Wednesday, October 26, 2016

ઓનલાઈન શોપિંગ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૬-૧૦-૨૦૧૬
 
આપણને ભારતીયોને લાઈન સાથે લેણું છે. મા અને શિક્ષક સિવાય માણસ લાઈનમાં ઉભો રહીને ઘણું શીખે છે. લાઈનમાં માણસ ધીરજના પાઠ ભણે છે. માણસને દુનિયાભરની ફિલોસોફી લાઈનમાં સાંભળવા મળે છે. લાઈનમાં ઉભા રહ્યા બાદ એટલું જરૂર સમજાય છે કે તકદીરમાં લખ્યું હોય એનાથી વધારે અને આગળવાળા કરતાં પહેલાં કશું મળતું નથી. લાઈનમાં વારંવાર તપ્યા પછી ઘૂસ મારવાની પ્રેરણા મળે છે. ભારતીયો અને એમાય ગુજરાતીઓ દુનિયાનાં દરેક ખૂણે જોવા મળે છે કારણ કે એમને ઘૂસ મારવાનું ગળથૂથીમાંથી શીખવા મળે છે. હા, ખરેખર. હોસ્પિટલમાં રસી અપાવવા માટે બાળકને લઇ જાય ત્યાંથી ઘૂસ મારવાની શરૂઆત થાય. એટલે જ ભારતમાં ઓનલાઈન શોપિંગ જ્યારથી શરુ થયું છે ત્યારથી ગુજરાતીઓએ ક્રેડીટકાર્ડ વેચવા માટે આવતાં ફોન કરનાર સાથે વિનયપૂર્વક વાત કરવાનું શરુ કર્યું છે. કારણ કે ઓનલાઈન શોપીંગમાં લાઈનમાં નથી હોતી.

શોપિંગ બેગો લઈને હનીની પાછળ ફરતાં લવ-મેરેજીયા સિદ્ધાર્થ, રોહિત, અક્ષય, કે આશિતનાં ઉતરેલી કઢી જેવા ડાચા જોઇને કોઈ સમદુખિયાને ઓનલાઈન શોપિંગનો આઈડિયા આવ્યો હશે. અથવા તો રતનપોળમાં સિત્યાશી સાડીઓ ખોલાવ્યા પછી ‘આ ડીઝાઇનમાં બીજો કલર બતાવો’, અથવા ‘આ કલરમાં બીજી ડીઝાઈન બતાવો’ જેવા બહાના કરી બીજી દુકાન ભણી આગળ વધતી કોઈ જીગીષા, કિંજલ કે પૂજલના પતિ ભાવેશભાઈ, મુકેશભાઈ, કે ભદ્રેશભાઈ દ્વારા ઓનલાઈન શોપિંગ શોધાયું હશે. જોકે સત્તાવાર રીતે તો ઓનલાઈન શોપિંગની શોધનો યશ, શ્રેય, જય, રાજ, પાર્થ, હર્ષ ઇંગ્લેન્ડના માઈકલ અલ્ડ્રીચને જાય છે. એણે સત્તાવાર રીતે ટીવીનું ઓનલાઈન વેચાણ કર્યું હતું. 

ઓનલાઈનનાં અનેક ફાયદા છે. ઓનલાઈન શોપિંગ કરવા જતાં પાર્કિંગ શોધવાની ઝંઝટમાં ઉતરવું પડતું નથી. બીજું, નડે નહિ એ રીતે પાર્ક કરેલું હોય તો પણ ટોઈંગ સ્કવોડવાળા તમારું વાહન જ લઈ જાય અને તમારી બાજુમાં જ, બીજાને નડે એ રીતે પાર્ક કરેલું વેપારીનું વાહન ન લઈ જાય તેવા ડીસ્ક્રીમીનેશનનો ભોગ બનવું પડતું નથી. ઓનલાઈન શોપીંગમાં તમારે બે બેડશીટનું પેમેન્ટ કરવા માટે આખા મહિનાનું કરિયાણું શોપિંગ કાર્ટમાં ભરીને ઉભેલા લોકો પાછળ લાઈનમાં તોડાવું પડતું નથી. તમે જે વસ્તુઓ ખરીદવા માટે અલગ તારવી હોય એને દુકાનમાં ઘુસેલા માણેકચોકની ગાય જેવા માજી, માસી કે કાકી ઉથલાવીને જોઈ શકતા નથી કે કાનમાં એનો ભાવ પૂછી શકતા નથી. તમારી પત્ની ગુજરાતી દુકાનદાર સાથે હિન્દીમાં ભાવતાલ કરતી હોય ત્યારે તમારે દુકાનદારનો દયામણો ચહેરો જોવો નથી પડતો. ઓનલાઈન શોપિંગ ટ્રીપ દરમિયાન રસ્તા ઉપર ભટકતી ગાયો તમને ઢીંક મારી શકતી નથી, કૂતરા તમને કરડી શકતાં નથી, ખીસકાતરું તમારું ખીસું કાપી શકતાં નથી, અને માલ ન ગમે તો પાછો આપવા જે તે જગ્યા સુધી લાંબા-ટૂંકા થવું પડતું નથી. તમે પસંદ કરેલી વસ્તુનો ભાવ અન્ય ચાર-પાંચ ઓનલાઈન રીટેલર સાથે સરખાવ્યા પછી એને ઓર્ડર કરી શકો છો. ઉપરથી કોર્પોરેટ કલ્ચરમાં રજાના દુકાળ વચ્ચે ઓફિસટાઈમમાં, એસી ઓફિસમાં બેસી, ઓફિસનું ઈન્ટરનેટ વાપરીને જો શોપિંગ થતું હોય તો પછી કોઈ એમ કહે કે દિવાળીમાં માર્કેટમાં ભીડ નથી તે ન જ હોય ને?

