Sunday, June 05, 2011

ગરીબી નાબૂદ થાય છે


મુંબઈ સમાચાર,   વરાઇટી સપ્લીમેન્ટ   તા. ૦૫-૦૬-૨૦૧૧
ભારતમાંથી ગરીબી નાબૂદ થવાની છે. ઇન્દિરાજીએ પણ એક જમાનામાં ‘ગરીબી હટાવો’ સુત્ર આપ્યું હતું, અને એમનાં કુંવર સંજય ગાંધીએ એ સૂત્રને બહુ સિરિયસલી લઇ લીધું હતું. પછી તો ગરીબો જન્મે નહિ એ માટે નસબંધી ઝુંબેશ ચલાવી હતી. અને એ જન્મે નહિ તો પછી રહેવા માટે જગ્યાની પણ જરૂર ન પડે દૂરંદેશીથી એમણે બુલડોઝર ફેરવી ઝૂપડપટ્ટીઓ સાફ કરવાનું શરુ કર્યું હતું. પણ એ બધી જૂની વાતો થઇ. અત્યારે જે વાત છે એ કે ભારતમાંથી ગરીબી નાબૂદ થવાની છે. સાચે . હા હા સાચે , ગરીબીની વાત કરું છું. ગરીબોની વાત છે. હા હા, ગરીબો પણ નાબૂદ થશે. અરે, એમનું એન્કાઉન્ટર નહિ થાય. ગરીબો કન્વર્ટ થઈને મધ્યમ વર્ગમાં આવી જશે એટલે ગરીબ રહેશે નહિ. હા ભાઈ, ઇલેક્શન પતી ગયા છે, અને હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી એટલે મારે જુઠ્ઠું બોલવાનું કોઈ કારણ નથી. ભારતમાં ટૂંક સમયમાં સાચેસાચ ગરીબી નાબૂદ થવાની છે. આવું એક અભ્યાસનાં પરિણામે બહાર આવ્યું છે. મારો મિત્ર વિતર્ક વાંક્દેખો તો આ સાંભળીને ગુસ્સે થઇ ગયો. ગરીબી નાબુદ થશે એ વાત પર નહિ યાર, આ અભ્યાસ પર. કોક વોન નામના વ્યક્તિએ કહેલું એ એને યાદ આવી ગયું કે, ગરીબી પર થતાં અભ્યાસના ખર્ચમાંથી અડધી રકમ પણ જો ગરીબોને આપવામાં આવે તો એ અભ્યાસ કરવા કરતા વધારે સારું થાય. હવે વાંક્દેખાને શું સમજાવું ? અરે, ઈમારતનો પહેલા નકશો બને, પછી ઈમારત બને. અને આ અભ્યાસ કરવામાં અમુક જણાની ગરીબી નાબૂદ થાય છે, એ થોડું ઓછું છે ?

પણ ગરીબની વ્યાખ્યા શું ? અમુક પંચાતિયાઓ તરત આવું પૂછશે. અત્યારે તો ગરીબ માણસ એને કહેવાય જેની માથાદીઠ આવક એનાં માથાદીઠ ખર્ચ કરતા ઓછી હોય. ગરીબ એટલે જેને ક્રેડીટ કાર્ડનું બિલના ચુકવવાના ફાંફા હોય અને એટલે એ કંપનીઓના મસલમેનની ધમકીઓથી બચવા મોબાઈલ નંબર બદલ્યા કરવા પડતાં હોય એ. ગરીબ એ કે જેનાં ઘરમાં વ્યક્તિ દીઠ એક મોબાઈલ હોય. ગરીબ પાસે મોબાઈલ હોય પણ રોજે રો રીચાર્જ કરાવાતો હોય અને રો વાપરતો હોય. ગરીબ એ કે જેની પાસે કાર હોય પણ સીએનજી કરાવી હોય અને ચાર પેસેન્જર થાય તો વાપરતો હોય એ. ગરીબ એ કે જેના છોકરા પર્સનલ ટ્યુશનનાં  બદલે ગ્રુપ ટ્યુશનમાં જતા હોય. ગરીબ એ કે જે છાપામાં નવા રિલીઝ થયેલા મુવીના ખરાબ રીવ્યુ વાંચી તો મહિનામાં ટીવી પર આવી જશે એવું વિચારી મલ્ટીપ્લેક્સમાં મુવી જોવા ન જાય તે. ગરીબ એટલે જે મોબાઈલથી ટ્વિટ અને ફેસબુક ન કરી શકે તે. ગરીબ એટલે જે ફાસ્ટ ફૂડ જોઇન્ટમાં જાય પણ બર્ગરની સાથે કોલ્ડ ડ્રીંક ન લે તે !

