Tuesday, October 29, 2013

કેટલીક કરવા જેવી સાફસૂફી

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૭-૧૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 

કદાચ દરેક હાસ્યલેખકે દિવાળીની સાફસૂફી પર હાસ્યલેખ લખ્યા હશે. સામાન્ય રીતે પત્ની દ્વારા પરાણે સોંપવામાં આવતાં કાર્યોનું વિવરણ હોય, એમાં પણ પાછું કરીને માળીયામાં ચઢવાનું આવે. વત્તા ઓછાં અંશે લેખકની કામ પ્રત્યેની સુગ અને અણઆવડત વિષે લખાયું હોય. એટલે અમારી પણ પવિત્ર ફરજ છે કે અમે પણ દિવાળીની સાફસૂફી પર એક લેખ લખીએ. લખીએ શું, આ લખી દીધો! ગભરાશો નહી, માળિયાની સાફસફાઈ વિષે નથી લખ્યું કશું!

--

આપણે ત્યાં 'મન મૈલા ઔર તન કો ધોયે...' એવું સંતો કહી ગયા છે. ઘણાં એવા હોય કે  એન્જીન ડચકા ખાતુ હોય એ રીપેર ન કરાવે, પણ ગાડી રોજ ઘસી ઘસીને ધોશે! આખો દિવસ કાચી-પાંત્રીસના માવા દબાવે અને પાછો સવારે લીંબુ, નમક, આદુ અને ઓક્સિજન હોય એવી ટુથપેસ્ટ લઈ પચ્ચા રૂપિયાના બ્રશથી અડધો કલાક સુધી ઘસશે! વોટ આપતી વખતે આંખ મીંચીને બટન દબાવી આવશે અને પછી પાંચ વર્ષ દેશની દુર્દશા માટે કકળાટ કરશે! જોકે અમને તો ‘તન મેલા ઓર ઘર કો ધોએ’ એ નવી કહેવત પણ એટલી જ યથાર્થ લાગે છે. ઘર સાફ કરવા કરતાં પોતાની જાતની સાફસફાઈની પણ એટલી જ જરૂરી છે. ઘરના બાવા-જાળા સાફ કરતાં પહેલાં વાળ કપાવવા એટલાં જ જરૂરી છે. અમે ઇશાંત શર્મા વિષે વાત નથી કરતા. ચોખવટ પૂરી.



પુરુષો, અને એમાંય જે લોકોને માવા-ગુટખા ખાવાની ટેવ છે તેવા પુરુષોના દાંત અતિશય પીળાં અને છારી બાઝેલા જોવા મળે છે. આપણા દેશના ડેન્ટીસ્ટ તો બચારા ટુથપેસ્ટની જાહેરખબરમાં જ કમાતા હશે કદાચ. લોકો તો દાંત છુટા પડીને હાથમાં ન આવે ત્યાં સુધી ડેન્ટીસ્ટને બતાવવામાં માનતા નથી. એટલું સારું છે કે તમાકુ ખાય છે એટલે મ્હોંમાંથી આવતી દુર્ગંધ તમાકુની ગંધમાં દબાઈ જાય છે. પાછું દુર્ગંધનું સાયન્સ એવું છે કે બદબૂદાર માણસને પોતાની બદબૂથી, જે મોઢામાંથી આવતી હોય કે મોજામાંથી, ત્રાસ નથી થતો. આવા પુરુષોને પરણનાર અને પરણ્યા પછી પણ એમને ડેન્ટીસ્ટ પાસે ન લઈ જનાર સ્ત્રીઓને એવોર્ડ આપી શકાય. આવા પુરુષોના (કે એમની પત્નીઓના) લાભાર્થે દાંત સફાઈ કેમ્પ દર શરદ પૂનમે યોજાવા જોઈએ.


સૌરાષ્ટ્રમાં, એમાંય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મારી નજર સામે અનેક વખત ભજવાયેલ આ દ્રશ્ય છે, જેમાં નાના સાહેબ કે મોટા સાહેબ ડસ્ટબીન કે જેમાં સામાન્ય રીતે કાગળ નાખવાનો હોય તેમાં માવો કે પાન ખાઈને થૂંકે. હા, વારેઘડીયે બહાર થૂંકદાની સુધી કોણ જાય? આવા લોકોને પકડીને દિવાળી ઉપર આવું ડસ્ટબીન ફરજીયાત સાફ કરાવવું જોઈએ. એ પણ હાથથી. કોઈ પણ સાબુ વગર અને ઘસી ઘસીને. એ નવા જેવું દેખાતું થાય પછી જ દિવાળીનો પગાર જમા થાય એવો નિયમ બનાવવો જોઈએ.


ગુજરાત બંધ અને ભારત બંધના એલાન અવારનવાર અપાય છે. મોટે ભાગે એમાં મુદ્દો શક્તિ પ્રદર્શનનો હોય છે. પણ આ બંધમાં દીવાલો પબ્લિક બિલ્ડીંગની ચિતરાઈ જતી હોય છે. અમદાવાદમાં હાલ ગુજરાત યુનિવર્સીટીની રંગરોગાન થયેલી દીવાલો બંધના એલાનના કાળા અક્ષરથી ચિતરાયેલી જોઈ શકાય છે. એમાં સરસ મજાની રીનોવેટ થયેલી પોસ્ટ ઓફીસના બિલ્ડીંગ ઉપર પણ ડોબાઓએ ચિતરામણ કર્યું છે. તો જે પક્ષે આવા બંધના એલાન આપ્યા હોય એનાં ચૂંટાયેલા સભ્યોને આવી આવું ચિતરામણ સાફ કરવાનું કામ સોપાવું જોઈએ. આ અંગે સાફસફાઈ થઈ છે તે દરમિયાનનો વિડીયો અને ફોટોગ્રાફ્સનું ડોક્યુમેન્ટેશન હાઈકોર્ટમાં જમા કરાવે તો જ તે પક્ષ કોઈ પણ ચૂંટણીમાં ભાગ લઈ શકે અન્યથા પક્ષનું રજીસ્ટ્રેશન કેન્સલ થાય તેવી કાયદાકીય જોગવાઈ હોવી જરૂરી છે.


દિવાળીની સાફસફાઈ પછી રંગરોગાન કરાવવાનો રીવાજ છે. એવો જ રીવાજ વાળ કપાવ્યા પછી ડાઈ કરવા-કરાવવાનો છે. એમાં આછા વાળ ધરાવનારા જયારે ડાઈ કરે, અને એમાંય જાતે કરે ત્યારે ખોપડી (ટાલ કહું તો લોકોને ખરાબ લાગે છે!) ઉપર કાળા ચિતરામણ થાય. આ ટાલની ઉપર ડાઈ કરનારે સાફ સફાઈ માટે અલગ કોન્ટ્રાક્ટ આપવાની જરૂર જણાય છે. સામેવાળી પાર્ટી પણ દિવાળી પર બ્યુટી પાર્લરને અવશ્ય તડાકો કરાવે છે. પણ ત્યાંથી રંગરોગાન કરીને નીકળે ત્યારે ઘણીઓ કથકલીના કલાકાર જેવી દેખાતી હોય છે, માત્ર લીલા રંગનો અભાવ હોય મેકઅપમાં એટલો જ ફેર! આ ડાઈ અને કથકલી એ બેઉ પ્રકારના રંગરેજો પાછાં જોડીમાં નીકળે! આવી બ્યુટી ટ્રીટમેન્ટ પછી ટ્રીટમેન્ટ લેનારને પાછાં માણસ બનાવવા માટેના અલગ પાર્લર હોવા જોઈએ.


દિવાળીમાં કોમ્પ્યુટરની સાફસફાઈ જરૂરી છે. કોઈ સાવ ન વપરાતી પ્રોગ્રામ ફાઈલના ફોલ્ડરમાં સબ ફોલ્ડર બનાવીને પેલા રસપ્રદ ફોટાં એક જમાનામાં દોસ્ત પાસેથી સીડી પર લાવીને મુકેલા એ હવે ડીલીટ કરી કરી શકાય. એકની એક ફાઈલના દસ વર્ઝન સેવ કર્યાં હશે. શાંતિથી સમય કાઢીને એ પણ ડીલીટ કરાય. હજારો ફોટોગ્રાફ હશે, એમાં સાવ નકામાં, દીવાલના, ફલોરીંગના, ઝાડના, ફૂલના અને ક્યારેક ગલીના કૂતરાના પણ ફોટાં પાડયા હશે, એને પણ ડીલીટ કરી શકાય. જૂની પ્રેમિકા કે પ્રેમીના ફોટાં સાચવી રાખ્યા હોય, તો એ તાત્કાલિક ડીલીટ કરવા જરૂરી છે, એમાં દિવાળીની રાહ ન જોવાય. અત્યારની જનરેશન તો સ્વહસ્તાક્ષરમાં કોઈને પ્રેમપત્ર લખતી નથી, પણ ૯૦ પહેલાં પરણેલાં હોય અને પ્રેમપત્રો સાચવી રાખ્યા હોય તો સ્કેન કરીને આઈ-ક્લાઉડ કે વર્ચ્યુઅલ ડ્રાઈવ પર મૂકી દેવાય, પણ ઘરમાંથી વિદાય કરી દેવા, કારણ કે ચાલીસ વરસના લગ્નજીવન પછી જુવાનીમાં કરેલા  નિર્દોષ છબછબિયાં કોઈ એમ સહેલાઈથી માફ કરી દેશે, એવું તમે માનતા હોવ તો એ માન્યતા ભૂલ ભરેલી છે.

