Sunday, August 02, 2015

તારા માટે ચાંદ તારા તોડી લાવવા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૨-૦૮-૨૦૧૫

વાયદાની વાત આવે ત્યારે આપણે કાયમ અગત્સ્ય ઋષિને જ કેમ યાદ કરીએ છીએ? અરે ભાઈ, આપણી પાસે ચૂંટણી વખતે કોણીએ વચનોનો ગોળ લગાડી જતા રાજકારણીઓ જેવો તૈયાર માલ પડ્યો છે છતાં પણ આટલે દૂર શું કામ જાવ છો? જોકે પબ્લિકને આમલી પીપળી રમાડનારા બીજા પણ ઘણા છે, તો સામે પક્ષે આપણી પબ્લિક પણ ઓછી નથી. પૂ. રવિશંકર મહારાજ કહેતા કે ‘ઘસાઈને ઉજળા બનો’, પણ આપણી પબ્લિક ત્વચાને ગોરી બનાવવાના વાયદા કરતી ક્રીમની ટ્યુબો ઘસીને ઉજળા થવાનો ટૂંકો રસ્તો અપનાવતા અચકાતી નથી. હજી પણ લોકો નમક, ઓક્સિજન, લીમડો, આદુ, લીંબુ કે ફુદીનાયુક્ત ટૂથપેસ્ટથી તમારા દાંતના બધા કીટાણુંને મરી જશે કે સોડા નાખેલી અમુક તમુક ચ્યુઈંગમથી તમારા દાંત માત્ર ઉજળા જ નહીં પરંતુ એટલા પ્રકાશિત થઇ જશે કે એના અજવાળામાં તમે ભૂવામાં પડ્યા હશો તો બહાર નીકળવાનો રસ્તો જોઈ શકશો, એવા વાયદા કરતી કંપનીઓને ખટાવતા રહે છે. એવું લાગે છે કે આપણે ત્યાં કદાચ બધા વેપાર ધંધામાં મંદી આવશે પણ વાયદાનો વેપાર હંમેશા તેજીમાં રહેશે. 

કામ કઢાવવા માટે કે પોતાનો હેતુ પાર પાડવા માટે ગજા બહારના વાયદા આપવાની પ્રથા નવી નથી. પ્રેમીજનોમાં તો આવું ખાસ. એમની સમક્ષ શેણીને પામવા માટે સસરાને હજાર નવચંદરી ભેંશોનું નજરાણું આપવા તૈયાર થયેલા વિજાણંદનું ઉદાહરણ હોય છે. આમ પણ આજકાલ ગર્લફ્રેન્ડને જાળવવાનું કામ હજાર નવચંદરી ભેંસો ભેગી કરવા જેટલું જ દુષ્કર છે એટલે છોકરાઓ વખત આવ્યે ‘वचनेषु किम दरिद्रता’ના ધોરણે આસમાનના ચાંદ-તારા તોડી લાવવાના વાયદા કરી નાખતાં હોય છે. ખરેખર તો અત્યારે જે ઉમરે છોકરાંઓ પ્રેમમાં પડતા હોય છે એ ઉમરે ગીફ્ટમાં બોરિયા, બક્કલ અને હેર પીન આપવા કે મમ્મી ભોળી હોય તો ડીનર અને મલ્ટીપ્લેક્સમાં મુવી બતાવવાથી વધુ કોઈની હેસિયત હોતી નથી. પણ પ્રેમના મામલામાં મૂળ વાત ભાવનાની હોય છે છોકરીઓ પણ બધું જાણતી હોય છે. છોકરાઓ પણ ભેટ આપવાનું વચન આપ્યા પછી સલામતી ખાતર ‘Conditions apply’ કે પછી રામ ભરોસે હોટેલ જેવું ‘જે ચીજ તૈયાર હશે તે મળશે, વેઈટરો સાથે તકરાર કરવી નહિ’ એવું કંઇક આડકતરું કહી જ રાખતા હોય છે. એક થીયરી એવી પણ આગળ કરવામાં આવે છે કે વચન આપવું તો ઊંચું આપવું. એન્ટિલામાં મુકેશ કાકાને ઘેર ત્રણ દિવસને ચાર રાતનું પેકેજ ઓફર કરવું કે વ્હાઈટ હાઉસમાં મિશેલ-ઓબામાં સાથે કોફી પીવાનું સેટિંગ પાડીશ વગેરે જેવું કૈંક પ્રોમિસ કરવું. એમાંય રીંગ સેરીમનીમાં જમરૂખને ‘રઈસ’ના પ્રમોશન માટે બોલાવવાનું પ્રોમિસ સુપ્રીમ છે.

