Tuesday, December 18, 2012

મતદાનનું મોડર્નાઇઝેશન

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૬-૧૨-૨૦૧૨ | અધીર અમદાવાદી |



શાસ્ત્રોમાં કહ્યું છે गुणवन्त: क्लिश्यन्ते प्रायेण भवन्ति निर्गुणा: सुखिन: અર્થાત્ ગુણી માણસે નગુણા માણસ કરતા વધારે કષ્ટો ભોગવવા પડે છે. આપણે પવિત્ર ફરજ તરીકે મતદાન કરવા જઈએ ત્યારે ઘણી તકલીફો ઉઠાવવી પડે છે, પણ મેવા ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ ખાય છે. એમની સંપત્તિના જાહેર થયેલા આંકડા આની સાબિતી છે. એટલે જ આ રાષ્ટ્રીય સેવા કરનારને મેવા પણ રાષ્ટ્રીય દરજ્જાના જ મળવા જોઈએ. કલેક્ટર પાસે ચૂંટણી સમયે અમર્યાદ સત્તા હોય છે અને એ સત્તાનો ઉપયોગ કરીને પ્રાઇવેટ વાહનો જપ્ત થઈ શકતાં હોય તો પછી મોલ અને મલ્ટીપ્લેક્સ કેમ નહિ? મતદાન મથકો કોઈ શાળા જેવી બોરિંગ ખંડેર જગ્યાઓને બદલે મોલ કે ફાઈવ સ્ટાર હોટેલ્સમાં હોય તો જાહેર જનતાને એનો લાભ મળે અને મતદાન પણ વધે.

ખાસ કરીને શહેરી અને યુવાન સ્ત્રી મતદાતાઓ હાથમાં કરાતાં ભૂંસાય નહિ તેવી શાહીના ટપકાંથી પરેશાન થાય છે. ભલે ફિલ્મ એકટ્રેસો મતદાન કરી ગર્વથી પબ્લીસીટી માટે ફોટા પડાવે, પણ ઘેર જઈને એ પણ કકળાટ કરતી હોય છે કે હવે આ પંદર દિવસ સુધી જશે નહિ. એમાં પાછાં પરાણે ચૂંટણીની કામગીરી માટે જોતરવામાં આવેલા કર્મચારીઓ ખીજ ઉતારવા, હાથે કરીને, નિયમ પ્રમાણેનો લાંબો લીટો તાણતાં હોય છે. પાછળ જ જ્યારે લગ્નગાળો આવતો હોય તેવામાં આવા કાળા ટપકાં આંગળી ઉપર કેવાં અપશુકનિયાળ લાગે? અને આવા કાળા ટપકાં સાથે લગ્નમાં લોકો આવે અને એ લગ્ન છૂટાછેડામાં પરિણમે તો એ માટે કોણ જવાબદાર? આ બધું જોતાં મતદાન કરે એને હાથમાં આવા કાળા લીટા કરવાને બદલે જો સરસ નેઈલ પોલીશ કરી આપવામાં આવે તો મહિલા મતદારોનો ચોક્કસ ઉત્સાહ વધે. અને કાળા લીટાને બદલે જો મહેંદી મૂકવાનો રિવાજ શરુ થાય તો આ યોજના ડબલ બોનાન્ઝા સાબિત થાય અને નફામાં ચૂંટણી સંબંધિત રોજગારીની તકો વધે.

અને નેઈલ પોલીશ જ શું કરવા. આમેય ચૂંટણીનું બજેટ ઘણું મોટું હોય છે, તો લગે હાથ ખર્ચો પાડી ચૂંટણી પંચ રેડિયો પાર્ટનર શોધી શકે જેમાં કોઈ પૉપ્યુલર મહિલા આર.જે. બપોરે મતદાન મથક પર કીટી પાર્ટી સાથે સાથે કૉન્ટેસ્ટ કરે. કોન્ટેસ્ટનાં બહાને લોકો ભેગાં થાય અને એમાં વિજેતાને મતદાન મથક પર જ ખોલેલા બ્યુટી સલૂનમાં મફત બ્યુટી ટ્રીટમેન્ટ અને સ્પા આપવામાં આવે. કોન્ટેસ્ટમાં વિવિધ પાર્ટીની જાહેરાતોની પંચ-લાઈન્સ, દેશમાં થયેલા વિવિધ કૌભાંડોના આંકડા, લોકસભાની કાર્યવાહીનો એક દિવસનો ખર્ચ, પાર્લામેન્ટ કેન્ટીનમાં સબસીડાઈઝડ રાઈસ પ્લેટની કિંમત જેવા અનેક પ્રશ્નો પૂછી શકાય. આ ઉપરાંત બધાં રાજકીય પક્ષોના સહયોગથી ગૃહિણીઓને મતદાન કર્યાનો પુરાવો બતાવે તો સામે ગેરેન્ટેડ ગિફ્ટ જેવી કે પ્લાસ્ટિકના ડબ્બા, હિંગની ડબ્બીઓ, હળદર, કાચના છ ગ્લાસ, પ્લાસ્ટિકની ડોલ પણ આપી શકાય.

