અભિયાન વાર્ષિક અંક તા. ૨૧-૦૫-૨૦૧૧
બાધા આખડી કરીને જન્મેલ છોકરું પહેલી વાર પપ્પા કે મમ્મા બોલે તો ઘરમાં ઉજવણીઓ થતી જોવા મળે છે. એ અલગ વાત છે કે પછી વરસ બે વરસમાં એ ઉજવણી કરનાર લોકો જ ‘ચૂપ રહીશ થોડી વાર’, એવી ખીજાઈ ને બોલતા જોવા મળે છે. પહેલા લોકો ક્રિકેટની ટેસ્ટમેચની કોમેન્ટરી સાંભળવા પાંચ દિવસ વજનદાર ટ્રાન્ઝીસ્ટર રેડિયો સાઈકલ પર ભરાવીને ફરતાં હતાં, પણ હવે તો એટલી બધી મેચ રમાય છે કે ખુદ ભારતીય ટીમનો કેપ્ટન વર્લ્ડ કપની શરૂઆત પહેલા થાકી ગયાં હોવાના નિવેદનો કરે છે. તો પછી પ્રજાને આ મેચનો ઉન્માદ કેટલો હોય ?
‘નવું નવ દા’ડા’ કહેવત જાણનાર નવ દિવસ સુધી તો કમસેકમ ઘટના, વ્યક્તિ કે વસ્તુનો રોમાંચ અનુભવે છે. અને પહેલી વાર કશું કરવાનો તો જાણે નશો હોય. પ્રથમ સ્પર્શ, પ્રથમ ચુંબન, કે પછી એ પ્રથમ લગ્ન કેમ ના હોય. એટલે જ તો પહેલા લગ્નમાં તો મા-બાપ હરખ પદુડા થઈ કન્યા તો ઠીક વેવાઈપક્ષનાં ગુણગાન ગાતાં ફરતાં હોય. સામે વાળી પાર્ટીનો ઉલીયા બનાવવાની ગૃહઉદ્યોગ હોય તો કહે કે, ‘એમને સ્ટેઈનલેસ સ્ટીલનો બિઝનેસ છે’, ‘રિંકીના કાકા-સસરા પોલીટીક્સમાં બહુ આગળ છે’, પણ જે બેકાર કાકાજી માટે આવું કહેતા હોય એ પોલીટીક્સમાં આગળ જરૂર હોય પણ એમની પાછળ કોઈ ના હોય ! સવારનું છાપું જેમ સાંજે પસ્તી બની જાય એવું આ પહેલી વારના રોમાંચનું છે. પણ બીજા લગ્નની જો વાત હોય તો કોઈ આટલી ઉત્સાહથી નથી કરતું. ત્યારે તો ‘અમે સાદાઈથી જ કરી નાખ્યા’ એવું વગર પૂછે કહે. અને ‘છોકરી ગરીબ છે, પણ આપણે ક્યાં પૈસા લેવા છે ?’ એવા ખુલાસા બહાર પડે. આપણને થાય કે જો કોઈ પ્રમાણિક કોન્ટ્રાક્ટર ભ્રષ્ટ અધિકારીને માથે ભટકાય તો અધિકારી પણ કદાચ આવું જ કઈક કહે !
નાના છોકરાને સ્કુલમાં આખો ચોક હાથમાં આવે અને એની સિગારેટ બનાવી પીતો હોય એમ ઘણીવાર લોકો ખુબ નાની અમથી વાતમાં રોમાંચિત થઇ ઉઠે, અને એમાં ખોટુંય શું છે ? ‘પેલીએ સ્માઈલ આપ્યું’, ‘એનો SMS આવ્યો’, ‘NRI છોકરીનું માંગુ આવ્યું’, જેવી ટીંચુકડી ખુશીઓ હોય, પછી ભલે એ NRI છોકરી હિન્દીમાં ‘મોટી’ કહેવાય તેવી હોય ! ચાલુ બસમાં દોડીને ચઢેલા પેસેન્જરને જગ્યા મળે ત્યારે એનાં મોઢા પરનો વિજય ભાવ જોજો. મોઢું હસું હસું થઇ જાય, ને રૂમાલથી મોઢા પરનો પરસેવો લૂછતો જાયને મલકાતો જાય, જાણે બસ મળવી એ વૈકુંઠ મળવા જેવી મોટી વાત ન હોય !