ચીનનો માલ આપણે ન ઇચ્છવા છતાં ખરીદીએ છીએ, તેવું જ ઓનલાઈન માલનું છે. ઓનલાઈન શોપિંગમાં બારેમાસ સેલ હોય છે જેમાં બ્રાન્ડેડ માલના થોડા ચકતાં સાથે મુંબઈ, દિલ્હી કે કોલકતા જેવા ટેક્સહેવન પ્રદેશોની ઝુંપડપટ્ટીમાં બનતો માલ ઠલવાતો હોય છે. લગ્નના કિસ્સામાં પહેલા બનતું એમ રૂપાળી છોકરી દેખાડી અને પછી કદરૂપી કન્યા સાથે લગ્ન કરાવી દેવાતા, એમ બ્રાન્ડેડ માલ જોતાંજોતાં, મોબાઈલના સાડા પાંચ ઇંચના સ્ક્રીનમાં, ‘એપ ઓન્લી’ સેલમાં, પ્રેમલગ્નની જેમ ‘ઘરાક’ ઉર્ફે ‘બાયર’ પોતે જાતે જ, અત્યારે અમુક ભાવે મળતી વસ્તુ કેટલા સમયમાં ‘આઉટ ઓફ સ્ટોક’ થઈ જવાની છે એનું ટાઈમબોમ્બની માફક મિનીટ અને સેકન્ડ દેખાડતા કાઉન્ટરને મદ્દે નજર રાખી,વર્ચ્યુઅલ કાર્ટમાં વસ્તુઓ ભરી, ઉતાવળે ચેકઆઉટ કરી નાખે છે.

આમ છતાં પરંપરાગત ઓફલાઈન શોપિંગમાં જે આઝાદી મળે છે તે ઓનલાઈનમાં ગેરહાજર છે. જેમ કે ખરીદી પછી તમે દુકાનદાર પાસે વધારાની પપીયું, સફરજન, કેળું, કેરી બેગ પડાવી શકો છો. આ ઉપરાંત દુકાનવાળા પાસેથી કેલેન્ડર અને સોવેનીયર પણ કઢાવી શકો છો. તમે ઘરાકી કરાવો એ આશાએ દુકાનદાર તમને ચા કે ઠંડુ પીવડાવશે, પણ ઓનલાઈન શોપીંગમાં તો તમારે પાણી પણ ઉભા થઈને ફ્રીઝમાંથી જાતે લેવું પડે છે. ઓનલાઈન શોપીંગમાં ‘ચાલો તમારું ય નહિ ને મારું ય નહિ ...’ એમ કરીને ભાવતાલ કરવા પણ મળતો નથી. ૧૮૦ ડીગ્રી સોલવાળીને દેખાડાતાં પચાસ રૂપિયાના સ્લીપર હોય કે ચાખીને ખરીદાતા બરફીના ટૂકડા, ઓનલાઈનમાં રીઅલટાઈમ શોપિંગ જેવી મઝા નથી. તોયે સસ્તું એ સસ્તું બીજું બધું અમસ્તું, એ દાવે આળસુ પ્રજાની નાડ પારખી ગયેલા નવી પેઢીના આંત્રપ્રિન્યર માત્ર જાહેરાતના ખર્ચો પાડી કરોડોનો માલ વેચી મારે છે.

શૂન્યની શોધ હોય કે વિમાનની ભારત ટેકનોલોજીમાં અગ્રેસર રહ્યું છે. જુના વખતમાં ઋષિમુનીઓ મંત્રના જોરે, જ્યાં બેઠા હોય ત્યાં ધારે તે વસ્તુ હાજર કરી દેતા હતા. આવા અનેક પ્રસંગો આપણે વાંચ્યા છે. આ એક પ્રકારની ઓનલાઈન સર્વિસ જ હતી જે ઋષિ-મુનીઓ પોતાના પુણ્ય અને ભક્તિ વડે પ્રાપ્ત શક્તિ નામના ક્રેડિટકાર્ડ વડે ડીલીવરી કરાવતા હતા. એટલે વિદેશની કંપનીઓ આપણી સદીઓ જૂની ટેકનોલોજીથી આપણને ઓનલાઈન માલ વેચી ભલે શકે, આંજી શકે તેમ નથી એટલું નક્કી છે.

મસ્કાફન

યાદ રાખજો, ઓનલાઈન ખરીદેલા શાકભાજી ઉપર મફતના કોથમીર-મરચા કે કટકો આદુ મળતાં નથી.

No comments:

Post a Comment