Monday, April 07, 2014

પાર્ટી વગરનો આમ આદમી

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ  | લાતની લાત ને વાતની વાત | ૦૬-૦૪-૨૦૧૪ |  અધીર અમદાવાદી | 



અત્યારે આમ આદમી ડિમાન્ડમાં છે. અમે પાર્ટીની વાત નથી કરતાં. કરવા માંગતા પણ નથી. કારણ કે દરેક પક્ષ અત્યારે ચૂંટણી ઢંઢેરા, ઇલેક્શન સભાઓ, ઇન્ટરવ્યુ, અને અન્ય પ્રચાર માધ્યમોથી પોતાના કૂતરાઓને બકરીમાં ખપાવી રહ્યાં છે. હા અહીં ઉંધુ છે. અને આમ આદમી પણ લહેરથી કૂતરાને બકરી સમજીને ખભે બેસાડવા તૈયાર જ છે. અહીં અમે આમ જનતાની વાત કરીએ છીએ. જસ્ટીસ કાત્જુ સાચા હતા. ને અમે બાકીના દસ ટકામાં આવીએ છીએ. ચોખવટ પૂરી!

જવા દો ને! પોલીટીક્સની વાત કરીને પણ મૂડ બગાડવો નથી. આપણે આમ આદમીની વાત કરીએ. આમ આદમી એટલે એવરેજ પરણેલો પુરુષ. રસ પડ્યો? પડશે જ. ખરેખર તો અમે લખવાનું શરૂ કર્યું ત્યારે જ નક્કી કર્યું હતું કે અમે પતિ-પત્ની જેવા ચવાયેલા વિષય પર નહીં લખીએ. કારણ કે એવું મનાય છે કે બુદ્ધિજીવીઓ પત્ની કે સ્ત્રીઓ વિષે ઘસાતું લખતા નથી. અને બુદ્ધિજીવી ગણાવું કોને ન ગમે? પણ શું થાય? ફેસબુક ઉપર પોસ્ટ કરેલી પતિ-પત્ની વિષયક રમૂજ જે રીતે લોકોને ગમતી એ જોઈને લાગ્યું કે પતિ-પત્ની વિષે નહીં લખીને પરણેલા પુરુષોને અન્યાય ન કરાય. એમાંય અમે પત્નીને ખુશ રાખવાના એકસો એક ઉપાયો લખ્યા. એની સફળતા પછી લાગ્યું કે પરણેલા પુરુષોને કમસેકમ પત્ની વિષયક  રમૂજ વાંચીને હસવાનો તો હક તો હોવો જ જોઈએ! અને આમ જોવા જાવ તો ઘોડા ઘાસ સે દોસ્તી કરે તો ખાયેગા ક્યા?  

આમ આદમી એટલે ખાસ નહિ તે. આમ આમ આદમી ખાલી કહેવા પુરતો જ પુરુષ છે. એનું પુરુષાતન પાન-સિગારેટના ગલ્લાની આડશમાં ઊભા રહી સિગરેટના કશ મારવા પૂરતું જ છે. હા, ક્રિકેટમાં ઇન્ડિયાએ શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ એ નક્કી કરવાની એને છૂટ છે. પોલીટીક્સ બાબતે એનો સ્વતંત્ર અભિપ્રાય હોઈ શકે છે. પણ એને પોતાની રીતે વાહન ચલાવવાની ફ્રીડમ નથી. એને બાજુની સીટમાં બેસનાર રસ્તામાં આવતા કૂતરા, ખાડા, બમ્પ, બીજા વાહનો, સિગ્નલ બતાવવામાં આવે ત્યારે દેખાય છે. એને શું ખાવું અને શું નહીં, શું પહેરવું અને શું નહીં એ કોઈ નક્કી કરે છે. ઓફિસમાં ફોન આવે અને જો માણસ આઘો જઈ, ‘યાર ધીમેથી બોલ, ઓફિસમાં છું’ એવું કહેતો સાંભળવા મળે છે તો સમજ્જો કે ફોન એના ઘેરથી હશે અને એ માણસ બીજો કોઈ નહિ, આમ આદમી છે.

