Saturday, September 08, 2012

હવે સ્વેચ્છાએ કવિતા કરવાનો કોઈને અધિકાર નથી

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૨-૦૯-૨૦૧૨ | અધીર અમદાવાદી |   

વસ્તી, મોંઘવારી અને ગુનાખોરીની જેમ કવિતાખોરી પણ દિવસે દિવસે વધતી જાય છે. ફેસબુક પર તો નવોદિત કવિઓ જુનાં કવિઓ જેટલો જ ત્રાસ ફેલાવી રહ્યાં છે. આ સઘળા કવિ, અકવિ, અને અર્ધકવિઓનાં ત્રાસથી જનતા ગળે આવી ચૂકી છે એ જોતાં એવું મનાય છે કે કોંગ્રેસ અગામી ચુંટણીમાં ઘર અને પ્લોટ મફત આપવાની યોજના પડતી મૂકી કવિઓનાં ત્રાસથી રક્ષણ આપવાની કાયદાકીય જોગવાઈ કરવાનું વચન અને એ અંગે યોજના ટૂંક સમયમાં જાહેર કરે તેવી સંભાવના છે. ગાંધીજીને વાતવાતમાં વચ્ચે લાવનારાં, આ લાઈસન્સ બાબતે ગાંધીજીએ જોડણી માટે જે કહ્યું હતું હવે સ્વેચ્છાએ જોડણી કરવાનો કોઈને અધિકાર નથી, એ રાહ પર ‘હવે સ્વેચ્છાએ કવિતા કરવાનો કોઈને અધિકાર નથી’ એ ટેગ-લાઈન સાથે આ લાઈસન્સપ્રથા પ્રસ્તાવિત કરી રહ્યા છે. થોડુંક સંશોધન કરતાં વિપક્ષનાં એક નેતાની કચરાપેટીમાંથી અમને એક કાચો મુસદ્દો મળ્યો, જે નીચે મુજબ છે.
--


આ કાયદા અંતર્ગત હવેથી દરેક કવિતા કરનાર કવિએ નીચેની શરતોને આધીન રહીને સરકાર પાસેથી માન્ય કવિ હોવાનું લાઈસન્સ મેળવવાનું રહેશે. આ લાઈસન્સધારી કવિ જ કવિતા લખી શકશે, અને એ સિવાય કવિતા કરનાર લોકો પર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨, ૩૦૭, ૧૨૦(બી), ૪૬૭, ૪૬૮, ૪૨૦ વગેરે અંતર્ગત કામ ચલાવવામાં આવશે.  

