Monday, November 28, 2011

બેબી બચ્ચનની ગ્રહદશા

| સંદેશ  | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૦-૧૧-૨૦૧૧ | અધીર અમદાવાદી | 


બચ્ચન બેબીનો જન્મ મિથુન રાશિમાં થયો છે. મિથુન રાશિમાં ક, છ અને ઘ અક્ષર પર નામ પડે પણ અભિષેકે એનું નામ ‘અ’ પરથી પાડવાનું નક્કી કર્યું છે અને નામ માટે સજેશન્સ પણ મગાવ્યાં છે. બાકી નામ જો રાશિ પ્રમાણે પાડવામાં આવ્યું હોત તો એ ચોક્કસ એક સ્પોટ ફિક્સિંગ હોત. ‘ક’ નામથી શરૂ થતી એકતા કપૂરની સિરીયલો અને રાકેશ રોશન ને કરણ જોહરની ફિલ્મો પણ હિટ જાય છે. અત્યારની ટોપ હિરોઇનોમાં કેટરિના અને કરિનાનાં નામ ‘ક’થી શરૂ થાય છે. વીતેલા જમાનામાં ‘ક’થી કાજોલ અને કરિશ્મા પણ સફળ હતી. અને ‘ક’થી બચ્ચન દાદાની ‘કૌન બનેગા કરોડપતિ’ તો ભુલાય જ કઈ રીતે?

બાલિકાનો જન્મ ધન લગ્ન અને મિથુનના ચંદ્ર સાથે થયો છે. અધીરાચાર્યની આગાહી મુજબ આ કન્યા ધનકુબેર અને ઐશ્વર્યમાં આળોટશે, એટલું જ નહી ઐશ્વર્યાના ખોળામાં પણ આળોટશે. આ બાળકીની કુંડળીમાં અમુક ગ્રહો માતૃગૃહી હોવાથી એની દાદી કરતાં રૂપાળી થશે. જો બેબી ખાઈ-પીને તગડી નહીં થાય તો એ મિસ વર્લ્ડ થાય તેવા યોગ પણ દેહભુવન પર ચંદ્રની નજરને કારણે ઊભા થાય છે. જોકે, આ ચંદ્રની નજર મંગળ સુધી પહોંચતી ન હોવાને કારણે ‘મિસ માર્સ’ બને તેવી શક્યતા નથી. ગુરુઓ ઉપર સામાન્યતઃ ફિલ્મસ્ટાર્સનાં સંતાનોની દૃષ્ટિ બરોબર પડતી નહીં હોવાને કારણે આ જાતકના ભણવાના યોગ હિન્દી અને અંગ્રેજી ભાષા સુધી સીમિત રહે તેવી વકી છે.

ઉપર આકાશમાં ત્રણ ગ્રહ શુક્ર, બુધ અને રાહુની અને ઘરમાં ચાર સ્ટાર્સની યુતિ થવાથી કન્યા ફિલ્મસ્ટાર બને તેવી શક્યતાઓ પ્રબળ છે. ઘરમાં લાઇટ ચાલુ હોવાથી બાળકી વિવિધ પોઝ આપે અને ટીવી પર એક્શન શબ્દ સાંભળે તો બોલવાનું શરૂ કરી દે તેવી સંભાવના પણ છે. કન્યા ચૌદ વર્ષની થાય એ પછી સૂર્ય અને ચંદ્ર સ્થાનભ્રષ્ટ ન થાય ત્યાં સુધી કન્યા મેકઅપ વગર ફરે તેવા યોગ નથી. હોસ્પિટલમાં કન્યાને નવડાવતી આયાના જણાવ્યા મુજબ બેબીના પગમાં મજબૂત વાહન યોગ પણ છે એટલે બેસ્ટ બસમાં કે સબર્બન ટ્રેઇનમાં શૂટિંગ સિવાય ફરે તેવા યોગ નથી. આ ઉપરાંત પગમાં રેખાઓ ત્રિશૂલ, તલવાર જેવા ગણ્યા ગણાય નહીં તેટલા વિવિધ આકારો રચતી હોવાથી કન્યા વિદેશ પ્રવાસ કરે તેવા યોગ પણ અચૂક જણાય છે.

કન્યાના જન્મ સમયે ત્રણ ગ્રહોની યુતિને કારણે જ તે વૈભવી જિંદગી પામશે એટલું જ નહીં તેની જિંદગીનો શરૂઆતનો સમય એ જલસામાં જ કાઢશે! મંગળ જે સ્થાને છે તે સ્થાને હોવાને લીધે અને બુધ જે સ્થાને નથી, એ સ્થાને એની ગેરહાજરી હોવાને કારણે તેમજ આયા અવારનવાર ખાડા પાડશે એ કારણે કન્યાનાં ડાયપર્સ મિસ વર્લ્ડ બદલશે એવા યોગ જણાય છે. જોકે આ કન્યાના જન્મ પછી ગ્રહો ઠરીને પોતાના સ્થાને સ્થિર બેસી ન રહેવાને કારણે એ દાદા માટે પરિવર્તનયોગ લાવશે. મૂડી કરતાં હંમેશાં વ્યાજ વહાલું હોવાથી બચ્ચન દાદા બેબીને વારેઘડીએ પપીઓ કરશે તેવું આ લખનાર ખાતરી સાથે કહે છે. પણ વક્રીના અમુક ગ્રહોને કારણે માતા એશ દાદા અમિતાભ માટે ‘જુઓને બેબીને બચીઓ ભરે ત્યારે કેવી દાઢી વગાડે છે’ એવી ફરિયાદ અભિષેકને કરશે તો દાદાને દાઢી મુંડાવી પડે તેવા યોગ પણ જણાય છે. પિતા અભિષેક માટે પણ બેબી હાફ શેવમાંથી ક્લીન શેવ થવાના યોગ લઈને આવી છે.

અભિષેક અને અમિતાભના દેખાવ આમ ફરી જતાં બેઉની અગાઉની જાહેરાતોને ફરી શુટ કરવી પડે તેવા યોગ સર્જાય છે. જન્મ સમયના ગ્રહોની દૃષ્ટિ બેબીનાં મોમ-ડેડ ઉપરાંત દાદા ઉપર પણ પડતી હોવાથી આ કન્યાના જન્મ પછી દાદાની જાહેરાતની કમાણીમાં એકંદરે સત્તાવીશ ટકાનો વધારો થાય તેમ જણાય છે. શરૂઆતના તબક્કમાં બેબી સોપ, બેબી શેમ્પૂ, બેબી ફૂડ, ડાયપર્સની જાહેરાતો વધુ લાભ કરાવે તેવા યોગ છે. આ પછી સાઇકલ, માથામાં નાખવાનું તેલ, કાંસકા વગેરે જેવી વિવિધ ઘરવપરાશની ચીજવસ્તુઓની જાહેરાત મળે તેવા યોગ અમુક ગ્રહો સ્વગૃહી હોવાથી થાય છે. બેબી જ્યારે ત્રીજા ધોરણમાં પાસ થશે ત્યારે ઘેલા દાદા ચોકલેટની જાહેરાતમાં ‘બેબી પાસ હો ગઈ’ કહી દોડતા જોવા મળે તેવી પણ વકી છે.

આમ, બચ્ચન બેબી દોમદોમ સાહ્યબીમાં તો ઉછરશે જ પણ મા-બાપ, દાદા-દાદી સહિત સમગ્ર દેશને ધંધે પણ લગાડી દેશે.

Thursday, November 24, 2011

લોહા લોહે કો કાટતા હૈ


મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૦-૧૧-૨૦૧૧ |અધીર અમદાવાદી |
એવું કહેવાય છે કે લાંચ લેતાં પકડાવ તો લાંચ આપીને છૂટી જાવ. દારૂડિયો દારૂને પીવે છે અને દારુ દારૂડિયાને પુરો કરી નાખે છે. આંદોલન સામે પ્રતિ આંદોલન થાય છે. નકલી એન્કાઉન્ટર કેસમાં જે જેલમાં હવા (અને સાબરમતી જેલમાં તો ટેસ્ટી ભજિયાં પણ!) ખાય છે એ પોલીસ અધિકારીઓને નકલી સીબીઆઈ બનેલા ઠગ લુંટે છે. એક પાર્ટી વાળો પૂતળાને હાર ચડાવે તો બીજી પાર્ટી એ પૂતળાને નવડાવે છે. નરેન્દ્ર મોદીનાં ઉપવાસ સામે કોંગ્રેસ ઉપવાસ કરે છે. અને છેલ્લે અડવાણીજીની ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ જનચેતના રથયાત્રાના કવરેજ માટે ભ્રષ્ટાચાર થાય છે. આ બધું આજકાલનો ટ્રેન્ડ છે. અને એમાં ખોટું શું છે? ભ્રષ્ટાચારનો સામનો તો ભ્રષ્ટાચારથી જ થાય ને? અરે, સંસ્કૃતમાં પણ शठं प्रति शाठ्यम् કહ્યું છે. અને તમે શોલે તો જોયું  જ હશે. એમાં સલીમ-જાવેદ લિખિત ઠાકુર બલદેવ સિંહના મોઢે મુકાયેલો પેલો પ્રખ્યાત ડાયલોગ ‘લોહા લોહે કો કાટતા હૈ’ યાદ છે કે નહિ? ઠાકુર ગબ્બરને પકડવા જય-વીરુ જેવા અઠંગ બદમાશોનો જ સહારો લે છે ને? અરે, તો પછી? આ મનમોહન-યુગમાં જીવવું હોય તો દોસ્ત એક જ મંત્ર છે. શીખી લો. એ છે, લોહા લોહે કો કાટતા હૈ.

તમારી પત્ની એની મમ્મીને તમારી સામે હથિયાર તરીકે વાપરે છે? વારે તહેવારે તમારી ઉપર તમારી સાસુને એ છુટ્ટી મૂકી દે છે? એનાં વાગ્બાણ છૂટે એટલે તમારી બોલતી બંધ થઈ જાય છે? તો ગભરાશો નહિ, તમે સસરાને ઢાલ તરીકે ઉપયોગ કરો, એ ૩૦ વરસનો જુનો અનુભવી છે. એ તમારી સાસુને પોતાનાં અનુભવથી પહોંચી વળશે. સસરા સાથે ખાવા અને ખાસ કરીને પીવાનાં સબંધ કેળવો. એ તમને તમારી જાલિમ સાસુને પહોંચી વળવા કાનમાં રૂ નાખવાથી માંડીને બહાર ખરીદી કરવાના સોંપાયેલા કામમાં કઈ રીતે છબરડા કરવાં તે અંગે અવનવા નુસખા બતાવશે. અને સૌથી વધુ તો ફાયદો તમને એ થશે કે એનાં દુ:ખ સાંભળીને તમારું પોતાનું દુ:ખ હળવું લાગવા માંડશે.

અને તમારા ઘરમાં ચોરી થઈ ગઈ ? ભલા માણસ મૂંઝાવ છો શું કરવા? લોહા લોહે કો કાટતા હૈ, એ ભૂલી ગયા? ચોરીનો માલ પાછો મેળવવો છે તમારે? બસ તો પછી શોલેવાળી કરો. એટલે એ પાછો મેળવવા બીજાં ચોરને શોધવા નહિ જવાનું. એનાં બદલે પોલીસને જ રોકવાની! વાત તો એક જ થઈ ને! એમને બધી જાણકારી હોય જ. કોણ, ક્યાં અને ક્યારે ચોરી કરશે. આ તો શું છે કે જો પોલીસ બધાં કેસ સોલ્વ કરે તો પબ્લિક નિશ્ચિંત થઈને સુઈ જાય. એમ વિચારીને કે આજે ભલે લઇ જાય, કાલે પોલીસ પાછી લાવી આપશે. પણ તમે એમનાં માટે કોઈ પ્રોત્સાહક યોજના જાહેર કરો તો ચોક્કસ ચોરીની મત્તા પાછી આવી જાય. સત્યમેવ જયતે.

શું તમારે ધંધો કરવાં કેપિટલની જરૂર છે? જમીન જોઈએ છે? બેન્ક લોન આપવામાં ગલ્લા તલ્લા કરે છે? સરકારના વિવિધ ખાતાઓ પ્રોજેક્ટ મંજુર કરવામાં ઠાગાઠૈયા કરે છે? ચાલો લોહા-લોહે વાળી કરીએ. તમે એક કામ કરો. એક સરસ સુટ-બુટ પહેરેલો, ડાઈ કરેલાં વાળવાળો અને ચૌદ હજાર રૂપિયાનાં  ચશ્માં પહેરતો કન્સલ્ટન્ટ રોકી લો. એની પાસે એક સરસ મઝાનો પ્રોજેક્ટ રીપોર્ટ બનાવો. આ રીપોર્ટ યોગ્ય સમયે રજૂ કરી સરકાર સાથે એમઓયુ કરી નાખો. પ્રોજેક્ટની સાઈઝ પ્રમાણે મુખ્યમંત્રીથી માંડીને મેયર સુધીની કોઈ વ્યક્તિ સાથે એમઓયુ કરતાં ફોટા પડાવો. જે પ્રોજેક્ટ એક વાર ઠેર ઠેર રિજેક્ટ થતો હતો, તે હવે વાઈબ્રન્ટ બની જશે. તમને સસ્તા ભાવે જમીન મળશે. લોન પણ મળશે. અને સૌથી મોટું કામ તો એ થશે કે તમારી દસ બાય દસની બફારો મારતી ઓફિસમાં લગાવવા માટે એક સરસ ફોટો પણ મળશે!

અને તમને ખુબ ગુસ્સો આવે છે કે સુશ્રી. માયાવતીજી પોતાના જ પુતળા માટે એક્સ્ક્લ્યુઝિવ પાર્ક બનાવે છે? અને આ પાર્કમાં ખડા કરાયેલા હાથીના પૂતળાં પંજાથી રોકાતા નથી કે કમળને કચડી નાખે છે? એનો પણ ઉપાય છે. તમે એ પાર્કમાં ૧૦૧ કૂતરાં છુટ્ટા મુકો. હા, પ્રાણી સામે પ્રાણી, હાથી સામે કૂતરાં. પછી છો એ લોકો એમ કહેતા કે કૂતરાં ભસે તેથી હાથીને શું ફેર પડે? બહુ ફેર પડશે. હાથીનાં પગ તો આમેય થાંભલા જેવા હોય છે. જુઓ પછી કૂતરાં એનો કેવો ઉપયોગ કરે છે. અરે, મુખ્યમંત્રીના પૂતળાને પણ એ નહિ છોડે. અને આ ઉપરાંત તમે આ પાર્કમાં શાંતિ અને ગંદકીના દૂત એવાં કબૂતરોને ઉછેરી શકો છો. રોજ પાર્કમાં જઈ દાણા નાખો. પછી જુઓ. કબૂતરોની વસ્તી પૂતળાંને કાળામાંથી કેવા સફેદ બનાવે છે!

પણ કોકવાર જુઠ્ઠું બોલીને છોકરાં છોકરીનો સંબંધ થાય ને લગ્ન સંપન્ન થયાં હોય એમાં છોકરાનો બાપ કહે કે ‘જગ જીતે બેટે કાણીયે’. ત્યાં છોકરીનો બાપ ‘બીબી પાંવ સે ચાલે તબ દેખીયો’ કહી હિસાબ સરભર કરે એવું બને. ઘણી વખતે એવું પણ થાય કે માણસ પ્રકૃતિ પ્રમાણે ઇન્કમટેક્સની ચોરી કરે અને એની પત્ની છોકરાવ શોપિંગ કરી એ ધનને પાછુ બજારમાં ફરતું કરી દે, જેમાંથી અમુક ટેક્સ રૂપે સરકાર પાસે પાછું જાય. અને ફિલ્મ સ્ટાર્સ ફિલ્મની ખોટી સફળતાનાં આંકડા રૂપિયા ખર્ચી પ્રસિદ્ધ કરાવે તો અન્ડરવર્લ્ડના ભાઈ લોગ એ આંકડાનાં આધારે ખંડણી વસુલ કરે. આ લોહા લોહે કો કાટતા હૈ એ તો ઠીક પણ કુદરતનો ન્યાય થોડો ભૂલી જવાય છે? ■