Wednesday, July 27, 2016

રજનીકાંત : ધ રજનીકાંત

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૭-૦૭-૨૦૧૬
 
બસ કંડકટરમાંથી આટલા સફળ કલાકાર થવું એ સ્વપ્ન છે. પણ એવું થયું છે અને એ માટે તમિલભાષી લોકોને બે હાથે સલામ કરવા પડે. હાસ્તો, સ્ટાર્સ પંખાઓને લીધે છે. સાઉથમાં જ ફિલ્મસ્ટાર્સના મંદિર બને છે. રજનીકાન્તની લોકપ્રિયતા કરતાં વધારે જો કંઈ વધારે હોય તો એ છે એમના ફેન્સનું ગાંડપણ. આ લોકો ફિલ્મના પોસ્ટર્સને દૂધ ચઢાવે છે. એ પણ ભેંસનું ! 
 
એ હવે ખુબ જાણીતું છે કે અમુક કંપનીઓએ રજનીસરની નવી ફિલ્મ રીલીઝ થઈ એ દિવસે રજા જાહેર કરી હતી. જોકે તામિલનાડુમાં જયારે એક માજી ફિલ્મ એક્ટ્રેસ મુખ્યમંત્રી છે ત્યારે આ દિવસે સરકારી રજા કેમ જાહેર ન કરવામાં આવી તે બાબતે અમને ખુબ આશ્ચર્ય થાય છે. કદાચ આની પાછળ સ્ત્રી સહજ ઈર્ષ્યા કામ કરતી હોય એવું પણ બને. અમને તો લાગે છે કે હવે આ ખાન, કુમાર, અને કાંન્તોની ફિલ્મ રીલીઝ થાય ત્યારે રજા જાહેર કરી બધાને ઘેર ઘેર ટીકીટ વિતરણ કરી એક જ દિવસમાં એમના વકરાનો ટાર્ગેટ પૂરો કરી આપવો જોઈએ અને ઇન્કમટેક્સમાં વિશેષ રજની સેસ નાખી સરકારે રોકડી પણ કરી નાખવી જોઈએ.

રજનીકાંતની ડિક્સનરીમાં ‘ઈમ્પોસીબલ’ શબ્દ સ્પેસ સાથે ‘આઈ એમ પોસીબલ’ એવી રીતે છપાયેલો છે. એક વાયકા એવી છે કે રજનીસર બોલતા શીખ્યા ત્યારે જે કાલીઘેલી વાણી બોલતા હતા એ ઘણા દેશોએ ભાષા તરીકે અપનાવી છે. અમે જયારે ગાઉન પહેરેલા આરબો કે ચૂંચી આંખવાળા ચીનાઓને બોલતા સાંભળીએ છીએ ત્યારે આ વાતમાં દમ હોય એવું લાગે છે. સર જયારે બોલે છે ત્યારે બંને હાથની તર્જની અને મધ્યમા આંગળી ભેગી કરીને લમણા પાસે રાખીને હલાવે છે, જાણે કે into inverted commas માં ન બોલતા હોય એમ!

સૃષ્ટિના સર્જન માટે કારણભૂત બિગબેંગ એ રજનીસરને બાળપણમાં ઉટાંટિયું થયું હતું ત્યારે ખાધેલી ઉધરસ હતી. રજનીસર કાગળની બોટ લઈ ગયા વર્ષે ઘરની બહાર નીકળ્યા એમાં ચેન્નાઈમાં ભારે વરસાદ પડ્યો અને ઠેરઠેર પાણી ભરાયા હતા. રજનીસર ચેન્નાઈના દરિયાકિનારા પાસેથી પસાર થતાં હતા તો સુનામી એમના પગ પખાળવા પહોંચી ગયું હતું. એમના છીંક ખાવાથી બંગાળના અખાતમાં વાવાઝોડા આવવાની ઘટના તો અનેકવાર બની છે. બિગબેંગથી શરુ કર્યા બાદ અત્યારનો સમય રજનીસર માટે અલ્પવિરામ છે અને શાસ્ત્રોમાં જેનું વર્ણન કર્યું છે તે પ્રલય એ પૂર્ણવિરામ છે. હાલમાં એ જે કરી રહ્યા છે એને શાસ્ત્રોમાં લીલા કહે છે. રજનીસર પ્રગટ ઈતિહાસ સ્વરૂપ છે અને એનો અનુભવ શ્રી અમિતાભ બચ્ચનને પણ થયેલો છે. એ ‘ખુશ્બુ ગુજરાતકી’નું શુટિંગ કરવા ગિરનાર ગયા ત્યારે ત્યાં એમણે અશોકના શિલાલેખમાં ‘અમિતભાઈ, રજનીસરને મારી યાદી આપજો’ એવું વાંચ્યું હતું અને બચ્ચન સરે રૂબરૂમાં રજની સરને યાદી પાઠવી હતી એવું છેલ્લાથી ત્રીજા પાને આવતી ફિલ્મી ન્યુઝની બોક્સ આઈટમ સિવાય પણ છપાયું હતું.