આ આદમી જાતજાતના હોય છે. જે પત્નીને ખુશ રાખવામાં નિષ્ફળ જાય એ નાકામ આદમી. જે પત્નીની સુરક્ષા માટે બીજા દેશ સાથે યુદ્ધ ખેલી નાખે એ રામ આદમી. ઘરકામમાં ચોર હોય એ હરામ આદમી. જે પત્ની માટે સમય ન ફાળવે પણ ગામ માટે નવરો હોય તે ગામ આદમી. જેને પોતાની શોહરતમાં જ રસ હોય એ નામ આદમી. સાંજ પડે ને જે પીધેલો જ દેખાય એ જામ આદમી. જે આખો દહાડો રૂપિયા કમાવા ઉધામા કર્યા કરે એ દામ આદમી. જે સહન કરવો મુશ્કેલ હોય એ બામ આદમી. અને જેનો કોઈ અવાજ નથી, જેની કોઈ આઇડેન્ટિટી નથી, જે ઘણીવાર બોલે તો ખુદ પોતાનો અવાજ પોતાના કાન સુધી પહોંચાડી નથી શકતો, અને જેનાં હાથમાં સત્તા આવે તો સત્તાનો ઉપયોગ નથી કરી શકતો એ આમ આદમી! આંખો બંધ કરો તો તમને ચોતરફ આમ આદમી દેખાશે. અને આંખો ખુલ્લી રાખશો તો પણ દેખાશે!

આમ આદમી અને સીનીયર સિટીઝનની દશા સરખી હોય છે એમને પોતાની વાત કહેવી હોય છે, પણ સાંભળનારું કોઈ નથી હોતું. આમ આદમી અને મી. ઇન્ડિયા પણ સરખા. બેઉની હાજરીની કોઈ નોંધ જ નથી લેતું. રૂપિયા કે ગીફ્ટ આપ્યા પછી પણ. આમ આદમીનું પોતાના ઘરમાં જ ઉપજતું નથી. આમ આદમી સાધનસંપન્ન હોય છતાં ઉપવાસ કરવા પડે છે. એમાંય એનું નસીબ ખરાબ હોય, હોય શું હોય છે જ, તો ઉપવાસ કરીને ઉપવાસ કરવા માટે પણ એ ગાળો ખાય છે!

બિચારા આમ આદમીની પાછી કોઈ પાર્ટી નથી હોતી. એ એકલો જ એની લડાઈ લડે છે. જાણે વન મેન આર્મી જોઈ લો. પણ આર્મી જેટલો કડક એ નથી થઇ શકતો. એના ઉપર ઉલટું કોર્ટ માર્શલ થયા કરે છે, અને એ બચારો કાયમ સફાઈ આપતો ફરે છે. પણ એ ઘરની સફાઈ કરે એમાંય જ્યાં વાંધાવચકા નીકળતા હોય ત્યાં ગંભીર આરોપો જેવા કે ‘કોઈ કામનો નથી’, ‘ઘર ચલાવતા આવડતું નથી ને દરેક વાતમાં ડબડબ કરે છે’, ‘ઓફિસમાં ગુડાઈ રહે છે’, ‘ખોટા ખર્ચા કરે છે’, ‘એની કંપની સારી નથી’, ‘સાસરિયા સાથે સીધી રીતે વાત નથી કરતો’, ‘ઓફિસમાંથી ઘેર આવ્યા પછી ન જાણે કોની સાથે ચેટિંગ કર્યા કરે છે’ વિષે એની સફાઈ કોણ સાંભળે?

આમ ઓરતની વાત જુદી છે. આમ ઓરતને ટીવી પર મનગમતો પ્રોગ્રામ જોવાની છૂટ હોય છે. એ રોતલ સિરીયલો જોઈ એટલાં આંસુ વહાવે છે કે ઘણીવાર લોટમાં પાણી અને મીઠું પણ નાખવું નથી પડતું. પણ આમ આદમીને મેચ જોવા માટે કાકલુદી કરવી પડે છે. આમ છતાં એ રડી પણ નથી શકતો. આમ જો આમ આદમી પાસે ઘેર આવ્યા પછી કશું કરવા જેવું કંઈ ન રહે અને એ મોબાઈલ, ફેસબુક કે વોટ્સેપ પર ટાઈમ પાસ કરે તો આખો દિવસ મોબાઈલમાં મંડ્યો રહે છેજેવી ટીકાઓ પામે છે. બિચારો!

એકંદરે આપણો આમ આદમી રસોડેષુ રામલો, ભોજનેષુ ગીનીપીગ, શયનેષુ ‘યેસ મેમ’, પર્યટનેષુ કુલી, શોપીંગેષુ કેશિયર, બજારેષુ ડ્રાઈવર, સાસરે પ્રસંગેષુ શોભા, ભાર્યાત્ ગુસ્સેષુ પંચિંગ બેગ, ઉપવાસેષુ અન્ના, અભિનયેષુ તુસ્સાર, ભાષણેષુ મનમોહન વિગેરે વિગેરે છે. આમ સર્વ રીતે શોષિત, પીડિત, અભાગીયો એવો આમ આદમી પોતાના કર્મોના ફળ ભોગવવા પૃથ્વી પર આવે છે, અને એ પરણે છે. હવે અમે આગળ લખી નહીં શકીએ. હૈયું ભરાઈ ગયું!  
 

Wednesday, April 02, 2014

તમે કોણ બોલો છો ?


| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ  ૩૦-૦૩-૨૦૧૪ | અધીર અમદાવાદી |

‘જય શ્રી કૃષ્ણ. છપ્પન છેતાલીસ ઓગણત્રીસ દસ?’
‘ના, આ છપ્પન છેતાલીસ ઓગણત્રીસ અગિયાર છે’ 
‘એમ? તો જરા બાજુવાળા ગીતાબેનને આપશો?’
***
‘હલ્લો, ગેસનું સિલિન્ડર જોઈએ છે નંબર નોંધો’
‘બોસ નંબર તો નોંધી લઉં. ને આપણને ગેસનો પોબ્લેમ પણ છે, પણ આખા ફેમિલીનો ભેગો કરીએ તોયે સિલિન્ડર ભરાય એટલો ગેસ પોડયુસ નઈ થતો હોય! ફરી નંબર ચેક કરીને ડાયલ કરજે બકા’
***
 
કહેવાની જરૂર નથી કે ઉપરના વાર્તાલાપ ફોનનાં છે. એક જમાનામાં ફોન લાઈન માટે એપ્લાય કર્યા પછી પાંચ વર્ષે ડાયલવાળું અને મોટેભાગે સેકન્ડ-હેન્ડ ડબલું આપણા ઘરમાં લાગે. બોણી-બક્ષીસ આપ્યા પછી પંદર દહાડા પછી નંબર મળે, અને બીજા દસ દહાડા રોજ ચોવીસવાર રીસીવર ઉઠાવીને સાંભળો એ પછી ફોનમાં જીવ આવે. પણ આજકાલ મજૂરથી માંડીને મજનુઓ ખીસામાં મોબાઈલ લઈને ફરતાં થઇ ગયા છે. હવે કોમ્પ્યુટર કાર ચલાવતા થઇ ગયા છે. ચન્દ્ર ઉપરની પેકેજ ટુર શરુ થવામાં છે. પણ હજુ આપણે ફોન એટીકેટ શીખ્યા નથી. એથી જ રોંગ નંબરની સમસ્યાનો ઉકેલ હજી નથી આવ્યો. અને ન નજીકના ભવિષ્યમાં આવે એવું લાગે છે. આપણે ત્યાં દર દસમાંથી આઠ જણા પોતાની ઓળખાણ આપ્યા વગર જ ચાલુ પડી જતા હોય છે.
 
