Wednesday, March 23, 2016

હોળીમાં પરિવર્તન અને ટેકનોલોજી


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૩-૦૩-૨૦૧૬

વર્ષોથી હોળીના રીવાજો એના એ રહ્યા છે. ધાણી-ચણા ખવાય છે, જેની પહેલી હોળી હોય એવા બાળકને કપડા અપાય છે, લોકો પરાણે રંગાય છે, અને એમ છતાં સોશિયલ મીડિયા ઉપર ફોટા શેર કરે છે. હોળી પ્રથા અને રિવાજોમાં થોડા સુધારાની જરૂર છે. હોળીમાં મોડર્નાઈઝેશનઅને ટેકનોલોજીની તાતી જરૂર છે.


મીડીયમ બદલો: ના. અહીં મગન માધ્યમ કે અંગ્રેજી માધ્યમની વાત નથી. આ રંગ પર્વ છે અને એ રંગોનાં માધ્યમથી ઉજવાય છે. પણ બધાને પાકા રંગ પસંદ નથી હોતા. આવા મૂંજી લોકો પણ ખુશી ખુશી રંગે રમે એવા ઉપાય છે. આવા લોકો માટે નજીકના બ્યુટી પાર્લર કે સલૂનમાંથી કારીગરને બોલાવી મફત હેર કલર/ ડાઈ કરાવી અપાય. ઓગણત્રીસથી વધુ ઉંમરના ઘણાને ડાઈની જરૂર પડે છે તો અમુક માત્ર કેશકર્તન કલાકેન્દ્રોની રોજીરોટીની સમસ્યા માટે હાઈલાઈટનાં નામે ડાઈ કરાવે છે. એટલે એમાં કોઈ ના નહીં પાડે. જેમને ગારો-માટી સામે વાંધો હોય એમના માટે Mud Spaના સ્પેશીયાલીસ્ટને બોલાવાય. હળદર ચંદનનાં ઉબટન લગાવાય. વિવિધ રંગ અને આકારના ટેટુ બનાવનાર કલાકારને બોલાવાય. નેઈલ આર્ટ અને મહેંદીના કલાકારોને હાયર કરાય. રંગ લગાવવાના બદલે એક બીજાને ઉષા ઉથ્થપ કે બ્રિન્દા કારાત ટાઈપની સ્ટીકર બિંદીઓ લગાવાય. આમ કરવાથી તમારે ત્યાં હોળી રમવા તલાટીની પરીક્ષાના ફોર્મ લેવા જેમ મેદની ઉમટે છે એવો માહોલ જામશે. પછી ઉત્સુક લોકોની ભીડને કાબૂમાં રાખવા બાઉન્સર્સ રાખવા ન પડે તો પપ્પૂને મુન્નો કહેજો જાવ.

હોળી ન રમે એનો બહિષ્કાર: અમુક લોકો જાત જાતના સાચા-ખોટા કારણો બતાવીને હોળી રમવામાંથી ધરાર છટકી જતા હોય છે અને એમને રંગવા આવનારનાં અરમાનો અધૂરા રહી જાય છે. આ સંજોગોમાં હોળી ન રમનારનો સામાજિક બહિષ્કાર કરવો: જેવો કે ફેસબુક પર અન્ફ્રેન્ડ કરવા અને વોટ્સેપ પર બ્લોક કરવા જોઈએ. એમના ફોટા લાઈક કરવાનું બંધ કરો. એમને વોટ્સેપ પર શોધી શોધીને માત્ર જુના અને ચવાયેલા જોક જ ફોરવર્ડ કરવા.

ધૂળેટી એપ: રંગ-ભીરુ અને નીરસ લોકો માટે ખાસ હોળી એન્ડ્રોઇડ એપ કે જેમાં દરેક પોતપોતાના જેવા બીકણ લોકો સાથે વર્ચ્યુઅલ હોળી રમી શકે. આ એપમાં એકબીજાના પ્રોફાઈલ પીક્ચરને રંગવાની સગવડ રહેશે.એમાં પણ ત્રણ દિવસ સુધી મોબાઈલનું સ્ક્રીન ગાર્ડ ફાડીને એના મંકી ગ્લાસ પર લીસોટા પડી જાય એટલું ઘસો તો પણ ન જાય તેવા રંગો વાપરવાનું ગોઠવી શકાય. કમાવું હોય એમણે આવા રંગો મોબાઈલ પર ‘એપ સ્ટોર’માં જ મળી જાય એવું ગોઠવી શકે.

રીસાયક્લ્ડ વોટર: આ રીવાજ મુજબ દરેક હોળી રમવા ઈચ્છુક વ્યક્તિએ એક બે મીટર ડાયામીટરનું કથરોટ વસાવવાનું રહેશે અને જેને ભીના કરવા હોય તેને આ કથરોટમાં ઘેરી એના ઉપર પાણી નાખવાનું રહેશે. આ પાણી રીસાયકલ કરી ફરી વાપરવું ફરજીયાત રહેશે અને જે આમ ન કરે તેને ‘હોલી ટેક્સ’ ભરવાનો રહેશે. આ બાબતનું મોનીટરીંગ કરવા માટે સોસાયટીઓ સીસીટીવી કેમેરા લગાડવાનો રહેશે અને હોળી બાદ સોસાયટીના સેક્રેટરીઓ સીસીટીવી ફૂટેજ ઇન્કમટેક્સ ઓફિસમાં આગળ કાર્યવાહી માટે જમા કરાવવાના રહેશે.

