Wednesday, November 29, 2017

રિસેપ્શનનું સ્ટેજ અને જિંદગીનું રંગમંચ

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૯-૧૧-૨૦૧૭


“હમ સબ તો રંગમંચ કી કઠપૂતલીયાં હૈ જિનકી ડોર ઉપરવાલે કી ઉંગલીઓમેં બંધી હૈ, કૌન કબ કૈસે ઉઠેગા યે કોઈ નહીં જાનતા હૈ ..” આનંદનો આ ફેમસ ડાયલોગ રિસેપ્શનના સ્ટેજ પર બહુ યાદ આવે છે. તમે નવપરણિતોને શુભેચ્છા આપવા કમ કવર પકડાવવા લાઈનમાં ઉભા રહો એટલે પછી તમારા હાથમાં કશું નથી રહેતું. પછી લાઈનમાં ધરાર ઘુસતી આંટીઓ, અમુક સગાવહાલાને પ્રાયોરીટી ચેક-ઇન કરાવતી વરની માસી, સ્ટેજ પર વરનો હાથ પકડીને ઘેર આવવાનું આમંત્રણ આપતા ભાવવિભોર પપ્પાના ફ્રેન્ડ અને એમાં હા એ હા કરતો વર, અને ટાઈમ મેગેઝિનમાં છપાવવા પાડતો હોય એટલી વાર લગાડતો ફોટોગ્રાફર, આ સૌ ભેગા મળીને તમારી અને સાડી ત્રણસોની ડીશ વચ્ચેના સમયને મેનેજ કરે છે.

રિસેપ્શનના સ્ટેજમાં જમણી બાજુ લાઈન કરવી કે ડાબી બાજુ એના કોઈ ધારાધોરણ નથી. આ વિષય પર શાસ્ત્રોમાં માહિતી શોધવી પણ નિરર્થક છે, કારણ કે રિસેપ્શન એ ભારત માટે પ્રમાણમાં નવો રીવાજ છે. હિંદુ વિધિમાં કલોકવાઈઝનું મહત્વ છે એટલે ડાબી તરફ એન્ટ્રી રખાતી હોય છે. જોકે આમ કરવામાં જો સ્ટેજની જમણી બાજુ એન્ટ્રી તરફ હોય તો વચ્ચેના માનવસમુદાયને ઓળંગીને તમારે સ્ટેજની ડાબી તરફ સુધી જવું પડે છે. આમ કરવામાં રસ્તામાં ભટકાતા પરિચિતોને પરાણે મળવામાં અને બીજાની ઓળખાણ કરવા-કરાવવામાં સ્ટેજ સુધી પહોંચતા અડધો કલાક જેટલો સમય નીકળી જાય છે. રિસેપ્શનમાં પધારતા ‘વા’ના પેશન્ટોના વ્યુ પોઈન્ટથી જોઈએ તો મેઈન એન્ટ્રીથી સ્ટેજના પગથીયા બને તેટલા નજીક હોવા જોઈએ. એક અમદાવાદી તરીકે અમારું સજેશન છે કે મહેમાનને સીધા સ્ટેજ ઉપર થઈને જ એન્ટ્રી મળે એવું ગોઠવવવું જોઈએ; શું છે કે મહેમાનોએ ગિફ્ટના બોક્સ અને ચાંલ્લાના કવર ઉચકી ઉચકીને ફરવું ન પડે અને કોઈની ગિફ્ટ/ કવર આપવાની ઈચ્છા અધુરી ન રહી જાય.

એમાં બ્યુટીપાર્લરમાં જઈ આઇડેન્ટિટી સ્વીચ કરી આવેલી નવવધૂ અને બ્યુટીશીયનને ત્યાં જઈ આવ્યા બાદ માત્ર ચકાચક દાઢી અને હેરસ્ટાઈલ વડે કન્યાને મળતા ભાવને બીટ કરવા માંગતો વર, સ્થળ પર મોડા આવે છે. લાઈન થવાનું આ પહેલું કારણ છે. બીજું કારણ છે ચાલુ દિવસોમાં થતા રીસેપ્શનોમાં ઓફિસેથી ઘેર જઈ કપડા બદલી, ગામના બીજા છેડે પહોંચી, કાર પાર્કિંગની મહામહેનતે મળેલી જગ્યાએથી મેઈન ગેટ સુધી રીક્ષા ન મળતા પદયાત્રા કરી છેક સવા આઠ વાગે એકસાથે તૂટી પડતા મહેમાનો. ત્રીજું કારણ છે સ્ટેજ પર જવા માટે કોરમ થાય એની રાહ જોતા અન્ય પરિવારજનો જે મનમોહન દેસાઈની ફિલ્મની જેમ છેલ્લી ઘડીએ ભેગા થાય છે. યું કી દેખનેવાલી બાત યે હૈ કી એ વખતે લાઈનમાં મોટે ભાગે વર-કન્યાની રાહ જોઈને જમી ચુકેલા લોકો હોય છે; પરિણામે વર-કન્યાના કપડા પરફયુમથી અને હાથ ઊંધિયા તથા પનીરની ‘સબ્જી’ની તેલ મિશ્રિત સોડમથી મઘમઘતા હોય છે અને એજ એમની સજા છે.

ક્યુમાં ઉભા ઉભા શું કરવું? આ પ્રશ્નનો જવાબ અમારા પરમ મિત્ર અને અમારી સોસાયટીના પંદર નંબરના બંગલામાં રહેતા પુષ્કર કે. સળીકર (કે એટલે કેશવરાવ) પાસે છે. આપણે જાણીએ છીએ કે વેલકમ ડ્રીંક તરીકે ઓળખાતા પીણા અને સ્ટાર્ટર તરીકે ઓળખાતી વાનગીઓનું સર્જન ભોજનોત્સુક ભોજનપટુ વ્યક્તિને ધરપત બંધાવવા માટે જ થયું છે. અમારો પુષ્કી મોકા-એ-વારદાત પર પહોંચીને સૌ પહેલું કામ આ બે ચીજો સર્વ કરતા વેઈટરને કયુમાં ઉભેલા લોકો માટે સર્વિસ સતત ચાલુ રાખવાનું કહી આવે છે. લાઈન લાંબી હોય અને સ્ટાર્ટર સારું હોય તો સમય સુખરૂપ પસાર થઇ જાય. આ તો શું કે નંબર આવે ત્યાં સુધી એક કામ પતે. જસ્ટ એક ટીપ. અહીં કેચઅપવાળા હાથ ક્યાં લુછવા એ વિષે કવિ મૌન છે. આ બાબતે સમાજ આપ જેવા ભાવકો પાસે મૌલીક્તાની આશા રાખીને બેઠો છે.

મોટે ભાગે તો લોકો લાઈનમાં કોઈ કુટુંબી કે ઓફિસના કલીગને શોધીને એની સાથે ઘૂસ મારી દેતા હોય છે. અને એવું કરાય કારણ કે આખુ ઝૂંડ એક ફોટામાં પતી જતું હોઈ પાછળવાળા અને સ્ટેજવાળા બંનેને આ ફાવે એવી વ્યવસ્થા છે. જોકે એમાં પાછો આપણો સ્વભાવ નડે. ઘરડા કાકી-કે માસી આપણી આગળ ઘૂસ મારે તો આપણી અંદરનું સ્ત્રી દાક્ષિણ્ય આપણને કફોડી દશામાં મુકે. કાકી ઘૂસે અને કોઈ બોલે નહિ એટલે કાકા પણ આવી જાય. પછી ક્રમશ: એમની વહુ અને દીકરો પણ જોડાઈ જાય. પછી તમારે આ ખેલ જોયા કરવાનો અને પાછળ ઉભેલી પત્નીની કોણીના ગોદા ખાધા કરવાના.

રિસેપ્શનની લાઈનમાં કંઈ લેવાનું હોતું નથી; એટલે સ્ટેજ પર અભિનંદન સહીત કવર આપનારાઓની લાઈન માટે આનંદના જ ડાયલોગને થોડો ફેરફાર કરીએ તો ‘બાબુ મોશાય લાઈન લંબી નહીં બડી હોની ચાહીએ’, એ હિસાબે આપણે ત્યાં લાઈનને બદલે ટોળું જ વધારે હોય છે. સ્થળ-કાળ ભૂલ્યા હોય કે પછી દ્રષ્ટિ વિવાહ માટે પ્રયત્નશીલ હોય; પણ અમુક વિરલાઓ સ્ટેજ પર જવાનું ન હોવા છતાં જ્યાં લાઈન લાગી હોય ત્યાં ટોળે વળી અમસ્તી વાતો કરતા ઉભા હોય છે જેના કારણે આપણને ‘લાઈન બહુ મોટી છે’ એવી છાપ પડે છે. વર્ષો પહેલા એક લગ્નના ગરબામાં આવા જ ટોળા પાસે અમે ઉભા હતા ત્યારની ઘટના છે. યજમાનના એક ઉત્સાહી વડીલ અમારી પાસે આવ્યા અને હાથ પહોળા કરીને ટોળાને ડીનર એરિયા બાજુ દોરતા કહે કહે ‘તમે લોકો પહેલા જમી લો પછી તમારે આખી રાત વગાડવાનું છે.’ માટે પૂછપરછ કરીને ઉભા રહેવું. જય હો ...

મસ્કા ફન

गीता मे परमो गुरु: - ગીતા જ મારા પરમ ગુરુ છે.
ગીતામાં આ વાક્ય ભગવાન શ્રીકૃષ્ણે અને
વ્યવહારમાં ગીતા બેનના હસબંડે કહ્યું છે.

Wednesday, November 22, 2017

કલ્પનાના ગધેડાં દોડાવવા પર કવિઓનો ઈજારો નથી

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૨-૧૧-૨૦૧૭

કવિઓ માટે એવું કહેવાય છે કે ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’.અહીં કવિ કહેવા એ માંગે છે કે લાખો કિલોમીટર દૂર રહેલો રવિ પોતાના કિરણોથી જ્યાં નથી પહોંચી શકતો ત્યાં કવિ પહોંચી શકે છે. એ ન્યાયે મંગળ ગ્રહની અંધારી બાજુ પરના પૈસાપાત્ર જીવો જો મુશાયરાનું નિમંત્રણ મોકલે તો આપણા કવિઓ સ્પેસ શટલ કે સ્પેસસુટની રાહ જોયા વગર માત્ર લેંઘા-ઝભ્ભા અને બગલથેલાથી સજ્જ થઈને કવિતાની પાંખે મંગળ પર પહોંચી જાય એ વાતમાં મીનમેખ નથી. અહીં પૃથ્વીવાસી ફેસબુકના કવિઓનું કારખાનું શનિ-રવિ, દિવાળી-બેસતું વરસ, હોળી-ધૂળેટી એવા કોઈ પણ વાર તહેવારની રજા વગર ચાલતું રહે છે. કવિ આફ્રિકાનો નકશો જોયા વગર આફ્રિકાના વિષુવવૃત્તિય જંગલોની પરિકલ્પના કરી શકે છે. કવિ ગોળનો ટુકડો ખાઈને રસમલાઈ વિષે લખી શકે છે. એક કવિ જ કહી ગયા છે કે પંખી, નદી, પવનની લહેરકી અને કવિને કોઈ રોકી શકતું નથી. ઔચિત્ય ન ભંગ થાય એટલે આ કલ્પનાના ગધેડાને અમે અહીં જ અટકાવીએ છીએ. પરંતુ કવિનો ઈજારો હવે કલ્પનાશક્તિ પર રહ્યો નથી. હવે ચૂંટણીની હવા ચાલી છે એમાં નેતાઓ કવિઓથી પણ આગળ નીકળી ગયા છે. હવે નેતાઓ એક બાજુથી બટાકા નાખીને બીજી બાજુથી સોનાના સિક્કા નીકળે એવા મશીન બનાવવાની કલ્પના કરવા સુધી પહોંચી ગયા છે!  


આપણે આગળ રોકેલું ગધેડું કવિના બદલે આ મશીન તરફ દોડાવીએ. કલ્પના કરો કે તમે શોપિંગ મોલમાં જાવ છો અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદો છો. બીલ થાય છે રૂ. ત્રણ હજાર સાતસો છપ્પન રૂપિયા. પેમેન્ટ કરવા માટે તમે બેંક દ્વારા તમને અપાયેલું પર્સનલ પોસ કમ એટીએમ મશીન એટલે કે બટાટાની વેફર પાડવાની છીણી કાઢીને એની ઉપર ડેબીટ કાર્ડ એટલે કે બટાકુ ‘ખચ્ચ’ ‘ખચ્ચ’ એમ બે વાર ઘસીને બબ્બે હજારના બે પતીકા પાડીને પેમેન્ટ કરો છો. તમે તો માલ લઈને ચાલતી પકડો છો, પણ કાઉન્ટર બોય બાકી વધેલી ‘રકમ’ પાછી લઇ જવા બોલાવે છે. તમે દૂરથી જ ‘કીપ ધ ચેન્જ. કાલે પૂનમ છે, ફરાળ બનાવવામાં વાપરજે’ કહીને નીકળી જાવ છો. આ હા હા હા ... આવું બને તો કેશલેસ ઈકોનોમીનું સપનું સાકાર થઇ જાય કે નહિ? જેને જુઓ એ છીણી-બટાકુ લઈને ફરતું હોય!

દીવાસ્વપ્નમાં રાચવું એ કંઈ ખોટું નથી, પણ શેખચલ્લી ના બનાય. માનનીય અબ્દુલ કલામ સાહેબે એમની આત્મકથામાં કહ્યું છે કે સ્વપ્ન એ નથી જે તમે સુતાં સુતાં જુઓ છો, સ્વપ્ન એ છે જે તમને ઊંઘવા ના દે. પણ રાજકારણમાં હાઈવે જેવું છે, નજર હટી દુર્ઘટના ઘટી. જરાક બેદરકાર રહો તો હરણની સીતા થઈ જાય. હમણાં એક નેતાએ મેડ ઇન પાટણ મોબાઈલથી ચાઈનાના લોકો સેલ્ફી લેતા હોય એવી કલ્પના કરી. કિતને ઉચ્ચ વિચાર! ચાઈનામાં કોઈ સેલ્ફી લે અને પાટણમાં એક જણને મોબાઈલ ફેક્ટરીમાં ફીટરની કે એવી કોઈ નોકરી મળે. પછી તો ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસ્સાથી પાટણની સ્પેશીયલ ટ્રેનો ચાલુ કરવી પડે. હદ તો ત્યારે થાય જયારે વિદેશ પ્રવાસે નીકળેલા ચાઈનાના કોઈ ચીંગ ચાંગ ચુને એની પરણેતર એમ ગાઈ સંભળાવે કે ‘ચીંગ ચાંગ ચુ જી રે, મારે હાટુ પાટણથી મોબાઈલ મોંઘા લાવજો’. પટોળાની ભાતના મોબાઈલ! વાહ વાહ.... મોબાઈલ નહીં ને મોબાઈલના કવર પટોળાની ભાતના બનાવે તોયે ભલું ! કે પછી કોઈ નારી પેલું ગીત ગાતી હોય કે ‘એક પાટણ શહેરની નાર પદમણી ... ભાતીગળ ચૂંદલડી લહેરાય, મોબાઈલીયું ટુડુક ટુડુકટુડુક ટુડુક ટુડુક ટુડુક થાય ...’

આપણા દેશને જરૂર છે આવા આર્ષદ્રષ્ટા નેતાઓની. એવા નેતાઓની કે જે બટાકામાંથી સોનું બનાવી શકે. કચરામાંથી ઈલેક્ટ્રીસીટી પેદા કરવાની ટેકનોલોજી તો છે, પરંતુ પાનની પિચકારીમાંથી ઈલેક્ટ્રીસીટી પેદા કરવાની હાઈડ્રોપાવર ટેકનોલોજીની તાતી જરૂર છે. સોલર પાવરથી ચાલતી કાર શોધાઈ હશે, પરંતુ સોલર પાવરથી ફાઈલો ચલાવી શકાય એવી શોધ થાય એ જરૂરી છે. આપણે જરૂર છે એવા મશીનની જેમાં આ તરફથી ઘાસ નાખો તો બીજી તરફથી દૂધ નીકળે. આપણે એવા મશીનની પણ જરૂર છે જેમાં આ તરફથી ડફોળને નાખો તો પેલી તરફથી બુદ્ધિજીવી નીકળે. પછી એ બુદ્ધિજીવી પાછો મશીનમાંથી નીકળી દેશને ઉદ્યોગીકરણથી શું નુકસાન થયું એ લખવા બેસી જાય!

ખરેખર! કોઈ એવી જાદુઈ છડી જડે જે ફેરવવાથી પીપલ કે પત્તે રોટી બન જાયે ઔર તાલાબ કા પાની ઘી, તો બંદા ઝબોળ ઝબોળ કે ખાવે! એક ઝાટકામાં દેશની અન્ન સમસ્યાનો અંત! દરેક માટે ઘી અને રોટલી! જેને ઘી કેળા જોઈતા હોય માત્ર એણે કેળાની ખેતી કરવાની રહે. કવિ જરા રોમાન્ટિક હોય તો એવું પણ મશીન શોધે કે તમે આ બાજુથી પત્નીને કેબીનમાં મોકલી અને મેનુમાં જોઇને બટન દબાવો એટલે પેલી બાજુથી આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, સોનાક્ષી સિંહા કે કેટરીના કૈફ નીકળે! એમાં પણ બુદ્ધિનું લીવર દબાવો એટલે ઈન્ટેલીજન્ટ આલિયા નીકળે અને મ્યુટનું બટન દબાવો તો મૂંગી પત્ની નીકળે તો? પછીતો ડીમોનેટાઈઝેશન વખતે કરતા હતા એમ એ મશીન પાસે લાં....બી લાઈનો લાગે! કેમ, મઝા પડે ને? મિત્રોંઓઓઓ ... મઝા પડે કે નહિ? જોતો ... જોતો ... કેવા મનમાં લડ્ડુ ફૂટે છે નહિ? ચાલો, બહુ સહેલ ખાધી હવે પતંગ ધાબામાં લાવી દો. હમણાં તમારાવાળીને ખબર પડશે તો તમને ડીશવોશર બનાવી દેશે. એ પણ ઈલેક્ટ્રીસીટી વગર ચાલતું ઈકોફ્રેન્ડલી. લૌટ આઓ ભીડુ.

મસ્કા ફન
ઈન્ઝમામ ઉલ હકને છોલીએ તો કેટલા તોલા સોનું મળે?