લગ્ન પ્રસંગે ચાંલ્લાનું કાઉન્ટર હોય છે, જે મતદાન કાઉન્ટર જેવું જ હોય છે. બંનેમાં સજાગ માણસોને બેસાડ્યા હોય છે. ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચનો હિસાબ રખાય છે. ચાંલ્લામાં એક એક કવર કે રકમ બરોબર ગણાય છે અને નોટમાં એનો પાકો હિસાબ રખાય છે. મતદાનમાં એક એક મતદારની વિગત ચકાસી એનો વોટ સ્વીકારાય છે. જોકે ચાંલ્લાના કાઉન્ટર પર મુખવાસ કે ધાણાંની દાળની પડીકીઓ મૂકેલી હોય છે. એકસો એકનો ચાંલ્લો કરી તમે વસૂલાતમાં જમવા ઉપરાંત આ ધાણાની દાળના બે ચાર પડીકા ખીસામાં ભરી શકો છો. શું આ પ્રથા ચૂંટણીમાં ન લાવી શકાય ? ખાસ કરીને પુરુષ મતદારો માટે પાનમસાલા અને સૌરાષ્ટ્રમાં એક જણને માવો બનાવવા બેસાડી દીધો હોય તો મતદારોનો રસ મતદાનમાં વધી જાય. હા, પછી માવા ખાધા હોય એનાં રસથી મતદાન મથક આજુબાજુની દીવાલ અને રસ્તાઓ પણ રસપ્રદ થઈ જાય એ અલગ વાત છે !

આજકાલ મોબાઈલ વગરનાં યુવાન કે યુવતીની કલ્પના કરવી મુશ્કેલ છે. ચૂંટણી પંચ જો મોબાઈલ કંપનીઓ સાથે રહીને કોઈ સ્કીમ લાવે તો યુવા-ધણને મતદાન તરફ વાળી શકાય. જેમ કે મતદાન કરે એનાં ખાતામાં ડાઇરેક્ટ ૨૦ રૂપિયાનું બેલેન્સ જમા થઈ જાય. અથવા મતદાન કરનારને વીસ રૂપિયાનું રીચાર્જ વાઉચર આપવામાં આવે. આ ઉપરાંત મતદાન સંબંધી બેસ્ટ પ્રેરક મેસેજને આકર્ષક ઇનામ પણ આપી શકાય. પોતાના વાહન પર બેસી બૂથ સુધી જનારને અડધો લીટર મફત પેટ્રોલ આપી શકાય. અને આજે યુવા મતદાર જ્યારે કમને બૂથ પર આવે છે ત્યારે એમનાં મનોરંજન માટે 52 ઇંચના એલઈડી ટીવી પર પૂનમ પાંડે કે સની લિયોન દ્વારા સંચાલિત શોનું પ્રસારણ થાય તો ચોક્કસ મતદાનના આંકડા ઊંચા આવે!

ડ-બકા
સત્તા માટે અહિં રોજ કોઈનું કોઈ વટલાય છે બકા;
દુકાન એ જ જૂની ખાલી પાટિયા બદલાય છે બકા.
 

Thursday, December 13, 2012

સાચો નેતા કોણ?

