Wednesday, February 07, 2018

તમને બજેટની ભાષા સમજાય છે ?




કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૭-૦૨-૨૦૧૮

બ્રહ્માંડમાં અનેક ઘટનાઓ બને છે જેનો તાગ આપણે મેળવી શકતા નથી. બ્લેક હોલ અને બર્મુડા ટ્રાયેન્ગલના તો રહસ્યો હજુ પણ સમજી શકાય એવા છે, પણ હેરકટિંગ સલુનમાં ગળા પર કપડું બાંધે એટલે નાક પર ખણ આવવાની કેમ શરૂઆત થતી હશે તે હજુ સમજી શકાયું નથી, અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ આ અંગે કોઈ સંશોધન થયું હોય એવું અમારા ધ્યાનમાં નથી. કૂતરું ભસતું ભસતું આપણા વાહન પાછળ દોડતું હોય ત્યારે આપણે એકદમ વાહન થોભાવી દઈએ પછી કૂતરું કન્ફયુઝ થઈને ઉભુ કેમ રહી જાય છે એ પણ સમજાતું નથી. કૂતરાની જગ્યાએ અમે હોઈએ તો કો’કની પાછળ આટલું પેટ્રોલ બાળ્યા પછી બસો-પાંચસો ગ્રામનું લોતીયું લીધા વિના ન છોડીએ. ખેર, એ તો લખચોરાશીના ફેરામાં ક્યારેક કુતરાનો અવતાર લેશું ત્યારે આ જ કોલમમાં આપને જણાવી દઈશું; પણ સંસદમાં જે ભાષામાં બજેટ રજુ થાય છે એ ભાષા આ જનમમાં કોઈ સમજાવશે તો અમો તેઓશ્રીને કટિંગ ચાનું વાઉચર આપવા તૈયાર છીએ. મારા બેટા કોમર્સમાં સાડી એકાવન ટકા લાવ્યા હોય પણ ન્યુઝ ચેનલ પર બેઠા બેઠા બજેટની ચર્ચા કરતા હોય પાછા! 

Image Source: livemint.com
ચાર્ટડ એકાઉન્ટન્ટ માટે ભલે આ રોજનું થયું, પણ અમારા જેવા એન્જીનીયરોને આ ભાષા જલ્દી સમજાતી નથી. સૌ પહેલાં તો ઇન્કમટેક્ષની ચર્ચામાં ‘સ્લેબ’ શબ્દ આવે એટલે ઇન્કમટેક્સ ઓફિસનું ધાબુ ભરાતું હોય એવું ચિત્ર અમારા મગજમાં ઉભું થાય છે. કારણ કે અમે રહ્યા સિવિલ એન્જીનીયરો એટલે અમારા માટે સ્લેબ એટલે ધાબુ! અમે ‘ખાદ્ય’ એટલે કે ‘ખાવા’ લાયક ચીજોમાં સમજીએ, પણ ‘ખાધ’ અમને સમજાતી નથી. અંદાજપત્રમાં ‘સીધા’ વેરા આવે. જો સીધા વેરા નોકરિયાતો પર લાગે તો વાંકા લોકો પર કયા વેરા લાગે એ અમારી સમજની બહાર છે. એમાય ‘કર’ અને ‘વેરા’ એ બે શબ્દ સાથે વપરાય એટલે અમને તો એ બમણો માર પડતો હોય એવું લાગે છે. પોળના ક્રિકેટમાં બોલર બહુ ઉગ્રતાથી અપીલ કરે તો અમ્પાયર ‘આઉટ, લે બસ?’ કહે તે સમજાય, પણ ‘સેન્ટ્રલ પ્લાન આઉટ લે’ સમજાતું નથી. બાકી તમે સિટીના સેન્ટરમાં મોકાનો પ્લોટ બતાવો તો ‘પ્લાન’ તો અમે ઘડીના છઠ્ઠા ભાગમાં બનાવી નાખીએ. અલબત્ત ફી લઈને. 

રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે એવું બજેટના બીજા દિવસે છાપામાં વાંચવા મળે. રૂપિયો એટલે તો અમને પેલો એક રૂપિયાનો સિક્કો દેખાય છે જે ભિખારીને આપો તો એ મોઢું મચકોડીને ભીખ માંગવાનું ચાલુ રાખે છે. રૂપિયો એટલે કરોડો રૂપિયાનું ભંડોળ એવું ફોડ પાડીને કહેવામાં આવે એ જરૂરી છે. અમને તો શક છે કે આપણા નાણામંત્રીઓને રૂપિયો ક્યાંથી આવે છે કે આવી શકે છે એની તો ખબર હોય છે, પણ રૂપિયો ક્યાં જાય છે એનું જરા પણ જ્ઞાન હોતું નથી; નહિ તો નવા કરવેરા નાખવાનો વારો કેમ આવે? અમારું તો નમ્ર સૂચન છે કે રૂપિયા પર આર.એફ.આઈ.ડી. ટેગ લગાડો એટલે એ ક્યાં ક્યાં જાય છે એ ખબર પડી જશે! કેમ, ૨૦૦૦ની નવી નોટ આવી ત્યારે એવી અફવા નહોતી ઉડી કે એમાં ચીપ છે અને કોને ત્યાં કેટલા બંડલ છે એની રીઝર્વ બેંકને માહિતી જશે? બાકી કેશલેસ ઇકોનોમીમાં રૂપિયા બેંકમાંથી આવે અને બેંકમાં જાય એ સિવાય શું હોય? વળી એક અમદાવાદી તરીકે રૂપિયો જ્યાંથી આવે ત્યાંથી આવે, પણ જાય અમારા ખાતામાં અથવા ગજવામાં, એમાં વધારે રસ છે.

બજેટના બીજા દિવસના છાપામાં અમને તો શું મોંઘુ થશે અને ખાસ તો શું સસ્તું થશે તે જાણવા અને વાંચવામાં રસ રહેતો. એમાં અમુક છાપેલા કાટલાં જેવી આઈટમોના ભાવમાં તો વધારો જ થતો જોયો છે. ભલું થજો જી.એસ.ટી.નું કે બજેટ રજુ થાય એ પહેલાં જ સસ્તા-મોંઘાનો ખેલ પતી ગયો. આના લીધે અખબારોમાં ‘ગરીબોની રેવડી મોંઘી થઇ’, ‘મધ્યમ વર્ગનું ઘરના ઘરનું સપનું રોળાયું’ કે પછી ‘ગરીબો વધુ ગરીબ થશે’ એવા મથાળા બાંધીને સરકાર પર પસ્તાળ પાડવાની આખી મઝા બગડી ગઈ. બજેટના દિવસે શું શું મોંઘુ થશેની અને શું સસ્તું થશે એની ઉગ્ર ચર્ચાઓ કરવાના શોખીનો આ વખતે કોઈ નજીકનું સગું ગુજરી ગયું હોય એવો ખાલીપો અનુભવતા હતા. અત્યારે અમને વિચાર એ આવે છે હાળું ઇન્કમટેક્સના ‘સ્લેબ’માં વધારા સિવાય આપણા માટે જાણવા જેવું કશું નહોતું તો જેટલી સાહેબ ૧૦૫ મીનીટની બજેટ સ્પીચમાં બોલ્યા શું? આ વખતે પાછું બજેટ સ્પીચમાં શેર-શાયરીની પરમ્પરા ચૂકીને જેટલી સાહેબની ઉધરસો સાંભળવા મળી. એ રીતે આ બજેટ પાથ બ્રેકીંગ ચોક્કસ કહી શકાય!

ઇંગ્લિશ ન્યુઝ ચેનલો ઉપર સુટેડ-બૂટેડ ચશ્મીસ્ટ બજેટ એનાલીસ્ટસ પ્રસ્તુત બજેટની જોગવાઈઓથી ગરીબો અને ખેડૂતોને કેટલો ફાયદો થશે એની ચર્ચા ઇંગ્લિશમાં કરતા હોય છે. પણ આપણે ત્યાં ‘ઇંગ્લિશ’ પીધા પછી બોલતાં ઈંગ્લીશ સિવાય ગરીબ અને મધ્યમ વર્ગમાં ઈંગ્લીશનું ખાસ ચલણ નથી. બીજી તરફ ઘણાને સરકારે બજેટમાં શું આપ્યું છે એ જાણવા ઉપરાંત એમની પાસે રહ્યું સહ્યું જે કંઈ છે એ પણ સરકાર લઇ તો નહિ લે ને? એ જાણવામાં વધુ રસ હોય છે. આ જ કારણથી આ વખતે બજેટ સ્પીચ દરમ્યાન સ્માર્ટફોનમાં બજેટ જોતા ભિખારીઓએ એમના વાટકા પણ ઢીંચણ નીચે દબાવી દીધા હતા. અમુકે તો લાકડી સુદ્ધા હાથવગી રાખી હતી.

મસ્કા ફન
પત્ની તમને ફિટ કરી દીધા હોય તો પણ તમારે ફિટનેસ માટે કસરત-ડાયેટિંગ ચાલુ રાખવું.

No comments:

Post a Comment