Sunday, November 02, 2014

ગર્લફ્રેન્ડ જેવા નેતા




 | કટિંગ  વિથ અધીર-બધિર અમદાવાદી || ૦૨-૧૧-૨૦૧૪ |
તાજેતરમાં પુરા થયેલ મહારાષ્ટ્ર ઇલેક્શનનાં માહોલમાં સલમાને લોકોને સલાહ આપી હતી કે ગર્લફ્રેન્ડ સિલેક્ટ કરતાં હોવ એમ નેતા સિલેકટ કરજો. વોટિંગ ડે પર રજા માણીને લોકો પછી કમ્પ્લેન કરે છે એવી ફરિયાદ પણ સલમાને કરી હતી. સલમાનની આ ગર્લફ્રેન્ડવાળી સલાહને સીરીયસલી લેવી કે નહીં એ નક્કી કરવું મુશ્કેલ કામ છે.

ગર્લફ્રેન્ડ સિલેક્ટ કરવા બાબતે સલમાનની સલાહ લઇ શકાય, કારણકે એને ગર્લફ્રેન્ડ સિલેક્ટ કરવાનો બહોળો અનુભવ છે. ઓછામાં ઓછો ૨૫-૩૦ વરસનો તો ખરો જ. પણ પત્ની સિલેક્ટ કરવાનો જરાય નહી. હકીકતમાં એણે અત્યાર સુધીમાં અગિયાર જેટલી ગર્લફ્રેન્ડ કરી છે. આમ જ્યાં સલમાનની ગર્લફ્રેન્ડઝ એવરેજ અઢીથી ત્રણ વરસ ટકી છે ત્યાં સલમાન ગર્લફ્રેન્ડના ધોરણે પાંચ વરસ ચાલે એવો ટકાઉ લીડર સિલેક્ટ કરવાની સલાહ આપે એ ખટકે ટો ખરું જ! જો ગર્લફ્રેન્ડ સિલેક્ટ કરતાં હોવ એમ લીડર સિલેક્ટ કરવાનો હોય તો સલમાનની સ્ટાઈલ મુજબ દર બે વરસે નવો લીડર સિલેક્ટ કરવાનો થાય. એમાં વાનપ્રસ્થાશ્રમની સમીપે પહોંચવા છતાં એણે પત્ની એક પણ સિલેક્ટ કરી નથી! અમને લાગે છે કે સલ્લુથી ગફલત થઈ ગઈ હશે બોલવામાં. કહેવાનું હશે જીવનસાથી અને બોલી ગયો હશે ગર્લફ્રેન્ડ.

સલમાનની પહેલી ગર્લફ્રેન્ડ કઈ? એ વિષે અધિકૃત રીતે કોઈ ઇતિહાસકાર કે પુરાતત્વવિદ જ કહી શકે, પણ પૂર્વ મોડેલ સંગીતા બીજલાની સલમાન સ્ટાર બન્યો એ અરસાની પહેલી ગર્લફ્રેન્ડ ગણાય છે. ઇન ફેક્ટ એની પહેલી ઓળખ જ ‘બીજલી કા બોયફ્રેન્ડ’ની હતી. એ પહેલાં પણ ગર્લફ્રેન્ડ હશે જ - રાધર હતી જ, એનું નામ શાહીન હતું - પણ એ અંગે કોઈએ ખણખોદ કરી નથી. બીજલાની તો પાછળથી બીજાની એટલે કે મો. અઝહરૂદ્દીનની થઈ ગઈ હતી. એ પછી આવી સોમી અલી. હમ દિલ દે ચુકે સનમથી ઐશ્વર્યા રાય આવી. ઐશ્વર્યાની ડુપ્લીકેટ જેવી જ એક હતી સ્નેહા ઉલ્લાલ. પછી આવી કેટરિના કેફ. ઝરીન ખાન, ડેઇઝી શાહ, સના ખાન અને જર્મન મોડલ ક્લોડિયા સાથે પણ ભાઈનું નામ ચમક્યું હતું. સલ્લુની જિંદગીમાં એક મહેકની ચહલ પહલ હતી. આમાંના ઘણાં લફરા બીગ બોસમાં કેમેરાની નજર બહાર થયા જ્યાં સલમાને એમનાં માટે નિયમો નેવે મુક્યા હતાં એવું કહેવાય છે. સૌથી છેલ્લે છેલ્લે રોમેનિયન લુલીયાનું નામ બોલે છે. આ કુમારી લુલીયા સલમાનના હાથનો માર ખાઈને લુલીયા નથી બન્યા પણ એમનું નામ જ લુલીયા વન્તુર છે. જોકે સલમાનની અડધી ગર્લફ્રેન્ડ સાથેનાં સંબંધ ગાળાગાળીથી અને એક કિસ્સામાં મારામારીથી પુરા થયા હતાં એ જોતાં કોઈને પણ આવો વિચાર આવી શકે. હવે વિચારો કે આ ધોરણે નેતા પસંદ કરવાનો હોય તો દર વર્ષે ચૂંટણી કરવી પડે કે નહિ?

અહીં વિચારવાનું એ છે કે સલ્લુ ભાઈ એમની ગર્લફ્રેન્ડઝમાં એવું તે શું ખાસ ભાળી ગયા હશે કે એમણે આવું સ્ટેટમેન્ટ કર્યું હશે? એમની કોઈ ગર્લફ્રેન્ડે દેશના વિકાસના કામો, સ્વીસ બેન્કોમાં રહેલા કાળા નાણા, ભ્રષ્ટાચાર નાબુદી કે મહિલા સશક્તિકરણ વિષે કંઈ કહ્યું હોય એવું ધ્યાનમાં નથી અને કદાચ કહ્યું હોય તોય ખાન સાહેબ એ કારણે મોહી પડ્યા હશે એમ માનવું વધુ પડતું છે. કેટરિના, ક્લોડિયા, લુલીયા જેવી વિદેશી છે અને એમને હિન્દી બરોબર નથી આવડતું. શું આને સલ્લુએ લીડરશીપ ક્વોલિટી ગણી હશે? હિન્દી ફિલ્મોમાં ગાયક-ગાયિકા અને એક્ટર-એક્ટ્રેસીસ પાકિસ્તાનથી આયાત કરવાનો રીવાજ છે, પણ રાજકારણમાં એ શક્ય નથી એટલે સોમી અલી પણ ગેરલાયક ઠરે છે. રાજકારણમાં કોઈની સાથે  પરમેનન્ટ દુશ્મની હોતી નથી, એ રીતે જોઈએ તો ઐશ્વર્યા સિવાયની બધી ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડઝ સાથે સલ્લુભાઈને સારા સંબંધો છે.

સલ્લુભાઈએ લગ્ન નથી કર્યા એટલે એમને કદાચ ખબર ન હોય પણ લગ્ન કર્યા પહેલાની ગર્લફ્રેન્ડ અને ચૂંટાયા પહેલાંના નેતામાં બહુ મોટો તફાવત હોય છે. અહીં સવાલ ગરજનો છે. નેતાને ચૂંટવાની ગરજ હોય છે એટલે એ સામેથી તમને રીઝવવાના પ્રયત્નો કરે એ સ્વાભાવિક છે, જયારે છોકરીને ગર્લફ્રેન્ડ બનવાની ખાસ ઉતાવળ હોતી નથી. અરજકર્તાને એણે બોયફ્રેન્ડ તરીકે સ્વીકાર્યો છે એવો સંકેત આપતાં પહેલાં ઉમેદવારે ઘણી વૈતરણીઓ પાર કરવાની હોય છે. એટલું જ નહિ પણ વૈતરણીમાં એની આસપાસ પુર જોશમાં હલેસા મારી રહેલા બીજા હરખ પદૂડા હોડકાવાળા સાહિલ ભેગા ન થઇ જાય એ માટે પણ ઉદ્યમ કરતાં રહેવું પડે છે. જયારે નેતા લોકો તો જનતા નામની હાથણી કોઈ બીજા બાંગડું પર કળશ ન ઢોળી દે એ માટે એ માટે વાળ કાપવા, ભેંશ દોહવા, એમના મેલાઘેલા છોકરાં રમાડવા કે એમની ઝૂંપડીમાં જઇને રહેવા સુદ્ધા તૈયાર હોય છે.  

સલ્લુભાઈ, ગર્લફ્રેન્ડ એક કે બે જણની હોય છે. પણ નેતાની ‘ઓનરશીપ’ ચકાસવા એનાં ચૂંટણીફંડની કાયદેસરની અને કાચી રિસીટો જોવી પડે! આ રાજકારણમાં આપણે પડવા જેવું નથી, તમતમારે કમરપટ્ટાને આંગળીથી પકડીને રીડીક્યુલસ ડાન્સ કરો, અમને એમાં જ મઝા આવે છે!

મસ્કા ફન
હ્રદયથી તડીપાર કરી દઈશ નહીંતર, 
હપ્તાની જેમ મને મળ તું સમયસર.


જૂનું અને નવું



મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૨-૧૧-૨૦૧૪ | અધીર અમદાવાદી |
આપણે પૃથ્વી પર પગલાં પાડીએ છીએ ત્યારે નવજાત શિશુ કહેવાઈએ છીએ. આ પ્રસંગે પરિવારજનો પેંડા વહેંચે છે. પહેલી વખત સ્કુલે જઈએ ત્યારે મમ્મી-પપ્પા ચોકલેટ વહેંચે છે. લગ્ન થાય ત્યારે પતાસા વહેંચે છે. પણ થોડાં વરસો જાય પછી અનુભવો અને સલાહો સિવાય કંઈ વહેંચવાનો ઉત્સાહ રહેતો નથી. કમનસીબે લોકોને સલાહ લેવામાં રસ નથી હોતો અને એ સ્વાભાવિક છે. નવું નવ દહાડા અને જુનું જન્મારો એ માત્ર સાંભળવામાં સારું લાગે છે.

