Wednesday, September 09, 2015

અનામત મળે કે ન મળે નેટવર્ક મળવું જોઈએ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૬-૦૯-૨૦૧૫ | અધીર અમદાવાદી |

શ્રાવણ મહિનો ભક્તિ અને તહેવારોનો મહિનો છે. એમાં લોકો મંદિર જાય છે અને ઉપવાસ કરે છે. પણ આ વખતે પાટીદાર આંદોલનને પગલે ગુજરાત પોલીસે ઈન્ટરનેટ ડેટા અને બ્રોડબેન્ડ પર સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ જેવી કે ફેસબુક, વોટ્સેપ અને ટ્વીટર પર પ્રતિબંધ મુક્યો જે લગભગ અઠવાડિયું ચાલ્યો. પોલીસના ડંડાથી જેટલી લોકોની કમર નથી તૂટી તેટલી નેટ બંધ થવાથી તૂટી છે, એવું લોકો માને છે.

નેટ ઉપવાસ અંગે શ્રાવણ મહિનો ચાલુ થયો તે પહેલેથી જ જોક ચાલતાં હતા. લો ઓફ એટ્રેકશન પ્રમાણે આ જોક સાચાં પડ્યા છે. શ્રાવણ મહિનામાં નેટનાં ઉપવાસ કરવાથી જ પુણ્ય મળે છે, એવું તુત અમુક લોકોએ ચલાવ્યું હતું. કમનસીબે એ સાચું પડ્યું. શ્રાવણ મહિનામાં એક અઠવાડિયાના નેટ ઉપવાસથી ઘણાં પતિ-પત્ની વચ્ચે સંવાદ સધાયો છે, એવું પણ જાણવા મળે છે. નેટ ઉપવાસને પગલે બોર્ડનું રીઝલ્ટ આ વખતે ઊંચું આવે તો એ સંજોગોમાં એન્જીનીયરીંગમાં ખાલી રહેતી સીટોની સમસ્યા પણ સોલ્વ થશે, એવું જેનું શૈક્ષણિક સ્તર પછાત છે તેવી એન્જીનીયરીંગ કોલેજોના ટ્રસ્ટીઓ માની રહ્યા છે. 
નેટ કે નેટ પર સોશિયલ મીડિયા બંધ થવાથી સોસાયટીઓ અને પોળોમાં જૂની ઓટલાં પરિષદો ફરી ચાલુ થઈ છે. સાંજ પડે ટીવી અને મોબાઈલમાં ખુંપી જતી પ્રજા હવે બહાર દેખાવા લાગી છે. ઇસનપુરમાં તો બાજુબાજુમાં ત્રણ વર્ષથી રહેતાં બે પાડોશીની આ અઠવાડિયામાં જ ઓળખાણ થઈ, અને એમને ખબર પડી કે બેઉ એક જ ગામના છે, એટલું જ નહીં નાનપણમાં એક જ શેરીમાં રહેતાં હતાં! પશ્ચિમ અમદાવાદમાં પણ પાડોશીઓ દ્વારા વાઈફાઈ વાપરવાના કિસ્સામાં અભૂતપૂર્વ કડાકો બોલ્યો છે અને પાસવર્ડ વગર વાઈફાઈ વાપરનારા નેટ-અબુધો આનું કારણ હજી સમજી શક્યા નથી. નેટ ફરી શરુ થતાં વરસથી મફત વાઈફાઈ વાપરવા દેતાં પાડોશી પ્રત્યે હમદર્દી ઉભરાઈ આવતાં અમુકે જણાએ તો પાડોશીના રાઉટરમાં પાસવર્ડ સેટ કરી આપવા સુધીની સેવાઓ આપી છે.

આ તરફ નેટ બંધ થવાથી ગુજરાતનાં કારખાનાંઓ અને ધંધામાં સુધારો નોંધાયો છે, ઓફિશિયલ ફીગર્સ આવવાના બાકી છે, પણ અગ્રણી બિઝનેસ હાઉસ હવે ગુજરાત પોલીસનું નેટ-ઉપવાસ મોડેલ થોડા ફેરફાર સાથે વાપરવાનું વિચારી રહી છે. કારણ કે બિઝનેસ માટે સાવ નેટ બંધ કરો તો કદાચ ન ચાલે. અમુક સોશિયલ મીડિયા સંપૂર્ણ બંધ તો ઘણાં સવારમાં સાડા આઠથી નવ અને સાંજે સાડા છ થી સાત જ ધંધાના કામકાજ માટે નેટ ચાલુ કરવાના મતનાં છે. સવાર-સાંજ નેટ માટે થઈને કર્મચારીઓ સમયસર અથવા સમય કરતાં વહેલાં આવતાં થશે એવી સૌને આશા છે. ગાંધીનગરમાં જીએસવાન અંતર્ગત નેટ ચાલુ હતું એ કારણે કર્મચારીઓ આ અઠવાડિયા દરમિયાન વધારે સમય કચેરીમાં ગાળ્યો હતો, તેવા અંદરના બિનસત્તાવાર સમાચાર પણ અમારી પાસે છે.

