Wednesday, April 06, 2016

મારા સ્વપ્નનું અમદાવાદ : કૂતરાની નજરે


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૬-૦૪-૨૦૧૬

મારા સ્વપ્નનું અમદાવાદ કેવું હોય એવો નિબંધ જો કોઈ કૂતરો લખે તો એ કેવો હોય એની અમે થોડી કલ્પના કરી છે. કોઈ વ્યક્તિ કેવું વિચારે છે એ જાણવા માટે તમારે એના જૂતાંમાં પગ નાખીને જોવું પડે છે એવું વિદ્વાનો કહે છે. જોકે અમારા બે જણાના મળીને ચાર પગ થાય છે અને કૂતરાને પણ ચાર પગ હોય છે, પણ કૂતરા ઉઘાડપગા ફરતા હોય છે માત્ર એ કારણે, અમે ફક્ત કલ્પનાથી કામ ચલાવ્યું છે.

ભારતના રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ કહેતા કે “સ્વપ્નું એ નથી જે તમે ઊંઘતી વખતે જુઓ છો, બલ્કે સ્વપ્નું એ છે કે જે તમને સુવા ન દે.” જ્યારથી આ વાત અમારા દિમાગમાં પેઠી છે ત્યારથી અમારી દશા બેઠી છે. અડધી રાત્રે સફાળા જાગી જવાય છે, જાગ્યા પછી ભસાઈ જાય છે અને પછી ક્યાંકથી ચંપલ અને ક્યાંકથી પથ્થરો આવવા માંડે છે. જીવ બચાવીને ક્યાંક ખૂણામાં ભરાયા પછી વિચાર આવે છે કે આ એ અમદાવાદ નથી, જેના અમારા બાપ-દાદાઓએ સપના જોયા હતા!

અમારા બાપ-દાદાના સ્વપ્નનું અમદાવાદ તો એવું હોય જેમાં અમે કનડગત વગર યથેચ્છ વિહાર કરી શકીએ. તમને થશે કે અમે તો અમારી મરજી મુજબ વિચરીએ જ છીએ ને! અહીં તમારી ભૂલ થાય છે. અમે અમારી મરજીના માલિક નથી. અમારો જન્મ થાય ત્યારે તો અમે સોસાયટી અને ફ્લેટના બાળકો અને બાળાઓના હવાલે હોઈએ છીએ, પણ એ જ બાળા મોટી થાય અને ઘરની બહાર નીકળીને મોબાઈલ પર વાત કરતી હોય ત્યારે એની સામે કલ્લાક સુધી પૂછડી હલાવી હલાવીને તૂટી જઈએ તો પણ કશું ખાવાનું મળતું નથી! આ ઉપરાંત અમે કારની નીચે સૂતા હોઈએ તો કારચાલક કોઈપણ પૂર્વ-ચેતવણી વગર કાર હાંકી જાય છે. અમારા જાતભાઈ કાળુનો પગ એમાં જ ભાંગી ગયો છે તે હજુ ઘસડાતો ચાલે છે.

ફ્લેટ સિસ્ટમ આવ્યા પછી તો અમને સૌથી વધુ ઓટલાની ખોટ સાલે છે. ઓટલા હતાં તો એની પર બેસીને આવતી જતી લાલી, કાબરી કે ટીલુડીને નીરખવાની મજા હતી. પણ હવે તો ફ્લેટના સિક્યોરીટીમેનનો હાથ અમને જોઇને સીધો ચંપલ પર જ જાય છે. જો કે એના ચંપલથી અમારી ગર્લફ્રેન્ડને પાર્ટી આપી શકાય, પરંતુ અમારી એ આશા કારગર નીવડતી નથી. અમે ડરીને ભાગી જઈએ એટલે પાછો એ ચંપલ પહેરી લે છે. આમાં ‘જો સિક્યોરીટીવાળો ચંપલ પહેરીને ફરતો હોય તો ચોર પાછળ એ દોડશે કઈ રીતે?’ એ તો કોઈ વિચારતું જ નથી. ખરેખર તો અમે રાત-રાતભર ભસી અને રસ્તા ઉપરથી જતા બાઈકધારીઓની પાછળ દોડીને સિક્યોરીટીનું કામ કરીએ છીએ. પોલીસ પણ નાઈટ ડ્યુટીમાં અમારા લીધે નિશ્ચિંત બનીને ઇન્ટરસેપ્ટર વાહનની બારીમાંથી પગ બહાર દેખાય લટકાવી સુઈ જાય છે. છતાં અમારી કદર કોઈ કરતુ નથી.

