| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૯-૦૪-૨૦૧૨ |અધીર અમદાવાદી |
રાજસ્થાનના જોધપુર જિલ્લાના લાંબા ગામ જાન જોડીને
જવામાં જાનનું તો નહિ, પણ રૂપિયાનું જોખમ જરૂર છે. આ ગામના લોકોએ ઠરાવ કર્યો છે કે
જો જાન મોડી પડે તો વરપક્ષે ૧૧૦૦ રૂપિયા દંડ ભરવો પડે. આ સમાચાર પાછાં છાપામાં પણ
આવી ગયાં છે. હવે આ ગામનો દાખલો લઈને કન્યા પક્ષની તરફેણમાં જો બીજાં લોકો અને
સમાજ પણ આવી દંડપ્રથા દાખલ કરે તો આપણા ગુજરાતી વરપક્ષને તો મુંડાવાનો જ વારો આવે
ને ? હાસ્તો,
જાન એ જાન છે,
જાન જોડી જવું એ
તો અવસર છે. એમાં વળી થોડા મિનિટ મિનિટના ટાઈમ ટેબલ હોય ? એમાં વળી થોડી પેનલ્ટી હોય ?
એમાં શાના દંડ ?
--
પણ આ જાન લઈને બહારગામ જવાનું થાય તે ઘણાંને ગમે છે
તો અમુકને ત્રાસદાયક લાગે છે. બહારગામ જવામાં લકઝરી બસ કરીને જવાનું થાય એમાં અમુક
સગાને કાપવા પડે, તોયે ખર્ચો થાય, પાછાં ઉજાગરા થાય, થાકી જવાય, અને અંતે દસ કલાક મુસાફરી કરીને બસમાંથી ઊતરતા લોકોને જુઓ
તો જાણે ધરતીકંપ થયો હોય અને અડધી રાત્રે રસ્તા પર આવી ગયાં હોય એવા ડાચાં હોય
બધાના. સૌથી પહેલાં એક અર્ધ-ટાલિયા કાકા વાળમાં કાંસકો ફેરવતા બસમાંથી નીચે ઊતરે.
બસ, એ પછી
જે બધાં ઊતરે એમનાં વાળ અસ્તવ્યસ્ત, કપડાં ચોળાયેલા, છોકરાં ઊંઘતા કે કકળાટ કરતાં હોય,
અને હવે શું કરવું
એની કોઈ સમજ ન પડતી હોય, બધાં જે બાજુ જાય એમ જવાનું.
અમને તો જાનમાં મહાલવાનું ગમે છે. માણસ જાનમાં જાય
એટલે એનું મહત્વ આપોઆપ વધી જાય છે. પહેલું તો જો જાન બહારગામ જતી હોય તો લિમિટેડ
સો સવાસોને લઈ જવાના હોય એમાં આપણને સ્થાન મળે એટલે આપણું કેટલું બધું મહત્વ
કહેવાય નહિ? એ પછી જો તમે દૂરથી આવતાં હોવ તો જાન ઉપડવાના સમયે લોકો તમારી રાહ જોતાં હોય
અને તમે આવો એટલે ‘લો, આ મુકેસ
કુમાર આવી ગયા, હવે ઉપાડો બસ’ એમ તમારા પહોંચ્યા પછી જ બસ ઊપડે. અને અહિં વાત અટકતી નથી, જાન લગ્નસ્થળે પહોંચે
એટલે તમારું મહત્વ ઓર વધી જાય છે. તમને પાંચ જણા તો આવીને પાણીનું પૂછી જાય. અને
જે ટુથપીક તમે માત્ર રેસ્ટોરાંમાં જમ્યા પછી જ મેળવી શકો છો તે ટુથપીકનું જંગલ
તમને હરાભરા કબાબની દોઢ સેન્ટિમીટરની ટીકડીઓમાં ખોસાડીને શાહી અંદાજથી પેશ કરવામાં
આવે. અહા, કેવો ઠાઠ!