આવી નાની નાની ખુશીઓ લોકોને મળે છે એનો ખરો શ્રેય આપણી સરકારને આપવો જોઈએ. પહેલા એ લોકો આપણું જીવન વૈતરણી જેવું અઘરું બનાવે છે, અને પછી એમાં જો કોઈક એ સરળતાથી પાર કરી જાય તો પછી પૂછવું જ શું ? સરકારી કામ એક ધક્કામાં પત્યું હોય એને પૂછો તો કહે કે ‘ચૌદ વરસથી ગુરુવાર કરું છે એ આજે ફળ્યો, આપડી અરજી સાહેબે લઇ લીધી’. આમ જોવા જાવ તો બાર દિવસના બંધકોષ વાળાને ખુલાસાથી, એસીડીટીનાં દર્દીને ઉલ્ટીથી અને બંધ નાક વાળાનું રોમ રોમ એક છીંકથી પણ પુલકિત થઇ ઊઠતું હોય છે. કોઈ દિવસ આવી વ્યક્તિઓનાં મોઢા પર જે હાશ દેખાય એ જોજો, અઢાર કલાકની મુસાફરી દરમિયાન અમેરિકન એરલાઈન્સમાં છાશ મળે એનાં કરતા વધુ આનંદમય એમની આ હાશ હોય છે.
કોઈ પણ વસ્તુ પહેલી વખત થાય તો કાં ગભરાટ હોય કે પછી રોમાંચ હોય, કે પછી બન્ને હોય. બન્ને એ રીતે કે શરૂઆતમાં રોમાંચ હોય અને પછી ગભરાટ. પહેલી વખત દોસ્તારોની સાથે સિગરેટ ફૂંકતા આવું થાય. સિગરેટ સળગાવતા પહેલા તો નશો ચડવા માંડ્યો હોય. આંગળા થોડા ધ્રુજતા પણ હોય. સિગરેટ વધારે જોરથી પકડવાથી બટકાઈ જાય, ચાર પાંચ તો દિવાસળીઓ બગડે. પછી કોક દોસ્ત સળગાવી આપે અને પહેલી ફૂંક મારે એટલે ખતમ ! કડવા ધુમાડાનો ટેસ્ટ બીજા પીતાં હોય ત્યારે જ સારો લાગે. અહીં તો ટેસ્ટ ઘેર ગયો ને પેલો ઉધરસ ખાઈને ઉંધો પડી જાય. આમ પહેલી ફૂંક મારે ત્યારે બ્રહ્મજ્ઞાન થાય કે ‘લોકો શું જોઈને આ પીતાં હશે ? ને ગલ્લા ઉપર ઉભેલા બે-ચાર જણને ખબર પડી જાય કે પાર્ટીની પહેલી ફૂંક છે. એમાં પાછું કોઈ પડોશી કે ઓળખીતું આસપાસમાંથી પસાર થતું દેખાય એટલે ધ્રાસકો પડે. આમ, રોમાંચ ગભરાટમાં ફેરવાઈ જાય.
યુવાનોને રોમાંચ પહેલા સ્પર્શનો હોય છે. કંઈ કેટલાયે પ્રયત્નો SMS નાં ખર્ચા અને ફેસબુક પર કેટલાય સ્ટેટસ અને કોમેન્ટ્સ લાઈક કર્યા પછી પેલીએ નંબર આપ્યો હોય. એમાંથી થોડુંક આગળ વધીને એને કોઈક પબ્લિક પ્લેસ પર મળવા માટે રાજી કરી હોય તો જેનાં રોમ રોમમાં ઈશ્ક ઉછાળા મારે છે તેવા રોમી ધ ગ્રેટ આખા કબાટના ટી-શર્ટ એક પછી એક પહેરીને જોઈ લે. છેવટે એ ગ્રીન ટી-શર્ટ પર પસંદગીનો કળશ ઢોળે જે પહેરવાથી ભૂતકાળમાં કોક છોકરીએ ૧૦ રૂપિયાના રીચાર્જ જેટલુંક સ્માઈલ આપ્યું હોય. પછી તો એ તૈયાર થઈ, બબ્બે જાતનાં તો સેન્ટ-પરફ્યુમ છાંટી નિર્ધારિત સમય કરતાં પોણો કલાક પહેલા ભીખાભાઈ ગાર્ડન પહોંચી જાય. આ સત્તાવાળાઓ પણ, ગાર્ડન કે જેનો ઉપયોગ પ્રેમીપંખીડાઓ તો કરવાના જ છે એનાં નામ આવા ‘ભીખાભાઈ ગાર્ડન’ શું જોઈને રાખતા હશે !