બાળક જન્મે અને બે-ત્રણ વરસ સુધી દૂધ ઢીંચ્યા કરે એટલે એને દુધિયા દાંત ફૂટે છે. આ દાંત એ જુદીજુદી વસ્તુઓ પર ભરાવી વસ્તુ અને દાંત એ બંનેને હચમચાવી નાખે છે. દુધિયા દાંત તૂટે છે અને નવા આવે છે. ઘડપણ આવે એટલે આ નવા આવેલાં દાંત ફરી પડી જાય છે. એ પછી નવું ચોકઠું આવે છે. વિદેશમાં ગયેલું કાળું ધન પાછું લાવવા મહેનત કરવી પડે છે, પણ ચોકઠું જુનું થાય એટલે લુઝ થઈને સીડી પ્લેયરમાંથી સીડી બહાર આવે એમ મોઢામાંથી વગર પ્રયત્ને બહાર આવી જાય છે. પછી નવું ચોકઠું કરાવવું પડે છે.


દિવાળી પર જુનું વર્ષ પૂરું થાય છે અને નવું વર્ષ આવે છે. આ નવું વર્ષ જલ્દી જુનું થઈ જાય છે અને એક વર્ષમાં તો વિદાય પણ થઈ જાય છે. વિજ્ઞાનનો તો નિયમ છે કે જે નવું છે તે જુનું થાય જ છે. જુનું થાય એટલે લોખંડમાં કાટ લાગે છે. મકાનમાં તિરાડો પડે છે. રંગમાં ઝાંખો પડે છે. એક અંદાજ મુજબ આપણાં શરીરમાંથી રોજ ૫૦૦૦ કરોડ કોષ નાશ પામે છે અને એટલા જ નવા સર્જાય છે. આમ છતાં માણસ જુનો થાય એટલે પોતાનાં વિચારો અને વ્યવહારમાં જડ થતો જાય છે. ‘પાકા ઘડે કાંઠલા ન ચઢે’ એવું કહી પોતાનામાં સુધારાને કોઈ અવકાશ નથી એવું એ જાતે જાહેર કરે છે. આમ છતાં બીજામાં સુધારા થાય એ સતત ઇચ્છ્યા કરે છે.

આજનું પેપર એ કાલની પસ્તી છે. દૂધ જુનું થાય એટલે એમાંથી દહીં બને છે. દહીં જુનું થઈ ખટાશ પકડે એટલે એની છાશ અને છાશની કાઢી બને છે. સવારની વધેલી રોટલી સાંજે ખાખરા અને વધેલા ભાત સાંજે વઘારેલા ભાત બને છે. ખાખરાનો ભૂકો થાય એનો ચેવડો બને છે. પેન્ટ જુનું થાય એટલે ચડ્ડી બને છે. પડદા અને ચાદરો જુનાં થતાં પોતું બને છે. વસ્તુ ફર્સ્ટ હેન્ડમાંથી સેકન્ડ હેન્ડ, સેકન્ડમાંથી થર્ડ હેન્ડ થાય અને છેલ્લે ટુકડા કે ભૂકો થઈને હાથમાં આવી જાય અને ભંગારવાળો પણ ‘આનું કંઈ ન આવે, અમારે નાખવા જવાનો ખર્ચો થાય’ એવું ન કહે ત્યાં સુધી એનું રીસાયકલિંગ ચાલ્યા કરે છે. આપણાં દેશમાં રીસાયકલિંગ માટે કોઈ અલગ ઝુંબેશ ચલાવવાની જરૂર નથી.  

ઘણાંને જૂની ફિલ્મો બહુ ગમે. નવી ફિલ્મોમાં મારામારી થાય તો ઢીશુમ ઢીશુમ એવો અવાજ નથી આવતો. નવી ફિલ્મોમાં દીકરો ઘેર આવે ત્યારે મા ગાજરનો હલવો નથી ખવડાવતી કારણ કે આગલા સીનમાં જ દીકરાને બે હાથે બર્ગર કે સેન્ડવીચ ખાતો ખાતો બકબક કરતો બતાવ્યો હોય છે. જૂની ફિલ્મો ત્રણ-સાડા ત્રણ કલાકની બનતી. નવી ફિલ્મો ટૂંકી હોય છે એટલે રૂપિયા બસ્સો ખર્ચીને થિયેટરમાં જઈએ ને દોઢ-પોણા બે કલાકમાં બહાર ફેંકી દે, એમાં પાછું ફિલ્મમાં દમ ન હોય તો એસીમાં બેસીને જે રૂપિયા વસુલ થતાં હોય એ પણ ન થાય. નવી ફિલ્મોમાં ભમરો-ફૂલ, ફૂલ-પતંગિયું, પોપટ-મેના, બારીના પડદાં બંધ થવા જેવા રૂપકોની મદદ વગર જે કહેવું હોય એ કહી દેવામાં આવે છે, પછી સમય તો બચે જ ને?

