેજ જ્યાં ત્યાં ચોંટાડતા હોય. અને એવું પણ બને કે પ્રણવદાનું કોક સંશોધક સગુવ્હાલું ગમના ચોંટવા પર સંશોધન કરી રહ્યું હોય અને ઑફિસને લૅબોરેટરી તરીકે વાપરી હોય, આખરે સરકારમાં હોય એને મન તો સરકારી પ્રૉપર્ટી બોડી બામણીના ખેતર જેવી જ હોય છે ને ?  

એ જે હોય તે, પણ કોંગ્રેસને ઘીના ઠામમાં ઘી, એટલે કે કચરાપેટીમાં ચ્યુંઈંગ ગમ પાડવામાં રસ હોવાથી આખા પ્રકરણ પર ઉતાવળે પડદો પાડવાની કોશિશ થઈ રહી છે. પણ પ્રજાને ખરી મઝા આમાં ચીટકું ઉદઘોષકની જેમ બંધ પડદામાંથી બહાર આવીને બોલતાં દિગ્વિજય સિંઘને જોઈને આવે છે. અને આ દિગ્વિજય છે, ત્યાં સુધી એક વાત નક્કી છે કે ફુગાવા અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજાને થોડું મનોરંજન જરૂર મળતું રહેશે !

2 comments:

  1. ગમ વાળુ.. " ગમ-યુ "..હો ..ભાઈ

    ReplyDelete
  2. મજા પડે એવો લેખ .......

    ReplyDelete