Thursday, May 05, 2011

જીવનમાં ત્રણ વસ્તુઓ


આ ત્રણ તમારી ક્યારે વિકેટ પાડી દે એ કહેવાય નહિ
ગાય, ગર્લ્સ અને ગુગલી


આ ત્રણની અમદાવાદમાં લોકો રાહ જોતા નથી
સિગ્નલ ગ્રીન થવાની, ફ્લાયઓવરના ઉદઘાટનની અને બિલ્ડીંગ યુઝ પરમીશનની.

આ ત્રણની છોકરી સામે કદી જોવું નહિ 
પ્લાસ્ટિક સર્જન, બ્યુટીશિયન અને પહેલવાન

આ ત્રણ વેકેશનમાં ફરવા જાવ તો ખાસ સાથે રાખવા
રોકડા રૂપિયા, ડેબિટ કાર્ડ, અને ક્રેડીટ કાર્ડ

આ ત્રણ વસ્તુઓ વગર છોકરીઓ જીવી નથી શકતી 
હવા, પાણી અને મોબાઈલ

આ ત્રણ વસ્તુ જલ્દી તુટતી નથી  
બાળપણની દોસ્તી, અનબ્રેકેબલ વસ્તુ અને ઠંડી પંજાબી રોટલી

આ ત્રણથી જીવનમાં કદી ના ડરવું 
બોખા કૂતરા, બહેરી પત્ની અને બિમાર બોસ

આ ત્રણ ગયેલી પાછી નથી આવતી  
આબરુ, ઉછીના રૂપિયા અને સેન્ડ કરેલો એસ.એમ.એસ.

આ ત્રણથી અમદાવાદમાં બચીને રહવું 
 ગાય, કુતરા અને નકલી પોલીસ
--
લે. અધીર અમદાવાદી
--આ ત્રણ જીવનમાં સફળ થવા માટે જરૂરી છે
પત્નીના વખાણ, નેતાની ઓળખાણ અને ધનાઢ્ય સસરાનાં વારસામાં લખાણ

આ ત્રણથી અમદાવાદમાં બચીને રહવું 
ગાય, કુતરા અને નકલી પોલીસ
 

પિક્ચર બાય શ્રી. સંદીપ કુમાર ગીર.


આ ત્રણ છોકરીઓને ગમે છે  
બટર ફ્લાઈઝ, બાઈક્સ, અને બોય્ઝ
 

આ ત્રણથી અમદાવાદના ટ્રાફિકમાં બચજો 
બુકાનીધારી છોકરીઓ, સ્કુટીધારી આંટીઓ અને વાહનચાલક મહિલાઓ

આ ત્રણ દૂરથી ચળકે છે  
ધ્રુવનો તારો, ફુવારો અને કુંવારો

આ ત્રણ કોઈના રોકે રોકાતા નથી  
સમય, ગ્રાહક અને કુદરતી હાજત

આ ત્રણને જીવનમાં ખુશ રાખવા 
બોસ, બૈરી અને બાજુવાળી

આ ત્રણ પાછળ પડે તો જીવ બચાવી ભાગવું
ભુરાયો સાંઢ, ડાઘિયો કૂતરો અને દાઢીવાળો કવિ

આ ત્રણ અમદાવાદની સડકો પર ખુબ જોવા મળે 
ધૂળ, ધુમાડા ને ભુવા

આ ત્રણનું સુખી થવા માટે સદા સન્માન કરો 
માતા પિતા અને નેતા

આ ત્રણને કદી ભૂલશો નહિ 
દેવું, ફરજ અને પત્નીની બર્થ ડે !

