Monday, January 14, 2013

ઉત્તરાયણની શૌર્યકથાઓ



| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૩-૦૧-૨૦૧૩ | અધીર અમદાવાદી | 

ઉત્તરાયણ સાથે ઘણી કથાઓ વણાયેલી છે. ભીષ્મે દેહત્યાગ માટે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો એવું કહેવાય છે. ગુજરાતીઓ માટે, એમાંય ખાસ અમદાવાદીઓ માટે ઉત્તરાયણ એટલે કૃત્રિમતા ત્યાગ કરવાનો દિવસ હોય છે. એ દિવસે ચિત્ર વિચિત્ર કપડાં, ટોપી, પીપૂડા, પતંગ થકી માણસ પોતાની અંદર રહેલા બાળકને બહાર કાઢે છે. પણ અમુક આઇટમ્સને પતંગ ચગાવવા કરતાં ઉતરાયણની વાતો કરવામાં વધારે આનંદ આવે છે.

ઉત્તરાયણમાં દોરી રંગવાથી માંડીને પેચ કાપવા સુધી ઉસ્તાદોનો દબદબો હોય છે. અમદાવાદમાં દોરી રંગવા અને પતંગ બનાવવા છેક ઉત્તરપ્રદેશથી કારીગરો આવે છે. પણ સ્થાનિક લોકોએ કદી એમનો વિરોધ નથી કર્યો. પપ્પુ ઉસ્તાદ, સિકન્દર ઉસ્તાદ જેવા ઉસ્તાદો સદેહે તમારી દોરી રંગે એ ગૌરવભેર ઘટના પછી સાત દિવસ સુધી ગુજ્જેશ ગામમાં કહેતો ફરે. એ દોરી રંગાવા માટે કેટલા કલાક લાઈનમાં ઊભો રહ્યો ત્યારે એનો નંબર આવ્યો એની ગૌરવગાથાઓ અમદાવાદની રસધાર લખાય તો એમાં છપાય એટલી રસપૂર્વક કહેવામાં આવે. આવી જ શૌર્યકથાઓ રાયપુર કે કાલુપુર ટંકશાળની હૈયે હૈયું દળાય એવી ભીડમાંથી કેવી રીતે સારા પતંગ શોધ્યા, કેવું બાર્ગેઇન કર્યું, અને ક્યાં રૂપિયા આપ્યા વગર પંજો સરકાવી લીધો એની કહેવાતી હોય. ભીડમાંથી રસ્તો કરવા ‘ગાય આવી ગાય આવી કહીને કેવા લોકોને ઉલ્લુ બનાવ્યા?’ એ તો લગભગ બધા જ કહેતા સાંભળવા મળે.

પતંગ ઘેર આવે એટલે પછી રાત્રે કેટલા વાગ્યા સુધી કિન્ના બાંધી એની કથા કરવાનું માહતમ્ય છે. ‘રાત્રે એક વાગે તો અમે પતંગ લઈને આવ્યા, પછી તો ભૂખ લાગી’તી તો ગુજીષાને કીધું કે લાય કંઇક ખાવાનું, તે એણે ભજીયા બનાવ્યા’ એ પછી કિન્ના બાંધવા બેઠાં. બે તો અગરબત્તીના પેકેટ ખાલી કરી નાખ્યા કાણા પાડવામાં’. ત્યારે આપણને ખબર પડે કે પાર્ટીને ચગાવતા તો આવડતું નથી નહીતર બે પેકેટ અગરબત્તી કાણા પાડવામાં વપરાઈ જાય એટલાં બધાં પતંગ લાવવાની જરૂર શું કામ પડે?

પછી સવારના પહોરમાં આપણા આ ગુજ્જેશકુમાર ધાબા પર પહોંચી જાય. ધાબા પર જઈ એક અઠંગ પતંગબાજની જેમ આજુબાજુના ધાબા પર દુશ્મનોની ગોઠવણી, તેમની તાકાત અને એમાંય લશ્કરમાં અજાણ્યા શખ્સો કે વિદેશી (પોળમાંથી આવેલા હોય એવા) તાકાત દેખાય તો એની ખાસ નોંધ લે. આ ઉપરાંત કોણે ધાબા પર કેટલા વોટના સ્પીકર્સ મૂક્યા છે અને એનાં પર કયા ગીતો વાગે છે એ પરથી પોતાની કહેવાતી વ્યૂહરચના નક્કી કરે. આ સિવાય પવનની દિશાની નિરાશાજનક રીતે નોંધ લેવાય, એમ કહીને કે ‘આપણને કાયમ પવનની દિશા નડે જ છે’. આજબાજુના ઝાડ, કોક પડોશીએ ૧૯૮૨ની સાલમાં નખાવેલ એન્ટેનાનો દંડો ના કઢાવ્યો હોય અને જ્યાં દર વર્ષે અમુક પતંગોનું બલિદાન અપાતું હોય તેની પણ સગાળ નોંધ લેવાય.