પહેલાના વખતમાં એવું મનાતું હતું કે ફોનમાં કનેક્શનમાં ગડબડને કારણે એક નંબર જોડો અને બીજો નંબર લાગી જાય છે. પણ મોબાઈલ ટેકનોલોજીમાં એવું બનતું નથી. અને છતાં રોંગ નંબર લાગે છે. અને લગાડનાર ‘કોણ રાજુભાઈ બોલો છો?’ એવું પૂછે અને જવાબ નકારમાં આવે તો પણ લગાડનારને સમજ નથી પડતી કે રોંગ નંબર લાગી ગયો છે. એ તો ‘રાજુભાઈને આપો ને’ એમ લાગેલા જ રહે છે. હવે એવું બને કે રાજુભાઈને તમે ઓળખતા હોવ અને એમ કહો કે ‘રાજુભાઈ અમદાવાદ ગયા છે’ તો સામેવાળી પાર્ટી ‘હેં, અમદાવાદ ગયા છે? તે અમદાવાદનો મોબાઈલ આપો’. જો તમારામાં ધીરજ હોય તો અડધો કલાક સુધી, ચોખવટપૂર્વક કહેવા છતાં, એ સમજવા તૈયાર નહીં થાય કે ‘આ રાજુભાઈનો નંબર નથી’.
 
મૂળ વાત એ છે કે ફોન અપગ્રેડ થઇ થઈને સ્માર્ટ થતાં જાય છે, પણ માણસો ફોનના મોડલની જેમ અપગ્રેડ નથી થઇ શકતા. એ ડોબાના ડોબા જ રહ્યા. હા, છોકરાં સ્માર્ટ જન્મે છે આજકાલ. કોઈ નવજાત મોમ-ડેડને પૂછી જોજો. એમ કહેશે કે ‘અમારો આર્યન હજુ ઘોડિયામાં છે, પણ ફોન વાપરતા શીખી ગયો છે બોલો’. એમાં શું બોલે? ડાયપરમાં સુસુ કરી જતાં ઘોડિયાનિવાસી આર્યન આગળ ટચસ્ક્રીનવાળો મોબાઈલ ધરો એની ઉપર એ બ બ બ બ એવો મ્હોંમાંથી અવાજ કાઢતા ડાબે-જમણે હાથ ઝીંકે, ને ફોટા બદલાય એમાં આ નવજાત મોમ-ડેડ હરખાઈ જતા હોય એવું બને. પણ વાત એ છે કે યંગિસ્તાન સાથે રેસમાં કાકા-કાકીઓ સ્માર્ટ ફોન લેતા થઇ ગયા છે. પછી એક તો બેતાળાં હોય. સ્ક્રીન પર બરોબર વંચાતું ન હોય. એમાં તડકામાં મોબાઈલ પર નેજવું કરીને જુવે. આમાં રાજુભાઈને બદલે રાજેશભાઈને અને ૭૪૬ ને બદલે ૭૪૯ લાગી જાય ને?
 