Wednesday, October 23, 2013

અમદાવાદનો રિક્ષાવાળો

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૦-૧૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
શું તમે રોડ ક્રોસ કરવાં વાહનો પસાર થવાની રાહ જોતાં હોવ, ત્યારે રીક્ષાવાળો તમારી સામે આવી ઊભો રહી જાય છે અને તમને રોડ ક્રોસ કરતાં રોકે છે? શું અડધી રાતે રેલવે સ્ટેશને તમારું સ્વાગત કરી પછી અડધો કિલોમીટર દૂર પાર્ક કરેલી રીક્ષા સુધી તમને સામાન સાથે ચલાવે છે? એરપોર્ટથી પાછાં આવતાં રીક્ષામાં ઘેર પહોંચ્યા પછી ભાડા બાબતે નાટક કરે છે? શું ટ્રાવેલ્સની બસમાંથી ઉતારવા જાવ તો તમારો પગ સીધો રિક્ષામાં પડે એ રીતે તમને નડે છે? શું તમે જગ્યાનું નામ દો એ સાથે જ એ મુંડી ૧૮૦ ડીગ્રી ઘુમાવી ઘસીને ના પાડી દે છે, કારણ કે એ જગ્યા નજીક છે? શું અમદાવાદ જેવા શહેર કે જ્યાં રીક્ષા મીટર પર ચાલે છે ત્યાં એ તમને ઉચ્ચક એવું ભાડું કહે છે કે જે સાંભળીને તમારા મોંમાંથી ગાળ નીકળી જાય? આમાંના મોટાભાગના જવાબ હા હોય તો આવો, આપણે બધાં એક જ રીક્ષાના પ્રવાસી છીએ!
 
અમદાવાદ રેલવે સ્ટેશને તો આ લોકો સ્વાગત સમિતિ રચીને ઊભા હોય. તમે પુરુષ હોવ તો હાથ સુધ્ધાં પકડી લે. સ્ત્રી હોવ તો સામાન. એમનો પ્રેમ જોઈને કોઈ પરદેશી હોય તો ગળગળો થઈ જાય અને એનો ડૂમો પણ ભરાઈ આવે. પણ જ્યાં તમે એને હા પાડો એટલે તમારી દડમજલ ચાલુ થાય. એક કિમી. દૂર પાર્ક કરેલી રિક્ષા સુધી તમને ચલાવીને ઠુંશ કાઢી નાખે, અને પછી કોક બીજાં રીક્ષાવાળાને ભળાવી દે, એમ કહી ને કે ‘લે બે તેરે કુ નારણપુરા જાણા થા ના, લે સંભાલ એ પેશેનજર કુ’. પછી તમે જેની રિક્ષામાં બેસો એ તમારી સાથે આંગળીયાત જેવું વર્તન કરે. ને ભાડું લેતી વખતે તો સાવ કડક અને નિર્દયી અવાજમાં, ‘વો પેલે સોચકે બેઠના ચાઈએ ના’ કહી દે એટલે તમે પેલા સ્વાગત સમિતિના અધ્યક્ષને યાદ કર્યાં કરો. છેલ્લે પચાસ સો વધારે ઢીલા કરો એટલે તમારી જાન છૂટે.

અમારા મિતેશભાઇ કહે છે કે કોઈ પણ ગામની પ્રથમ છાપ સ્ટેશન પર મળતાં રીક્ષાવાળા થકી પડે છે. આ મિતેશભાઈ માનવ મનના ગહન અભ્યાસુ છે. એમને રીક્ષાવાળાઓમાં ભારે સેન્સ ઓફ હ્યુમર દેખાય. કહે કે ૧ કિમી. જવાનું હોય એનાં ૧૦૦ રૂ. કહે એ એની રમુજવૃત્તિ જ કહેવાય ને? પણ સવારે ધંધાના કામાર્થે સ્ટેશને ઉતરેલા ઊંઘરેટા માનવને જયારે રીક્ષાવાળો સવાર સવારમાં તપાવે, તે પછી એ તપેલો માનવ જે કામ અર્થે આવ્યો હોય એમાં આખો દિવસ રિક્ષાવાળાની ખીજ ઉતારે છે. રિક્ષાવાળાએ ૨૦ રૂપિયા વધારે લીધાં હોય એમાં વીસ હજારનું ડિસ્કાઉન્ટ આપવાનો હોય એ પાછું ખેંચી લે છે.