આવા પ્રોમિસ પાછી એ વ્યક્તિ છોડતી હોય જેને કબીર બેદી અને કિરણ બેદી વચ્ચેનો ફેર પણ ખબર ન હોય. જે પોતે કદી ડોમેસ્ટિક ફ્લાઈટમાં ન બેઠો હોય, જેને કમરની તકલીફને લીધે ડોકટરે વજન ઊંચકવાની ના પાડી હોય અને જેને ઊંચાઈથી ડર લાગતો હોય એવા લોકો પણ ચાંદ તારા તોડી લાવવાની વાત કરતાં હોય છે. દિવંગત લોકપ્રિય રાષ્ટ્ર પ્રમુખ ડૉ. કલામ કહેતા કે સપનું જુઓ એવું જુઓ કે જે તમને સુવા ન દે. અમને આ વાત પ્રોમિસ માટે પણ સાચી લાગે છે. એટલે પ્રોમિસ આપો તો એવું આપો કે તમને પોતાને એ પ્રોમિસ કેમનું પૂરું કરીશ એવી ચિંતા રહે અથવા પ્રોમિસ એવાને આપો કે જેણે ‘કોણીએ ગોળ’ વાળો રૂઢિપ્રયોગ સાંભળ્યો ન હોય.

વચનો ટૂંકા ગાળાનાં અને લાંબા ગાળાનાં હોય છે. ટૂંકાગાળાના વચન આપવા જોખમી હોય છે. મુંબઈ અમદાવાદ વચ્ચે વધુ એક ટ્રેન તાત્કાલિક ચાલુ કરાવવા કરતાં અમુક-તમુક વર્ષો પછી બુલેટ ટ્રેન ચાલુ કરાવવાનું પ્રોમિસ આપવું સહેલું છે. એટલે જ લાંબા ગાળાના વચનોમાં બાબા લાખ, તો સામે બચ્ચા સવા લાખ કહેવામાં ઘડીનો વિલંબ ન કરવો.

શેરબજાર એ વાયદાનો વેપાર છે. કોમ્પ્યુટર આવ્યું એ પહેલા શેરબજારમાં હાથના ઇશારાથી સોદા થતાં હતા. દિવસમાં લાખો રૂપિયાનો માલ ઈશારામાં આપ-લે થઇ જતો. વ્યવહારમાં આવું થતું નથી. ગર્લફ્રેન્ડને ‘જા દસ તોલાનો હાર આપ્યો’, અને સાંજે ભાવ ફેર થાય ત્યારે પાછો લઈને નફો બુક કરાતો નથી. એમાં તો ડીલીવરી કરવી પડે છે. મૂળ તકલીફ ત્યાં છે. જોકે વાયદો આપ્યા પછી જવાબદારીમાંથી છટકવાનો એક અમદાવાદી બ્રાન્ડ અકસીર મંત્ર છે – ‘કોને આપ્યા અને તમે રહી ગયા?’

