Tuesday, January 08, 2013

કાચી બેલેન્સ શીટ

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૬-૦૧-૨૦૧૩ | અધીર અમદાવાદી | 
 
અમેરિકામાં જાન્યુઆરીથી ડિસેમ્બર એમ ફાઈનાન્શિયલ વરસ ગણાય છે. ભારતમાં માર્ચ એન્ડનો મહિમા છે કારણ કે ૩૧મી માર્ચે ફાઈનાન્શિયલ વરસ પૂરું થાય. ગુજરાતી નવું વર્ષ કારતક મહિનામાં આવે. ઉત્સવપ્રિય આપણી પ્રજા જોકે ક્રિસમસ અને અંગ્રેજી નવું વરસ એટલાં જ ઉત્સાહથી ઉજવે છે. ગુજરાતમાં ૨૦૧૩ નવી સરકાર અને અમુક નવા અને અમુક જુનાં ચહેરા લઈને આવી છે ત્યારે ૨૦૧૩નાં આગમન પહેલાના આખરી રવિવારે તમે એજ જુનાં ઘરના જુનાં સોફામાં બેઠાબેઠા, જૂની પત્નીના હાથે બનાવેલી ચા પીને આ લેખ વાંચી રહ્યાં હશો. પણ બોસ, તમારા જીવનની કાચી બેલેન્સ શીટ જોઈ છે કદી તમે? એકવાર નજર નાખજો, કેટલાય એવાં નાના નાના ખર્ચાઓ નજર આવશે જેણે બેલેન્સ નેગેટીવ કરી નાખ્યું છે.

તમને એમ થશે કે નવું વરસ તો આવે અને જાય દર વરસે માણસ નવું શું કરે? કરવું હોય તો ઘણું નવું થઈ શકે. અને એ જરૂરી નથી કે કોઈ મોટી ધાડ મારીએ. નવા વર્ષમાં નાની નાની ધાડ મારો તોયે ઘણું છે. માત્ર છત્રીસ વરસની ઉંમરમાં કોલેસ્ટોરોલ અને ડાયાબિટીશ બોર્ડરથી ઉપર આવ્યો છે એ ભૂલી ગયા? તો ચાલવાનું અને કસરત કરવાનું શરુ કરી શકાય. આમાં નવું શું એમ તમને થશે. કારણ કે ચૂંટણીમાં જેમ પાર્ટીઓ દર વર્ષે આવા તો કેટલાય સંકલ્પો થાય છે અને તૂટી જાય છે. એટલે નવું એ કરવાનું કે આ વખતે સંકલ્પ સિદ્ધ કરવાના. પછી ભલે શિયાળાની મીઠી ઊંઘ તમને વિચલિત કરે. તમારા હાથ જો ટેવ પ્રમાણે સવારે એલાર્મ બંધ કરી દેતાં હોય તો મોબાઈલ હાથ ન પહોંચે એટલો દૂર મૂકી શકાય. અને તમને ઉઠાડવાનું કામ ઘરના સૌથી નિર્દયી વ્યક્તિને (પપ્પા?) સોંપી દો, પછી જુઓ ઉઠાય છે કે નહિ.

ઓફિસમાં આ વર્ષે સમયસર પહોંચવાનું કરી શકાય. ફાટક બંધ હોય છે, ટ્રાફિક વધુ હોય છે એ બહાના તરીકે ઉપયોગ કરવાને બદલે તમારી જાતને માહિતગાર કરો કે ટ્રાફિક અને ફાટક નડે છે માટે ઘેરથી દસ મીનીટ વહેલાં નીકળવાનું છે’. હવે તમે કહેશો કે દસ મીનીટ તો મોજા શોધવામાં જતી રહે છે. એનોય ઉપાય શોધી શકાય. આગલા દિવસે રાત્રે મોજા બુટમાં મૂકી દેવાનાં, સિમ્પલ. એ પણ જાતે જ! સાંભળ્યું નથી પારકી આશ સદા નિરાશ’? તમારી પત્ની તમારી અર્ધાંગિની ૧૦૦%, પણ એ મોજા શોધી આપવામાં વાર કરે એનાં કારણે તમારું પ્રમોશન જતું રહે એવું થોડું કરાય બોસ! લગ્ન કર્યાં ત્યારે ગોર મહારાજે જીવનભરના સાથ નિભાવવાની વાત કરી હશે એમાં મોજા વિષે કોઈ ચોખવટ નથી થઈ માટે એ જાતે કરી લેવાનું, શું સમજ્યા?

