Wednesday, October 12, 2011

પત્નીની જોહુકમીને પડકારતો બગાવતી પત્ર


| સંદેશ  | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ |૦૯-૧૦-૨૦૧૧ | અધીર અમદાવાદી |

વ્હાલી બકુ,

તું મારી પત્ની છે પણ મારે મનની વાત કહેવા પત્ર લખવો પડે તે વિધિની કેવી વિચિત્રતા કહેવાય નહિ? હવે એમ ના પૂછતી કે આ વિધિ કોણ છે? વિધિ એટલે કુદરતની વાત કરું છું. સાલું, તું માઈકલ માધ્યમમાં ભણી છે અને હું મગન માધ્યમમાં એટલે કાયમ આવી તકલીફો કાયમ થાય છે. તને રૂબરૂ તો પહોંચી વળાતું નથી, એટલે મારા મનની ભડાશ પત્ર દ્વારા કાઢું છું. અત્યાર સુધી તો સરકાર સામેના વાંધા લોકો ચર્ચાપત્રો દ્વારા વ્યક્ત કરતાં હતાં, પણ હવે પતિઓને ખુલ્લા પત્રો દ્વારા પોતાની વાત કહેવાનાં દિવસો આવ્યાં છે.

બકુ, પત્ર રસોડામાં પોતાની મુનસફી પ્રમાણે રા ચલાવવાની તારી નીતિનો વિરોધ કરવા લખ્યો છે. તું તને ભાવતાં શાક બનાવે ત્યાં સુધી તો મને હરકત નથી. અરે તું, તારા મનગમતા શાકવાળાને ખટાવવા ઘરમાં બિનજરૂરી શાક ભેગું કરે તેનો પણ વાંધો નથી, પણ તું આમ ઇચ્છા થાય ત્યારે ઉપવાસ પર ઉતરી જાય, તો હું તો રખડી પડું ને? તારું વજન વધારે છે, તને ડોક્ટરે વજન ઉતારવા કહ્યું છે એમાં મારો શું વાંક? તું કાર્બ કંટ્રોલ કરવા જાય એમાં મારે ઉપવાસ કરવાના? ને તું ઉપવાસ પર ઉતરે પહેલાં ત્રણ દિવસ તો ઉપવાસમાં ખવાય એવી વસ્તુઓનું શોપિંગ કરવામાં કાઢે છે એમાં મારે બોબોને કંપની આપવા રજા મૂકીને ઘેર રહેવું પડે છે. તું ઉપવાસમાં દોઢસો રૂપિયે કિલોવાળા પાંચ કાશ્મીરી સફરજન ઝાપટી જાય છે, પેલી કહેવતમાં એન એપલ ડે આવે છે તો તારી સ્કૂલમાં તને સિક્સ એપલ ડે શીખવાડ્યું હતું?

તારી રસોઈ ગમે તેવી બને છે. એટલે તારી મમ્મીને એ ગમતી હશે પણ મને નથી ગમતી. આમેય તારી મમ્મીનો ટેસ્ટ તો તારા પપ્પાને જોઈને ખબર પડી જાય છે. પણ તારી દાદાગીરી તો જો, તારી બનાવેલી દાળને મારે ખારી પણ ન કહેવાય? અરે, તારા હાથની ખારી દાળ પી પીને તો હવે મને ખારી બિસ્કીટ પણ મોળી લાગે છે. અરે, આજકાલ ચાની જોડે ખારી ખાઉં તો ઉપરથી મીઠું ભભરાવવું પડે છે. અને દાળમાં રાઈ, કોકમ, મરચાં, કોથમીર વિ. વીણવામાં ને વીણવામાં મારે રો ઓફિસ જવાનું મોડું થઈ જાય છે. અરે, દાળમાંથી એ કાઢવામાં મારા બાવડા એટલા મજબૂત થઇ ગયાં છે કે મારો જીમ ઇન્સ્ટ્રકટર કહે છે કે તમારે હાથની કસરતની કોઈ જરૂર નથી!

તારી રોટલી ખેંચીએ તો લાંબી થાય પણ તૂટે નહિ એવી મજબૂત હોય છે, પણ મારે તો એને ચ્યુંઈંગ ગમ જેવી પોચી છે એમ કહેવું પડે છે. તારો બનાવેલો ચીલી સૂપ પીધાં પછી મ્હોમાં આગ લાગે છે અને સાત જનમનાં પાપ યાદ આવી જાય છે. છતાં મારી મજાલ નથી કે સુપને તીખો કહી શકું. મારે તો એમ કહેવું પડે છે કે તારા જેટલો હોટ છે બેબી, પણ આવું જૂઠ બોલ્યા પછી મારી ગાડીનું પૈડું ચોક્કસ ખાડામાં પડે છે. પણ તું મોટી મેનેજર છે, એટલે મારા ભાઈબંધો પાસે તું સુપ તો ભાભીના હાથનો એવાં સર્ટિફિકેટ લઇ આવે છે! 

ડિયર તું રસોઈ શો ખુબ ઉત્સાહથી જુએ છે. પણ તું રસોઈ શોમાંથી શીખીને નવી વાનગીનાં પ્રયોગો મારા પર કરે ત્યારે મને દવાની કંપનીની લેબોરેટરીનો ઉંદર હોઉં એવી અનુભૂતિ થાય છે. જ્યારે તું ફોન પર વાત કરતી હોય અને હું કશું કહેવા જાઉં ત્યારે તું વચ્ચે ચું ચું ના કર એવું કહે ત્યારે તો ખાસ. પણ ડિયર, ટીવી પરના કાર્યક્રમો ટાઈમપાસ માટે હોય છે. સલમાન ખાનને ટીવી પર વિલનોને ધીબેડતા જોઈ શું હું મારામારી કરવા લાગુ છું? તો પછી રસોઈ શો જોઈ તારે નવી નવી રેસિપી ટ્રાય કરવાની શી જરૂર છે? એટલે હું રસોઈ શો વિરુદ્ધ કેસ કરવા વિચારું છું. મને ખાતરી છે કે કેસમાં મારા જેવા ઘણાં પતિઓ તથા અન્ય પીડિતો મારી પડખે ઊભા રહેશે. તનથી અને ધનથી નહિ તો મનથી. આ લખ્યું 

છે એને વધારે કરીને વાંચજે.
લી. તારો આજ્ઞાંકિત બકો   

-બકા :
પાપડી વગર કઈ રીતે એ બને બકા ?
તું ઊંધિયું બનાવે છે કે મને બકા ?

http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=336980

No comments:

Post a Comment