પણ આપણા રોમી ધ ગ્રેટ આ અન-રોમેન્ટિક નામ વાળા બગીચે પહોંચી ‘ક્યાં બેસવા જેવું છે ?’ એનો એડવાન્સમાં સર્વે પણ કરી રાખે. ફરી પાછો ગેટ પર આવીને ઉભો રહે. સામે પેલી રોમા પણ ઉત્તેજિત હોવા છતાં ખોટું ખોટું સ્મિત ફરકાવતી અડધો કલાક મોડી પહોંચે. એમાં પાછો ‘બસનાં ઘોંઘાટમાં સંભળાયો નહિ’ એમ કહીને ફોન રીસીવ ના કર્યો હોય. એટલે એકંદરે રોમીની તપેલી પણ ગરમ હોય.
પણ એ બધું મનમાં દબાવી ને રોમી ‘ક્યાં બેસશું ?’ એવો નિર્દોષ સવાલ કરે. પછી જાહેર વધારે અવરજવર વાળી કોક જગ્યા ખોટેખોટી બતાવે, પણ રોમાને પણ એ પસંદ ન પડતા બેઉ છેક ખૂણાનાં બાંકડા ભણી જાય, અને જાણે એકબીજાને ઓળખતા ન હોય તેમ બેસી જાય. પછી તો દૂર પર્યાવરણનો ભંગ કરીને બાળવામાં આવતાં પાંદડાનાં ધૂમાડા ધુમ્મસ લાગવા લાગે, દૂર કીટલી પર વહી જતાં નળનો અવાજ જાણે ઝરણાનો હોય એવું બેઉને ભાસે. રોમી અને રોમા એલિયન્સ તરીકે પૃથ્વી પર આવી સમગ્ર વિશ્વમાં એકલાં બેઠાં હોય એમ મહેસુસ કરે, અને આમ વાતવાતમાં પહેલો સ્પર્શ થઇ જાય ! આ એજ સ્પર્શ કે જે ભવિષ્યમાં સ્વ. રમેશ પારેખના માર્ગદર્શન હેઠળ પ્રેત થવાનો છે !
બગીચાના બાંકડાઓ પર જે નહિ બેઠાં હોય અને જેમણે દૂરથી જ બાંકડા પર ભજવાતા પ્રણય દ્રશ્યો જોયા હશે, એમને એ ઘટના બહુ રોમાંચક લાગતી હશે. છોકરીનું છોકરાની છાતી પર માથું મુકવું, ગાલ પર ચૂંટલો ખણવો, એકબીજાની આંખોમાં તાકી રહેવું વિગેરે વિગેરે. જોઈને અમુક લોકોને ઈર્ષ્યા થતી હોય, ‘અરે, અમને તો આવો મોકો જ ન મળ્યો’, ‘એની માએ એને બહાર લઇ જવા જ ન દીધી’, કે ‘એનાં ગામમાં મંદિર છોડીને બેસવા જેવી એકેય જગ્યા જ નહોતી’ વિ. વિ. એ અલગ વાત છે કે બાથરૂમમાં ગરમ પાણીની ડોલ આપતાં એનો હાથ ભાઈએ એવો પકડ્યો‘તો કે એ છોડાવવાની કોશિશમાં ગરમ પાણી પગ પર ઢોળાયું હતું એનું ચકામું યાદગીરી રૂપે હજુય છે. અને બાકી બધું તો ઠીક પણ એ હાથ છોડાવવા વાપરેલું જોર યાદ કરીને ‘આની સાથે લડાઈ કરવા જેવી નથી’ એવું એ દિવસનું નક્કી કરી રાખેલું તે પણ હજી કાયમ છે.