અને ઓફિસે પહોંચો અને સાંજે પાછા આવો એ વચ્ચે કેટલું કામ બાકી રહી જાય છે? ઘણું બધું નહિ? એટલે જ ઘણીવાર વગર પગારે ઓવર ટાઈમ કરવો પડે છે નહીં? તો એમાં પણ બોસ વધારે કામ આપે છે એવી સીડી વગાડશો નહિ. કામ તો આઠ કલાકનું જ હોય છે, પણ તમે ક્યાં આઠ કલાક કામ કરો છો? ફેસબુક, -મેઈલ, એસ.એમ.એસ., ચેટ, વોસ્સ્પ આઠમાંથી ત્રણ કલાક ખાઈ જાય છે તમારા. દિવસમાં ત્રણવાર ચા-પાણી માટે બહાર જવાનું અને બોસ આઘા-પાછાં હોય તો પાછું દેશ વિદેશની સમસ્યાના ઉકેલ શોધવા મંડી પડો છો દોસ્તો સાથે. પણ તમારા સૂચનો તમારો બોસ અમલમાં નથી મૂકતો તો પછી ઓબામા ક્યાંથી મુકે? માટે ઓફિસ અવર્સમાં ફોગટનું પિષ્ટપેષણ બંધ કરી કામમાં ધ્યાન આપો તો પ્રમોશન પણ થશે અને ઓવરટાઈમ પણ નહીં કરવો પડે.

હવે તમે કહેશો કે બોસ, આ તો તમે લેક્ચર આપ્યું. યેસ. તમને લેક્ચર ક્યારેય નથી ગમ્યા નહિ? એટલે જ કોલેજમાં બંક કરતાં હતાં. શું કીધું ? પ્રોફેસરો ભંકસ હતાં? અચ્છા, અને તમે? તમને ડીગ્રી મળી પણ થર્ડ ક્લાસ અને એ પણ એટલી જ થર્ડ ક્લાસ કોલેજમાંથી. રાઈટ? પાછું અંગ્રેજી સાથે તો બાપે માર્યા વેર. થોડું ઘણું કોમ્પ્યુટર શીખ્યા એમાં આ કલેરીકલ જોબ મળી અને માસીએ આવા હોનહારભાણા માટે ખપતી છોકરી પણ શોધી આપી. નોકરી પણ દસ વર્ષમાં ચૌદ બદલી. તોયે બોસ આપણો કોઈ વાંક નથી. સાંજે ઘેર આવી નમકીન ઝાપટતા ઝાપટતા ચેનલ બદલી બદલીને ટીવી જોઈ ખાધું છે. હવે દરેક ગુજરાતી અંગ્રેજી નવા વર્ષે નસીબ બદલાય એવી ઈચ્છા કરતાં ફરો છો. બોસ, નવા વરસમાં બોસ તમને બદલી કાઢે એ પહેલાં જાતને બદલો! n

-બકા
આવ રે ઠંડી, ફગાવો ગંજી બંડી ..
ઊનું ઊનું ઊંધિયું ને ગાજરનો હલવો ખા !

Wednesday, January 02, 2013

ગુજરાત લગ્નોત્સુક યુવક મંડળ (ગુલયુમ)

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | -૧૨-૨૦૧૨ | અધીર અમદાવાદી |




આથી ગુજરાત લગ્નોત્સુક યુવક મંડળની (ગુલયુમ) અસામાન્ય અને અસાધારણ સભાની બેઠક રવિવારને નવમી ડિસેમ્બરે પ્રમુખના નિવાસસ્થાને યોજાઈ ગઈ. આ બેઠકમાં હાજર રહેલા સર્વે મેમ્બર્સની સહમતિથી નીચે મુજબ નિર્ણયો અને ઠરાવ કરવામાં આવે છે;


૧) ડિસેમ્બર મહિનો આવે એટલે વિદેશી પક્ષીઓની જેમ નોન-રેસિડેન્ટ ગુજરાતીઓ ગુજરાતમાં ઉતરી આવે છે અને સારી સારી કન્યાઓ પરણીને પાછાં ચાલ્યા જાય છે. ડિસેમ્બર મહિનામાં નોન-રેસીડેન્ટ ગુજરાતી ડ્યુડસ દ્વારા દેશ-ગુજરાતમાં થતાં આવા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો (એફડીઆઈ) મંડળ સખ્ત વિરોધ કરે છે.

