Wednesday, March 30, 2016

વિરોધ કરવાનો અધિકાર

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૩૦-૦૩-૨૦૧૬

રિઝર્વ બેંકે કરેલા વ્યાજદરમાં ઘટાડાના વિરોધમાં ભિખારીઓ હડતાલ પર જશે. વાળ કપાવવા પરના સર્વિસ ટેક્સનો ટાલીયા સમાજ દ્વારા વિરોધ. પગપાળા સંઘના પ્રમુખે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ટીકા કરી. ખૂદાબક્ષ મૂસાફરોએ ટ્રેનના ભાડા વધારા સામે આક્રોશ વ્યક્ત કર્યો. નાગાબાવાઓએ ફેશન શોનો વિરોધ કર્યો. સાલું, આજકાલ વિરોધની સીઝન છે. પાછું વિરોધ કરનાર લોકો મુખ્યમંત્રી બની રહ્યા છે એટલે વિરોધ કરનારનો રાફડો ફાટ્યો છે. હવે જે રીતે લોકો વિરોધ કરી રહ્યા છે એ જોતાં ટ્રેનના પાટે શૌચ કરનારા નવી ટ્રેનનો વિરોધ કરે એ દિવસો દુર નથી.

તમને લાગશે કે આવું તો હોતું હશે? બહુ બહુ તો લોકો વિરોધ વ્યક્ત કરવા શાહી કે જૂતાં ફેંકે, પણ કેટલીક એવી ઘટનાઓ બની છે એ જોતાં ભવિષ્યમાં આવું થશે તો નવાઈ નહિ થાય. જેમ કે અમરેલીમાં સુવર્ણકારો એ એક્સાઈઝના વિરોધમાં ભેંસ આગળ ભાગવત વાંચી સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. એક સુરતી લાલાએ મોંઘીદાટ એસયુવી કાર આગળ ગધેડું જોડી કાર કંપનીની આબરૂનું લીલામ કર્યું હતું. બેંગ્લોરના વટલ નાગરાજને પ્રમાણિકતા અને નિષ્ઠા માટે મનુષ્યો કરતાં પ્રાણીઓ યોગ્ય જણાતા બે ગધેડાઓને શણગારીને શાલ ઓઢાડીને એવોર્ડ આપ્યા હતા. એવું લાગે છે કે પ્રાણીઓ માટે ખેડૂતોને પણ ખુબ પ્રેમ છે. તાજેતરમાં જ અમદાવાદ નજીક ટામેટાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ ટામેટા ઢોરને ખવડાવી દીધાં હતાં. એમને માણસો સસ્તા ટામેટા ખાય એ ગમ્યું નહીં હોય કદાચ.

દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, પણ જે લોકો પોતાની પત્નીને ‘તારી સિરિયલનું રીપીટ ટેલીકાસ્ટ પતે એટલે મને રીમોટ આપજે તો હું શેરબજારના ભાવ જોઉં’ એટલું ખોંખારીને નથી કહી શકતા એ જેએનયુના વિદ્યાર્થીઓ અને ટ્વીટર પર કોક રેન્ડમ છોકરીના વાણી સ્વતંત્રતા અધિકાર અંગે રોદણાં રોવે ત્યારે સાલું લાગી આવે. અત્યારે આખા ભારતમાં, અને ખાસ કરીને ટીવી ચેનલો પર, વાણી સ્વતંત્રતા અંગે સંવાદ ચાલી રહ્યો છે. મંદિરની બહાર ભીખ માંગતા ભિખારીને ટીવી ચેનલવાળાએ પૂછ્યું, ‘શું તમને નથી લાગતું દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે?’ ભિખારીએ જવાબ આપ્યો કે ‘એ તો ખબર નથી, પણ આજકાલ અમારું ટીવી કવરેજ વધી રહ્યું છે એટલું ચોક્કસ છે’.

વિરોધ કરવો જ હોય તો એમાં મૌલિકતા હોવી જોઈએ. ભૂતપૂર્વ રેલ્વેમંત્રી અને બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ વિશેનો એક કિસ્સો બહુ જાણીતો છે. લાલુને તેના નવ સંતાનો હોવા અંગે જયારે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ત્યારે હું ઓપોઝીશનમાં હતો અને ઇન્દિરા ગાંધીએ ‘હમ દો હમારે દો’ સૂત્ર આપ્યું હતું. એનો વિરોધ કરવાની મારી ફરજ હતી’. બિચારા રાબડી દેવી. લાલુના વિરોધ કરવાના અધિકારના ચક્કરમાં એક્યાસી મહિના ચક્કર સહન કર્યા. જોકે લાલુએ પતિવ્રતા પત્ની રાબડી દેવીને આના બદલામાં ચીફ મીનીસ્ટર પદ આપ્યું.