પણ આવા બાંકડાઓ પર જે બેસવાનો કહેવાતો લાહવો લઇ ચૂક્યા હોય એવા કોઈને પૂછો તો કહે કે ‘ભઈ બાંકડા દૂરથી રળિયામણા !’ બગીચાના બાંકડે તમે બેઠાં હોવ તો તમને એનાં દૂષણો એક પછી એક ખબર પડે. સિમેન્ટના બાંકડાઓ પર કોર્પોરેટરના નામ લખવા સૌથી સહેલા હોવાથી કે ગમે તે કારણે બાંકડાઓ સિમેન્ટના જ હોય છે અને એટલે એ વિજ્ઞાનના નિયમો મુજબ ઉનાળામાં તપે છે. હવે બંને પાર્ટી જીન્સ-ટી શર્ટ પહેરીને આવી હોવાથી પાથરવા લાયક કશું હોય નહિ એટલે નીચેની તરફથી બાર્બેક્યુ થતું હોય. આ ઉપરાંત બગીચામાંનાં જીવજંતુઓને પણ જાણે ખબર પડી જતી હોય છે કે ‘આ બેન પર ફરવાથી ચીસો સાંભળવા મળશે’. એટલે એવી આઈટમો શોધીને જીવજંતુઓ એનાં પર ચઢે. માંડ એક બીજાના આંગળામાં આંગળા ભરાવાની ઘટના શરુ થઇ હોય ને ત્યાંજ રોમાનાં શરીરના કોક ભાગ પર કોક જીવડું ચઢે. પછી આંગળામેળાપ બાજુએ મુકીને જીવડાને ભગાડવાની કોશિશો થાય. એમાં જો રોમી અનુભવી હોય તો જીવડું હટાવવાનાં ભગીરથ કાર્યમાં જોડાઈ જાય અને એ બહાને હળવા સ્પર્શ પણ કરી લે.
કૂતરાં તો આપણા જનજીવનનો અને ઇન્ફોર્મલ સિક્યોરીટી સિસ્ટમનો એક હિસ્સો છે. એટલે જ અમુક સોસાયટીઓમાં રહીશો પોલીસ કરતાં કૂતરાં પર વધારે ભરોસો કરતાં જોવા મળે છે. આવાં કૂતરાઓ જો બગીચામાં ન જોવા મળે તો બગીચા વિશેનો નિબંધ અધૂરો જ ગણવો. હવે આ કૂતરાં રોમી-રોમા બેઠાં હોય એ બાંકડાની આજુબાજુ એમના નિત્યકર્મ કરતાં હોય, આંટા ફેરા મારતા હોય, કૂતુહલથી એમની સામે અને રોમીના ચામડાના બુટ તરફ આશાસ્પદ નજરે જોતા હોય. રોમાને પાછી ડાઘીયાની બીક લાગતી હોય એટલે એનું અડધું ધ્યાન પેલું લોતીયું ન લઇ જાય એમાં હોય ને અડધું ધ્યાન રોમીના અડપલાંમાં. એમાં કોક બીજી ટેરીટરીનું કૂતરું દ્રશ્યમાં આવી જતાં ઘમાસાણ મચી જાય, અને રોમા બાંકડા પર ચઢી જાય. અને આખુંય દ્રશ્ય પતે ત્યારે રોમા નક્કી ન કરી શકે કે રોમીએ અરાજકતાનો લાભ લીધો કે ચૌદ ઇન્જેક્શનનો કેસ થયો છે ? આમ દૂરથી જે રોમેન્ટિક લાગતું હોય એ દ્રશ્ય નજીકથી જુઓ તો એમાં ટ્રેજેડી, કોમેડી, વિ બધું ભારોભાર ભર્યું હોય. હિન્દી કોમર્શીયલ સિનેમાના બગીચામાં ફિલ્માવેલા પ્રણયદ્રશ્યોમાં કૂતરાની ગેરહાજરી આવી ફિલ્મોને આર્ટ ફિલ્મોથી અલગ પાડે છે.
પણ આવું બધું થયું હોય પછી બીજા દિવસે તમે રોમીને સવાલ કરો કે: ‘ભાઈ તને જીંદગીમાં અત્યાર સુધી સૌથી વધારે રોમાંચ શેનો થયો ?’ હરામ છે જો એ બાંકડાની વાત કરે તો. એ કહેશે ‘આપણને તો ભારત પાકિસ્તાનની મેચ જોવાનો રોમાંચ બહુ.’
આમ, બગીચા પ્રકરણનાં એક અઠવાડિયે પછી મા નામના સૌથી ભોળા પ્રાણીને બેવકૂફ બનાવીને મલ્ટીપ્લેક્ષ પર ભેગા થયા હોય. પિક્ચર પણ એવું સિલેક્ટ કર્યું હોય કે થિયેટર વાળા ‘પેસેન્જર થાય તો ચાલુ કરીએ’ એમ કહીને બેસાડી દે. અને પિક્ચર ચાલુ થાયને હજુ તો ટાઈટલ પત્યું નાં હોય ત્યાં પેલાનાં હાથ ખાંખાખોળા કરવા લાગે. એમાં પહેલા તો આગલા શોમાં કોકે છોડેલ વેફરના ખાલી પેકેટ હાથમાં આવે. પણ હજી ફિલ્મના ટાઈટલ ચાલતા હોય ત્યાં સુધીમાં તો રોમા મોઈશ્ચરાઈઝર લગાડેલ મેનીક્યોરડ હાથ રોમીના ફાંફાં મારતા હાથમાં પકડાવી દે, ખતમ. હિન્દી પિકચરમાં હીરો વિલનની ધોલાઈ કરે એ પહેલા પોલીસ પહોંચી જાય ત્યારે દર્શકોની મજા મારી જાય એવું કઈક આને થાય.