તામિલનાડુમાં તો લોકો એવું માને છે કે રજ્નીસરને ચેન્નાઈથી ન્યુયોર્ક જવું હોય તો એ જમીન ઉપરથી ફક્ત સો ફૂટ ઉંચો હવામાં કૂદકો મારીને નિરાંતે ચિરૂટ પેટાવે છે. દરમ્યાનમાં પૃથ્વી અડધું ચક્કર ફરી જાય અને નીચે ન્યુયોર્ક આવે એટલે સર અમેરિકાની ધરતી પર પગ મૂકી બીજું કામ ચિરૂટની રાખ ખંખેરવાનું કરે છે. ઉત્તર ધ્રુવ પર સૌ પહેલાં રોબર્ટ પિયરી પહોંચ્યો કે ફ્રેડરિક કૂક એ બાબતે વિદ્વાનોમાં મતભેદ છે, પણ બન્ને ત્યાં પહોંચ્યા ત્યારે એમણે ત્યાં એક લુંગી-બનિયાનધારી માણસને બીચ ચેર બેસીને ‘પોલર બેર’ને ઈડલી ખવડાવતો જોયો હતો એવું પશ્ચિમી લોકોમાં ચર્ચાય છે! એ માણસ રજનીસર હતા એ બાબતે ભારતીયોમાં કોઈ મતભેદ નથી.

રજનીકાન્તની ફિલ્મો દર વખતે નવા રેકોર્ડ કરે છે. સર પોતાના જ જુના રેકોર્ડ તોડે છે. હવે તો રજનીસરની મુવીને ક્રિટિક રેટ નથી કરતાં, સર રજની પોતે ક્રિટિકને રેટ કરે છે. લોકો ભૂત, પીશાચ, ‘પીકે’ જેવા એલિયન્સ અને કોમ્પ્યુટર વાઈરસને દૂર રાખવા માટે એમની ફિલ્મની ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની ટીકીટ જેમાં ગડી વાળીને નાખી હોય એવા તાવીજો પહેરવાનું ક્યારે ચાલુ કરે છે એ જ જોવાનું રહે છે! એ પછી એમની ફિલ્મની ટીકીટની ભસ્મનો ઉપયોગ પુત્રપ્રાપ્તિ માટે અને અસાધ્ય ગણાતા રોગોની સારવાર માટે કરવા માંડે ત્યારે સાઇકીયાટ્રીમાં ‘રજનીફેઈન સિન્ડ્રોમ’ની સારવાર માટે સંશોધન શરુ કરવાનો સમય થઇ ગયો કહેવાય, આ રીસર્ચ માટેના લાખો ‘સેમ્પલ’ માત્ર સાઉથમાંથી મળી રહેશે.

સોશિયલ મીડિયામાં જયારે જયારે રજનીકાંતની ચર્ચા ચાલતી હોય ત્યારે વચમાં નરેશભાઈ(કનોડિયા)ને લાવવાનો વણલખ્યો રિવાજ છે. નરેશભાઈ ગુજરાતી રજનીકાંત છે. અમુકનો તો એવો દાવો છે કે જે કોઈ ના કરી શકે એ રજનીકાંત કરી શકે છે, અને જે રજનીકાંત ન કરી શકે તે નરેશભાઈ કરી શકે છે. સોશિયલ મીડિયા પર વહેતી વાત મુજબ એક દિવસ વહેલી સવારે રજનીસરના ઘર પાસે પચ્ચીસ લ્હાય બમ્બાઓ ઉભા હતા, કહે છે કે આગલી સાંજે નરેશભાઈએ એમને નડિયાદની ભાખરવડી ચખાડેલી! જોકે સોશિયલમાં તો આવું ધુપ્પલ બહુ ચાલતું હોય છે પણ આવું બન્યું હોય તો નરેશભાઈના પ્રસંશક તરીકે અમને લગીરે નવાઈ ન લાગે કારણ કે અમે ગુજરાતી છીએ. અમને રજનીકાન્તની ફિલ્મ વિષે બે પૈસાની ય ઇન્તેજારી નથી. અમને તો ઈંતજારી છે ‘વટનો કટકો’ તામિલ ભાષામાં બને અને રજનીકાંત ફૂંકથી એમના (નકલી) જુલ્ફા ઉડાડતા ઉડાડતા ‘અલ્યા રાસ્કલીયા ...’ બોલે અને પબ્લિક એમની નવી સ્ટાઈલ પર ફિદા થઇને થીયેટર આગળ લાઈનો લગાડી દે!

મસ્કા ફન
પ્યુન : રજની સર, ટેબલ નીચેથી બહાર નીકળો, નરેશભાઈ ગયા.

1 comment: