Wednesday, April 13, 2016

ઢેબરાં પર ચીઝ લગાડવાથી એ પીઝા નથી બની જતાં !

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૩-૦૪-૨૦૧૬

આજનો ગુજરાતી કેવો છે? સ્ટેડીયમમાં સિઝન ટીકીટ લઈને પાંચ દિવસની ટેસ્ટમેચ જોવા તો સૌ જાય; પણ ભારત ત્રણ દિવસમાં મેચ જીતી જાય, તો ય દુઃખી થાય એ ગુજરાતી! વર્લ્ડટુર પર તો આખી દુનિયા જાય; પણ વર્લ્ડટુરમાં જે વેનિસ જઈ વેઢમી અને પેરિસમાં પાતરા શોધે તે ગુજરાતી! કસરત કરીને મસલ્સ તો સૌ બનાવે; પણ લોકોને કસરત કરાવી પોતાનું બેન્ક બેલેન્સ બનાવે એ ગુજરાતી! પરસેવો પાડીને રૂપિયા તો સૌ કમાય છે; પણ એ જ પરસેવામાંથી પાછું મીઠું પકવે એ ગુજરાતી! ચીઝ લગાડીને પીઝા તો આખી દુનિયા ખાય; પણ ઢેબરાં પર ચીઝ લગાડીને ખાય એ ગુજરાતી!

હા, ચીઝ-ઢેબરાં જેવી શોધ ગુજરાતી જ કરી શકે.

ઇનોવેશન એ ગુજરાતીઓની ખાસિયત છે. નાસ્તામાં તો ડીપ-ટોપિંગ-એકમ્પનીમેંટ તરીકે અત્યાર સુધી ચટણી, સંભારો અને તળેલા મરચાં રહેતા. હવે કોઈપણ વાનગીને અલગ ટચ આપવા માટે ચીઝ, સેવ અને ચોકલેટ ધાબેડવામાં આવે છે. પહેલા ‘ખારી’ તરીકે ઓળખાતી પડવાળી બિસ્કીટ મળતી હતી. પછી એમાં બટાટા-વટાણાનું પૂરણ ભરીને પફ-પેટીસ નામે વેચાવાની ચાલુ થઇ. હવે પફ ઉપર કેચપ (એટલે કોળાની ચટણી હોં કે) પાથરીને ઉપર ડુંગળી, સેવ અને કોથમીર નાખીને ડીશ તરીકે પીરસવામાં આવે છે. ચોકલેટના ભજીયા નથી ઉતરતા એવું કહેવાનું અમે રિસ્ક નથી લેવા માંગતા કારણ કે સુરતમાં આખા અનાનસના ભજીયા બનતા હોય તો પણ નવાઈ નહિ! ભાજીપાઉં અને પાણી-પુરીની ફ્લેવરવાળા ખાખરા તો અમદાવાદમાં મળે છે અને ચોકલેટ સેન્ડવિચ પણ મળે છે. લોકો બટાકા પૌઆ, પફ, અને સેન્ડવીચ ઉપર પણ સેવ નખાવે છે! અલા, પણ શું છે? સેન્ડવિચનો શોધક અર્લ ઓફ સેન્ડવીચ જ્હોન મોન્ટાગ્યુ આ જોશે તો એને સ્વર્ગમાં આંચકા આવશે.

બાકી જેટલા અખતરા આપણે ત્યાં વાનગીઓ પર થયા છે એટલા અખતરા વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં કર્યા હોત તો અત્યારે મંગળ પર ગુજરાતીઓના પાનના ગલ્લા અને લોચા-ગાંઠીયાની દુકાનો હોત. વાનગીઓ પરના અખતરામાં લગ્ન પ્રસંગના કેટરર્સનો પણ મોટો હાથ છે અને એમને ચગાવવામાં મહેમાનો કૈંક નવું ખવડાવીને ચકિત કરી દેવા થનગનતા માલદાર યજમાનોનો ટાંગો છે. પછી તો મારા બેટા નોવાઈસ ડીશના નામે આપણને ચાઇનીઝ સમોસા, ચાઇનીઝ ભેળ અને ચાઇનીઝ ઢોકળા પણ ખવડાવી ગયા! લોકો પણ પ્રસંગમાં ઉતાવળે હાજરી પુરાવવા આવતા હોય છે એટલે આ ‘ડોબીનો અક્કલીયાનો મઠ્ઠીનો’ નામની વાનગી કયા દેશની છે એ પૂછવાનો ભોજીયા ભ’ઇ પાસે ય ટાઈમ ક્યાં છે? બધાય ખાઈ, ચાંલો કરી અને નિમંત્રકને ‘ફૂડ ટોપ હતું’ કહીને હાલતા થાય છે. એમાં કેટરર્સને ફાવતું જડ્યું છે. અમે તો કહીએ છીએ કે આટલેથી શુ કામ અટકો છો? ખમણ સાથે કઢીના બદલે ચોકલેટ સોસ આપો, શીરા ઉપર ચીઝ નાખો, ચાઇનીઝ ખાંડવી બનાવો, દાળ-ઢોકળીમા ડ્રાયફ્રુટનાખો, કાજુ કતરીના બે ચકતા વચ્ચે કોથમીરની ચટણી ભરીને સેન્ડવીચ કાજુ કતરી બનાવો, ઇટાલિયન પાતરા બનાવો, મેક્સિકન મુરબ્બો બનાવો, થાઈ હાંડવો બનાવો! કે...બી...સી... - કોના બાપની ક્રિસમસ! હોવ... આપણે ક્યાં ગજવામાંથી કાઢવાના છે! અને જ્યાં સુધી તમે અમને ચોપસ્ટીકથી ચાઇનીઝ ખીચડી ખાવાની ફરજ નહિ પાડો ત્યાં સુધી અમે પણ તમારા બધા અખતરા વધાવી લઈશુ! અમારે ય ક્યાં ગજવામાંથી કાઢવાના છે? ચાંલો પણ વહેવારે થતો હોય એટલો જ કરવાનો છે! 

જોકે આ જૂની વાનગી ઉપર ચોકલેટ સોસ રેડવો કે ચીઝ અને સેવ ભભરાવીને નવી વાનગી તરીકે પેશ કરવી એ ડોશીને ફટાકડી બનાવીને હિરોઈનમાં ખપાવવાનો સફળ પ્રયત્ન છે. બાકી અંદર તો હેમનું હેમ હોયે. ઢેબરા પર ચીઝ લગાડવાથી એ પીઝા નથી બની જતાં. પીઝાનું પોતાનું આગવું સ્થાન છે. ચીઝ ઢેબરાના પ્રતિકથી સંત અધીરેશ્વર એવો સંદેશ આપે છે કે ઢેબરાઓએ પીઝા બનવાની જરૂર નથી. અમેરિકાથી કંપનીઓ ભારતમાં આવીને પનીર પીઝા અને જૈન પીઝા એટલે જ બનાવતી થઈ ગઈ છે. તો સામે ઢેબરા પર ચીઝ લગાડવામાં કશું અજુગતું નથી. એક જમાનામાં કાકા (રાજેશ ખન્ના)એ પેન્ટ પર ઝભ્ભાની ફેશન કાઢી જ હતી. અત્યારે પણ જીન્સ પર કુરતી પહેરાય છે. લેંઘા પર ટી-શર્ટ પહેરીને અને ચડ્ડી પર શર્ટ પહેરીને ફરવામાં કમ્ફર્ટ છે. જેવી જેની મરજી.

સદભાગ્યે આ બધા વચ્ચે આપણું ગુજરાત અને ગુજરાતીપણું અકબંધ છે. શત્રુઘન સિન્હા વિશેની એક દંતકથા એવી છે કે એમણે એમની નકલ કરતા એક નવોદિત કલાકારને કહેલું કે ‘અપની ઓરીજીનાલીટી કો મત ગંવાના. ઇન્ડસ્ટ્રી મેં એક શત્રુઘન બોજ બના હુઆ હૈ, દૂસરા આયેગા તો ટૂટ જાએગી.’ વાત આપણી ઓરીજીનાલીટીની છે અને એ સલામત છે. એટલે જ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’ કહેવાયું છે. ગુજ્જુ ભાઈને પલાળો, ધોકાથી ધૂઓ, વોશિંગ મશીનમાં ઘુમાવો, તડકે મુકો, એસીડમાં બોળો, દરિયામાં નાખો, અમેરિકા મોકલો કે પછી ચંદ્ર પર મોકલો – એ ગુજરાતી જ રહેવાનો. આ છે ‘ખુશ્બુ ગુજરાત કી’. છેલ્લે દૂરદર્શન પર આવતી ચ્યવનપ્રાશની એક જૂની એડ યાદ આવે છે જેમાં ડૉ શ્રીરામ લાગૂની ટેગ લાઈન હતી કે ‘જો ખરા હૈ, વો કભી નહિ બદલતા...’ અને દૂનિયામાં તમને ક્યારેય કોઈ માણસને જોઇને આશ્ચર્ય થાય કે ‘ખરો માણસ છે આ!’ તો એને સાચવીને પૂછી લેજો કે ‘તમે ગુજરાતી છો?’

મસ્કા ફન
ભર ઉનાળામાં ગાયને RO Plant નું પાણી પીવડાવે એ યુવાનને મૂંગી અને કહ્યાગરી પત્ની મળે છે.

