Sunday, August 11, 2013

ફરી ઘોડાગાડીઓ ફરતી થશે ...

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૧-૦૮-૨૦૧૩ | અધીર અમદાવાદી |ડોલર સામે ઘસાતો રૂપિયો અને પેટ્રોલના ભાવ વધી રહ્યાં છે એ જોતાં રસ્તા ઉપર ફરીથી ઘોડાગાડીઓ ફરતી થાય તો નવાઈ ન પામતા. ૧૯૯૦માં પેટ્રોલના ભાવ ૭-૮ રૂપિયા હતાં જે ૨૦૧૩માં ૭૫ ઉપર પહોંચ્યા છે. વર્ષો પહેલાં આવો સીન હતો કે કાર ગણ્યા ગાંઠ્યા લોકો પાસે હોય, એમાંથી પાછાં અમુક જ લોકો રોજ કાર વાપરતા. અઠવાડિયામાં ૭ વાર ધોવાની અને એક વાર વાપરવાની, એવું એક પડોશી પરિવાર કરતું. અમારા પડોશી તો ઘણીવાર સાત દિવસ ધોયા પછી રવિવારે પણ નહોતાં વાપરતા. માત્ર ગેરેજમાંથી કાર બહાર કાઢવાની, ઘસી ઘસીને ચમકાવવાની, અને પાછી ગેરેજમાં મૂકી દેવાની. અને તોયે એ ઈર્ષ્યાને પાત્ર ઠરતાં!

જૂનાં વખતમાં કાર હોવી એ સ્ટેટ્સ હતું. પછી નોકરિયાત હોય, સેકંડ-હેન્ડ કાર લઈ લીધી હોય, પણ પેટ્રોલ પોસાય નહી એવું બનતું. સામાન્ય રીતે એમ્બેસેડર અને ફિયાટ બે જ કાર દેખાય. એ પછી મારુતિ આવી ત્યારે તો सर्वे गुणा: मारुतीमाश्र्य्नते એવું લોકો દ્રઢપણે માનવા લાગ્યા. અર્થાત્ જેની પાસે ગાડી છે એ જ સર્વ ગુણ સંપન્ન છે. જોકે છેલ્લા વીસ વરસમાં ફોર-વ્હીલરનો ઉપયોગ અનેક ગણો થઈ ગયો છે. હવે તો ઘરમાં હસબન્ડ અને વાઈફની અલગ અલગ કાર હોય એ લકઝરી નથી ગણાતી, જરૂરિયાત ગણાય છે. પણ પેટ્રોલના ભાવ જે રીતે વધી રહ્યા છે તે જોતાં આ પેટ્રોલ ફરી લકઝરી થઈ જશે. અને એવું બને કે ફરીથી શહેરમાં ઘોડાગાડીઓ ફરતી થઈ જાય. ઊંટગાડી અને બળદગાડા તો હજુ ફરે જ છે.

જો શહેરમાં ઘોડાગાડીઓ જ ફરતી થાય તો સૌથી વધુ રાહત હોર્નના અવાજની થશે. ઘોડાગાડીમાં વધારેમાં વધારે ભોપું હોય, જે શોખથી વગાડવા માટે હાથના મસલ્સ મજબૂત હોવા જોઈએ. બાકી અત્યારે તો વાહનની બેટરી ચાર્જ છે એનું ટેસ્ટીંગ કરવા, ચલાવનાર ગેલમાં આવી જાય તો, આગળ સુંદર યુવતી જાય છે એવું પાછળથી લાગે તો (પછી ભલે આંટી નીકળે!), કોઈને એડ્રેસ પૂછવા, કારની મ્યુઝિક સિસ્ટિમ સાથે તાલ મિલાવવા કે ખાડો આવે તો પણ હોર્ન મારનાર મળી આવે છે. જાણે કે ખાડો હોર્ન મારવાથી ખસી જવાનો હોય એમ! એટલે જ અમેરિકાથી આવનારને કહેવાનો ચાન્સ મળી જાય છે  કે અમારા ત્યાં તો હોર્ન સાંભળવા જ ન મળે’.  બેન, અમારા ત્યાં તો રિવર્સ હોર્નમાં સવારની આરતી અને પૂજા પતી જાય છે!

ઘોડાગાડીઓ ફરતી થાય તો આજકાલ જેવા સ્પીડી ટ્રાન્સપૉર્ટ ન હોય તો પટાવાળાઓને ઘણી રાહત થઈ જાય. અત્યારે દિવસમાં દસ ધક્કા ખાનાર જો સાઈકલ કે ઘોડાગાડી લઈને ગયો હોય તો સવારનો જાય તે સાંજે પાછો ફરે. ઘોડા અને ઘોડાગાડીમાં સવારી કરવાથી જેમને બેક્પેઈનનો પ્રૉબ્લેમ હોય તે સોલ્વ થઈ જાય અને જેમને ન હોય તેમને ચાલુ થાય એવું પણ બને. બેશરમ, નફ્ફટ અને રીઢા લોકો કે કોઈ વાતે જેમનું પેટનું પાણી ન હાલતું હોય એવા પણ ઘોડાગાડીમાં સવારી કરે એટલે પેટનું પાણી હાલકડોલક થઈ ઊઠે. તો ઘોડાગાડીમાં ચઢવા ઊતરવામાં હાથ આપવામાં કેટલાંના ચોકઠાં ગોઠવાઈ જાય એવું પણ જોવા મળે.

પછી તો મોટી મોટી કંપનીઓની ઘોડાગાડી માર્કેટમાં આવે. જેમાં બંગડીવાળી ઘોડાગાડી સ્ટેટ્સ સિમ્બૉલ હોય. શેઠિયા લોકો એટલે કે આજકાલના મેનેજરો ઘોડાગાડીમાં બેટરી ઓપરેટેડ પંખા નખાવે. ઓફિસે જવામાં જે કલાક દોઢ કલાકનો સમય થાય એ સમયમાં આવા ઉત્સાહીઓ લેપટોપ પર કામ પણ કરવા લાગે. તો વળી કોઈ મોબાઈલમાં કાર રેસિંગની ગેમ પણ રમે. કોઈ ઇ-સ્લેટ પર ફરારી કી સવારીતો કોઈ મેરે ડેડ કી મારુતિજેવી ફિલ્મ જૂએ ઓફિસ જતાં. એમાં ફિલ્મસ્ટારની ઘોડાગાડીઓ પાછી ઊંચી હોય. એમાં ઘોડા તો ઊંચી ઓલાદના હોય જ અને ગાડી પણ હાઈટમાં ઊંચી હોય. એમાં બારીઓને કાળા કાચ કે પડદા લગાડેલા હોય. હલમાન કે જમરૂખ જેવા સ્ટાર્સની ગાડીની આગળ પાછળ બાઉન્સર્સ પણ દોડતા જોવા મળે!

અને ઘોડાગાડી જ શું કામ ખાલી ઘોડેસવારી પણ થઈ જ શકે ને? એકલો ઘોડો બાઈકના વિકલ્પ તરીકે અને ઘોડાગાડી કારનાં વિકલ્પ તરીકે વાપરી શકાય. આમેય ઘોડાના ઘણા ફાયદા છે. ઘોડા કાર કરતાં સસ્તા મળે છે. એમાં પૉલ્યુશન નથી. તૂટી જાય તો બદલવાના પાંચ હજાર ખર્ચ થાય એવી મોંઘી ટેઈલ લાઈટની ઘોડામાં જરૂર નથી પડતી. ઘોડાની બ્રેકફેઈલ નથી થતી. અને સૌથી અગત્યનું તો દારૂ પીને પણ ઘોડો ચલાવો તો પણ ઘોડો કોઈને કચરી નાખે તેવી શક્યતા ઘણી ઓછી છે. હવે વિચારો કે સલમાન ખાન એસયુવીને બદલે ઘોડો ચલાવીને જતો હોત તો શું ઘોડો ફૂટપાથ પર ચઢીને કોઈને કચડી નાખત? અલ્યા ભાઈ, માણસ પીધેલ હોય, પણ ઘોડામાં તો અક્કલ હોય ને?

એટલે જ અમે વણમાગી સલાહ આપીએ છીએ કે ઘોડામાં ઇન્વેસ્ટ કરો. ભવિષ્યમાં લોકો એમ કહેશે કે જુઓ ગધેડા પર રેતી/ઈંટોના ફેરા કરનારે દેશનું ભવિષ્ય પારખીને દુરંદેશી વાપરી ઘોડાઉછેરમાં ઝંપલાવ્યું અને મહેનત કરીને જુઓ આજે કેવું તબેલાનું એમ્પાયર ઊભું કર્યું’. ભલે પછી પરસેવો ઘોડાએ પાડ્યો  હોય! આ સિવાય જે કંપનીના માલિકોના સ્ટડફાર્મ હોય તેઓ ભવિષ્યમાં ઘોડા ટ્રાન્સપૉર્ટ સર્વિસ (જીટીએસ)માં ઝંપલાવે તેવી શક્યતા પુરેપુરી હોઈ તેવી કંપનીઓ પર નજર રાખો. ઘોડાના ફૂડ સપ્લાય ધરાવતી કંપનીઓનો અભ્યાસ કરો. ઘોડાગાડીના સ્પેરપાર્ટ્સ જેવા કે કમાન-પાટા અને વ્હીલ જે કંપનીઓ બનાવી શકે એમ હોય તેમાં રોકાણ કરો. જોકે બિઝનેસ શોમાં આવે છે એવું ડિસ્કલેમર અમે પહેલાં જ આપી દઈએ કે અમારું પર્સનલ હોલ્ડિંગ ઘોડા કે ઘોડા સંબંધિત કોઈ પણ કંપનીમાં નથી અને રોકાણકારોએ પોતાની શુદ્ધ બુદ્ધિનો ઉપયોગ કરી રોકાણ કરવું!

1 comment:

  1. આ ઇન્વેસ્ટમેન્ટ ટીપ્સ આપવાનો ધંધો નવો શરૂ કર્યો લાગે છે.... #મજાક_છે

    ReplyDelete