1.       આ લાઇસન્સનો મુખ્ય હેતુ ગુજરાતની છ કરોડ જનતાના માનસિક આરોગ્યની જાળવણી છે.
2.       કવિતા વાંચ્યા પછી કોઈ ભાવક માનસિક સંતુલન ખોઈ બેસશે તો સારવારનો તમામ ખર્ચ કવિએ ભોગવવાનો રહેશે.
3.       આ લાઈસન્સ મેળવનાર વ્યક્તિ માત્ર કવિતા લખી અને વાંચી શકશે, ગાઈને કવિતા સંભળાવવાની છૂટ કોઈ પણ સંજોગોમાં આપવામાં આવશે નહિ. એકની એક પંક્તિ બે વાર વાંચવાની છૂટ પણ આપવામાં નહિ આવે.
4.       લાઈસન્સધારી કવિ માત્ર ૧૪ લીટી લાંબી કવિતા જ લખી શકશે. લાંબી કવિતા બે કે વધુ ભાગમાં વહેંચી શકાશે નહિ, છતાં કવિ લખવાના આવેગને રોકી ન શકે તો બાકીનો ભાગ તાત્કાલિક કચરાપેટીમાં નાખવાનો રહેશે.
5.       લાઈસન્સ ઇચ્છુક કવિની પાસપોર્ટ મેળવવાની રાહે પોલીસ તપાસ કરવામાં આવશે. જે કવિની કવિતાથી પ્રેરાઈને કોઈએ આપઘાત ન કર્યો હોય કે જેમની કવિતા સાંભળી લોકોએ હિંસક પ્રતિભાવ ન આપ્યા હોય એવા કવિઓની અરજી પર જ વિચારણા કરવામાં આવશે.
6.       લાઈસન્સધારી કવિએ ચોવીસ કલાક લાઈસન્સ સાથે રાખવાનું રહેશે.  
7.       આ લાઈસન્સ ધારા હેઠળ ઉગતા કવિઓને મળતી સહાયની કોઇપણ પ્રકારની જોગવાઈઓ અને યોજનાઓ તાત્કાલિક અસરથી કેન્સલ કરવામાં આવે છે.
8.       જાહેરસ્થળો જેવા કે ટ્રેન અને સ્ટેશન, બસ અને બસ-સ્ટેન્ડ, જાહેર બગીચા, જાહેર મેદાનોમાં કવિતાપઠન નહિ કરી શકાય.
9.       આ લાઈસન્સની મુદત છ મહિના રહેશે, એ પછી શરતોને આધીન રહીને રીન્યુ કરાવવાનું રહેશે. .
10.   જેની પાસે બંદુકનું લાઈસન્સ હશે એને કવિતાનું લાઇસન્સ મળી શકશે નહિ. આ કાયદો ઓન-ડ્યુટી  પોલીસને પણ લાગુ પડશે. આ શરતનો મુખ્ય હેતુ હથિયારધારી લોકો બળજબરી પૂર્વક કવિતા-પઠન ન કરી શકે તે જ છે.
11.   પોલીસ કમિશ્નરની પરવાનગી વગર ઇન-ડોર કે આઉટ-ડોર કોઈ પણ પ્રકારના કવિ સંમેલન હવે કરી શકશે નહિ. પરવાનગી વગરના સંમેલનો યોજવા પર કલમ ૧૪૪ લાગુ પાડવામાં આવશે.
12.   ભાવકની ઈચ્છા વિરુદ્ધ કવિતા સંભળાવવા બદલ IPCકલમ ૩૭૬ હેઠળ કામ ચલાવવામાં આવશે.
13.   જેમાં ટહુકો, આંખ, પાનખર, વાંસળી, શમણાં અને મોરપિચ્છ શબ્દ આવતા હોય તેવી તમામ કવિતાઓ રદ કરવામાં આવશે. 
14.   પુસ્તક છપાવવા કાગળનો વપરાશ થાય છે. આથી આ કાયદાની જોગવાઈ અંતર્ગત કવિતાનું પુસ્તક છપાવવા માટે જંગલ ખાતાની એન.ઓ.સી. ફરજીયાત પણે મેળવવાની રહેશે.
15.   દિવસના કોઈપણ સમયે જાહેર કવિતા પઠન માટે જે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર પાસેથી પરવાનો લેવાનો રહેશે, તથા કવિએ ધ્વની પ્રદુષણ માટે પીયુસી સાથે રાખવાનું રહેશે.
16.   મદીરા-શરાબના વિષય પર કવિતાઓ લખવા માટે ડોક્ટર, પોલીસ ઉપરાંત રાજ્યના નશાબંધી અને આબકારી ખાતા પાસેથી પરવાનો લેવાનો રહેશે.
17.   પ્રિયતમાની આંખનાં નશામા ચકચૂર કવિઓ સામે નશાબંધી ધારા હેઠળ કામ ચલાવવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારને આપવાનું ઠરાવવામાં આવે છે.
18.   ભાવક આર.ટી.આઈ. એક્ટ હેઠળ કવિતાના અર્થ વિષે પૂછપરછ કરે તેવા કિસ્સામાં કવિએ અરજકર્તાને કમિટી રૂબરૂ ખુલાસો કરવાનો રહેશે. ખુલાસાથી ભાવકને સંતોષ ન થાય તેવા કિસ્સામાં કવિતા રદ થવાને પાત્ર ઠરશે.    

ડ-બકા
ગુલાબના વરસતા હો ગુલાબી ફોરાં બકા,
ને તોયે આપણે બેઉ કેમ સાવ કોરાં બકા?

Wednesday, September 05, 2012

યુવાનોની સમસ્યા



|અભિયાન | અધીર અમદાવાદી |૦૭-૦૫-૨૦૧૧ | હાસ્યમેવ જયતે |

હમણા એક ગુજરાતી અખબારના બિલ્ડીંગ પાસેથી પસાર થતો હતો ત્યાં એક કાગળોનું બંડલ પડેલું જડ્યું. અમને તો આમેય નાની નાની વાતોમાં કુતુહલ બહુ થાય છે. મુકેશભાઈએ નીતાબેનને યોટ ભેટમાં આપ્યું ત્યારે અમને કુતુહલ થયું’તુ કે નીતાબેનના રીએક્શન કેવા હશે ? એમણે ‘આના કરતાં તો એરક્રાફ્ટ આપ્યું હોત તો સારું થાત’ કે પછી ‘આમાં કિચન નાનું છે’ એવું કાઇ કીધું હશે ખરું ? એટલે જ અમે એ કાગળોનું બંડલ અમારા ઘેર લઇ આવ્યા હતાં. પછી ખબર પડી કે આતો સામજિક અને અંગત સમસ્યાઓના ઉકેલ માટે છાપામાં વિદ્વાન પત્ર દ્વારા પૂછાતા પ્રશ્નો છે. લોકોની સમસ્યાનાં જગતના મહાન તત્વચિંતકો દ્વારા જવાબ આપાય, અને અમારા જેવા રસથી એ પ્રશ્નો વાંચે. હા પ્રશ્નો જ, જવાબ કોણ વાંચે છે ? પણ અમને થયું કે આ પત્રો હવે અખબાર સુધી તો પહોંચવાના નથી તો લાવો હું જ જવાબ આપું. તો આવા બે પત્રો અને અમારા જવાબ અહિ મુકું છું. પત્ર લખનારની ઓળખ છતી ન થાય તે માટે નામ બદલ્યા છે તે સુજ્ઞ વાચકોની જાણ સારું.


પહેલો પત્ર

સર,
હું કોલેજમાં અભ્યાસ કરતી એક સ્વરૂપવાન યુવતી છું. સ્વરૂપવાન એટલે એકદમ ગોરી નહિ, પરંતુ ઘાટીલી ખરી. મારી કોલેજમાં હું લોબીમાંથી પસાર થતી હોઉં તો પ્રોફેસરો તો ઠીક, મારાથી જુનિયર વિદ્યાર્થીઓ પણ શ્વાસ રોકીને ઉભા રહી જાય છે. આના લીધે જ અમારી કોલેજમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે છે, અને કોલેજના કમ્પાઉન્ડમાં યોગ કરવા અને ચાલવા માટે સવાર સવારમાં લોકો આવી જાય છે. પણ સર, મારી સમસ્યા ઘણી જટિલ અને વિચિત્ર છે. હું વિગતે જણાવું. હું મધ્યમ વર્ગમાંથી આવું છું. મારા પરિવારમાં અમે ત્રણ બહેનો છીએ અને એક ભાઈ છીએ. અમારું કુટુંબ મોટું છે, પણ ઘર ઘણું નાનું છે, ઘરમાં હું ત્રીજા નંબરની છું. સૌથી મોટી દીદી પરણી ગઈ છે, અને એ મારા જીજાજીને રોજ ઝૂડે છે. પણ એ તો મારી દીદી એની સાસુ પાસેથી જ શીખી હતી, એટલે જીજાજીના કુટુંબમાં એ આગળથી ચાલ્યું આવે છે, માટે એ કોઈ મોટી સમસ્યા નથી. મમ્મી નોકરી કરે છે. મમ્મીની નોકરી સવારે સાત વાગ્યાની છે અને પપ્પાની અગિયાર વાગ્યાની, આમ પપ્પાને ચાર કલાકની આઝાદી મળે છે એટલે સવારનું ખાવાનું પપ્પા બનાવે છે. પપ્પા મનમાં એમ સમજે છે કે એ બહુ સારું ખાવાનું બનાવે છે, પણ એમની દાળ કાયમ ખારી બને છે અને પાણી ઓછું વત્તું પડે છે એટલે ભાતમાં દાળ મિક્સ કરવા અમારે ગ્રાઈન્ડર વાપરવું પડે છે. જોકે અમારી પાસે મિક્સર છે, એટલે એ ગુંદર જેવા ભાત પણ મારી સમસ્યા નથી. અને આમેય મને ભાત ભાવતા નથી. સર, મારો નાનો ભાઈ માત્ર સાત વરસનો છે. મમ્મી પપ્પા નોકરી કરતાં હોવાથી સવારે ભઈલાને સંભાળવાનું કામ મારા ભાગે આવે છે. ભૈલું સવારમાં ઉઠતાની સાથે વિડીયો ગેમ લઈને મંડી પડે છે, અને દૂધ પીતાંપીતા એલીયન્સ સાથે ફાઈટ કર્યા કરે છે. એમાં ગુસ્સો આવે તો દુધનો ગ્લાસ પણ ફેંકી દે છે. પણ મારી સમસ્યા દુધનો ગ્લાસ પણ નથી, કારણ કે પપ્પા ગ્લાસની ફેકટરીમાં જ કામ કરે છે અને મમ્મી ડેરીમાં.

મારી સમસ્યા મારી સાથે ભણતો સલીમ છે. સલીમ એક ધનાઢ્ય કુટુંબનો નબીરો છે. એને ઘણી બધી કુટેવો છે. પહેલી તો એ કે એ બધા જ ક્લાસ ભરે છે, સાવ બોચિયો છે. ખાલી ક્લાસ ભરતો હોય તો ઠીક છે પણ એ તો પાછો સર જે બોલે તે નોટમાં પણ ઉતારે છે. ક્લાસ પછી કોલેજમાં રોકાઈને પ્રોફેસરે અધૂરા પ્રોબ્લેમ્સ સોલ્વ કર્યા પછી જ ઘરે જાય છે. પણ સર, એ એનાં મમ્મી-પપ્પાનો એક નો એક છોકરો છે અને એકદમ સધ્ધર ઘરનો છે. એનાં પપ્પાની પાંચ ફેક્ટરી છે, છ કાર છે, પણ એની પાસે બાઈક નથી. અને કપડા જુઓ તો સર, એ સાવ લઘરવઘર ફરે છે. હજુ એ પેન્ટ-શર્ટ સીવડાવે છે. એ તો ઠીક છે, પણ ફૂલ સ્લીવના શર્ટ પહેરે છે અને સ્લીવના બટન પણ બંધ કરે છે. એક વખત તો એવુ બન્યું હતું કે હું અને એ બંને પેસેજમાં સામસામેથી એકલા પસાર થતાં હતાં, એ વખતે એનાં શર્ટનું ઉપરનું બટન પણ તૂટેલું હતું. મેં જોયું તો એની છાતી પર ઘણાં વાળ હતાં. છી.... એ વેક્સિંગ પણ કરાવતો નથી. પાછા એને ચશ્માં પણ છે. સર, વિચારો કે આવાં છોકરાને કઈ રીતે કોઈ પ્રેમ કરી શકે ? પણ શું કરું સર, આખા ક્લાસ, અમારી સોસાયટી, અમારી નાતમાં કોઈ છોકરો સલીમ જેટલો પૈસાદાર નથી. એટલે જ પછી મને-ક-મને મારે એને પ્રપોઝ કરવું પડ્યું. મેં તો શરૂઆત જ ‘આઈ લવ યુ’ નાં એસ.એમ.એસ.થી કરી. પણ એ ડફોળ, હા ડફોળ, મારા જેવી સ્વરૂપવાન યુવતીનાં ‘આઈ લવ યુ’ નાં જવાબમાં કોક શિવ ખેરાના મેસેજ ફોરવર્ડ કરવા લાગ્યો. સો બોરિંગ. પાછો એ કોઈ દિવસ કેન્ટીન પર તો આવે જ નહિ. અરે, વેલેનટાઈન ડે પર એને ચોકલેટ આપી તો એણે ઝુપડપટ્ટીનાં છોકરાઓને વહેંચી દીધી. સર, મારી સ્થિતિ ન કહેવાય અને ન સહેવાય એવી થઇ ગઈ છે. ન હું એને છોડી શકું છું, ન હું એને પામી શકું છું. અને આ કારણસર જ આજકાલ મારું મન ટીવી જોવા અને ફ્રેન્ડ્સોને એસએમએસ કરવામાં પણ લાગતું નથી. તો તમે જ કહો સર, આ છોકરાને કઈ રીતે પટાવું ? 

લિ. અનારકલી.     

પ્રિય અનારકલી, તમારી સમસ્યા ઘણો ગંભીર વિચાર માંગી લે એવી છે બહેન. આજકાલના પૈસાદાર યુવાનો કેવા છે એનો સ્પષ્ટ ચિતાર તમારા પત્રથી મળે છે. આજકાલનાં યુવાનોની આજ સમસ્યા છે. ભણવા અને કેરિયરની આંધળી દોડમાં આજનું યુવાધન વેડફાઈ રહ્યું છે. તમે સલીમના સ્વભાવ અને કપડાનું જે વર્ણન કર્યું તે તાદ્રશ્ય કરે છે કે કારકિર્દી પાછળ સલીમ  કેટલો આંધળો છે કે એણે તમારા જેવી સ્વરૂપવાન, ચારિત્ર્યવાન, ગુણવાન, ભીનેવાન, આધુનિક વિચારો ધરાવતી છોકરી સામે જોયું પણ નહિ. પણ તમારી વાત સાંભળીને એવું લાગે છે કે આવાં ખર્ચા જેવા છોકરા પાછળ જીંદગી બરબાદ ન કરાય. હા, પૈસા જીવનમાં અગત્યના છે પણ ટેરીકોટનનાં પેન્ટ પહેરતા છોકરા સાથે હરગીજ જીંદગી ન વિતાવાય, હવે ગઈ-ગુજરી ભૂલી જાવ, કોક જીન્સ પહેરતા, બાઈકવાળા, નેતા કે સરકારી અધિકારીનાં છોકરાને શોધી નવેસરથી કોલેજ લાઇફ શરુ કરો. અને હજુ તો કોલેજનું બીજું વરસ જ છે, તેમ છતાં જો એક વધારે વરસ કોલેજ લાઈફ માનવી હોય તો જરૂર જણાતા પરિક્ષામાં ડ્રોપ લઇ લો અથવા પેપર કોરું છોડી દો જેથી કરીને માબાપને જાણ ન થાય.

બીજો પત્ર
સર,
તમારી કોલમ હું નિયમિત વાંચું છું અને તમે જે રીતે માગદર્શન આપો છો તેનો હું ચાહક છું. સર મારી થોડી વાત કરું. હું ધનાઢ્ય કુટુંબમાંથી આવું છું. અમારા ઘરમાં પાણી માંગો તો દૂધ મળે છે. એટલે જ મારા પપ્પા કાયમ મમ્મીને કમ્પ્લેઇન કરે છે કે ‘મારે જે જોઈએ છે તે નથી મળતું’. સર, હું થોડોક શરમાળ પ્રકૃતિનો છું. સર હું જે કોલેજમાં અભ્યાસ કરું છું ત્યાં એક સુષ્મા મેમ કરીને મહિલા અધ્યાપક છે. એ આમ તો પરિણીત છે, પણ પટાવાળા પાસે એવું સાંભળ્યું છે કે એમને એમના પતિ સાથે બનતું નથી. મેડમ કાયમ લેટેસ્ટ ફેશનના કપડા પહેરી અને લીપસ્ટીક લગાડીને કોલેજ આવે છે, એટલે સુધી કે એમના હોઠનો સાચો રંગ એમના દૂધવાળા સિવાય કોઈને ખબર નથી. પણ સર, મેમ બહુ યંગ અને રૂપાળા છે. મારા ક્લાસની બધી છોકરીઓ મેમના કપડાની ચર્ચામાં રીસેસ બરબાદ કરે છે. અરે, ફેસબુક પર એમના ફોટા જુઓ તો તમને  કોઈ મોડલ હોય તેવું જ લાગે. તમે સમજી ગયા હશો. સર, આ સુષ્મા મેમ બહુ ફ્રેન્ડલી સ્વભાવના પણ છે. એટલે જ કદાચ મેમનાં ક્લાસમાં ૯૫% એટેન્ડન્સ જોવા મળે છે, બાકીનાં ૫%માં છોકરીઓ અને સીક લોકો આવે. મેમ, કેવું ભણાવે છે ? તે કોઈ નક્કી નથી કરી શકતું કારણ કે છોકરાઓનું ધ્યાન ભણવામાં કદી નથી હોતું.

સર, મેમને કોઈ ભૂલથી ક્લાસમાં પ્રશ્ન પૂછે તો એ ખુબસુરત સ્માઈલ આપી વાત બદલી નાખે છે. એમને ઓળખનાર વિદ્યાર્થી તો કોઈ દિવસ એમને અભ્યાસક્રમને લગતા સવાલ પૂછવાની ભૂલ કરતાં જ નથી. જો ક્લાસમાં એમને સવાલ ન પૂછીએ તો ઇન્ટરનલમા સારા માર્ક્સ આવે છે તેવું સીનીયરો ટોઈલેટમાં લખી ગયા છે. મારી ખરી સમસ્યા આ છે. એક દિવસની વાત છે, મેડમ કઈ ભણાવતા હતાં અને મેં ભૂલમાં પ્રશ્ન પૂછી નાખ્યો હતો. એમનું મોઢું બે ઘડી માટે તો પડી ગયું, પરંતુ તરત જ તેમણે સ્માઈલ કરીને, એટેન્ડન્સ રજીસ્ટરમાં જોઈ ‘તમે ત્રીજા ક્લાસમાં નહોતા આવ્યા કેમ ? પછી ક્યાંથી આવડે આ સવાલ ?’ આવું કહી મને જાહેરમાં ઉતારી પડ્યો હતો, હવે મને પસ્તાવો થાય છે. સવાલ પૂછવાનો. સર, ઇન્ટરનલમા ઓછા માર્ક્સ આવશે અને પરિક્ષામાં ફેઈલ થઈશ તો પપ્પા ફેકટરીએ બેસાડી દેવાની વાત કરે છે. સર, અમારી ગુંદર બનાવવાની ફેક્ટરી છે અને પપ્પા સાથે જ્યારે પણ ફેક્ટરી જાઉં ત્યારે ત્યાં મારું ચિત્ત ફેકટરીમાં ચોંટતું જ નથી. તમે જ કહો હું શું કરું ?

ભાઈ શ્રી, તમે પત્રમાં તમારું નામ કહ્યું નથી તો હવે ક્યારેય પત્ર લખો તો નામ જરુરથી લખશો, તમારી બધી માહિતી ગુપ્ત રાખવામાં આવશે. આ તમારી સમસ્યા એ કોઈ નવી સમસ્યા નથી. રૂપાળા ટીચર સારું ભણાવતા હોય તો પણ વિદ્યાર્થીઓને એ વિષે જાણ થતી નથી. મિત્ર, આજકાલ કોલેજમાં અભ્યાસ કરવો એ અઘરો થઇ ગયો છે. એડમિશન માટેની દોડધામ, ફોર્મ ભરવા માટેની લાઈનો, પરિક્ષાઓ, ફ્લાઈંગ સ્કવોડ, અરે ડમી રાઈટર રાખવા પણ હવે મોંઘા પડે છે. પણ તમારી સમસ્યા ઘણી જ પેચીદી છે. તમારી પાસે ઇન્ટરનલમાં સારા માર્ક્સ લાવવા માટે એક જ રસ્તો છે. મેડમ ને રીઝવવાનો. તો શરુ કરી દો. ક્લાસમાં પહેલી બેંચ પર બેસવાનું રાખો, અને મેડમ લખે તે તરફ નહિ, પરંતુ બોલે તે તરફ લક્ષ્ય આપો. તમે કહ્યું કે મેડમ ફેસબુક પર છે તો એમના ફેસબુક પરના દરેક સ્ટેટ્સને લાઈક કરવાનું, એમની ચવાયેલી જોક્સ પર હસી હસીને બેવડ વાળી જવાનું શરુ કરી દો. મહિને એક વાર મેડમને રસ્તામાં ઉભા રાખીને પૂછવાનું રાખો કે: ‘આજે તમારો બર્થ ડે છે એવું છોકરાઓ કહે છે મેડમ, તમે બહુ સરસ તૈયાર થયા છોને એટલે’. આમ વિવિધ ઉપાયો કરતા રહો, તમને ઇન્ટરનલમાં જરૂર સફળતા મળશે.