આપવાવાળાની શાખ સારી ન હોય તો લેવાવાળો ભાગતા ભૂતની ચોટલી લેખે જે મળે તે લઈ લેવામાં માને છે. બધા ભગવાન શ્રીકૃષ્ણ નથી હોતાં કે જે મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને ન્યાલ કરી દે. અહીં તો આપવાનું આવે ત્યારે ફૂલ તો નહિ જ અને ફૂલની પાંખડી જ આપવાની, અને એ પણ ફૂલબજારમાં સાફસૂફી ચાલતી હોય ત્યાંથી ઉઠાવીને બારોબાર પધરાવે એવા નમૂના હોય છે. અમુક નંગ અમિતાભ બચ્ચનની ફીલ્મ ‘શરાબી’ના આ ડાયલોગ તૌફા દેનેવાલે કી નિયત દેખી જાતી હૈ, તૌફે કી કીમત નહિ... નો દુરુપયોગ કરી રિસેપ્શનમાં આઠસો રૂપિયાની ડીશ જમ્યા પછી રોકડ ચાંલ્લો કરવાના બદલે સુખી દામ્પત્યજીવન માટે લાખ રૂપિયાની સલાહો આપતી રૂપિયા પંચાવનનાં મૂલ્યની પુસ્તિકાઓ ગરબડીયા અક્ષરે સહી કરીને પકડાવી જાય છે. આ અમુલ્ય હસ્તાક્ષરને પરિણામે એ પુસ્તિકા રિસાયકલ કરી બીજા લગ્નમાં ઠપકારવાની આશા પર પાણી ફરી વળે છે.

હિન્દીમાં જોકે એવું કહે છે કે ઉમ્મીદ પર દુનિયા કાયમ હૈ. એટલે જ હથેળીમાં ચાંદ દેખાડનાર છે તો જીવનમાં કંઈક આશા રહે છે, બાકી હાથની રેખાઓને ભરોસે રહીએ નર્વસનેસને કારણે ભીની થયેલી હથેળીથી કપાળ કુટવાનો જ વારો આવે ! 

મસ્કા ફન

એમાં મત છે, એટલે અનામત છે.

આપણે રહસ્યપ્રિય છીએ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૨-૦૮-૨૦૧૫ | અધીર અમદાવાદી |

મારી આગળ એક છોકરી ચાલતી જતી હતી. એની ચાલ પરથી લાગતું હતું કે એણે ક્યાં જવું છે એ એને ચોક્કસ ખબર છે. એણે લેમન યેલો કલરનો ચુસ્ત પંજાબી ડ્રેસ પહેર્યો હતો જેમાંથી શરીરના વળાંકોની આસાનીથી નોંધ લઈ શકાય. એનાં ખભા ઉપર ક્રિમસન રેડ કલરનું પર્સ લટકાવેલું હતું. પર્સમાં કોઈ બોથડ પદાર્થ હોય તેવું જણાતું હતું. એનાં વાળ છુટ્ટા હતા, પણ છતાં કાનમાં પહરેલી સિલ્વર રંગની ઓક્સીડાઈઝ બુટ્ટી દેખાતી હતી. પાછળથી એ બેહદ ખુબસુરત લાગતી હતી. હું એનો ચહેરો કેવો દેખાતો હશે એ અંગે હજુ અંદાજ બાંધુ તે પહેલાં અચાનક એ ડાબી તરફ વળી. સામે જ એક શોરૂમ હતો. એ શો રૂમમાં ઘુસી ગઈ. જાણે કોઈ અગમ બળ ખેંચી જતું હોય એમ હું એની પાછળ પાછળ શોરૂમમાં ગયો. પણ અંદર દાખલ થતાં જ હું એકદમ ચકિત થઈ ગયો. આગળની વાત આવતાં અઠવાડિયે ! પ્રોમિસ ! માધુરીના સમ !

સાચું કહો, ગુસ્સો આવ્યો ને? પણ જો તમે ટીવી પર સીરીયલ જોતાં હશો તો ચોક્કસ અમને માફ કરી દેશો. કારણ કે એમાં ડગલે અને પગલે આમ સસ્પેન્સ ઉભું કરીને પછી વધુ આવતા અંકે લટકાવી દેવામાં આવે છે. રામાયણ અને મહાભારત જેવી સિરિયલોમાં તો આગળ શું બનવાનું છે એ દર્શકોને ખબર હોવા છતાં સિરિયલ બનાવનાર સફળતાપુર્વક દર્શકોને આવતાં અઠવાડિયા માટે અંકે કરી લેતાં હતા. 
 