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૯-૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |
 
ઇંગ્લૅન્ડનાં પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમરૂન લંડનની અન્ડરગ્રાઉન્ડ રેલવેમાં મુસાફરી કરતાં જોવા મળ્યા હતાં એવું અમે ૧૮ ઑક્ટોબર૧૧ ના ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં વાંચ્યું હતું. સંયોગથી આ મુસાફરીમાં એમને પરિવાર સાથે મુસાફરી કરતી સંયોગિતા માયર નામની એક ભારતીય સ્ત્રી મળી ગઈ. પછી એવું થયું કે કેમરૂનને સંયોગિતાનું ત્રણ વરસનું બાળક સુંદર લાગ્યું. એમણે એ કહી પણ દીધું. વિશ્વની કોઈપણ સ્ત્રી પોતાનાં બાળકનાં વખાણથી ખુશ તો થાય જ. જોકે અમેરિકા જેવા દેશમાં આવું થાય તો માતા ૯૧૧ નંબર ડાયલ કરી દે કે કોઈ અજાણ્યો માણસ મારા બાળકનું અપહરણ કરશે તેવું મને લાગે છે. પણ સંયોગિતા લંડનમાં નવીસવી હતી એટલે એણે એનાં પતિને પૂછ્યું કે આ સજ્જન કોણ છે જે આપણી ટીકુના આટલાં વખાણ કરે છે? એનાં પતિ એ કહ્યું કે આ તો પ્રાઈમ મિનિસ્ટર છે. પણ સંયોગિતા એક પત્ની હતી એટલે એને એનાં પતિની વાત પર સહેજે વિશ્વાસ ન પડ્યો એટલે એણે તો કેમરૂનને પૂછી જ નાખ્યું, કે આ યાન્કો (એનાં પતિનું નામ) કહે છે એ સાચું છે? શું તમે પ્રાઈમ મિનિસ્ટર છો? સોરી તમને આવા સવાલ કરું છું પણ અમારા ત્યાં મિનિસ્ટર આમ ટ્રેઇનમાં સફર કરતાં હોય તે જલદી માન્યામાં આવે એવી વાત નથી.લાગે છે સંયોગિતાએ આપણા હાલ એમપી અને ફ્યુચર પીએમ રાહુલ બાબાનાં સમાચાર વાંચ્યા નથી લાગતાં.
*****
ચૂંટણી આવે એટલે મતદારોની મૂંઝવણ પરાકાષ્ઠા પર પહોંચે છે. કોને મત આપવો? પાર્ટીને કે પર્સનને? બધાં ગુંડા જેવા હોય તો શું કરવું ? સ્થાનિક ઉમેદવારનું નામ પણ સાંભળ્યું ન હોય તો? ગઈ વખતે ચૂંટાયા પછી એણે કોઈ કામ નથી કર્યું. વિકાસ થયો છે એવું નેતાઓ કહે છે પણ હું તો ત્યાંનો ત્યાં છું. પગાર વધ્યો છે, પણ ખર્ચો એથી બમણો થયો છે. રૂપિયા કમાવવાની દોડમાં ઘર માટે જે સમય બચતો હતો એ પણ હવે વપરાઈ જાય છે. એક સમયે ગાંધીજી અને સરદાર જેવા આદર્શ નેતાઓ ગુજરાતે દેશને આપ્યા હતાં. જો કે આજનાં નેતાઓ ગાંધી સરદારની કક્ષામાં પહોંચી શકે તેમ ન હોઈ  આદર્શ નેતાના સ્ટાન્ડર્ડ નીચા કરી દેવા જોઈએ જેથી ગમે તે એમાં ફીટ થઈ શકે, અને આપણને આત્મસંતોષ પણ મળે કે અમે આદર્શ નેતાને ચૂંટ્યા છે.

જે ચૂંટાઈ શકે તેવા નેતા પક્ષની પહેલી પસંદ હોય છે. આદર્શવાદી હોય પણ ચૂંટાઈ ન શકે તો એનાં આદર્શોને પક્ષ શું ધોઈને પીવે? પાવરમાં આવવા માટે મસલ પાવર અને મની પાવરનો સમુચિત ઉપયોગ કરી શકે એ હવે તો સાચો નેતા. હિન્દી ફિલ્મોની જેમ મસલમૅન કંઈ મોઢા ઉપર મસો અને રેક્ઝીનના જૅકેટ સાથે નથી ફરતાં. ખાલી દંડ-બેઠક કરવાથી કંઈ નેતા નથી થવાતું. એના માટે સૂર્ય નમસ્કાર નહિ પણ કોઈ ખડ્ડુસ નેતાના ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર કરવા પડે છે. રૂપિયા ઉઘરાવવાનાં હુન્નરનો ડેમો આપવો પડતો છે. આ બધું કર્યા પછી પણ ઘણીવાર કામ તો જુનિયર આર્ટિસ્ટ જેવું જ મળતું હોય છે. પણ સાચો નેતા એ બને છે જેને શેઠને વાણોતર બનાવી જાતે શેઠ બનતા આવડે.