પણ ફોન લાગી જાય, સામે ફોન ઊંચકનાર તમને ઓળખતો નથી. ને તમે પણ એનો અવાજ ઓળખી નથી શકતા. તોયે પાછો રૂઆબથી પૂછશે, ‘તમે કોણ બોલો છો?’ અને સ્વાભાવિક છે કે જવાબમાં ‘બાબુરાવ ગણપતરાવ આપ્ટે’ કે ‘આલ્બર્ટ ન્યુટન’ કહેવાની લાલચ કોઈ પણ ન રોકી શકે. પણ તોયે ફોન કરનાર મોળા પડ્યા વગર ‘તમે રાજુભાઈ નથી બોલતા?’ આપણે ફરી વાર ના પાડીએ તો એ ‘તો તમે કોણ બોલો છો?’ એવું પૂછે ત્યારે આપણો પિત્તો જાય જ ને? ‘અરે માસી રાજુ કાનપુર ગયો છે, હું કપિલ શર્મા બોલું છું. જાન છોડો મારી’ એવું કહેવાનું મન થાય. સારું છે કે માસીમા સેન્સ ઓફ હ્યુમર નથી હોતી કે સામે કહે કે ‘હારું, સિધ્ધુ પાજીને આલ તારે.’
 
રોંગ નંબર લગાડી તમને, અયોગ્ય સમયે ડીસ્ટર્બ કરનાર માત્ર ‘તમે કોણ બોલો છો?’ એવું પૂછી અટકી નથી જતો. ‘તમે કોણ બોલો છે?’ એ પ્રશ્નનો યોગ્ય જવાબ આપવામાં જો તમે નિષ્ફળ જાવ તો પૂછપરછ આગળ વધતા કોન બનેગા કરોડપતિનો નેક્સ્ટ સવાલ ‘તમે ક્યાંથી બોલો છો?’ એવો આવે છે. હવે તમે જેની સાથે વાત કરવા માંગો છો એ વ્યક્તિને ફોન નથી લાગ્યો તો પછી ક્યાં લાગ્યો છે એ જાણીને લોકો શું કરતાં હશે? ધારો કે હું ધારાવીથી બોલતો હોઉં તો શું તમે જોવા આવવાના હતા?   
 
ઘણાં લોકો સામે કોણ બોલે છે એ ચેક કર્યા વગર ચાલુ પડી જાય છે. ‘હું શું કહું છું, મમતાના લગનમાં તું શું પહેરવાની છે?’ ના જવાબમાં ‘લેંઘો-ઝભ્ભો’ કે ‘શેરવાની’ સાંભળવા મળે તો આઘાત લાગે જ! અને લાગવો જ જોઈએ. હું તો કહું છું આમ રોંગ સમયે રોંગ નંબર લગાડનારાને તો ઇલેક્ટ્રિકનો કરંટ લાગે એવી ફોન એપ્લીકેશન માર્કેટમાં આવવી જોઈએ. એમાંય પાછું આ ‘હું શું કહું છું’ નો ભારે ત્રાસ. રોંગ નંબર તો શું, ઓળખીતાંય ઘણીવાર આપણને આ ‘હું શું કહું છું’ કહી ને ટીંગાડી રાખે છે. અલા ભઈ, કોઈ શું કહેવાનું છે એ જો એડવાન્સમાં એમ આપણને ખબર પડતી હોત તો જોઈતું’તુ જ શું? અહીં તો કીધા પછીય ઘણીવાર સમજ નથી પડતી હોતી. આમ ઘણાં મુખડું ગાયા સિવાય સીધો અંતરો ગાવા લાગે છે. પછી આપણે મુખડું ગેસ કરતા રહેવાનું!
 
જોકે કેટલાય કિસ્સાઓ એવા સાંભળ્યા કે રોંગ નંબરથી લવસ્ટોરીની શરૂઆત થઇ હોય. રોંગ નંબર સેલ્સવાળાને પણ નડતા નથી. સાંભળેલી વાત છે. એક જમાનામાં ત્રણ મિનીટનો એક કોલ થતો હતો ત્યારે એક કવિથી કોઈને રોંગ નંબર લાગી જતા કવિએ ‘ભાઈ હવે ફોનના રૂપિયા તો પડી જ ગયા છે, એક તાજું હાઈકુ લખ્યું છે એ સાંભળી લો’ એવી ગુજારીશ કરી હતી. આને કહેવાય પડ્યા પર પાટું! ▪