આ ત્રણનો ટ્રાયલ લેવો સારો  
કાર, વિગ ને ચોકઠું

આ ત્રણથી હમેશા બચીને રહેવું 
ખોટી સંગત, સ્વાર્થ અને ઇન્સ્યોરન્સ એજન્ટ

આ ત્રણ જલ્દી ભડકી ઉઠે છે 
ગાય, પેટ્રોલ ને પત્ની

આ ત્રણ કદી એક સાથે ન આવે 
 છીંક, ઉધરસ અને બગાસું

Sunday, January 02, 2011

ડુંગળીનો ભાવવધારો

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૨-૦૧-૨૦૧૧ | અધીર અમદાવાદી |  

પેટ્રોલનો ભાવવધારો માત્ર મધ્યમ અને એનાથી ઉપરના વર્ગને અસર કરશે તેવું લાગતા સરકારે પોતાની સમગ્ર શક્તિ કામે લગાડી ગરીબો પાસેથી કસ્તુરી છીનવી લીધી છે. ડુંગળીને રોટલો ખાઈ ઓટલા પર સુઈ રહેતા અત્યંત ગરીબ લોકો હવે ડુંગળી છોડી મરચાં પર આવી ગયાં છે એટલે ટૂંક સમયમાં મરચાં પણ મહામુલા થઇ જશે. ડુંગળીના ભાવે એક વખત એન.ડી.એ. સરકારને હલાવી નાખી હતી એ હિસાબે એન.ડી.એવાળા પેટ્રોલ પછી બેક-ટુ-બેક ડુંગળી દુર્લભ થતાં ફરી ગેલમાં આવી ગયાં છે, અને ક્યારે પેટ્રોલ અને ડુંગળીના ભાવથી યુપીએ સરકારનાં મ્હોમાંથી સત્તા નામની પુરી પડે અને આપણે ઝીલી લઈએ, એ લાગમાં લાળ પાડી રહ્યા છે. જોકે સરકારે કોમન વેલ્થ, આદર્શ, ૨જી જેવી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ થકી લોકોને માલામાલ કરી દીધાં હોવાથી ધાર્યો હોબાળો નથી થઇ શક્યો અને પ્રજા પણ હજુ રાંધણ ગેસનાં તો નથી વધ્યા ને એ વિચારી હંગામી ધોરણે ખુશ થઇ ક્રિસમસ માનવી રહી છે. 

સંસ્કૃતમાં કહેવાય છે કે उपमा कालिदासस्य। અને આ કાલિદાસના પગલે ચાલતા, ખાસ કરીને કવિઓ, ઉપમાઓના ઉપયોગ બાબતે સર્જનાત્મક રહ્યા છે. પણ ડુંગળીને કસ્તુરીની કહીને આવા લોકોએ કસ્તુરીનું અવમૂલ્યન કરી નાખ્યું છે. ક્યાં 'યોજનગંધિકા' (એક યોજન દૂર સુધી જેની સુગંધ પહોચે તેવી) તરીકે ઓળખાતી કસ્તુરી અને ક્યાં વાસ મારતી ડુંગળી ! અમારી જગ્યાએ ખીચડીની 'ટ્યુબ લાઈટ' હંસા હોય તો એ પણ તરત કહે 'ચલ ચલ કુછભી મત બોલ' ! ઉપમાનો આવો જાણીતો લોચો (સુરતી લોચો નહિ !) સિંગદાણાને કાઠિયાવાડનાં કાજુ તરીકે ઓળખાવી કોકે માર્યો છે, જાણે કાઠિયાવાડનાં  લોકોએ કાજુ જોયા ન હોય ! અને આમ કાલિદાસનાં વંશજો મંડયા  રહેશે તો કોક હિમેશ રેશમિયાને બિસ્મિલ્લા ખાન અને નરેશ કનોડિયાને ગુજરાતનો રજનીકાંત પણ કહેશે ! અગાઉ પણ મિથુન ચક્રવર્તી ને લોકો ગરીબોનો અમિતાભ કહેતા હતાં અને ગોવિંદા આવ્યો એટલે એને ગરીબ નિર્માતાઓના મિથુનનું લેબલ લાગ્યું હતું. અને આપણાં ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે જુઓ તો ગુજરાતના ઘણા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને એમના ટેકેદારોએ જે તે સમયે છોટે સરદાર તરીકે પ્રોજેક્ટ કર્યા હતાં ને !

સરદાર પછી બાપુની વાત કરીએ તો હમણાં સમાચાર હતાં કે સાઉથ આફ્રિકામાં ગાંધીજીએ ડુંગળી ક્લબ ચાલુ કરી હતી અને બાપુ એમાં પ્રેસિડેન્ટ હતાં. અમને લાગે છે કે આ અજાણી વાત જાહેરમાં આવતાં કેટલાય કહેવાતા અને સાચા ગાંધીવાદીઓ ડુંગળીના રવાડે ચઢી જશે. ગાંધીજીએ તો ડુંગળીનો પ્રયોગ કર્યો હતો, પણ બાપુનો એ વર્ષો પહેલાનો પ્રયોગ અત્યારે ડુંગળીના ભાવવધારામાં ઉમેરો કરશે તેવી શંકા જો આ લખનારને હોય તો એ અસ્થાને નથી. બાકી નિર્વ્યસની બાપુનું નામ સોડાશોપ સાથે, તો પેન્સીલના નાનાં ટુકડાને પણ છેલ્લા લીટા સુધી ઉપયોગ કરનાર બાપુનું નામ મોંઘી પેન સાથે, અને હવે ડુંગળીને પણ બાપુ સાથે જોડવામાં આવતાં આ સમાચાર કોઈ ડુંગળી એસોસિયેશન દ્વારા ખોદી કઢાયા હશે તેવી સહ શંકા ગમે તેને થાય !
  
અને છેલ્લે ડુંગળીમાં આવેલ તેજીના તોફાનનાં કેટલાક પોસિબલ સાઈડ ઈફેક્ટસ જોઈએ.
  • ડુંગળીના વધેલા ભાવ ગુજરાતી ભાષામાં અમુક ફેરફાર લાવશે. તારી સાસુ કાંદા ખાય ગાળ તરીકે વપરાતો આ શબ્દ પ્રયોગ ભવિષ્યમાં કોમ્પ્લીમેન્ટ તરીકે ઉપયોગ થશે.
  • ગઈકાલ સુધી જે પ્રેમિકા હટ, તારા મોઢામાંથી ડુંગળીની વાસ આવે છે એમ કહેતી હશે તે હવે તારામાં ડુંગળી ખાવાની તો હેસિયત નથી તેવા ટોણા મારશે
  • ડુંગળીનાં વેપારીએ પત્નીને મોંઘુ એરક્રાફ્ટ ભેટમાં આપ્યું એવા સમાચાર પહેલા પાનાં પર છપાશે. અને કેટલીય પત્નીઓ આ વાંચી પોતાના પતિઓને કોમ્પ્યુટરનો ધંધો છોડી ડુંગળીના વેપારમાં જોડાવા દબાણ કરશે. 
  • ડુંગળી પાકિસ્તાનથી આયાત થશે એટલે ભારત પાકિસ્તાન સંબંધો સુધરશે અને ભારતનાં કૃષિમંત્રીને  નિશાને-પાકિસ્તાન જેવો કોઈ સર્વોચ્ચ એવોર્ડ એનાયત થશે.
  • પાકિસ્તાન ભારતને ડુંગળી વેચી કમાયેલ રૂપિયા ત્રાસવાદને પ્રોત્સાહન આપવા વાપરે છે અને આ માટે આપણા કૃષિમંત્રી જવાબદાર છે એવો આક્ષેપ વિરોધ પક્ષો કરશે.
  • દેશમાં ડુંગળી ઓછી ખવાશે એટલે મોઢું નહિ ગંધાય, અને મોઢું નહિ ગંધાય એટલે વધારે ચુંબનો લેવાશે. (ટૂંકમાં છોકરીઓ છોકરાઓને મોઢું ગંધાય છે કરીને ભગાડી નહી મુકે.). અને ચુંબન તો પ્રેમનું પ્રવેશદ્વાર હોવાથી એના એક્સ્ટ્રા સાઈડ ઈફેક્ટસ આવશે. આમ થવાથી છેવટે અમુક દળ, સેના કે પરિષદો ડુંગળીના ભાવ ભારતીય સંસ્કૃતિને ખતમ કરી દેશે એ મુદ્દે રસ્તા પર આવી જશે !