આ પછી વીર યોદ્ધાનો કૃષ્ણાવતાર શરુ થાય. પોતે શસ્ત્ર ધારણ ન કરી લડનારને માર્ગદર્શન આપવાનો અવતાર. જોકે ક્યાં એ યુગપુરુષ અને ક્યાં આ માવાખાઉ ગુજ્જેશ? એટલે ઉત્સાહમાં વહેલાં ધાબે ચઢેલા છોકરાઓનો સૌથી પહેલાં ભોગ લેવાય. હવા હોય નહિ અને ટાબરીયાનો પતંગ ચગતો ન હોય, ઠુમકા મારીને ખભો થાકી ગયો ત્યારે કિન્ના કઈ રીતે બાંધવી એની સલાહ આપે. ‘તે કિન્ના જ ખોટી બાંધી છે બકા, સાંજ સુધી ઠુમકા મારીશ તોયે આ પતંગ નહી ચગે’. પણ પતંગને આની વાત સાંભળીને હાડોહાડ લાગી આવે એટલે આ વાક્ય પૂરું કરે ત્યાં સુધીમાં ચગી ગયો હોય! એટલે પછી એ પેચ કઈ રીતે લેવા એનાં ઉપર ‘એં, એં, એમ ના લેવાય, નીચે લઈ જઈને ખેંચી નાખવાનું સડસડાટ’. બકો આ સાંભળવા રહે એટલામાં કોક એનો ખેંચી જાય એટલે ધાબામાં કરુણરસ છવાઈ જાય.

અને ખરી મઝા તો ગુજ્જેશભાઈ પતંગ ચગાવવા લાગે એટલે આવે. ધુરંધર પતંગબાજનું એક લક્ષણ એ હોય છે કે એ કોઈની મદદ વગર જાતે પતંગ ચગાવે છે. ફિરકી પણ જાતે પકડે અને પેચ કપાય તો દોરી પણ જાતે વીંટે. પણ આવા નકલી ધુરંધરો આવું કરવા જાય એટલે કોમેડી સર્જાય. એમની દોરી ક્યાંક ભરાઈ જાય અને ખરા પેચ વખતે ગૂંચવાડા ઊભા થાય એટલે કોકની મદદ લેવી પડે. આવો મોકો પાછળના ધાબાવાળા છોડે? છેવટે હાથમાંથી પતંગ કપાય અને વીંટવા માટે કશું ન બચે. જોકે આવા સમયે બચાવમાં ‘આ તો દોરી ભરાઈ ગઈ એટલે’ એવું કોઈ સાંભળે કે ન સાંભળે એ બોલી નાખે છે. આવી રીતે બે ચાર પતંગ કપાય એટલે ચીકી, બોર, જામફળ તરફ ધ્યાન કેન્દ્રિત કરે. આ બધું જોઈને એ ખાવાનું નીચે ઘરમાં રાખતો હોય તો કેટલાની ઉત્તરાયણ સુધરી જાય એવો સવાલ આપણને થાય!

ડ-બકા
યા હોમ કરીને ચઢો
ફતેહ છે ધાબે !
   

Thursday, January 10, 2013

ખેલ ખરાખરીનો



 | મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૬-૦૧-૨૦૧૩ | અધીર અમદાવાદી |