જોકે નેટ બંધ થવાથી યુવાનો આ આંદોલનથી વિમુખ થઈ ગયા છે. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો એ કહેવતમાં જેમ ગમે તે થાય ગોરનું પેટ ભરાવું અગત્યનું છે, તેમ આંદોલનનો હેતુ સારો હોય કે ખરાબ નેટ ચાલુ રહે તે યુવાનો માટે અગત્યનું છે. બાલ ગંગાધર તિલકજીએ કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે એ હું મેળવીને જ રહીશ, એમ સોશિયલ મીડિયા એ યુવાનોનો યુવાનીસિદ્ધ હક્ક છે, અને એ મેળવવા ભગતસિંહનો માર્ગ અપનાવતા પણ યુવાનો અચકાશે નહિ તેવી ચીમકી નેટીઝનોએ સરકારને આપી હતી. સરકારે અને પોલીસે આ ચીમકીથી ડર્યા વગર એક-એક દિવસ કરીને ઉપવાસ લંબાવ્યે રાખ્યા હતા.

એકાદ બે દિવસ તો ચલાવી લીધું કે ‘હશે, આપણે જ ચૂંટેલી સરકાર છે’, પણ જયારે નેટ ઉપવાસ અઠવાડિયું ચાલ્યા તેનાથી સૌ સરકાર પર અકળાયા છે. કારણ કે નેટ અને સોશિયલ મીડિયા પ્રજાની દુખતી રગ છે. જે હવે સરકારનાં હાથમાં આવી ગઈ છે. અમુક ને તો ડોશી મર્યા કરતાં જમ ઘર ભાળી ગયાંનું દુઃખ વધારે છે. હવે વારે-તહેવારે આ શસ્ત્ર પોલીસ વાપરશે. બની શકે કે દશેરાએ શસ્ત્રપૂજા સાથે દર વર્ષે નેટ બંધ કરવાનો નવો રીવાજ પણ પોલીસ ચાલુ કરે!

એક અઠવાડિયાના ઉપવાસ બાદ સેવા ચાલુ કરતી વખતે પોલીસે ચીમકી આપી છે કે જો આડાઅવળાં ઉશ્કેરણીજનક ફોટા કે વિડીયો પોસ્ટ કર્યા છે તો અંદર કરી દઈશું. પોલીસની આ ધમકીને પગલે વોટ્સેપ પર આડેધડ વિડીયો ફોરવર્ડ કરવાનાં બંધ તો થયા જ છે, પણ અમુક કે જે જોયા વગર કંઈ પણ ફોરવર્ડ કરતાં હતા તે ફોરવર્ડ કરતાં પહેલાં બધું વાંચતા થઈ ગયા છે. એટલે સુધી કે ગાય જેવા ઇશાંત શર્માનાં રાવણ ટીમ સામે ગુસ્સાભર્યા રૂપના વિડીયો પણ શેર કરતાં લોકો ડરે છે કે ક્યાંક પોલીસ આને ઉશ્કેરણીજનક વિડીયોમાં ખપાવી દે તો પોલીસ કસ્ટડીમાં જવું આજકાલ સલામત નથી! ચાર રસ્તા ઉપર બિન્દાસ્ત ટ્રાફિક પોલીસને ફટકારનારા પણ પોલીસનું આ નવું રૂપ જોઇને થોડાંક ડરેલા છે, કે હાઈલા, પોલીસમાં અંદર હજુ પણ અગ્નિ છે !

નેટ ચાલુ થતાં સર્વત્ર ખુશાલીનો માહોલ વ્યાપી ગયો છે. રામ રાવણ પર યુદ્ધ કરીને પાછાં આવ્યા એ સમયે નગરજનોમાં હતી એવી ખુશાલી ફેલાઈ છે, બસ ચોમાસાનાં લીધે ફટાકડા હવાઈ ગયેલા હોવાથી, અને ક્યાંક પોલીસના ડરથી બોમ્બ નથી ફોડ્યા એટલું જ. પૂર્વ અમદાવાદના અમુક એપાર્ટમેન્ટમાં લોકોએ પોતાની મ્યુઝીક સિસ્ટમ પર ‘મન મોર બની થનગાટ કરે’ ગીત જોરજોરથી વગાડી આનંદ વ્યક્ત કર્યો હતો. તો અમુકે તો નકલી પૂંછડી લગાડીને જોરજોરથી હલાવી આનંદની અભિવ્યક્તિ કરી હતી. એકંદરે સૌ ગઈ-ગુજરી ભૂલીને પાછા મોબાઈલનાં શરણે જતાં રહ્યા છે. હવે સરકાર અને આંદોલનકારીઓને જે કરવું હોય તે કરે, આપણું નેટ ચાલુ રહે!

આ આખા આંદોલન અને નેટ બંધ થવાથી લોકોની કમર તૂટી ગઈ હોય કે કોઈ મરી ગયું હોય એવા મેડીકલ અહેવાલ નથી જાણવા મળ્યા. નેટ જરૂરી છે, પણ अति सर्वत्र वर्जयेत એ હિસાબે નેટનાં અતિરેક પછી ઉપવાસ લોકોને અંદરથી ગમ્યા છે, હા, ઉપવાસ ભક્તિ ભાવપૂર્વક કે મરજીથી હોય તો સંથારો બને, મજબુરીથી હોય તો ભૂખમરો, અને ધમકીથી હોય તો ખૂન! હવે આ ઉપવાસમાં સરકારે શું કર્યું છે એ તમે જ નક્કી કરો !

No comments:

Post a Comment