નેતાના લક્ષણ બાળપણથી જોવાં મળે. બાલનેતા પપ્પાને પટાવી અને મમ્મીને ઇમોશનલ બ્લેકમેઇલ કરી રૂપિયા કઢાવતો હોય છે. કૉલેજમાં સીઆર જીએસ બની યુવાનેતા કલ્ચરલ અને અન્ય પ્રોગ્રામની સ્પોન્સરશીપમાંથી દારૂની પાર્ટીનાં રૂપિયા કાઢવાનું સહજ રીતે કરે છે. અને જ્યારે એ માર્કેટમાં આવે ત્યારે નાની મોટી કોઓપરેટીવ સોસાયટી, માર્કેટ બોર્ડ જેવામાં બેસી રૂપિયાનાં વહીવટ કરતો થઈ જાય છે. ચૂંટાયા પછી આ બધું શીખવા બેસે એવો નેતા કોઈ પક્ષને ન પોસાય.

वचनेषु किम् दरिद्रता એ સાચા નેતાનો ગુરુમંત્ર ગણાય. લેપટોપ અને ટૅબ્લેટ તો ઠીક એ મંગળ પર મકાન અપાવવાનાં વાયદો કરવામાં પાછો ન પડે, પછી ભલે પાસે ભાલેજ જવાનું બસભાડું પણ ન હોય. પક્ષમાં ટીકીટ માટે મારકાપ મચી હોય પણ દેશની એકતા અને અખંડિતતા માટે મરી જશું એવી વાતો કરતાં એને આવડતું હોય છે. જ્ઞાતિને આધારે ચૂંટણી લડે અને વાતો બિન-સાંપ્રદાયિકતાની કરે એ નેતા.
વાક્પટુતા નેતાનાં બત્રીસ લક્ષણો પૈકીનું એક અગત્યનું લક્ષણ છે. એકની એક જ વાત જુદી જુદી રીતે કરવી, જુદાં જુદાં પ્રશ્નોનો એક જ અને ગોળ ગોળ જવાબ આપવો, વાત કરીને ફરી જવું એ નેતાઓને  વારસામાં મળતી કળા છે. અબી બોલા અબી ફોક’, ‘થૂંકીને ચાટવુંજેવા સદગુણો ધરાવતો નેતા સફળતાને વરે છે. નેતાને ભાષણ આપવામાં મહાવરો હોવો જોઈએ. એને હિન્દી તથા સ્થાનિક ભાષા આવડવી જોઈએ. ચરોતરમાં ચરોતરી, કચ્છમાં કચ્છી, કાઠિયાવાડમાં કાઠિયાવાડી અને ખાનગીમાં સુરતી બોલી શકે એ નેતા!

અને સૌથી અગત્યનું એ છે કે આદર્શ નેતા જો કૌભાંડ કરે તો બધાને સાથે રાખીને કરે એવો હોવો જોઈએ. જો નેતામાં રૂપિયા ઉલેચવાની મૂળભૂત ક્ષમતા હોય તો એનો લાભ પાર્ટીને પણ મળવો જોઈએ, પાર્ટીના મોટા માથાઓને પણ મળવો જોઈએ. પણ કૌભાંડ કરવું એ કંઈ પૂરતું નથી. કૌભાંડ નિભાવવું પડે છે. કારણ કે કૌભાંડના રેલા વગર ચોમાસે આવે છે. ફસાઈ જાય ત્યારે નેતા કેવાં નિવેદનો આપશે અને કોને સાથે લઈ ડૂબશે એ વર્તણુંક પણ પાર્ટી માટે ઘણી અગત્યની છે. ત્રાસવાદીઓ તો પકડાય તો સાઈનાઈડની ટેબલેટસ ખાઈ લે છે, પણ જાન હૈ તો જહાન હૈમાં માનતા આપણા નેતાઓ કંઈ થોડા એમ ઝેર ખાઈ લે છે