ટેસ્ટમેચ પાંચ દિવસની નાતના જમણવાર જેવી હોય છે, જેમાં જુનાં અને પાકા ખેલાડીઓ ધીરજપૂર્વક રમતાં હોય છે. બંનેનું અસ્તિત્વ પણ હવે જોખમમાં છે. પહેલા ટેસ્ટ મેચમાં એક દિવસ રજા રાખવામાં આવતી હતી. આવી પાછી પાંચ ટેસ્ટ મેચની એક સિરીઝ હોય. છ દિવસ મહેનત કર્યાં પછી મેચ ડ્રો જાય એવું પણ બને. પછી વન ડે આવી જેમાં એક દિવસમાં મેચનો ફેસલો આવી જવા લાગ્યો. હવે ફાસ્ટફૂડના યુગમાં ટી-૨૦ આવી ગઈ છે જેમાં ચાર કલાકમાં પ્રેક્ષકો અને ખેલાડીઓ નવરા થઈ જાય છે. આઈપીએલ નામનાં કમાઉ દીકરાને પોષવા હવે ક્રિકેટ મેચની સિરીઝ હિરોઈનના કપડાની માફક ટૂંકી થતી જાય છે. આમ તો હિન્દી ફિલ્મો પણ પહેલાં ત્રણ સાડા ત્રણ કલાકની જ બનતી હતી જે હવે માંડ બે સવા બે કલાકની થઈ ગઈ છે. લાગે છે કરપ્શનના આંકડા સિવાય આજકાલ બધું ટૂંકું થતું જાય છે!

આમ છતાં ટેસ્ટમેચ હોય કે ટી-૨૦, ભારત-પાક મેચ હોય એનો ટેમ્પો જ કઈંક ઓર હોય છે. એટલે જ કદાચ ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાની બહુ પ્રસિદ્ધ એશિઝ સીરીઝ સાથે સરખાવવામાં આવે છે. આ ‘એશિઝ’ શબ્દ ગુજરાતીમાં ખાસ જામતો નથી એટલે આ સિરીઝને આપણે ગુજરાતીમાં ‘તણખા સિરીઝ’ નામ આપી શકીએ. આ સિરીઝને લઈને કોઈ ગુજરાતી ફિલ્મ બનાવવી હોય તો ‘ખેલ ખરાખરીનો’ કે પછી આ વખતે ‘ધોની તારા વળતા પાણી’ એવું નામ પણ આપી શકાય. હિન્દી સિરિયલ્સનાં નામ ફિલ્મી ગીતો પર પડે છે એ ટ્રેન્ડ જોતાં આ સિરીઝને ‘કિસમે કિતના હૈ દમ’ એવું નામ પણ વિચારી શકાય.

નામ ગમે તે આપો પણ ભારત-પાક સિરીઝમાં અમુક લોકો કોઇપણ હાલતમાં દુઃખી જ રહે છે. જો પાકિસ્તાન જીતે તો કહે કે ‘હું ન’તો કેતો કે ઠોકી જશે?’ બે કલાક તો પાછું મોઢું ઉતરેલી કઢી જેવું રાખીને ફરે. રાત્રે જમવાના સમયે પણ એ ‘આજે મુડ નથી કંઇક ગળ્યું આપજે’ એવી ફરમાઈશ કરતાં ફરે. પણ જો ભારત જીતે તો પણ એ ખુશ ન થાય. ‘મને તો ખબર જ હતી કે ઇન્ડિયા જીતવાનું છે, મેચ ફિક્સ થયેલી છે બધ્ધી, હવે ક્રિકેટ એક રિયાલીટી શો જેવું બની ગયું છે’ વગેરે વગેરે બોલી આપણો જીતનો નશો ઉતારી નાખે.

એમાં પાછું વર્ષોથી પાકિસ્તાની એમ્પાયર્સ માટે તેઓ પાકિસ્તાનની ટીમ વતી રમે છે એવી ટીકાઓ થતી રહે છે. ૧૯૭૮માં રમાયેલી એક વન ડેમાં જયારે ભારત જીતની નજીક હતું ત્યારે સરફરાઝે બાઉન્સર ફેંકવાના શરુ કર્યાં હતાં. મોટા હ્રદયવાળા જાવેદ અખ્તર નામધારી અમ્પાયરને ચાર બાઉન્સરમાંથી એકેય વાઈડ ન લાગતા કેપ્ટન બેદીએ મેચ પડતી મૂકી હતી અને પાકિસ્તાનને આમ વિજય મળ્યો હતો. જોકે બબ્બે એમ્પાયર તરફેણમાં હોવા છતાં પાકિસ્તાને કદી ખેલદિલીપૂર્વક નવ પ્લેયર્સથી મેચ રમી હોય એવું ઇતિહાસમાં નોંધાયુ નથી. પાકિસ્તાનના આવા જ એક દેશભક્ત અમ્પાયર શકૂર રાણાનાં નિર્ણયોને લીધે ન્યુટ્રલ અને થર્ડ અમ્પાયરની પ્રથા શરુ થઈ હોવાનું પણ મનાય છે.

આ તરફ ભારતમાં ફાસ્ટ બોલર્સની કાયમ કમી રહી છે. ક્રિકેટમાં જો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મંજૂર કરવામાં આવે તો ચોક્કસ વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન જેવા દેશો ભારતમાં મૂડીરોકાણ કરે. ક્રિકેટની રીતે જોઈએ તો ભારત સ્પીનર-પ્રધાન દેશ રહ્યો છે. વર્ષોથી આપણે સ્પીનર્સ અને મીડીયમ પેસ બોલર્સ જ પેદા કર્યાં છે. ૧૯૮૩માં આપણે પહેલી વખત વર્લ્ડકપ જીત્યા હતા એનાં સફળ મીડીયમ પેસર મોહિન્દર અમરનાથ તો બોલિંગ રનઅપ કરતાં એટલાં ધીમા પડી જતાં કે એ પોતે રનઅપ પુરો કરી સ્ટમ્પ સુધી પહોંચશે કે કેમ એ બાબતે કોમેન્ટેટરોમાં મતભેદ રહેતા. જોકે હાલમાં તો સ્પીનર્સ માટેની પીચ બનાવ્યા પછી હારીએ એવા સ્પીનર્સનો ફાલ પણ વચ્ચે વચ્ચે આવી જાય છે ત્યારે પેલો દુહો થોડા ફેરફાર સાથે કહેવાનું મન થાય કે, ‘વા ફરે વાદળ ફરે, ફરે નદીના નીર, પણ સ્પીનર્સનાં બોલ ના ફરે ચાહે ગમે તેવી બનાવો પીચ’.

ભારત હોય કે પાકિસ્તાન બંનેના ક્રિકેટર્સમાં એક સમાનતા અમને એ જોવાં મળી કે બંનેના પ્લેયર્સને ઈશ્વરમાં શ્રધ્ધા ઘણી. ધ્યાનથી જોશો તો દોરા-ધાગા અને માદળિયાં આ બંને દેશના ખેલાડીઓના ગળા કે હાથ પર બાંધેલા જોવાં મળશે. બંને દેશના ખેલાડીઓની બીજી એક ખાસિયત એ રહી છે કે મેચમાં ધરખમ પ્રદર્શન કરી મેન ઓફ ધ મેચ બન્યા પછી જયારે બે શબ્દ કહેવાનો વારો આવે ત્યારે મોટાભાગના અં અં અં ત ત ફ ફ કરવા લાગે છે.

આ બધા વચ્ચે અત્યારે ભારત-પાક તણખા સિરીઝ ચાલી રહી છે. એક પ્રચલિત વાયકા મુજબ ક્રિસમસ દરમિયાન થઈ રહેલા આ મુકાબલાના કારણે સાન્તા ક્લોસે પણ પોતાના ચેરિટી કાર્યક્રમોમાં ભારત-પાક મેચના કાર્યક્રમને અનુરૂપ ફેરફાર કર્યાં છે. ભારત-પાક મેચનું મહત્વ એટલું છે કે અમુક વર્ગોમાં આવી મેચ હોય ત્યારે રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગ પણ કરી છે. તો જયારે ભારત પાકિસ્તાન સામે મેચ હારી જાય ત્યારે રાષ્ટ્રીય શોક જાહેર કરવાની ઈચ્છા પણ ઘણાં લોકોએ ભૂતકાળમાં કરી છે. પાકિસ્તાન સામે આપણે મેચ જીતી જઈએ ત્યારે સ્વયંભુ લોકો રોડ પર ઉતરી આવે છે, ફટાકડા ફોડે છે અને મીઠાઈઓ વહેંચે છે. પાકિસ્તાન સામે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં આપણે જીત્યાં ત્યારે લોકોને વર્લ્ડ કપ જીતવા કરતાં વધારે ખુશી થઈ હતી. જોકે પાકિસ્તાન સામે મેચ જીતવાથી થતી ખુશી કરતાં દાઉદને પકડી લાવે તો લોકોને વધારે આનંદ થાય, પણ એવું આ સરકાર કરી શકે એવું લાગતું નથી!