Sunday, September 29, 2013

કાગડાઓના પ્રતિક ઉપવાસ

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૯-૦૯-૨૦૧૩ | અધીર અમદાવાદી |

(વાયા એ.એન.એન.) 
ગઈકાલે સમસ્ત ગુજરાતી કાગડા સમાજે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી જઈ સમાજની એકતાનું પ્રદર્શન કર્યું હતું. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કાગડાઓએ એક થઈ આ ઉપવાસમાં ભાગ લીધો હતો. શ્રાદ્ધપક્ષમાં આ ઉપવાસને કારણે અમુક પિતૃઓ ભોજનથી વંચિત રહી ગયા હતા. જોકે આવું પિતૃઓની સૂચના મુજબ જ થયું હોવાનો ખુલાસો કાગ સમાજે કર્યો હતો. ઉપવાસ દરમિયાન ઠૂંઠા ઝાડ પર બેસી કાગડાઓની જમાત જોરશોરથી કા કા કરતી જોવા મળી હતી. અમુક કાગડાઓ પોતાની ચાંચ સાફ કરતા પણ જોવા મળ્યા હતા. અમુક યુથ કાગડાઓએ આવેશમાં આવી જઈ ડીશ એન્ટેના ઉપર ચાંચો અથડાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. અમુકે રસોડાની બાલ્કનીમાં અડ્ડો જમાવી દીધો હતો, પણ જ્યારે એમને જેવું સુક્કી પૂરી અને શાક નાખવામાં આવ્યું ત્યારે નાખેલ વાસની ગુણવત્તા ચકાસી ખાધા વગર ઉડી ગયા હતા.અત્રે જાણવા જેવું છે કે હજુ પણ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં ભાદરવા મહિનામાં શ્રાદ્ધપક્ષ ઉજવાય છે. સરાધીયા તરીકે જાણીતા આ પર્વમાં દિવંગત પિતૃઓને ભાવતા ભોજન અર્પણ કરવાનો મહિમા છે. આ ભોજન વાયા કાગડા થઈ પિતૃઓ સુધી પહોંચે છે એવી માન્યતા છે. જોકે દિવસે દિવસે શ્રાદ્ધની શ્રદ્ધામાં કમી આવતી જણાય છે. અમુક ઘરોમાં શ્રાદ્ધના ભોજનના નામે માત્ર દૂધ ગરમ કરી એમાં ભાત નાખી પિતૃઓને આપવામાં આવે છે. સામાન્ય રીતે સવારના ભોજનમાં શ્રાદ્ધનું ખાવાનું બનતું હોવાથી સમયના અભાવે ઘણી વાર આવું થતું હોય છે. જો ઘરમાં કોઈ ગળ્યું ખાવાનું શોખીન હોય તો જ આવામાં પિતૃઓ સારું જમવા પામે છે. પાછલી અવસ્થામાં બાંકડે બેસી ચવાણું ફાક્યું હોય એવા પિતૃઓ આ ભોજનથી વધું નારાજ થાય એ સ્વાભાવિક છે.

કાગડા સમાજના પ્રમુખ કાક ભટ્ટે આ અંગે જણાવતા કહ્યું હતું કે: અમારું મૃતકો સાથે ડાયરેક્ટ ડાયલિંગ છે. શું ખાધું? ભોજન કેવું હતું? ખાવાથી અમને પેટમાં તકલીફ થઈ કે કેમ? જેવી અનેક બાબતોનો રિપોર્ટ શ્રાદ્ધ પૂરા થતાં અમારે ઉપર મોકલવાનો હોય છે. સ્વર્ગસ્થ પિતૃઓ તો બારેમાસ જલસા જ કરતા હોય છે, એટલે એ લોકો તો ખાલી નોંધ જ લે છે, પણ નર્કસ્થ પિતૃઓને અહીં અમને જે ભોજન અપાય તેવું અને તેટલું જ ભોજન આ દિવસોમાં નર્કમાં આપવામાં આવે છે. અહીં અપકર્મ કરીને નર્કમાં સજા કાપતા પિતૃઓ આમ એક પૂરી પર બાસુંદી કે દૂધપાકનાં ચાર ટીપાં સાથે એકાદું ભજિયું અને કોરા ભાત જોઈ નારાજ થઈ જાય છે. આમેય છેલ્લા કેટલાય વખતથી પિતૃઓ નર્કસ્થ થવાના કિસ્સાઓ પણ વધ્યા છે. એટલે નર્કમાં વિરોધનો જુવાળ વધી રહ્યો છે, અને અમને ઉપરથી સૂચના આપવામાં આવી છે કે હવે આ પ્રકારનું કાચું કોરું ભોજન સ્વીકારવું નહી.