બોસની આગળ અને ખાલી રિક્ષાની પાછળ ચલાવવું નહી. આ નવી કહેવત અમે શોધી છે. બોસનો અનુભવ તો હતો જ પણ રસ્તા ઉપર વાહન ચલાવો એટલે રીક્ષાવાળાનો યુનિક અનુભવ થાય. ભરેલી રિક્ષા માતેલા સાંઢની જેમ રમરમાટ જતી હોય. અને ખાલી રિક્ષા અને એનો ચાલક બેઉ ડાફોળિયાં મારતાં જતાં હોય. એમાં કોઈ ચકચકિત મસ્તિષ્કનો માલિક, વધેલ ઘટેલ વાળ ઓળવા, સહેજ હાથ ઊંચો કરે, ત્યાં તો રીક્ષીનો જ્યાં હોય ત્યાં બ્રેક મારીને ચોંટી જાય! પાછળવાળાનું જે થવું હોય તે થાય, પણ પેસેન્જર હાથથી ન જવો જોઈએ. એ એક જ સિદ્ધાંત. અમે તો જાહેર રસ્તા ઉપર આ રિક્ષાવાળાઓનાં ત્રાસથી હવે માથામાં ખણવાનું પણ છોડી દીધું છે. અને હવે તો ઈન્ડીકેટર આવી ગયા છે એમ છતાં, કેટલાંક રીક્ષાવાળા હજુ પગથી સાઈડ બતાવે છે. કેટલું જોખમ ઉઠાવે છે! ચાલુ રિક્ષામાંથી પગ બહાર કાઢવાનું નહીં?

એક જમાનામાં કિશોર કુમારે ગુજરાતીમાં ‘હું અમદાવાદનો રીક્ષાવાળો’ ગાઈ ૯૯૯ નંબર બહુ પોપ્યુલર કરી દીધો હતો. આ ગીતમાં ‘અમદાવાદ ... બતાવું ચાલો’ એ બહુ ગર્ભિત અર્થમાં કહેવાયું છે. તમારે કાલુપુરથી જવું હોય નવરંગપુરા, પણ એ તમને આખું અમદાવાદ બતાવે. એટલાં લાંબા રુટથી લઈ જાય! રિક્ષાવાળાઓની આ ખૂબીનો લહાવો બધાંને મળ્યો હશે. જ્યાં મીટર ઉપર રિક્ષા ચાલે છે, ત્યાં તમને એ લાંબામાં લાંબા રસ્તે લક્ષ્ય તરફ લઈ જશે. પણ જો ઉચ્ચક ભાડું ઠરાવેલું હોય તો એ જ રીક્ષાવાળો તમને ટૂંકમાં ટૂંકે રસ્તે મુકામ પર લઈ જશે. એટલે જ મીટર પર જવું હોય અને તમે શહેરથી અજાણ્યા હોવ તો પણ જાણીતા હોવ એવો દેખાવ કરવો જરૂરી છે. અંગુરના સંજીવ કુમારને યાદ કરો. પણ એમ તો રિક્ષાવાળા પણ હોશિયાર થઈ ગયા છે, વચ્ચે કોઈ જગ્યાએ તમને ‘આમથી લઉં કે પેલી બાજુથી?’ એવા સવાલ કરી તમે જાણકાર છો કે નહી તે નક્કી કરી લે. પછી ભલે તમારે મોડું થાય, ટ્રેઈન ચૂકી જાવ પણ એ તમને શહેરની સહેલ કરાવીને જ રહે!

આમેય કોઈ પોતાના ગામના રીક્ષાવાળાને કદી સારા નહી જ કહે. બિચારાઓની મથરાવટી જ મેલી છે. આખો દા’ડો ગામમાં ફરે પછી તહેવાર હોય કે તોફાન, કદી ફરિયાદ નહી એમની. ગરમી હોય કે બફારો, બિચારા પરસેવો લૂછતાં જાય અને ચલાવતા જાય. પાણી પણ ઠંડું પીવા ન પામે. ગેસ ભરાવવામાં કલાકો લાઈનમાં ઊભા રહેવું પડે. મુસાફરોની રાહ જોઈને ચાર રસ્તા નજીક ઊભા હોય તો પોલીસ દાદા લાકડી ખખડાવે. બચારો જાય તો જાય ક્યાં? પણ અમુક રીક્ષાવાળાઓ, કે જે બહુમતીમાં છે એમનાં લીધે આખી જાત બદનામ થાય છે. યોગ્ય રીતે!