Sunday, June 15, 2014

ફૂટબોલની ગેમમાં સ્ટમ્પલા નથી હોતા !


કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૧૫-૦૬-૨૦૧૪ રવિવાર 


આલિયા ભટ્ટ વિશેનો એક જોક સોશિયલ મીડિયામાં અત્યારે વાઈરલ છે. જોકમાં આલિયા પપ્પાની સ્કુલમાં પી.ટી. ટીચર છે. એક દિવસ એ ગ્રાઉન્ડ ઉપર ગઈ તો છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા હતા, પણ એક છોકરો એકબાજુ ચુપચાપ ઉભો હતો એટલે એણે છોકરાને પૂછ્યું કે ‘કેમ તારી તબિયત તો બરોબર છે ને?’ તો પેલો કહે ‘હા.’ આલિયાએ પૂછ્યું ‘તો પછી આ બધા જોડે તું કેમ રમતો નથી? પગે વાગ્યું તો નથી ને?’ એટલે છોકરો કહે ‘ટીચર, હું ગોલકીપર છું!’
***
આપણી નેશનલ ગેમ હોકી છે પણ એમાં આપણું લશ્કર ક્યાં લડે છે એની ભોજીયા ભઈને ય ખબર નથી. આ તો ગામના રેડિયો જોકીઝ બીજી રમતોને પણ ક્રિકેટ જેટલું જ મહત્વ મળવું જોઈએ એવો કકળાટ કરશે એટલે આપણી પબ્લિક ૧૨ જુનથી શરુ થતો ફૂટબોલનો FIFA વર્લ્ડ કપ જોવા ગોઠવાઈ જશે. પણ પછી આલિયા ભટ્ટવાળી થઈને ઉભી રહેશે. ICC T-20 વર્લ્ડ કપ અને IPL ટુર્નામેન્ટ જોઈને પરવારેલી આપણી પબ્લીકના મગજમાં ક્રિકેટ એટલું ઠાંસી ઠાંસીને ભરેલું છે કે ફૂટબોલની ગેમ અને એના નિયમો જોઈને આંચકા જ લાગવાના. જેમ કે ...
ફૂટબોલની ગેમમાં સ્ટમ્પલા નથી હોતા!

એટલું જ નહિ પણ એમાં ક્રિકેટની જેમ પીચ પણ નથી હોતી અને ગ્રાઉન્ડ પણ ગોળ નહિ લંબ ચોરસ હોય છે. સ્ટમ્પલાને બદલે આમાં ગ્રાઉન્ડની બે બાજુ પર નેટ-પ્રેકટીસની જેમ જાળીઓ બાંધેલી હોય છે જેને ગોલ-પોસ્ટ કહે છે. સામેની ટીમવાળા લાતો મારીને કે માથાથી ભેટું મારીને બોલ જાળીમાં નાખે એટલે ... ના ભાઈ ના, વિકેટ નહિ! આમાં સ્ટમ્પલા પાડવાનું અને ચલ્લીઓ ઉડાડવાનું નથી હોતું, આમાં ‘ગોલ’ થયો કહેવાય! ક્રિકેટમાં વિકેટકીપર સ્ટમ્પની પાછળ ઉભો રહે છે જયારે આમાં ગોલ-પોસ્ટની આગળ ઉભો રહે છે અને એને ગોલકીપર કહે છે. વિકેટકીપર બાઘા મારે તો સામેની ટીમને ચાન્સ મળે જયારે ગોલકીપર ગરનાળું બનાવે તો સામેની ટીમને ગોલ મળે! ક્રિકેટમાં ખેલાડી પાંચ-દસ રનમાં આઉટ થઇ જાય તો આપણે કપાળ ફૂટીએ છીએ જયારે અહીં તો પ્લેયર એકાદો ગોલ કરી નાખે તો એ હીરો બની જાય છે! બન્ને ટીમ દોઢ કલાક લાતમલાતી કરીને બોલને આખા ગ્રાઉન્ડમાં ખદેડે છતાં ટીમનો ફાઈનલ સ્કોર કેટલો? તો કહે બે ગોલ થાય તોયે હરી હરી. એમાં ય ‘બેઉ પાર્ટી ઇક્વલ ઇક્વલ’ થાય તો પાછું અડધો કલાક ફરી ટીચવાનું! સાલું, જેણે સ્કોરના ડીફરન્સ પર રૂપિયા લગાવ્યા હોય એણે આમાં કમાવાનું શું? તંબુરો? પાછું સેન્ચુરી તો ઠીક, પણ દોઢ કલાકમાં બોલ રગડીને કે બાઉન્ડ્રી કૂદાવીને બહાર જાય તો ચોગ્ગો, છગ્ગો કે શંખલા કશું ય ન મળે! કોઈ ટોલ્લો ચડાવે તો કેચ કરવાને બદલે ભોડુ ભટકાડીને ઉલાળશે પણ એમ નહિ કે ઝાલી લઈએ ને વિકેટ પાડીએ.