‘તો કેવું ભોજન કાગવાસમાં પીરસાવવું જોઈએ?’ એ મુજબના પ્રશ્ર્નનો જવાબ આપતા સમાજના યુવાન પ્રવક્તા કાગ ભૂષણે જણાવ્યું કે: ૧૯૮૨માં એશિયાડ ગેમ્સ વખતે દેશમાં ટીવીનું આગમન અને તે પછી ટીવી પર રવિવારે ફિલ્મ, રામાયણ મહાભારત જેવી સિરિયલોને કારણે બહારનું ખાવાનું ચલણ લોકોમાં વધ્યું હતું. આમ લોકો પિઝા, બર્ગર, દાબેલી, વડાપાઉં, અને જાત જાતનાં ડેઝર્ટ ખાતા થઈ ગયા છે. આમ છતાં કાગવાસમાં એ જ જૂનવાણી દૂધપાકના નામે પાણીદાર દૂધ રેડવામાં આવે છે. એટલે વડીલોએ શ્રાદ્ધમાં ફાસ્ટફૂડ આઇટમ્સની માંગણી કરી છે. સૌરાષ્ટ્રના દાદાઓએ ગાંઠિયાની અને સુરતી લાલાકાકાઓએ તો છાંટોપાણી સાથે લોચાની માંગણી કરી છે. બહારનું ખાવાના ચટાકા ધરાવતા અમુક મુરબ્બીઓએ કાગવાસમાં ઘરનું ખાવાને બદલે પિઝા હટ કે ગોરધન થાળના ગિફ્ટ વાઉચર મળવા જોઈએ એવી લાગણી પણ વ્યક્ત કરી હતી. તો અમુકે તો કાગવાસ નાખ્યા પછી, બનારસી ૧૨૦ના પાન પણ મુકાવા જોઈએ તેવી રજૂઆત કરી છે.

માગણીઓ અહીં અટકતી નથી, વધુ ઉમેરતા કાગ ભૂષણે જણાવ્યું હતું. સરકારી કર્મચારી યુનિયન જેવા એક આગેવાન કાકાએ સમસ્ત પિતૃઓ વતી એક આવેદન પત્ર તૈયાર કર્યું છે જે મુજબ શ્રાદ્ધપક્ષ હવે વરસમાં બે વખત ઉજવવાનો રહેશે. શ્રાદ્ધપક્ષનું મેન્યુ ઠરાવની તારીખ પછી એટલે કે નવા મરનાર મરતાં પહેલાં નક્કી કરી શકશે. જોકે આકસ્મિક કે મેન્યુ નક્કી કર્યાં વગર અવસાન પામનાર માટે પાછળથી આઇટમ્સ નક્કી કરવાનો મોકો આપવો એવું પણ ઠરાવવાની દરખાસ્ત છે. એકંદરે માર્કેટમાં કમર્શિયલ ધોરણે જમવા મળતી થાળીમાં હોય એટલી આઇટમ્સ કાગવાસમાં નાખવાની રહેશે. પણ આ આઇટમ્સ અમેરિકાની જેમ વીકેન્ડ પર આખા વીક માટે બનાવી ફ્રોઝન કરેલી કે વાસી નહીં ચલાવી લેવામાં આવે. આ ઉપરાંત ભોજન ગુણવત્તા નિયંત્રણ કમિટી રચવામાં આવે જેવા સ્વર્ગમાં ટ્રેનિંગ પામેલા કાગડાઓને સ્થાન આપવામાં આવે. પિતૃઓને ડાયાબિટીસ હોય તો પણ મર્યાં પછી એમને મોળું ખવડાવવાની વૃત્તિની પણ પિતૃ સમાજે આકરી ટીકા કરી વખોડી નાખે છે.

માગણીઓમાં આ વખતે સ્ત્રીઓ પણ પાછળ રહી નહોતી. નર્કસ્થ સ્ત્રી સમાજનાં પ્રમુખ વનલતાબહેને સ્ત્રીહિતમાં શ્રાદ્ધમાં ફેરફારો કરવાની વાત કરી હતી. "અમારા ધ્યાનમાં આવ્યું છે કે એક જ તિથિ પર જયારે પુરુષ અને સ્ત્રીનું શ્રાદ્ધ આવે તેવા સંજોગોમાં પુરુષોને ગમતાં ભોજન મૂકવાની ભેદભાવવાળી નીતિ હજુ ૨૧મી સદીમાં પ્રવર્તે છે, જે ઘણી દુ:ખદ બાબત છે. તો આવા એક જ દિવસમાં બે શ્રાદ્ધ હોય તેવા સંજોગોમાં સ્ત્રીઓને પસંદ આઇટમ્સ જેવી કે મરચાનાં ભજીયાં, પાણીપૂરી, અને પિઝા જ કરવામાં આવે. આ ઉપરાંત ઉપર સૂચવવામાં આવેલી કમિટીઓમાં સ્ત્રીઓ માટે ઓછામાં ઓછાં ૩૩% અનામત રાખવામાં આવે".

આ બધા વચ્ચે વિચારવા જેવું એ છે કે અહીં પૃથ્વી પર તીખું, તળેલું, ગળ્યું ખાઈ ડાયાબિટીસ, કોલેસ્ટરોલને કારણે હેરાન થઈ ઉપર પહોંચેલા આપણા વડીલો અને પિતૃઓએ નર્કમાં પણ પોતાનો ટેસ્ટ અને આદતો જાળવી રાખ્યા છે. અહીં ભલે એક જ ઘરમાં રહી જુદી જુદી પાર્ટીઓને મત આપતાં હોય, પણ ડોહા-ડોહીઓ શ્રાદ્ધપક્ષના હક બાબતે એકમત થઈ ગયાં છે. કાગડાઓની પ્રતિક હડતાળથી હચમચી ગયેલા લોકો ખરેખર પિતૃભોજનમાં ફેરફારો લાવશે કે કેમ, તે તો આવનાર સમય જ બતાવશે.

1 comment: