Tuesday, December 10, 2013

અમેરિકામાં આપણો પંકીલ ઉર્ફે પકો

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૮-૧૨-૨૦૧૩ | અધીર અમદાવાદી |

અમેરિકામાં જન્મીને ત્યાં ભણતા હોય એવા સ્ટુડન્ટ્સ તો અમેરિકન રહેણીકરણીથી ટેવાયલ હોય છે પણ જે માસ્ટર્સ કરવા ૨૧-૨૨ વરસની ઉંમરે ગયા હોય તેવા છોકરાંને અમેરિકામાં શરૂઆતમાં થોડી તકલીફ પડે છે. મા-બાપનો એકનો એક છોકરો હોય. અમદાવાદ જેવા શહેરમાં જ ભણ્યો અને મોટો થયો હોય એટલે મિત્રો સાથે આબુ કે દમણની ‘ટ્રીપ મારી હોય’ એ સિવાય ખાસ ફરેલ ન હોય. એવો પકો જયારે ૨૮ કલાકની કુલ મુસાફરી પછી અમેરિકાના એરપોર્ટ પર ઉતરે છે ત્યારે દિગ્મૂઢ બની જાય. કારણ કે મિડલ ક્લાસનો હોય એટલે ઇન્ડિયામાં પણ ભાગ્યે જ એણે બાય એર મુસાફરી કરી હોય.

ચન્દ્ર હોય કે વિદેશની ધરતી, સામાન્ય રીતે બધે જ પહેલો પગ મૂક્યા પછી બીજો પગ મૂકવાનો રીવાજ છે. એટલે અમેરિકાના એરોબ્રિજ પર પકો પહેલો પગ અને પછી બીજો પગ મૂકી અંતે સૌ જતાં હોય એ દિશામાં જઈ ઈમિગ્રેશનની લાઈનમાં ઊભો રહી જાય. પણ થોડી વાર પછી એને ખબર પડે કે એ ટેવ મુજબ લાઈનમાં ઊભો નથી રહ્યો, ઘૂસ્યો છે, એટલે થોડો ખાસિયાણો પડી જાય. પણ ‘ડગલું ભર્યું કે ન હટવું ન હટવું’ એવું ગુજરાતીની ચોપડીમાં ભણેલું અમેરિકામાં સાર્થક કરતો હોય એમ એ લાઈનમાં લાગેલો જ રહે છે. વારો આવતાં ઈમિગ્રેશન ઓફિસરે પૂછેલા પ્રશ્નોના પોતાને સમજ પડે એવા જવાબ આપી એ અમેરિકામાં એન્ટ્રીનો સિક્કો મરાવી સામાન ભેગો કરવા લાગે છે. જે યુનિવર્સીટીમાં જવાનું હોય ત્યાંનો વિધાર્થી એને પીકઅપ કરવા આવ્યો હોય એને ફોન કરવા માટે છુટા કોઈન શોધવાથી એની ટેમ્પરરી વિટંબણાઓની શરૂઆત થાય. કોઈન તો આસાનીથી મળી જાય પણ સામેવાળો ફોન ન ઉચકે તો તેના વોઇસમેલની સૂચનાઓ સમજવા બે વાર સિક્કા નાખવા પડે. પણ છેવટે લેવાવાળા જોડે ભરતમિલાપ થઈ જાય એટલે રામ રાજયને પ્રજા સુખી એમ આપણો પકો ગદગદિત થઈ જાય!

પોતાનું એપાર્ટમેન્ટ મળે ત્યાં સુધી કોક સિનીયરે ખાલી કરેલા પણ લીઝ પૂરું ન થયું હોય એવા એપાર્ટમેન્ટમાં બે-ચાર દિવસ ટેમ્પરરી કાઢવાના આવે. એમાં સામાન આખો અનપેક થાય નહી અને ઘરમાં પકા જેવા બીજાં નવા-નિશાળીયાઓ હોય એટલે શરૂઆતમાં દૈનિક ક્રિયાઓ અને ખાવા પીવામાં અગવડ પડે. આવા સમયે મેગીના પડીકાં કામમાં આવે. પણ રૂમીઝ પકા જેવા જ નવા નિશાળિયા હોય જેમણે જિંદગીમાં શેક્યો પાપડ પણ ભાંગ્યો ન હોય. અમુક તો એટલાં અનાડી હોય કે મેગી બનાવતા પણ ન આવડે. પાણી ક્યાં ઓછું પડે અથવા વધુ વખત સગડી પર રહી જાય, એટલે પછી મેગી છે કે ખીચું એ જ ખબર ન પડે. બીજી વાર અક્કલ આવે એટલે પછી વધારે પાણી નાખે. આ વખતે પાણી એટલું વધારે પડે કે મેગી નુડલ સૂપ જેવી બની જાય. ત્રીજી વખત બનાવે ત્યારે છેક સાચું માપ ખબર પડે. પણ જે વીરો ઘરમાં શાકનાં કલર જોઈને રીજેક્ટ કરતો હોય કે ‘આવું પીળાં કલરનું શાક? નથી ખાવું હું બહાર ખાઈ લઈશ’ એ બે દિવસમાં જ પીળાં, લીલા, લાલ, સફેદ અને બળી જાય તો કાળા કલરના શાક બ્રેડ સાથે ખાતો થઈ જાય!
 