ગરીબી જેમણે આર્ટ ફિલ્મમાં જોઈ હશે એમને તો એમ હશે કે ગરીબો ઝુપડપટ્ટીમાં રહે. અને એ ઝુપડપટ્ટીમાં કૂતરા રખડતા હોય, ગંદકી હોય. હિરોઈન જેવી સ્ત્રી સિવાયના ગરીબો નહાય નહિ. ફાટેલા કપડા પહેરે. મેકઅપ ન કરે. ખુબ ઊંડા શ્વાસ લીધા પછી બોલે. એમનાં મકાનો પર ધનિકો બુલડૉઝર ફેરવે. પણ ગરીબી નાબુદ થાય પછી એવું કશું નહિ જોવા મળે. કારણ કે પછી તો ગરીબ વર્ગ મધ્યમ વર્ગ બની જશે. ગરીબ વર્ગ મધ્યમ વર્ગ બની જશે એટલે ભિખારીઓ કાર લઈને ભીખ માંગવા આવશે. અત્યારે સરકારી ગરીબ કલ્યાણ મેળાઓમાં જેમ સાયકલો વહેચાય છે એમ પછી મધ્યમ વર્ગ કલ્યાણ મેળાઓમાં કાર વહેંચાશે. સાઉથ ઇન્ડિયામાં વર્ષોથી ચુંટણી સમયે ગરીબ મહિલાઓને સાડી અને પુરુષોને ધોતી વહેંચાય છે. પછી મધ્યમ વર્ગને ચુંટણીઓમાં આજકાલ હપ્તેથી મળે છે એવાં બ્રાન્ડેડ જીન્સ અને ટી-શર્ટ વહેંચાશે. પહેલા ચુંટણી સભામાં ભાડૂતી ઓડિયન્સ જે રોકડા આપીને ટ્રક-ટેમ્પા-સરકારી બસોમાં ભરીને લવાતું હતું, તે હવે પોતે જાતે પોતાના વાહનમાં આવી જશે. ઝુંપડપટ્ટી તો પછી હશે નહિ, એટલે યુવાનેતાઓ ગરીબ લોકોના ઝૂંપડામાં રાત રોકાઈને સનસનાટી નહિ સર્જી કે, પણ એ લોકોને  કોક મધ્યમવર્ગીય ગૃહિણી ને વઘાર કરવામાં મદદ કરતા ટીવી પર જોઈ શકશે. અને રેલ્વેમાંથી થર્ડ ક્લાસ પછી હવે સેકન્ડ ક્લાસ અને પ્લેનમાંથી કેટલ ક્લાસ પણ નાબૂદ થશે. જોકે યુવાનેતાઓ પછી શું કરશે અને સરકાર કરકસરના પગલા કઈ રીતે ભરશે એ અમારી કલ્પનાશક્તિની બહારની વાત છે.

બાકી આપણે તો ઉપર જોવામાં માનીએ છીએ. એટલે દુનિયાનાં ટોચના ધનિકોનાં લીસ્ટમાં આપણાં મુકેસ ભઈનું નામ આવે એટલે ખુશ રહીએ છીએ. એમનું ૪૦૦૦ કરોડનું મકાન દુનિયાનું સૌથી મોંઘુ રહેઠાણ ગણાય છે એનો આપણને ગર્વ છે. અને ભગવાનની ઈચ્છા હશે તો લાખ ૭૬ હજાર કરોડનું ટુ-જી કૌભાંડ પણ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ કહેવાશે. આ વાત પર અમે તો અત્યારથી વહેંત પણ અમે સાચેસાચ ખુશ છીએ, છેલ્લા કેટલાક વર્ષોમાં આપણું લેવલ કેટલું બધું ઊંચું આવ્યું ? અત્યાર સુધી તો આપણું એન્ટી કરપ્શન ખાતું બસો, પાંચસો કે હજાર રૂપિયાની લાંચ લેતા લોકોને ઝડપી લાંચ લેનાર અધિકારીઓ કેટલા ગરીબ છે એ પ્રતીત કરાવતા હતાં. હજાર રૂપિયાની શું કિંમત ? બે જણા હોટલમાં કોફી પીવા જાય તો પણ એટલો ખર્ચો તો થઇ જાય, પણ માથાદીઠ. આપણે ઘણી પ્રગતિ કરી છે, એવું નથી લાગતું ?

 ~ અધીર અમદાવાદી

2 comments:

  1. વાહ..ગરીબી પર સરસ કટાક્ષ...

    ReplyDelete
  2. એક શિક્ષકે ક્લાસમાં ગરીબી પર નિબંધ લખવાનું કહ્યું, તો એક વિદ્યાર્થી એ આવું લખ્યું:
    "હું ગરીબ છું, મારા મમ્મી-પપ્પા ગરીબ છે, અમારો માળી પણ ગરીબ છે, અમારો ડ્રાઈવર ગરીબ છે, અમારો રસોઈયો પણ ગરીબ છે..."

    સરસ લેખ :)

    ReplyDelete