Wednesday, August 23, 2017

માણસ માત્ર ભૂખને પાત્ર

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૩-૦૮-૨૦૧૭

૨૯ મે ૧૯૬૪ના રોજ નહેરુજીને શ્રધ્ધાંજલિ આપતા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈજીએ સંસદમાં નહેરુજીના ભય અને ભૂખ વગરના વિશ્વની કલ્પનાને યાદ કરી હતી. માનવજાતને મળેલી પેટની ભેટને કારણે ભૂખ વગરનું ભારત અમને તો આજે ૬૩ વર્ષ પછી પણ શક્ય લાગતું નથી. ભારત તો જવા દો, ભૂખ વગરનું બ્રિટન કે અમેરિકા પણ શક્ય નથી. કારણ કે માણસ માત્ર ભૂખને પાત્ર. કદાચ અટલજીની વાત ભૂખમરા અંગે હશે.પરંતુ બધા એવું માને છે કે પેટને કારણે જ બધા શૂળ ઉભા થાય છે. ચોળીને કે ચોળ્યા વગર. એટલે જ્યાં સુધી પેટ છે ત્યાં સુધી ભૂખ રહેશે.

પેટ નામનો કોથળો કે જેમાં બીજા અવયવો ભર્યા છે, એનું મુખ્ય કામ પાચન ક્રિયા છે. આંખો અને નાક ખાવા લાયક ચીજવસ્તુ નક્કી કરવાનું, હાથ ઉઠાવવાનું, મ્હોં ખાવાનું અને પેટ પાચનનું કામ કરે છે. પરિવારના બધા સભ્યોનું ભરણપોષણ વાલિયાએ લુંટેલા રૂપિયામાંથી થતું હોવા છતાં એના પાપમાં જેમ એ લોકો ભાગીદાર નહોતા; એમ આંખ, હાથ, મ્હોં બધાં ખાવાની ક્રિયામાં ભાગીદાર હોવા છતાં જાણે સઘળું પાપી પેટ માટે થતું હોય એવું માનવામાં આવે છે. જોકે શરીરના મધ્ય ભાગ એટલે કે સેન્ટરમાં હોવાથી પેટને જેટલું મહત્વ મળે છે તેટલું ગામના છેવાડે આવેલા પગની પાની કે અંગુઠાને (અગ્નિદાહ સિવાય) નથી મળતું એ હકીકત છે.

અંગ્રેજીમાં પૅટ એટલે પાલતું પ્રાણી. ગુજરાતીમાં પેટ એ એક શરીરનું અંગ છે. જયારે પેટ પાળવામાં આવે અને એ ફુલાઈને ફાળકો બને ત્યારે એ ફાંદ કહેવાય છે. ફાંદ નિરાકાર નથી. ડુંટીને કેન્દ્ર તરીકે સ્થાપી ફાંદ ચારે બાજુ ગોળીની માફક વિસ્તરે છે. ફાંદ બધા અંગોમાં અગ્રેસર છે, ખાસ કરીને દરવાજામાંથી પસાર થાવ ત્યારે ફાંદ દરવાજાની પેલી બાજુ સૌથી પહેલી પહોંચે છે. ફાંદ હોય એ વધારે ખાય છે કે વધારે ખાતો હોય એને ફાંદ પ્રગટે છે; આ બેમાંથી કયું વિધાન વધુ યોગ્ય ગણાય એ અંગે તર્કશાસ્ત્રમાં મતમતાંતર જોવા મળે છે. પેટનું ઓપરેશન કરવાનું આવે ત્યારે પેટમાં અંદર પહોંચવામાં પડતી તકલીફને લઈને ફાંદવાળા પેશન્ટ પાસે વધારે રૂપિયા લેવા જોઈએ એવું ડોક્ટર લોકો ઓપરેશન થિયેટરમાં બબડતા સાંભળવા મળે છે. આમ છતાં ફાંદ એ સમૃદ્ધિની નિશાની ગણાય છે. લીટરલી. સમૃદ્ધિ સાથે ઘણીવાર ઈગો આવે છે. ફાંદ અને ઈગો ન નડે તો બે જણા આસાનીથી ભેટી શકે છે. 
 
એક સંસ્કૃત સૂત્રમાં કહ્યું છે કે आचारम् कुलमाख्याति, वपुराख्याति भोजनम्. અર્થાત મનુષ્યના આચરણ પરથી એનું કુળ જણાઈ આવે છે તથા તેની દેહયષ્ટિ પરથી તેની ભોજન રૂચી વિશેનો અંદાજ લગાવી શકાય છે. અહિ આચરણવાળી વાત તો સમજી શકાય પણ શરીર પરથી વ્યક્તિની ખોરાક અંગેની પસંદગી અંગે ધારણા કરવા બાબતે થોડું વિચારવું પડે એમ છે. જેમ કે વ્યક્તિ બપ્પી લાહિરી જેવી કદકાઠી ધરાવતી હોય તો દેખીતી રીતે જ એ વ્યક્તિ અચૂક ભોજનપ્રિય હોવાની. પણ સાવ ખેંપટ અને બાલકુંજર એટલે કે મદનિયાની વચ્ચેની કક્ષામાં આવતા જાતકો તમને ભૂલ ખવડાવી શકે છે. એમાં ગદા આકારનું ફિગર ધરાવતા પુરુષો મુખ્ય છે. એમના પગ પાતળા પણ પેટ વિશાળ હોઈને દેખાવે ઉભી મુકેલી ગદા જેવા લાગતા હોય છે. એમને દૂરથી જુઓ તો પાણીની ટાંકી જેવા લાગે અને રંગીન શર્ટ પહેર્યું હોય તો બરફ ગોળા જેવા લાગે. શર્ટ પેન્ટમાં ‘ઇન’ કરવું કે ‘આઉટ’ રાખવું એ એમની મોટી સમસ્યા હોય છે. કારણ કે જો ઇન રાખે તો કોનમાંથી બહાર ઢોળાતા આઈસ્ક્રીમ જેવું પેટ પેન્ટની બહાર દેખાઈ આવે અને જો આઉટ શર્ટ રાખે તો એમના પાતળા પગ અને દૂર ઝૂલતા શર્ટને કારણે ખુલેલી છત્રી જેવા લાગે.

ભોજનની જેમ સુખ અને ફાંદને સીધો સંબંધ હોવાનું જણાઈ આવે છે. જેને અવતરણ ચિન્હોમાં ‘સુખી’ થવું કહે છે એ પરિસ્થિતિ આવે એ પહેલાં ફાંદ કળી અવસ્થામાં હોય છે. સુખ નામનું ખાતર મળ્યા પછીએ ફૂલ ફટાક ફાંદ બને છે. કેરીનો રસ, પૂરી અને ઢોકળાના જમણ પછી પડ્યા પડ્યા ફાંદ ઉપર હાથ ફેરવનારને પોતાની માલિકીના પ્રાઈમ લોકેશન પરના પ્લોટ ઉપર લટાર મારવા સમો આનંદ પ્રાપ્ત થાય છે. કહે છે કે ઈશ્ક ઔર મુશ્ક છૂપાયે નહિ છુપતે. આ ઉક્તિમાં અમે ફાંદનો ઉમેરો કરવા માંગીએ છીએ. મેકઅપથી ખીલને સંતાડી શકાય છે પણ ફાંદને નહિ. આમ એકવાર પેટ ફાંદ બને પછી એને ફરી પેટ બનાવવા માટે અનેક યત્ન કરવા પડે છે, જેમાં જિંદગી પૂરી થઈ જાય છે. એમાં કારણ માત્ર એટલું કે આપણે ત્યાં ડાયેટિંગના કાર્યક્રમો હમેશા આવતીકાલથી શરુ થતા હોય છે.

એવું કહેવાય છે કે પુરુષના હ્રદય સુધી જવાનો રસ્તો એના પેટમાં થઈને જાય છે. તો પછી કાર્ડિયોલોજીસ્ટ લોકો ફીમોરલ આર્ટરીના રસ્તે એન્જીયોગ્રાફી શુ કામ કરતા હશે, એ સમજાતું નથી. સાંકડી શેરીમાં રીક્ષા ફેરવવાની મજા આવતી હશે એમને? બાકી જેણે પણ આ પેટ સુધીના રસ્તાવાળું ક્વોટ આપ્યું છે એણે પાણીપુરીની લારી કે રોડ-સાઈડ પર ભાજીપાઉં દબાવતી સ્ત્રીઓને જોઈ જ નહીં હોય. ખરેખર તો વર્ષોથી સ્ત્રીઓએ રસોડા પર એકહથ્થુ કબજો શા માટે જમાવી રાખ્યો છે એ વાત હજુ પણ લોકોને સમજાઈ નથી. ઉપરથી પુરુષોએ પણ રસોડામાં જવું જોઈએ એવા આંદોલનો ચલાવે છે! અરે, પુરુષોને તો બચારાને કોઈ રસોડામાં ઘુસવા જ દેતું નથી. આખિર પાપી પેટ કા સવાલ હૈ!

મસ્કા ફન જો અડધી રાત્રે ખાવાની જરૂરીયાત જ ન હોય તો પછી ફ્રીજમાં લાઈટ શું કામ મુકતા હશે? છે કોઈ જવાબ?

No comments:

Post a Comment