પછીના અંકમાં બન્ને તરફ વાળાનાં ઘરમાં ખબર પડે. પહેલી તરફ વાળાને અન્ય કોઈ વાંધો ન હોવા છતાં, પહેલી તરફ વાળાની કુંડળીનાં અમુક ગ્રહો બીજી તરફ વાળાની કુંડળીના તમુક ગ્રહો સાથે બનતું ન હોવાથી પહેલી તરફ વાળા સંબંધ માટે ના પાડે. તો બીજી તરફ વાળાને પહેલી તરફ વાળાએ ના પાડી છે એ જાણ થતાં, બીજો કોઈ વાંધો ન હોવા છતાં, ‘હજુ છોકરાની ઉંમર નથી’ એ મુદ્દે ના પાડી દે. આમ આવા કિસ્સામાં ગ્રહોનાં અંદર અંદરના પ્રોબ્લેમ્સ ઘણીવાર ભાગી જવાનો યોગ અને એનાં થકી રોમાંચ પેદા કરતાં હોય છે. પણ કુંડળી જોનાર સહદેવ જોશીને ફક્ત ‘કુંડળી મળે છે કે નહિ ?’ એવું પૂછવામાં આવ્યું હોવાથી, અને ફક્ત એ એકજ પ્રશ્નની જ દક્ષિણા મળી હોવાથી, ‘આ જાતકોની કુંડળીમાં ભાગી જવાના યોગ પણ છે’ એવું વગર પૂછ્યે અને વગર દક્ષિણાએ કહેતાં નથી !
અને છેવટે વડીલો લગન નહિ કરાવી આપે તે નક્કી થતાં ભાગી જવાનું આયોજન થાય છે. મમ્મીને બહેનપણીને મળવા જવાનું કહીને માથેરાન ભણી જતા રહેવાના પ્લાનીંગ જ ગજબ એકસાઇટમેન્ટ લાવી દે. પણ જ્યાં એ દિવસ સામે આવે તેમ મન ગાળીયા કાઢવા લાગે. ‘પછી મમ્મીનું શું થશે?’, ‘ભાઈ એકલો પડી જશે તો?’, આવા વિચારો આવવા લાગે. પણ જ્યાં પાર્ટીનો SMS આવે એટલે જવાબો પણ આપોઆપ સૂઝવા માંડે કે ‘મમ્મીને સિરીયલો અને ભાઈને ફેસબુક સાચવી લેશે’. આમ ‘થવાકાળે થવાનું થઈને રહે છે’ જેવાં અઘરા વાક્યો બોલવાનો મોકો છોકરીના કુટુંબમાં સાંત્વન આપનારને આપી બેઉ જણા છેવટે ભાગી જાય છે. આ ઘટનાની જાણ થતાં ‘રૂપેશભાઈની રોમા ભાગી ગઈ’ એ વાક્ય રૂપેશભાઈ અને રૂપાબેન બંનેનાં કુટુંબોમાં બ્રેકિંગ ન્યુઝ બની જાય.
જોકે ખરો રોમાંચ આમ ભાગીને કરેલા લવ મેરેજનો હોય છે. અત્યારે તો ઘણાં મા-બાપ જલ્દી હા પાડી છોકરાઓને સંતાઈને મળવાનો અને વાતો કરવાનો રોમાંચ છીનવી રહ્યાં છે. અરે, અમુક મા-બાપ તો છોકરી કે છોકરો ભાગે એમાં મદદરૂપ થતા હોય છે. બાકી જે પ્રાપ્ત કરવું દુષ્કર હોય એ પ્રાપ્ત કરવાનો અનેરો આનંદ હોય. આપણા પુરાણોમાં આવતાં સ્વયંવરમાં જેટલી અઘરી શરત હોય, એટલા મોટા મહારથીઓ આકર્ષાતા હોય. દ્રૌપદી અને સીતાજીનાં સ્વયંવરનો જ દાખલો લો ને. પણ આ જનરેશન એટલી ફાસ્ટ છે કે ટોટલ ૯૨ SMS, ૧૮ કોફી, છ પીઝા, અને આઠ પિક્ચરનો ખર્ચો પડતા સુધીમાં તો ભાગી જવા સુધી વાત પહોંચી ગઈ હોય. એટલે વાગોળવામાં ચ્યુંઈગ ગમ સિવાય ખાસ કાઇ હોય નહિ !