આ ‘જુનું એટલું સોનું’ કહેવત જરૂર કોઈ ભંગારીયાએ આપી હશે. અમેરિકામાં જુનાં કોમિક અને રમકડા, કાર અને કેમેરા જેવી કેટલીય જૂની વસ્તુઓના હજારો ડોલર ઉપજે છે. દારૂ અને એન્ટીક આ બે જુનાં થાય એમ એની કિંમત વધે છે. જોકે દારુની બોટલ પોતાનાં ઘરમાં કોઈ જૂની નથી કરી શકતું. અમારા ઘરમાં તો મીઠાઈ પણ વાસી થાય એ પહેલાં પૂરી થઈ જાય છે! જુનાં ફોટોગ્રાફ્સ પણ સામાન્ય રીતે લોકો સંઘરી રાખે છે. એમાં પાતળાં દેખાતાં હોવાને કારણે રાખ્યાં હોય તો બરોબર છે, પણ જોકર જેવા દેખાતાં હોય તોયે સંઘરે છે. આમ છતાં ઘણું જુનું એવું હોય છે કે જે નવા કરતાં સારું લાગે. જુનાં બુટ નવા બુટ કરતાં વધારે કમ્ફર્ટેબલ લાગે છે. નવી નોકરીમાં જાવ પછી ખબર પડે છે કે જૂની નોકરી સારી હતી. નવા બોસનાં હાથ નીચે કામ કરો ત્યારે જુનાં બોસના સદગુણો યાદ આવે છે. બે લગ્ન કરનાર પણ ઘણીવાર જૂની પત્ની/જુનાં પતિને યાદ કરતાં હોય છે.

અમારી કન્સ્ટ્રકશન લાઈનમાં રીપેરીંગના કામ ઘણીવાર નવું કરાવવા કરતાં મોંઘા સાબિત થાય છે. જોકે ઘણું રીપેરીંગ જરૂરી હોય છે. આ નવું છે એવું દેખાડવા નહી, પણ સાવ ખખડી ગયેલું નથી એવું દેખાડવા. જેમ કે સ્ત્રીઓના મેકઅપ. મેકઅપ કરવાથી ચાલીસ વર્ષ જૂની સ્ત્રી ત્રીસ વર્ષ જૂની લાગે છે. નાની હોય ત્યારે બાળકીઓ સાડી પહેરી મમ્મી જેવી દેખાવા કોશિશ કરે અને એ જયારે એ મમ્મી જેવી દેખાવા લાગે ત્યારે સ્કર્ટ પહેરી બેબી જેવી દેખાવા પ્રયત્ન કરે છે. હેર ડાઈ લગાવે એટલે સાઈઠ વર્ષના કાકા પચાસ વર્ષના લાગે છે, અને ચાલીસના હોય એવી હરકતો કરવા માંડે છે. એડલ્ટ ફિલ્મ જોવા જતાં અન્ડર-એજ છોકરા અને મેલ ગાયનેકોલોજીસ્ટને બાદ કરતાં મોટાભાગના લોકોને પોતાની ઉંમર કરતાં ઓછા દેખાવું ગમે છે.

જોકે ભારતમાં વસ્તુઓ અને નેતાઓ જુનાં થતાં જ નથી. કોક કમ્પલસરી રીટાયરમેન્ટ કે રાજીનામું ન અપાવે ત્યાં સુધી બેટિંગ કરવા પેડ બાંધીને તૈયાર જ બેઠાં હોય છે. ઘરડાં ગાડાં વાળે એવું કહે છે પણ રાજકારણમાં ઘરડાં ગાંડા કાઢે એવું વધારે જોવા મળે છે. 

દરે વર્ષે આપણે દિવાળીમાં ઘરમાંથી જુનો ભંગાર કાઢીએ છીએ, પણ મગજમાંથી નથી કાઢતા. કાઢ્યો હશે તો નવા વરસમાં નવો ભેગો કરવાનું શરુ પણ કરી દઈએ છીએ. બાકી જૂની રીસ, જુનાં વેર અને જૂની ગર્લફ્રેન્ડની યાદ આવું બધું મગજમાંથી કાઢી નાખવામાં જ સાર છે !