Wednesday, April 06, 2016

મારા સ્વપ્નનું અમદાવાદ : કૂતરાની નજરે


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૬-૦૪-૨૦૧૬

મારા સ્વપ્નનું અમદાવાદ કેવું હોય એવો નિબંધ જો કોઈ કૂતરો લખે તો એ કેવો હોય એની અમે થોડી કલ્પના કરી છે. કોઈ વ્યક્તિ કેવું વિચારે છે એ જાણવા માટે તમારે એના જૂતાંમાં પગ નાખીને જોવું પડે છે એવું વિદ્વાનો કહે છે. જોકે અમારા બે જણાના મળીને ચાર પગ થાય છે અને કૂતરાને પણ ચાર પગ હોય છે, પણ કૂતરા ઉઘાડપગા ફરતા હોય છે માત્ર એ કારણે, અમે ફક્ત કલ્પનાથી કામ ચલાવ્યું છે.

ભારતના રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ કહેતા કે “સ્વપ્નું એ નથી જે તમે ઊંઘતી વખતે જુઓ છો, બલ્કે સ્વપ્નું એ છે કે જે તમને સુવા ન દે.” જ્યારથી આ વાત અમારા દિમાગમાં પેઠી છે ત્યારથી અમારી દશા બેઠી છે. અડધી રાત્રે સફાળા જાગી જવાય છે, જાગ્યા પછી ભસાઈ જાય છે અને પછી ક્યાંકથી ચંપલ અને ક્યાંકથી પથ્થરો આવવા માંડે છે. જીવ બચાવીને ક્યાંક ખૂણામાં ભરાયા પછી વિચાર આવે છે કે આ એ અમદાવાદ નથી, જેના અમારા બાપ-દાદાઓએ સપના જોયા હતા!

અમારા બાપ-દાદાના સ્વપ્નનું અમદાવાદ તો એવું હોય જેમાં અમે કનડગત વગર યથેચ્છ વિહાર કરી શકીએ. તમને થશે કે અમે તો અમારી મરજી મુજબ વિચરીએ જ છીએ ને! અહીં તમારી ભૂલ થાય છે. અમે અમારી મરજીના માલિક નથી. અમારો જન્મ થાય ત્યારે તો અમે સોસાયટી અને ફ્લેટના બાળકો અને બાળાઓના હવાલે હોઈએ છીએ, પણ એ જ બાળા મોટી થાય અને ઘરની બહાર નીકળીને મોબાઈલ પર વાત કરતી હોય ત્યારે એની સામે કલ્લાક સુધી પૂછડી હલાવી હલાવીને તૂટી જઈએ તો પણ કશું ખાવાનું મળતું નથી! આ ઉપરાંત અમે કારની નીચે સૂતા હોઈએ તો કારચાલક કોઈપણ પૂર્વ-ચેતવણી વગર કાર હાંકી જાય છે. અમારા જાતભાઈ કાળુનો પગ એમાં જ ભાંગી ગયો છે તે હજુ ઘસડાતો ચાલે છે.

ફ્લેટ સિસ્ટમ આવ્યા પછી તો અમને સૌથી વધુ ઓટલાની ખોટ સાલે છે. ઓટલા હતાં તો એની પર બેસીને આવતી જતી લાલી, કાબરી કે ટીલુડીને નીરખવાની મજા હતી. પણ હવે તો ફ્લેટના સિક્યોરીટીમેનનો હાથ અમને જોઇને સીધો ચંપલ પર જ જાય છે. જો કે એના ચંપલથી અમારી ગર્લફ્રેન્ડને પાર્ટી આપી શકાય, પરંતુ અમારી એ આશા કારગર નીવડતી નથી. અમે ડરીને ભાગી જઈએ એટલે પાછો એ ચંપલ પહેરી લે છે. આમાં ‘જો સિક્યોરીટીવાળો ચંપલ પહેરીને ફરતો હોય તો ચોર પાછળ એ દોડશે કઈ રીતે?’ એ તો કોઈ વિચારતું જ નથી. ખરેખર તો અમે રાત-રાતભર ભસી અને રસ્તા ઉપરથી જતા બાઈકધારીઓની પાછળ દોડીને સિક્યોરીટીનું કામ કરીએ છીએ. પોલીસ પણ નાઈટ ડ્યુટીમાં અમારા લીધે નિશ્ચિંત બનીને ઇન્ટરસેપ્ટર વાહનની બારીમાંથી પગ બહાર દેખાય લટકાવી સુઈ જાય છે. છતાં અમારી કદર કોઈ કરતુ નથી.

અમદાવાદમાં ડબલ-લેન અને ફોર લેન રસ્તાઓ વધી ગયા છે એના લીધે અમારા માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. અન્ડર-ગ્રાઉન્ડ કેબલ અને વાયરલેસના જમાનામાં સ્ટ્રીટલાઈટ સિવાય બીજા થાંભલા તો હવે રહ્યા જ નથી. સિંગલ લેન રસ્તા હતા ત્યારે થાંભલા એક સાઈડ પર રહેતા, પણ મલ્ટી-લેન રસ્તાઓને લીધે લાઈટના થાંભલા રોડની વચ્ચોવચ હોય છે. અત્યારે તો ભારે ટ્રાફિક વચ્ચેથી જીવના જોખમે થાંભલા સુધી પહોંચવું પડે છે અને કામ પણ ઊંચા જીવે પતાવવું પડે છે. એટલે જ અમે વાહનો તરફ વધુ ઢળ્યા છીએ.

અમે સૌથી વધુ તો માજીઓને મિસ કરીએ છીએ. માજીઓ હતી તો અમારે જ નહિ ગાય અને કાગડાને પણ ખાવા-પીવાની શાંતિ હતી, કારણ કે એ લોકો ઘરના જમવાના સાથે અમારા માટે પણ રોટલી-ભાખરી બનાવતી. હવે પહેલાં જેવી ધોળાવાળ-સાડલાધારી માજીઓ ખાસ દેખાતી નથી. જેને જુઓ એ જીન્સ-ટોપ કે સલવાર-કમીઝ પહેરીને જ ફરતું હોય છે. અમે તો શું છોકરાઓ પણ કન્ફયુઝ થઈ જાય છે. નવી માજીઓ ક્યાંથી લાવવી એ પણ એક સમસ્યા છે! હવે તો ૫૦-૫૫ વર્ષની છોકરીઓ આગળ આવે તો મેળ પડે. બીજું, ઘરમાં રસોઈ પણ માપની જ બનતી થઇ ગઈ છે. એકવાર અમારો લાલિયો એક ખુલ્લા ઘરમાંથી ત્રણ ચાર ભાખરી ઉઠાવી લાવ્યો તો એ રાત્રે આખું ઘર બહાર જમવા ગયેલું! આ સંજોગોમાં ઘરની ૫૫ વર્ષથી ઉપરની સ્ત્રીઓ માટે અગાઉ માજીઓ કરતી હતી એ તમામ કામગીરી કરવી ફરજીયાત થઇ જાય તો જ અમદાવાદની અસ્મિતા પાછી આવે!

આજકાલ માનભેર ભોજન કરવાનું પણ અમારા નસીબમાં નથી! હવે તો રાતના અંધારામાં ‘નો-પડોશીઝ લેન્ડ’માં એંઠવાડ ઠાલવવાનો રીવાજ ચાલે છે. એમાં વહેલો તે પહેલોના ધોરણે જે પહોંચે એ ખાટે અને બાકીના પ્લાસ્ટીકની કોથળીઓ ચાટે એવું થાય છે! અમુકવાર તો અંધારામાં ચાના કુચા ખવાઈ જાય છે. અમને ટેન્ડરીયા કોન્ટ્રકટરોની જેમ મેળાપીપણામાં ‘રીંગ’ કરતા પણ આવડતું નથી. એટલે અમે તો કહીએ છીએ કે મુન્સીટાપલીએ એવી મોબાઈલ ‘એપ’ ડેવલપ કરવી જોઈએ કે જે કૂતરાનો વારો હોય એનું નામ સોસાયટીના એલ.ઇ.ડી. બોર્ડ પર ફ્લેશ થાય. આમ થવાથી અમારે અંદર અંદર લડાઈઓ ઘટશે અને પ્રજા શાંતિથી ઉંધી શકશે.

આ ઉપરાંત મુન્સીટાપલી દ્વારા અમારા સંતતિ નિયમનના વ્યર્થ પ્રયાસો કરવામાં આવે છે. એમાં રૂપિયા બગડ્યા વગર અમારા માટે હોસ્ટેલ, સ્પા, સ્વીમીંગપુલ, જીમ, યોગા કલાસીસ જેવું કરવામાં આવે. ખાસ કરીને અમારા જાતભાઈઓને ગમે તેની સામે ખાવાની આશાએ પૂંછડી હલાવવાની ટેવ છે, તે દૂર થાય તેવા જાગૃતિ અભિયાન કરવામાં આવે. જોકે આ ટેવ તો માણસમાં પણ છે, એ અલગ વાત છે. ●

મસ્કા ફન વેસ્ટ ઇન્ડીઝની ટીમે અંગ્રેજોને T20ની ફાઈનલમાં એ સમજાવ્યું કે ‘બૂચ’ શબ્દ એ માત્ર અટક નથી !