આમ છતાં ટૂંકાગાળાનાં રોમાંસ પછી લગ્ન થાય, પછી ખરી મજા આવે. જમાનાને ઠોકર મારીને લગન કર્યા હોય અને ઠોકર જોરથી વાગી જતાં હજુ કળ વળી ના હોય, ઉછીના રૂપિયા લઇ ઘર ભાડે લીધું હોય, ને પેલીએ પહેલી વાર પોતાના હાથોથી પંજાબી શાકની સાથે ગુજરાતી દાળ બનાવી હોય. એમાં પાછું કયું પંજાબી અને કયું ગુજરાતી છે નક્કી ના થઇ શકતું હોય, ત્યારે એ ખાતાખાતાં ‘એનાં કરતા આજે પીઝા ઓર્ડર કરી દીધો હોત તો સારું થાત’ એવો વિચાર આવે, પણ નવા લવમેરેજ અને નવી-નવી ઘનિષ્ઠતા હોવા છતાં કહી ન શકાય ત્યારે લગ્નજીવનની મજબૂરીની પહેલી ઓળખાણ થાય. એ પછી બીજી, ત્રીજી અને અનેક મજબુરીઓ પોતાના ક્રમ મુજબ આવી યથાશક્તિ બંને તરફ વાળાને યાદ દેવડાવે કે, આ એજ છે જેનાં ગુડ નાઈટના SMS વગર રાત એકાદ મહિનો રાત ઢળી નહોતી !
પણ લગ્નજીવન એ એક રોમાંચક હવાઈ સફર છે જે પ્રેમીઓને આસમાનમાં લઇ જાય છે. અરે, પહેલી વાર હવાઈ મુસાફરી કરે ત્યારે તો પેટમાં પતંગિયા પણ ઉડે છે. પણ પછી ઘણાં લોકોને આ સફર લો-કોસ્ટ એરલાઈનની સફર જેવી સંકડાશભરી, ફિક્કી અને કંટાળાજનક લાગે છે. પણ હવાઈ મુસાફરીની જેમ જ લગ્નજીવનમાં અધવચ્ચેથી ઉતરી શકાતું નથી. અને હવાઈ મુસાફરીમાં તો નિશ્ચિત સ્થળે પહોંચ્યા પછી હાથ પગ લાંબા ટૂંકા કરી શકાય છે, પણ લગ્નજીવનમાં જો ઉતાવળે જો આવી કોઈ ખોટી ફ્લાઈટમાં ચઢી ગયાં હોવ તો ટૂંટિયું વાળીને બેસી રહેવા સિવાય કોઈ ઉપાય રહેતો નથી.
અધીરભાય ..અહી ખુશામતના શબ્દો તો ઘણા લખાશે...એટલે એનો વધારો નથી કરવો..પણ આપડી પાહે જે યોગ્ય તર્ક હશે એ મુકવા કમીટેડ થઈએ છીએ..
ReplyDeletewelcome, adhir, to the world of blogging!
ReplyDeleteઅભિનંદન અધીરભાઈ.
ReplyDeleteનવી શરુઆત મુબારક હો.. (બ્લોગ ટાઇટલમાં માત્ર "છે !" દેખાય છે, "ગુડ" કયાં છે ? )
ReplyDeleteઅધીર.... અભિનંદન.
ReplyDeleteCongrats bhai, welcome to e-world.
ReplyDeletewelcome in blogging world.
ReplyDeletegood Che ni sharuaat to ekdam best Che...
હા હા હા.... મજા પડી... keep it up....
ReplyDeletethank u all...
ReplyDelete@itzhp .. its problem in Chrome, it works in other browsers. searching solution
પ્રિય શ્રીઅધીરભાઈ,
ReplyDeleteઆપનું બ્લૉગજગતમાં હાર્દિક સ્વાગત છે. અભિનંદન.
અભિનંદન,અધીરભાઈ.... મઝા પડી, હંમેશની જેમ...
ReplyDeleteઅભિનંદન અધીરભાઈ નવી શરુઆત મુબારક હો..
ReplyDelete