પણ આ આખી વાત બાહુબલિ નામની ફિલ્મનાં કારણે ઉભી થઈ છે. આ ફિલ્મ ખાનસાહેબોનાં બનાવેલા બોક્સ ઓફિસ રેકોર્ડ્સ અને મનોબળ તોડી રહી છે. બાહુબલિ ફિલ્મમાં એક પ્રશ્ન લટકતો મુકાયો છે, કટપ્પાએ બાહુબલિને કેમ માર્યો? આનો જવાબ ફિલ્મના બીજા ભાગમાં મળશે. આજકાલ સોશિયલ મીડિયા પર આ સસ્પેન્સ બાબતે અનેક અટકળો થઈ રહી છે. કારણ કે મૂળભૂત રીતે આપણે રહસ્યપ્રિય છીએ.

જિંદગી ખુદ એક સસ્પેન્સ છે. આવું પ્લેટોએ નથી કહ્યું, આવું અમે કહીએ છીએ. સસ્પેન્સની શરૂઆત ગર્ભધારણથી થઈ જાય છે. હિન્દી પિકચરમાં તો આ સમાચાર જયારે હિરોઈન હીરોને આપે ત્યારે ક્યાં તો ખુશીના માર્યા બેકગ્રાઉન્ડમાં તંબુરા તતડવા લાગે છે, અથવા આકાશમાંથી વીજળી પડે છે - હિરોઈન કે હિરોઈનનાં બાપના માથા પર જ તો ! તંબુરાવાળા કિસ્સામાં વાત આગળ વધીને બાબો આવશે કે બેબી આવશે એ સસ્પેન્સ ઉપર ઉભી રહે છે. એટલું જ નહિ ક્યારે આવશે એ પણ એક સસ્પેન્સ હોય છે. આ સસ્પેન્સ પાછું ક્યારેક વહેલું કે મોડું ખુલે છે. ક્યારેક બેબી વહેલી આવીને ઘરમાં દોડાદોડી કરાવી દે છે. એ પછી કઈ સ્કુલમાં એડ્મિશન મળશે, એટીકેટીમાંથી આ વખતે ક્લીયર કરશે? નોકરી મળશે? તડબુચ મીઠું નીકળશે? કેવી છોકરી મળશેથી લઈને સાંજે ઘેર આવીશ તો ચા મળશે કે નહિ મળે જેવી બાબતોમાં સસ્પેન્સ આપણો પીછો છોડતું નથી.

હિન્દી ફિલ્મોમાં તો હીરો વિલનનો પીછો કરે ત્યારે એ વિલનને પકડી શકશે કે કેમ એ સસ્પેન્સ હોય છે, જે મોટા ભાગે બધાને ખબર હોય છે. કે પકડી પાડશે. આથી વિરુદ્ધ જયારે વિલન હીરો કે હિરોઈનની પાછળ પડ્યો હોય ત્યારે એ બચીને ભાગી શકશે કે કેમ એ જોનાર માટે એક સસ્પેન્સ હોય છે. આમ તો બીબાઢાળ ફિલ્મો જોવામાં રૂપિયા વસુલ થશે કે કેમ એ સસ્પેન્સ કાયમ પ્રજાને સતાવે છે.

સસ્પેન્સ ફિલ્મ જોવામાં સૌથી વધારે ડર વિલનનો નથી લાગતો. કોથળામાંથી બિલાડું નીકળે એનો લાગે છે. પોપોકોર્નને બાદ કરતાં માથાદીઠ દોઢસો ખર્ચીને મલ્ટીપ્લેક્સ ગયા હોઈએ અને ઉત્સાહથી સસ્પેન્સ અંગે ધારણા કર્યા બાદ અંતે ખબર પડે છે કે, અલા સસ્પેન્સ તો મધ્યાહ્ન યોજનામાં પીરસાતાં ભોજન જેવું, ગળે ઉતરે નહિ તેવું, છે. સરકારનું બજેટ પણ એક ભારે સસ્પેન્સ થ્રીલર જેવું હોય છે. બજેટનું સસ્પેન્સ સમજવા માટે વિશ્લેષકોની મદદ લેવી પડે છે. નોકરીમાં ઇન્ક્રીમેન્ટ અને બોનસ બાબતે કંપની છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખતી હોય છે, અંતે તો એકાદ-બે ચમચાનાં કોથળામાંથી ઘઉં ચોખા નીકળે છે, બાકીનાઓનાં કોથળામાંથી બિલાડું નીકળે તેને પરાણે મ્યાઉ-મ્યાઉ કરીને રમાડવું પડે છે.

ગુલઝારજીએ લખ્યું છે કે ‘આપકી આંખોમે કુછ મહેંકે હુએ સે રાઝ હૈ’. ગુલઝાર સહીત બીજાં અગણિત કવિઓને હસીનાઓની આંખોમાં રાઝ જણાય છે. જોકે કવિ અહીં ટૂંકમાં એવું કહેવા માંગે છે કે આ આઈટમ અઘરી અને સમજાય નહીં તેવી છે. એટલે જ એનાં ભૂતકાળ વિષે જાણવાની કોશિશ કરવી નહિ. એ મનોમન શું ઈચ્છે છે તે જાણવાની કોશિશ કરતાં હોઈએ એવો દેખાવ જરૂર કરવો, પણ એમ કરવામાં ખોટું પેટ્રોલ બાળવું નહિ. કારણ કે સ્ત્રીના મનને રજનીકાંત પણ સમજી શક્યો નથી, આપણે તો સામાન્ય માણસ છીએ.

સ્ત્રીઓની બાબતમાં અન્ય એક વાત પણ નોંધવા લાયક છે. બ્રિટનમાં ૩૦૦૦ સ્ત્રીઓ પર થયેલા એક અભ્યાસ મુજબ સ્ત્રીઓ કોઈ પણ વાત ૪૭ કલાકથી વધુ પોતાનાં પેટમાં નથી રાખી શકતી. બ્રિટન કરતાં ભારતમાં સોશિયલાઈઝિંગ વધારે હોઈ ભારતીય સ્ત્રીઓ કદાચ ૪૭ કલાકને બદલે ૨૪માં વટાણા વેરી નાખતી હશે. ટૂંકમાં કહીએ તો સ્ત્રીઓ સસ્પેન્સ સાથે જીવી નથી શકતી, એ ન બોલે તો એમનું તાળવું બોલે છે. ખાલી બોલતું નથી, બોલબોલ કરે છે!

એલીસ્ટર મેકલીનનાં ‘નાઈટ વિધાઉટ એન્ડ’ અને ‘વ્હેર ઇગ્લ્સેવ ડેર’ જેવા અશ્વિની ભટ્ટ અનુવાદિત પુસ્તકોથી અમારી સસ્પેન્સ થ્રીલર યાત્રા શરુ થઈ હતી. અંગ્રેજીમાં આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મો અને શેરલોક હોમ્સની વાર્તાઓ. જૂની હિન્દી ફિલ્મોમાં ‘વોહ કોન થી?’, ‘ગુમનામ’, ‘બીસ સાલ બાદ’ ‘બાત એક રાત કી’, ‘ઇત્તેફાક’ જેવી મઝાની સસ્પેન્સ ફિલ્મો. આ બધામાં એક વાત કોમન હતી. લગભગ દરેકમાં ફિલ્મમાં સસ્પેન્સ સાવ છેલ્લે ખુલે છે! એક જમાનામાં સસ્પેન્સ ફિલ્મનું સસ્પેન્સ જેણે ફિલ્મ ન જોઈ હોય એને કહી દેવાની મઝા પણ કંઈ ઓર જ હતી. આજે એ સ્પોઈલર કહેવાય છે. જોકે પાંડુ પુત્ર સહદેવ કદી સસ્પેન્સ ફિલ્મ જોવા જતો નહિ હોય કારણ કે એને બધા જ સસ્પેન્સ પહેલેથી જ ખબર પડી જતાં હશે. આ તો એક વાત છે !

આમ તો મૌન પણ સસ્પેન્સ ઉભું કરે છે, બોલવામાં બાહોશ એવા પ્રધાનમંત્રી મૌન રાખે ત્યારે તો ખાસ ! વિરોધપક્ષની આ ખૂબી અમને ગમી. આપણા પ્રધાનમંત્રી બોલે ત્યારેય એનો વિરોધ કરે છે અને મૌન રહે ત્યારે પણ !