૨) આ માત્ર અસંતોષ નથી પરંતુ મંડળ આ બાબતે ગંભીર છે તે દર્શાવવા આવા યુવકોનો એરપોર્ટ પર દિવસે કાળા વાવટા કે ને રાત્રે કેન્ડલ માર્ચ કરી વિરોધ કરવાથી માંડીને ધરણા અને સત્યાગ્રહ જેવા જલદ કાર્યક્રમો ઘડી કાઢવા કારોબારી સમિતિને ત્રણ દિવસેનો સમય આપવામાં આવે છે. આવા કાર્યક્રમો અંગે સૂચનો સંસ્થાના ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપવા મેમ્બર્સને અનુરોધ કરવામાં આવે છે.

૩) વિદેશની ધરતી પર હવે કોઈ પણ આસાનીથી પગ મૂકી શકે છે. ત્યાં હવે ભણતર વગર પણ નોકરીઓ મળે છે ત્યારે કન્યાઓના માબાપો દ્વારા વિદેશ ગયેલા અથવા સેટલ થયેલા મુરતિયાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે એ વાતને ગુલયુમ વખોડી કાઢે છે. શું દેશમાં ભણેલા ગણેલા, વતન પ્રેમ, કુટુંબ ભાવના ધરાવતા અને ડીઓ છાંટતા યુવાનોની તંગી છે? નથી જ. તો પછી વિદેશી યુવાનોનો મોહ શા માટે? ગુલયુમ દ્વારા વિદેશી યુવાનો માટે દેશી માબાપના મોહને ભાંગવા યોગ્ય સમયે યોગ્ય પગલા લેવામાં આવે.

૪) ડિસેમ્બરમાં અહિં ઉતરી આવનાર પંખીઓ પાણીપુરીને ઊંધિયું ખાઈ ખાલી હાથ પાછાં ફરે તેવા આયોજન કરવા મંડળ પ્રતિબદ્ધ બને તેવો સુર સભ્યોએ વ્યક્ત કર્યો હતો. આ માટે નવેમ્બર મહિનામાં મોટા પાયે ૧૦૦% સ્વદેશી લગ્નમેળાનું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવે છે. આવા લગ્નમેળા ઠેકઠેકાણે યોજાય તથા એની જાણકારી દરેક લગ્નલાયક કન્યાના મા-બાપ સુધી પહોંચે તે માટે ટીવી, એલઈડી સ્ક્રીન અને જાહેરાતના હોર્ડીંગ્સનો ખર્ચો કરવો. આ અંગે ભંડોળ ઉભું કરવા સક્ષમ તેમજ ભારતીય સંસ્કૃતિમાં માનતી પાર્ટીઓનો સંપર્ક મંડળ સાથે કરાવી આપવા સૌ સભ્યોને અપીલ કરવામાં આવે છે.

૫) નવેમ્બર સુધી કન્યા માટે ફાંફા મારનાર માબાપો ડિસેમ્બર મહિનો આવે અને વિદેશી પંખીઓ લેન્ડિંગ કરવા લાગે એટલે સો ટકા સ્વદેશી યુવકોના માબાપના ફોન પણ રીસીવ કરતાં નથી. ભોગેજોગે ફોન રીસીવ કરે તો ગોળગોળ વાત કરે છે અને કમુરતાં અને એવાં અન્ય બહાના કાઢી ઉતરાયણ પછી જવાબ આપીશું એમ વાત ઠેલી દે છે. પણ ઉત્તરાયણ પછી એ પક્ષી બીજે પરણીને કે ખાલી હાથે પાછું જતું રહે તેવા સંજોગોમાં પાછાં સામેથી ફોન શરુ કરે છે. ગુલયુમ પાસે આવા અનેક કેસ નોંધાયા છે અને આવા કિસ્સાઓમાં ‘તકવાદી માબાપનો બહિષ્કાર કેમ ન કરવો?’ એવી કારણદર્શક નોટીસ આવા માબાપોને ગુલયુમ બજાવશે એવું ઠરાવવામાં આવે છે.