આ બસમાં જાન લઈ જવાનો ઘણો રોમાંચ હોય છે. બસ ઊપડે
એટલે આગળની સીટમાં બેઠેલાં વડીલો ઝોકે ચઢે, નાના છોકરાં ધરાવતી યંગ આંટીઓ
છોકરાં સુવડાવવામાં પડે અને પાછળની તરફ યુવાવર્ગ અંતાક્ષરી ચાલુ કરે. એમાં દરેક
કુટુંબમાં એક રાજેશ ખન્નાના ચાહક અંકલ, એક મુકેશના ડાઈ હાર્ડ ફેન અવશ્ય હોય. પાછું એમને
સારું ગાતા ન આવડતું હોય છતાં પણ ગીત આખ્ખા યાદ હોય. યુવા મોરચાને આ ત્રાસજનક લાગે
એટલે ‘મુકેસ કુમારો’ને ગાતાં રોકવાના પેંતરા થાય. એમાં પાછી ભાભીઓ જોડાય. હવે,
ભાભી પાછા હોય લગ્નગીતના ઘરગથ્થું કલાકાર પણ
અહીં ફિલ્મી ગીતમાં ઘુસે એટલે લગભગ દરેક ગીત 'નાણાવટી રે સાજન બેઠું માંડવે...' ના ઢાળમાં જ ગાતા
હોય ! અને ઉપરથી ફિલ્મી ગીતોની અંતાક્ષરીમાં લગ્ન ગીતો ધરાર ઘુસાડે! આ ટોળામાં
વળી એકાદ મોટાભાઈ અંચઈ કરવામાં ઍક્સ્પર્ટ હોય, એ જ્યારે હારવાની સ્થિતિ આવે
ત્યારે સક્રિય થઈ અષ્ટમ-પષ્ટમ ગાઈને ટીમને હારતાં બચાવે. અલબત્ત, એ પકડાઈ જાય, પણ એ ગરમાગરમી ચાલતી હોય
ત્યાં બસ ચા માટે ઊભી રહે એટલે અંતાક્ષરી ત્યાં જ પૂરી થાય.
પણ બસમાંથી ઊતરેલા જાનૈયાઓને કંટ્રોલ કરવા અને ચા
પીને વધારે આનંદ ના કરી બેસે તે હેતુથી દરેક કુટુંબ એક જાન મેનેજરની નિમણુંક કરતું
હોય છે. મોટે ભાગે મુરબ્બી પણ હાથેપગે કડીકાટ હોય એવા આ મેનેજરનું મુખ્ય કામ
ચા-પાણીની ગોઠવણ, હિસાબો અને જાનને સમયસર મુકામે પહોંચાડવાનું હોય છે. આ મુરબ્બીને કયા રસ્તે
જવું અને ટ્રાફિકમાં ક્યાં ડાયવર્ઝન છે એની આગોતરી જાણકારી હોય છે, અમુક કિસ્સામાં તો એમણે
લગ્નસ્થળની રેકી પણ કરી હોય છે. અને આમ છતાં રસ્તો ચૂકી જવાય એટલે ઘણી વખત બસ પાછી
વાળવી પડે તેવું બને તે માટે રસ્તા બનાવનારની યોગ્ય જગ્યાએ બોર્ડ મૂકવામાં રહી જતી
ક્ષતિઓ જ જવાબદાર ગણાય ને ? આમ, સાચાં અને ટૂંકા માર્ગે જાનને સમયસર અને સહીસલામત લઈ જવા
સાથેસાથે કન્યાપક્ષ સાથે સતત મોબાઈલ સંપર્કમાં રહેવાનું અને આ સઘળા કાર્યોમાં બસ
ડ્રાઈવરની હટાવવાનું કામ પણ મહદંશે આ વડીલ જ કરતાં હોય છે.
આ બધાથી પર એવો વરરાજો મિત્ર, બહેન કે દાદી સાથે કારમાં અલગથી
આવતો હોય છે. ટી-શર્ટ પહેરવા ટેવાયેલો વરરાજો ભારે કપડામાં અકળામણ અનુભવતો હોય,
અને પાછું પેલાં
મુરબ્બીની કહેવાતી ‘વ્યવસ્થા’ છતાં જે હોટેલ પર ચા પાણી પર રોકાવાનું હોય એ પાછળ રહી જાય એટલે કાર પાછી
વાળવી પડે, તેમાં વરરાજો અકળાય છે. આ બાજુ છ સાત જણા તો ચા પીવાનું પડતું મૂકી વરરાજાની
કાર પાછી આવી કે નહિ તે જોવા રસ્તા પર ઊભા રહી જાય. અંતે ધૂવાપુવા વરરાજા હોટલ
પહોંચે છે. પણ, બદલાતા સમયમાં ઘરનાં બે-પાંચ જણ સિવાય સૌને પ્રસંગ પતાવવામાં અને હાજરી
પુરાવવામાં જ રસ હોઈ વરરાજા ગુસ્સો કોલ્ડ્રીંક સાથે પી જઈ કારમાં ગોઠવાઈ જાય છે. અંતે
મુરબ્બીની આગેવાની હેઠળ જાન મોડા મોડાં પણ મુકામે પહોંચી જ જાય છે. પણ જાનના વહીવટ
જ્યાં સુધી આવાં મુરબ્બીઓ છે ત્યાં સુધી આ દંડની વાત અમલમાં ન આવે એ જ વરપક્ષના
હિતમાં છે. ■