એડીબલ કલર્સ : હોળી રમતા મોમાં રંગ જવાનું સામાન્ય થઈ ગયું છે ત્યારે આ કલર્સથી પેટમાં અલ્સર ન થાય, અને પીળા દાંત વધુ પીળા ન થાય એ માટે હવે ધુળેટીમાં લોકોને લુંટવા માટે ઇકોફ્રેન્ડલી કલર પછી એડીબલ કલર્સની રેંજ ઉપલબ્ધ કરાય. એ દિવસે કોઈનો બર્થડે હોય તો કેકનો ઉપયોગ પણ કરી શકાય. આમેય મ્હો પર કેકના છાણા થાપવાનો રીવાજ તો છે જ. વિકલ્પ રૂપે ઘેરૈયાઓ માટે મંગાવવામાં આવેલા ફાફડા, ગાંઠિયા, દાલવડા વગેરેની ચટણીથી હોળી રમી શકાય.ધ્યાન એટલું રાખવાનું કે ગમે તેટલી ઈચ્છા હોય તો પણ એડીબલના નામે દાળ, શાક, કેચપ કે અથાણાથી હોળી રમવાનું ટાળજો, નહીંતર તો ભૂખે મરશો બીજું કંઈ નહીં.

એન્ટી-લાભશંકર ચીકગાર્ડ: ‘હોલી હૈ ... હોલી હૈ ... કહેતા જાવ અને મળતો લાભ લેતા જાવ’ના ધોરણે પોતાના ગમતા ફૂમતાને વારંવાર રંગવા અને એ બહાને સ્પર્શાનંદ લેતા લાભશંકરો/ લાભુભાઈઓથી બચવા ‘ચીક ગાર્ડ’ વિકસાવવા અને હોળીના સમયે કન્યાઓમાં એનું મફત વિતરણ કરવાનું વિચારી શકાય. તો ગાલ ઉપર એક્યુંપ્રેશરમાં વપરાય છે એવા કાંટાવાળા પેડ પણ લગાવી શકાય. કાચ પેપર લગાવો તો પણ ચાલે.

પહેચાન કોન એપ : હોળી રમ્યા બાદ ચહેરાના રંગરૂપ બદલાઈ જતા હોય છે. એવા કિસ્સામાં પોતાનાં નમૂનાઓ ઉપર પ્લાસ્ટિક બારકોડ કે ક્યુ-આર કોડના સ્ટીકરો લગાવીને મોકલવા, જેથી હોળી રમીને ઘેર પાછાં આવેલા નમુનાને મોબાઈલની ‘પહેચાન કોન એપ’થી સ્કેન કરીને ગૃહ પ્રવેશ કરાવી શકાય. આ એપમાં સેલ્ફી મોડમાં મોબાઈલ મૂકી Bar Code Reader કે QR Code Scannerની એપથી એનું થોબડું સ્કેન કર્યા બાદ જ ઘરનો દરવાજો ખુલે તેવી ટેકનોલોજી ગોઠવી શકાય. જોકે ભારતમાં રમાતી હોળીની જંગલીયતને લીધે કે પછી એપની લીમીટેશન કહો, આ એપના ટેસ્ટીંગમાં ૯૮% એકયુરસી જ જણાઈ છે, એટલે પત્નીઓએ પતિ ડીટેકશનમાં આ એપ વાપરતા લેતાં પહેલા ડિસ્ક્લેમર વાંચી લેવું હિતાવહ છે.

હાઈટેક પિચકારી: આમાં મુખ્યત્વે બુમરેંગ પ્રકારની વોટર-સેવર પિચકારી રહેશે, છોડેલું પાણી નિશાન ચુકે તો પાછું અંદર ભરાઈ જાય તેવી ટેકનોલોજી આ પિચકારીમાં રહેશે. આ ઉપરાંત પાણી ખાલી થયા પછી પણ ઉત્સાહથી ફૂસ-ફૂસ કરતા ટેણીયાઓની મહેનત માથે ન પડે તે માટે ખાલી પિચકારીમાં મારેલા પંપની એનર્જી સેવ થાય અને ફરીથી એ એનર્જી વાપરી શકાય તેવી ગોઠવણ પણ હશે.

આ બધામાં નરોડા-ઓઢવ વગેરે વિસ્તારના લોકો કે જેમના ઘરોમાં લાલ કલરનું પ્રદુષિત પાણી આવે છે તેઓએ હોળી રમવા માટે રંગોનો ખર્ચો નહીં કરવો પડે એ અલગ વાત છે.

મસ્કા ફન

જાન હોલમાં જતી રહી હોય છતાં બેન્ડવાળા વગાડ્યા કરતા હોય
તો કાં પેમેન્ટ કરી દેવું કે એમને જમવા બેસાડી દેવા.

No comments:

Post a Comment