૬)  વિદેશીથી આવતાં યુવાનોની વાત કરવાની ઢબથી અને ઈમ્પોર્ટેડ અત્તર-લોશન લગાવવાથી અમુક કન્યાના માબાપ અંજાઈ જાય છે. આવા યુવાનોને મળ્યા પછી આપણી છોકરીઓને પણ દેશી યુવાનોમાં વાસ આવવા લાગે છે. આથી ગુલ્યુમ સો ટકા સ્વદેશી યુવકોને રાહતના દરે ડીઓ તથા લોશન આપવા ટૂંક સમયમાં કાર્યવાહી કરે એવું ઠરાવવામાં આવે છે. આ ઉપરાંત રાહત દરે ઈંગ્લીશ સ્પીન્કિંગ ક્લાસ, મોઢું બગડ્યા વગર કડવી કોફી કઈ રીતે પીવી જેવી બાબતોની તાલીમ આપવામાં આવશે જેથી એનઆરજી યુવકો સામે કોઈ પણ મુદ્દે આપણાં ઘરેલું યુવાનો ઉણા ન ઉતરે.

૭) અમુક યુવકો વિદેશમાં રહી હોટલોમાં વાસણો માંજવા જેવા કામ કરતાં હોવા છતાં અહિં ખોટી માહિતી આપતા હોય એવા કિસ્સા પરણીને પસ્તાયેલા કન્યાના માબાપો દ્વારા મંડળના ધ્યાન પર લાવવામાં  આવ્યા છે. તો મંડળ ગુજરાતી છોકરીઓના હિતમાં આવા છોકરાઓની માહિતીની ચકાસણી કરી તેમની અસલી કામગીરી વેબસાઈટ પર ફોટા સાથે મૂકે તેવી સભ્યોની માંગણીનો સ્વીકારી કરી તાત્કાલિક વેબસાઈટ શરુ કરવી. આ અંગે વિદેશમાં નેટવર્ક ઉભું કરવા કારોબારી સમિતિ વિદેશ પ્રવાસ કરે તેવું પણ ઠરાવવામાં આવે છે.

૮) છોકરીઓની મમ્મીઓને ભવિષ્યમાં વિદેશ પરણેલી છોકરીને ડીલીવરી વખતે, જમાઈના ખર્ચે, મદદ કરવા વિદેશ જવાનો મોકો મળે છે. આ કારણે પણ મમ્મીઓ વિદેશમાં સ્થાયી થયેલા મુરતિયાઓ વધુ પસંદ કરે છે. પછી મમ્મીઓ ત્યાં બેબી-સીટિંગનું કામ કરે છે એને માનવસ્વભાવ ગણી, દેશમાં જ દીકરી પરણાવનાર મમ્મીઓનો વિદેશ પ્રવાસનો શોખ પુરો કરવા ગુલયુમ આર્થિક સહાય કરે તેવું ઠરાવવામાં આવે છે. 

૯) આ ઉપરાંત દેશમાં જ કન્યા પરણાવનાર માબાપો માટે અન્ય ઇન્સેન્ટીવ જેવા કે લગ્ન દરમિયાન વરપક્ષ તરફથી ઝીરો કનડગત, કન્યા અને એની મમ્મી તથા બહેનને સીયુજી કરેલા મોબાઈલ ભેટમાં આપવા, આવા લગ્ન દરમિયાન કલર્સ ટેલીવિઝન પર ચાલતી સોશિયલ રડારોળ ધરાવતી સિરીયલના નામાંકિત કલાકારોની હાજરી, આવા કપલને હોનોલુલુ ખાતે હનીમુન પેકેજ, વર-કન્યાના મા-બાપને પણ સાથે ચાર-ધામ યાત્રાના મફત પેકેજ તેમજ વાનાં દુખાવાની મફત આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને યોગા કલાસીસની લાઈફ ટાઈમ ફ્રી મેમ્બરશીપ આપવામાં આવે તો દેશી મુરતિયાઓને અન્યાય ન થાય. તો મંડળે સત્વરે આવી યોજનાઓ જાહેર કરવી.
---
બોનસમાં માણો આરજે ધ્વનિતના અવાજમાં એક ઠરાવ ...
https://soundcloud.com/adhir/track-5   
આપનો પ્રતિભાવ આપવાનું ભૂલતા નહિ ....