આમાં વાંક આપણી પ્રજાનો નથી, આ ગેમ જ એવી છે. ક્રિકેટમાં તો બધું વ્યવસ્થિત  હોય. પહેલાં ટોસ થાય, એક ટીમ દાવ લે, બીજી આપે, એક જણ બોલિંગ કરે, પછી રન કરે કે વિકેટ પડે અને એમ ચાલ્યા કરે! આમાં દાવ-બાવ કશું નહિ! અહીં તો એક સાથે અગિયાર દૂ બાવી જણા મેદાનમાં હોય. જેની પાસે બોલ એનાં રોલાં! રસાકસી પણ મોબાઇલના મિસકોલ જેવી – ટોળું હુમલો કરવા જાય, બે-ચાર જણા ગબડે, રેફરીની સિસોટીઓ વાગે અને ગોલકીપર બોલ ઉઠાવીને ટોળાની પેલી બાજુ ઉલાળી મુકે એટલે થોડી વાર પાછું ઠંડું.

મેદાન પરની ભીડમાં ચડ્ડીધારી રેફરી તો ગવારમાં ભળી ગયેલા મરચાંની જેમ શોધ્યો ના જડે. એ પણ ‘ચાલો, ફેરથી રમો’ કરીને વારેઘડીએ ગેમ અટકાવે એટલે ગેમ પણ કન્ડકટરની સ્મશાનયાત્રાની જેમ ઠેર ઠેર ઉભી રહેતી ચાલે, આમાં આપણને શું હવાદ આવે? એમાં બિચારા રેફરીઓનું વહુ જેવું, જરા પણ જશ નહિ! ફક્ત ગાળો જ ખાવાની. માર પણ પડે, જેવા નસીબ! હા, કોઈ ખેલાડી એનું મગજ બગાડે તો યલો કે રેડ કાર્ડ બતાવીને ટ્રાફિક પોલીસની જેમ એનું ચલણ ફાડી શકે, જે મોંઘુ પડે એટલે બધા માપમાં રહેતા હોય છે.

અમે પણ આમ તો ફૂટબોલના વિરોધી, પણ એની બે વાત અમને ગમે છે. એક તો ફૂટબોલનાફેન્સ, ખાસ કરીને મહિલા ફેન્સ, ક્રિકેટના ફેન્સ કરતાં વધારે બોલ્ડ એન્ડ બ્યુટીફુલ હોય છે. બીજી એમના પ્લેયર્સ વચ્ચેની ગાળાગાળી, બથ્થંબથ્થા અને મારામારી. આ વખતે પણ ગોલ્સની સાથે સાથે ૨૦૦૬ વર્લ્ડકપમાં જેમ ફ્રાંસના ઝીનેડીન ઝીડાને ઈટાલીના માર્કો માતેરાઝીને ઘેટાની જેમ ઢીંક મારી હતી એવું કંઈ જોવા મળી જાય એ માટે અમે અડધી રાત્રે પણ ટીવી સામે ગોઠવાઈ જવાના. તમે?  

Wednesday, June 11, 2014

હોલી ડે : અ રીવ્યુ


અક્ષય કુમારનું મુવી હોય અને અમે ન જોયું હોય એવું ઓછું બને. કારણ કે અમારું દ્રઢ માનવું છે કે હીરો હીરો જેવો લાગવો જોઈએ. જોકે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ગીર્દી કરવાની અમને ટેવ નથી. એટલે શુક્રવારે રીલીઝ થયેલું હોલીડે અમે બુધવારે જોયું. અત્યાર સુધી તમે પોતે જોઈ લીધું હશે અથવા રીવ્યુ વાંચી લીધો હશે. છતાં આ વાંચો છો, એનો મતલબ કે મારે આખો રીવ્યુ લખવો જ રહ્યો!

તો વાત એમ છે કે આર્મીમેન અક્કીનું નામ વિરાટ છે અને એ પંજાબી હોય એવું જણાય છે. રજાઓમાં મુંબઈ ઘેર પાછાં આવતાં ટ્રેઈન રસ્તામાં, એટલે પાટા ઉપર જ, ઊભી રહે છે ત્યારે અક્કી કોક જવાન સાથે ફાઈટિંગ ફાઈટિંગ રમી ટાઈમપાસ કરતો હોય છે. એ વખતે અક્કીનો બોસ ગોવિંદા આવી જાય છે અને પછી ટ્રેઈન હોર્ન મારે છે. એ મોડો મોડો સ્ટેશન પર પહોંચે છે જ્યાંથી ઉઠાવીને અક્કીનું ફેમીલી એને સાહિબા એટલે કે સોનાક્ષીના ઘેર લઇ જાય છે. સોનાક્ષી પોસ્ટરમાં દેખાય છે એટલી ફિલ્મમાં નથી દેખાતી, અને એ સારા માટે જ છે!

આ સોનાક્ષી દેખાવમાં જેટલી મજબુત છે એટલી જ બધાં જ સ્પોર્ટ્સ જેવા કે ટેનીસ, બાસ્કેટ બોલ અને બોક્સિંગમાં ઉસ્તાદ છે. સ્પોર્ટ્સનું મહત્વ સમજાવવા એક ગીત સ્ટેડીયમમાં, મુંબઈનું નાઈટ કલ્ચર દર્શાવવા એક ગીત નાઈટ ક્લબમાં અને મુંબઈની ભેજવાળી હવાથી ફેફસાની તકલીફ થતી હોય અને જેમને ડોક્ટરે સુકી હવામાં જવાનું કહ્યું હોય તે મુંબઈનો દરિયો પડતો મુકે એમ એક ગીત રણમાં ગાય છે. એક શાયરાના શાયરાના કરીને ગીત અમને યાદ રહી ગયું કારણ કે આ ગીતમાં ૧૩૭ વખત શાયરાના બોલવામાં આવે છે. જેમ ઉપમામાં ગોળ, પાસ્તામાં કોપરું, અને જલેબીમાં હળદર જેટલા મહત્વના છે, એટલાં ગીતો અને સોનાક્ષી આ ફિલ્મ માટે અગત્યના છે. એકંદરે સોનાક્ષી ન હોત તો પિક્ચર અડધો કલાક વહેલું અને ૧૦-૧૫ કરોડ સસ્તું બન્યું હોત એ પણ નક્કી છે.
 
ત્રીજું ગીત રણમાં ....
હવે સ્ટોરી ઉપર આવીએ. અક્કી અને એનાં મિત્ર કે જે મુંબઈ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર છે અને આખ્ખા પિકચરમાં અક્કીને અહોભાવથી જોઈ રહેવા સિવાય કશું કરતો નથી. એ બે જતાં હોય છે ને બોમ્બ બ્લાસ્ટ થાય છે અને અક્કી એક આતંકવાદી ને પકડી લે છે. પ્રચારમાં જેમ કહેવાયું છે કે સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી. કદાચ, કન્ફ્યુઝ્ડ અથવા ડમ્બ એવી સાહિબા માથું ખાય એનાં કરતાં ડ્યુટી સારી એવું અક્કીને લાગ્યું હશે. એટલે આપણો અક્કી આ બોમ્બ બ્લાસ્ટ પાછળ કોનો હાથ છે એ શોધવાનો મોકો મુંબઈ પોલીસને આપવાને બદલે પોતાનાં હાથમાં લઇ લે છે. પોતે તો ઠીક પણ પોતાની જેમ રજા ઉપર આવેલા બીજા ૧૨ જણને એ ધંધે લગાડી દે છે. જોકે પોતાનાંથી વધારે હોંશિયાર એવા બોસ ગોવિંદાને એ આ એસાઈન્મેન્ટથી દુર રાખે છે.  

અક્કીના હરામી અથવા મક્કાર તરીકેના એક્સપ્રેશન્સ આપણને બહુ ગમે એટલે એ વિલનને પછાડે ત્યારે અમે પણ સીટીઓ મારી લીધી. અક્કી બુલેટ પર ફરે છે પણ વિલનને પકડીને ઘેર લાવી ઘરના કબાટમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખે છે. અક્ષયે ફિલ્મ રીલીઝ થઈ એ વખતે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે એણે ગન પકડવા માટે વ્યવસ્થિત ટ્રેનિંગ લીધી હતી. ગનના વપરાશને લીધે પણ હાથોહાથની મારામારી ઓછી થવાથી ફિલ્મની લંબાઈ અડધો કલાક ઓછી થઈ હશે એવો અમારો અંદાજ છે. તોયે ફિલ્મ લાંબી છે, જે સીટીગોલ્ડના મરતાં મરતાં ચાલતા એસીના પૈસા વસુલ કરે છે!

એકંદરે ફિલ્મ મજાની છે. વધારે સ્ટોરી કહેવાનો રિવાજ નથી નહીંતર હું કહી દેત કે ફિલ્મ મુરઘો બનાવે છે.