પણ ગુજરાતી ચન્દ્ર પર જાય તો પણ બે-ચાર દિવસમાં ખીચડી બનાવીને ખાતો થઈ જાય તો આ તો અમેરિકા. અઠવાડિયામાં તો નાની-મોટી વાતોમાં પ્રાવીણ્ય આવી જાય. ખાસ કરીને કાગળના ઉપયોગમાં. જેમ કે હેન્ડરરચિફને બદલે ટીસ્યુ પેપર અને કિચનમાં ગાભાને બદલે ટીસ્યુ રોલ વાપરતા એ શીખી જાય. વેન્ડિંગ મશીનમાંથી એ કુતુહલ ખાતર પણ નોટ સરકાવી વેફરના પડીકાં કે કોલ્ડ્રીંક બહાર કાઢે. સ્વાભાવિક રીતે પછી એને પહેલો વિચાર એ આવે કે ઇન્ડિયામાં આવું મશીન મુક્યું હોય તો એનાં શું હાલ થાય? ડોલરની નોટના બદલે મશીનમાંથી રોજ નોટની સાઈઝના કેટલાં કાગળ નીકળે?

ખરી મઝા લોન્ડ્રી કરવામાં થાય. સ્ટુડન્ટ્સ સામાન્ય રીતે અઠવાડિયે એક વખત પબ્લિક લોન્ડ્રીમાં સિક્કા નાખી એ કપડાં ધોવે અને પછી વધુ બીજાં સિક્કા નાખી કપડાં ડ્રાય કરે. આપણા જેવાને એમાં ડબલ આઘાત લાગે. ધોવાના ને સુકવવાના જુદાં! એમાં લીક્વીડ ડીટરજન્ટ વોશિંગ પાવડર કરતાં મોંઘો પડે એટલે ભાઇ પાવડર નાખીને કપડાં ધોવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરી જુવે. અને ડ્રાયરના ડોલર બચાવવા કપડાં ડ્રાય કર્યાં વગર રૂમ પર લઈ જાય એમાં રૂમ ધોબીઘાટ જેવો થઈ જાય. તો કોક વખત મશીનમાં કપડાં ઓવરલોડ ઠાંસે તેમાં મશીન અટવાય. કપડાં સુકાય પછી નવો નિશાળીયો ઉછીની લીધેલ કે સેકન્ડ હેન્ડ ખરીદેલી ઈસ્ત્રીથી કપડાં ઈસ્ત્રી કરે. પણ નવું નવ દહાડા એ કહેવત અમેરિકામાં પણ એટલી જ લાગુ પડે છે એ સાબિત કરવા ખૂબ જ જલ્દી જ લઘરવઘર ફરતો થઈ જાય. એટલે અમેરિકામાં ઈસ્ત્રી-ટાઇટ કપડામાં કોઈ કોલેજીયન ફરતો દેખાય તો એ દેશમાં ફ્રેશ એન્ટ્રી છે એમ સમજવું!

આ દરમિયાનમાં એનાં યુનિવર્સીટીના આંટાફેરા ચાલુ થાય. યુનિવર્સીટીમાં એને આઘાત પર આઘાત મળે. ‘વ્હોટ કેન આઈ ડુ ફોર યુ ટુ ડે?’ એવું સોનેરી વાળવાળી છોકરી પૂછે એમાં પકો નર્વસ થઈ જાય. પછી હિંમત કરીને રજિસ્ટ્રેશન માટે આવ્યો છું એવું સમજાવે. બોલવામાં વચ્ચે એકાદ બે ગુજરાતી અને હિન્દી શબ્દ પણ આવી જાય. પણ પપ્પાએ કચકચ કરીને બર્થ સર્ટીફીકેટથી માંડીને ડીગ્રી સર્ટીફીકેટ સુધીના ઝેરોક્સના દસ દસ સેટ આપ્યા હોય એમાનું એકેય પેપર પેલી માંગે નહી! એને જે જોઈએ એ જાતે ફોટોકોપી કાઢી લે અને પાછું ફોટો પાડી ને પાંચ મીનીટમાં તો ફોટા સાથેનું આઇડેન્ટિટી કાર્ડ પકડાવી દે. એકપણ ધક્કો ખવડાવ્યા વગર! આપણા જેવાનું તો હૈયું ભરાઈ આવે કોઈ ધક્કો ન ખવડાવે તો. બસ આવું મહિનો દહાડો ચાલે, કોક ટેમ્પરરી નોકરી મળી જાય અને ભાઈ જોતજોતામાં ગ્રેજ્યુએટ થઈ અમેરિકન બની જાય.  


Friday, December 06, 2013

બ ને બદલે ભ



લોકોને ગુજરાતી ભાષા બોલતાં નથી આવડતી બરોબર. ઘણાં લોકો બ્રાહ્મણ માટે બામણ અને અમુક બામણનું અપભ્રંશ કરીને ભામણ પણ કરી નાખે છે. અંગ્રેજી શબ્દોમાં પણ બોલવામાં તો વ્યાપક પ્રમાણમાં બ નો ભ કરાય છે  જેમ કે બ્રશનો ભ્રશ, બ્રેડની ભ્રેડ, બ્લુનું  ભ્લુ અને બ્રેક મારવાને બદલે લોકો ભ્રેક મારે છે. ને ગુજરાતી ગાળની સૃષ્ટિમાં તો બ ને બદલે ભ બોલવાની પરંપરા રહી છે. એ ક્યાંથી શરુ થઈ અને કેમ શરુ થઈ,  એ અંગે કોઈ સંશોધન થયાનું અમારી જાણમાં નથી અને ન અમને એ જાણવાની કોઈ ઈચ્છા છે. જોકે અમારા સ્વભાવમાં ભારોભાર કુતૂહલ ભરેલું હોવાથી અમને એ પ્રશ્ન જરૂર થયો કે આ બનો ભ માત્ર એક જ ગાળ પુરતો જ કેમ સીમિત રહ્યો હશે? ધારોકે કોઈ પ્રદેશમાં ‘બ’ને બદલે ‘ભ’ ભધા એટલે કે બધાં શભ્દો એટલે કે શબ્દોમાં ભોલતા એટલે કે બોલતા હોય તો કયા શબ્દો કઈ રીતે બોલાય? આ અંગે અમે થોડું વિચાર મંથન કર્યું છે.    




















  • સૌથી પહેલાં બનેવી ભનેવી બની જાય.
  • પછી બા ને ભા કહે બધાં.
  • કોઈના ઘેર ભાભો આવે અને કોઈના ઘેર ભેભી.
  • પણ ભાભી તો ભાભી જ રહે.
  • મારો વહાલો બકો પછી ભકો બની જાય.
  • સચિન કેટલાં રને આઉટ થયો એવું પૂછો તો એનો જવાભ આવે ભાણું.
  • પછી તો કોઈની અટક બસુ હોય તો એ ભસુ થઈ જાય.
  • અને પત્તામાં કોઈ હાથમાં આવેલી ભાજી હારી જાય એવું પણ ભને.
  • ફાયરબ્રિગેડ પછી ભમ્ભાખાના તરીકે ઓળખાય.
  • પછી લોકો ભીએ અને ભીકોમ થાય.
  • હોટલમાં જમો એટલે વેઈટર ભીલ આપે.
  • કવિનું તખલ્લુસ ભેચેન હોય.
  • ઘેર મહેમાન આવે તો એને આવો અને ભેસો કહેવામાં આવે.
  • રીવરફ્રન્ટ પર જઈને પછી લોકો સ્પીડ ભોટમાં ભેસે.
  • જમરુખની એક ફિલ્મનું નામ પછી ભાજીગર હોય.
  • અને શોલેની ભસન્તી તો આખો દાડો ભકભક કરે.
  • હવે તમે પણ લાગી જાવ. આ લીસ્ટ લામ્ભુ કરવા. મને ખભર છે તમે છાના નથી રહેવાનાં !