અમદાવાદમાં ડબલ-લેન અને ફોર લેન રસ્તાઓ વધી ગયા છે એના લીધે અમારા માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. અન્ડર-ગ્રાઉન્ડ કેબલ અને વાયરલેસના જમાનામાં સ્ટ્રીટલાઈટ સિવાય બીજા થાંભલા તો હવે રહ્યા જ નથી. સિંગલ લેન રસ્તા હતા ત્યારે થાંભલા એક સાઈડ પર રહેતા, પણ મલ્ટી-લેન રસ્તાઓને લીધે લાઈટના થાંભલા રોડની વચ્ચોવચ હોય છે. અત્યારે તો ભારે ટ્રાફિક વચ્ચેથી જીવના જોખમે થાંભલા સુધી પહોંચવું પડે છે અને કામ પણ ઊંચા જીવે પતાવવું પડે છે. એટલે જ અમે વાહનો તરફ વધુ ઢળ્યા છીએ.

અમે સૌથી વધુ તો માજીઓને મિસ કરીએ છીએ. માજીઓ હતી તો અમારે જ નહિ ગાય અને કાગડાને પણ ખાવા-પીવાની શાંતિ હતી, કારણ કે એ લોકો ઘરના જમવાના સાથે અમારા માટે પણ રોટલી-ભાખરી બનાવતી. હવે પહેલાં જેવી ધોળાવાળ-સાડલાધારી માજીઓ ખાસ દેખાતી નથી. જેને જુઓ એ જીન્સ-ટોપ કે સલવાર-કમીઝ પહેરીને જ ફરતું હોય છે. અમે તો શું છોકરાઓ પણ કન્ફયુઝ થઈ જાય છે. નવી માજીઓ ક્યાંથી લાવવી એ પણ એક સમસ્યા છે! હવે તો ૫૦-૫૫ વર્ષની છોકરીઓ આગળ આવે તો મેળ પડે. બીજું, ઘરમાં રસોઈ પણ માપની જ બનતી થઇ ગઈ છે. એકવાર અમારો લાલિયો એક ખુલ્લા ઘરમાંથી ત્રણ ચાર ભાખરી ઉઠાવી લાવ્યો તો એ રાત્રે આખું ઘર બહાર જમવા ગયેલું! આ સંજોગોમાં ઘરની ૫૫ વર્ષથી ઉપરની સ્ત્રીઓ માટે અગાઉ માજીઓ કરતી હતી એ તમામ કામગીરી કરવી ફરજીયાત થઇ જાય તો જ અમદાવાદની અસ્મિતા પાછી આવે!

આજકાલ માનભેર ભોજન કરવાનું પણ અમારા નસીબમાં નથી! હવે તો રાતના અંધારામાં ‘નો-પડોશીઝ લેન્ડ’માં એંઠવાડ ઠાલવવાનો રીવાજ ચાલે છે. એમાં વહેલો તે પહેલોના ધોરણે જે પહોંચે એ ખાટે અને બાકીના પ્લાસ્ટીકની કોથળીઓ ચાટે એવું થાય છે! અમુકવાર તો અંધારામાં ચાના કુચા ખવાઈ જાય છે. અમને ટેન્ડરીયા કોન્ટ્રકટરોની જેમ મેળાપીપણામાં ‘રીંગ’ કરતા પણ આવડતું નથી. એટલે અમે તો કહીએ છીએ કે મુન્સીટાપલીએ એવી મોબાઈલ ‘એપ’ ડેવલપ કરવી જોઈએ કે જે કૂતરાનો વારો હોય એનું નામ સોસાયટીના એલ.ઇ.ડી. બોર્ડ પર ફ્લેશ થાય. આમ થવાથી અમારે અંદર અંદર લડાઈઓ ઘટશે અને પ્રજા શાંતિથી ઉંધી શકશે.

આ ઉપરાંત મુન્સીટાપલી દ્વારા અમારા સંતતિ નિયમનના વ્યર્થ પ્રયાસો કરવામાં આવે છે. એમાં રૂપિયા બગડ્યા વગર અમારા માટે હોસ્ટેલ, સ્પા, સ્વીમીંગપુલ, જીમ, યોગા કલાસીસ જેવું કરવામાં આવે. ખાસ કરીને અમારા જાતભાઈઓને ગમે તેની સામે ખાવાની આશાએ પૂંછડી હલાવવાની ટેવ છે, તે દૂર થાય તેવા જાગૃતિ અભિયાન કરવામાં આવે. જોકે આ ટેવ તો માણસમાં પણ છે, એ અલગ વાત છે. ●

મસ્કા ફન વેસ્ટ ઇન્ડીઝની ટીમે અંગ્રેજોને T20ની ફાઈનલમાં એ સમજાવ્યું કે ‘બૂચ’ શબ્દ એ માત્ર અટક નથી !

No comments:

Post a Comment