હકીકતમાં વિરોધના મૂળમાં મોટેભાગે કોઈ ફરિયાદ હોય છે જેના વિષે વિરોધ કરનાર વ્યક્તિ કંઈ કહેવા માગતી હોય છે. પણ અમુક જગ્યાઓ એવી છે જ્યાં તમને કંઈ કહેવાનો મોકો જ નથી મળતો અથવા ખરેખર જોતાં તમને મોકો આપવામાં નથી આવતો. પત્ની સિવાય એક ઓટોમેટેડ વોઈસ મેસેજ સિસ્ટમ છે અને બીજા કોલ સેન્ટર્સ છે જે તમને બોલવાનો મોકો જ નથી આપતાં. તમારો અધિકાર ખાલી બટન દબાવવાનો. એકવાર તમે તમને મળેલો ઓપ્શન સિલેક્ટ કરી લો પછી પણ કામની કરતાં નકામી માહિતીનો ધોધ વહેતો હોય છે એવી પણ એક ફરિયાદ છે. આના વિરોધમાં લોકો કંપનીને ખરી-ખોટી સંભળાવવા માંગતા હોય છે પણ એનો ઓપ્શન મેનુમાં ઊંડે ધરબાયેલો હોય છે.

રેલ્વેમાં હવે ઇન્ક્વાયરીને બદલે ટચ સ્ક્રીન પર આંગળીઓ અડાડવાથી અગાઉથી નક્કી કરેલી માહિતી મળે એવા કિઓસ્ક આવી ગયા છે. આમાં, તમને પૂરક પ્રશ્નો પૂછવાની કે સંદર્ભશૂન્ય માહિતી આપવા બદલ ફરિયાદ કરવાની તક મળતી નથી. આમ રેલ્વે સ્ટેશનની પૂછપરછની બારી પર યંત્રવત જવાબો આપતા કર્મચારી સાથે શાબ્દિક ઝપાઝપી કરવાની અને એ રીતે તંત્ર સામે વિરોધ વ્યક્ત કરીને હૈયું હળવું કરવાની સુવિધા આપણે ગુમાવી ચુક્યા છીએ. આવું જ ગ્રાહકો અને નાગરિક સેવાઓ સાથે સંબંધિત હેલ્પડેસ્કમાં પણ હોય છે. એના મેનુમાં ‘કસ્ટમર કેર એક્ઝીક્યુટીવ’ સાથે ફોન ઉપર વાત કરવાનો ઓપ્શન એટલા બધા કચરો ઓપ્શન્સની નીચે છુપાવેલો હોય છે તમે કંટાળીને ફોન પછાડો! અમારું તો નમ્ર સૂચન છે કે આવી IVRS (Interactive Voice Response System) હેલ્પડેસ્કના મેનુમાં સીધી ‘કસ્ટમર કેર એક્ઝીક્યુટીવ’ સાથે વાત કરાવાનો ઓપ્શન સૌથી પહેલો રાખવો ફરજીયાત કરી દેવો જોઈએ. જોકે પછી ‘આપ કતાર મેં હૈ ...’વાળી બબાલ ફરીથી શરુ થાય એવી શક્યતા નકારી ન શકાય.

ગુજરાત સાથે સંબંધિત અનોખું વિરોધ પ્રદર્શન તત્કાલીન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય બનાવવા માટેની મહાગુજરાત ચળવળ દરમ્યાન જોવા મળ્યું હતું. તંગ વાતાવરણ વચ્ચે ચાલી રહેલા આ આંદોલન સમયે મોરારજી ભાઈ દેસાઈનો લાલદરવાજા ખાતે ઉપવાસ/ સભાનો કાર્યક્રમ હતો. એ સમયે જનતાના આક્રોશને લઈને તંગદીલી થવાની શક્યતા જોતાં લોકનેતા ઇન્દુચાચાએ જનતા કર્ફ્યુંનું એલાન કર્યું હતું અને સૌના આશ્ચર્ય વચ્ચે લોકોએ એવો સ્વયંભૂ કર્ફ્યું પાળ્યો કે સભા સ્થળે ચકલું ય ફરક્યું નહોતું! કહેવાય છે કે સ્થળ ઉપર લોકો કરતાં લાઉડ સ્પીકરો અને ખુરશીઓ વધારે હતા! આ પછીથી મોરારજી કાકાએ એમના અસલ મિજાજ પરચો આપ્યો એ બધી ઇતિહાસની વાતો છે.

અન્યાયનો વિરોધ કરવો એ નાગરિકનો બંધારણીય અધિકાર છે, પણ એ માટેનો હેતુ શુદ્ધ હોવો જોઈએ. બાકી સામેવાળા દરેક દાવનો તોડ કાઢતા જ હોય છે. પણ અમારા લખાણ સામે તમને કોઈ વિરોધ હોય તો એ અમને જણાવવામાં તમને કોઈ બર્લિન વોલ નહીં નડે, ફેસબુકની વોલ છે જ!

મસ્કા ફન

ટ્રેઇનિંગ એને કહેવાય જ્યારે છોકરી સાસુ સસરાને મેગી વખાણીને ખાતા કરી દે!


No comments:

Post a Comment