Monday, April 02, 2012

બજેટમાં સુધારા

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૧-૦૪-૨૦૧૨ | અધીર અમદાવાદી |     

મમતા દીદીએ ભૂ.પૂ. રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ રજૂ કરેલાં રેલવે બજેટને પાટા પરથી ઉતારી દીધું એ પરથી પ્રેરણા લઈ અન્ય સાથી પક્ષોએ બજેટમાં સુધારા માટે વાંધાવચકા, ગાળાગાળી અને ધમકીઓનો પ્રયોગ કર્યો હતો. અંતે માગણીઓ સામે ઝૂકી ગયેલી સરકારે બજેટમાં આજથી અમલમાં આવે એ રીતે અગત્યના પ્રજાલક્ષી ફેરફારો કર્યા છે. આ ફેરફારોની વિરોધપક્ષોએ હંમેશ મુજબ ટીકા કરી છે. અમુક રાજકીય જ્યોતિષીઓએ આ ફેરફારોને મધ્યસત્ર ચૂંટણી સામે આવી રહી હોવાનો ઇશારો પણ કર્યો છે. આ ફેરફારો શું છે તે જોઈએ.

  • દસ લાખ સુધીના પગારદારોને ઇન્કમટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. ઇન્કમટેક્સ બચાવવા માટે વેપારીઓને ખર્ચનાં ખોટાં બિલો હવે સરકાર માત્ર બે ટકા લઈ પૂરાં પાડશે.
     
  • પેટ્રોલના ભાવોમાં ફેરફાર કરવાની સત્તા રાજ્ય કર્મચારી મંડળને સોંપવામાં આવશે. મંડળ જે નક્કી કરે તે ભાવ ફાઇનલ રહેશે. વરસમાં માત્ર બે વખત ભાવમાં ફેરફાર થઈ શકશે અને એક વાર જો વધારો કર્યો હોય તો બીજી વાર આપોઆપ ઘટાડો કરવાનો રહેશે.
     
  • ટેલિકોમ ડિપાર્ટમેન્ટ ખાસ ‘રાજા પ્રિપેઇડ કાર્ડ’ બહાર પાડશે. આ કાર્ડનો ઉપયોગ લાંચ આપવામાં થઈ શકશે. જેને લાંચ આપવી હોય તેના મોબાઇલમાં આ કાર્ડથી બેલેન્સ ટ્રાન્સફર થઈ શકશે. લાંચ લેનાર કર્મચારી પર આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, પરંતુ તેણે લાંચની રકમ પર ૧૨% ર્સિવસ ટેક્સ સરકારમાં જમા કરાવવાનો રહેશે
     
  • મંત્રીઓની નિવૃત્તિ માટે કોઈ વયમર્યાદા હોતી નથી, તો પછી સરકારી કર્મચારીઓને કેમ? આમેય ઘણા સરકારી કર્મચારીઓ વર્ષો સુધી સરકારી પેન્શન ખાય છે. કર્મચારીઓ તેમની શક્તિ હોય ત્યાં સુધી નોકરી કરી શકે તે ઉદ્દેશ સાથે સરકારી નોકરીઓમાં વયમર્યાદા નાબૂદ કરવાનું સૂચવવામાં આવે છે. આ સાથે એન્ટ્રી માટેની ઉપરની વયમર્યાદા પણ નાબૂદ કરવામાં આવે છે. આ જોગવાઈનો મૂળ ઉદ્દેશ નોકરીમાં જોડાવા કે નિવૃત્ત થવા ખોટા બર્થ ર્સિટફિકેટના ઉપયોગ પર રોક લગાવવાનો છે.
     
  • જ્યારે જ્યારે સિંગતેલના ભાવ વધે છે ત્યારે ત્યારે પ્રજા ‘____ તેરા કૈસા ખેલ, સસ્તી દારૂ મહઁગા તેલ’ જેવાં સૂત્રો પોકારે છે. ખાલી જગ્યામાં જે તે સત્તાધારી પાર્ટીનું નામ આવે છે, આથી બજેટમાં સિંગતેલના ભાવ નિયમન કરવા સિંગતેલના ભાવ બ્રાન્ડેડ વિદેશી દારૂની એમઆરપી કરતાં વધારે ન થઈ શકે એવી જોગવાઈ કરવામાં આવે છે. આમ, વિદેશી દારૂ ભાવની સરખામણીમાં સિંગતેલના ભાવ રૂપિયો ઓછો સુધી જ વધી શકશે. સિંગતેલના વેપારીઓ દારૂના ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરી દારૂના ભાવ વધારી પ્રજાને મુશ્કેલીમાં ન મૂકી દે તે હેતુથી સિંગતેલના વેપાર સાથે સંકળાયેલા દારૂની કંપનીમાં રોકાણ ન કરી શકે તેવી વિશેષ જોગવાઈ કરવામાં આવે છે.
     
  • ખોટમાં જતી એરલાઇનના માલિકો કે કર્મચારીઓ આપઘાત ન કરે તે માટે સરકારી અને ખાનગી બધી એરલાઇનનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે છે. જોકે, આના બદલામાં એરલાઇન્સે ગરીબીરેખાથી નીચે જીવનારને વરસની છ મફત રિટર્ન ટિકિટ આપવાની રહેશે.
  • ગરીબીરેખાની વ્યાખ્યા હવે બદલી નાખવામાં આવે છે. રોજની ત્રણ પડીકી મસાલો ખાનાર કે રોજ બે કટિંગ ચા પીનાર કે રોજ પચાસ ગ્રામ ગાંઠિયા ખાનાર કે રોજ ત્રણ મોબાઇલ ફોન કરનાર કે મહિનામાં એક વાર રિક્ષામાં બેસનાર અથવા વરસમાં એક વાર થિયેટરમાં ફિલ્મ જોનાર ગરીબ ગણાશે નહીં. આથી ગરીબોને મળતા બધા લાભ મધ્યમવર્ગને ફાળવવામાં આવશે.
  • મધ્યમવર્ગનાં મા-બાપ અને ગર્લફ્રેન્ડ વચ્ચે પીસાતા શહેરી યુવા બેરોજગારોને ‘ગાંધી નેશનલ એમ્પ્લોયમેન્ટ વેઇટિંગ સ્કીમ’ અંતર્ગત હવે ખાસ પિઝા ભથ્થું આપવામાં આવશે. આ ઉપરાંત વેઇટિંગ પિરિયડમાં વેલેન્ટાઇન્સ ડે, ગર્લફ્રેન્ડનો બર્થ ડે વગેરે માટે ગિફ્ટ એલાવન્સ પણ આપવામાં આવશે. 
  • ફિલ્મો ખર્ચાળ થતી જાય છે. ફિલ્મ નિર્માણનો ખર્ચો ઓછો થાય તે માટે અને સંગીતકારો સંગીતની ધૂન બનાવવામાં સમય બરબાદ ન કરે તે હેતુથી પરદેશી ધૂનને ‘પ્રીતમ વન-વે કલ્ચરલ એક્સ્ચેન્જ સ્કીમ’ હેઠળ હવે મફત આયાત કરી શકાશે.
  • મેડિકલ અને એન્જિનિયરિંગમાં એડ્મિશન મળે તે માટે મા-બાપ છોકરાં અને લાગતાં વળગતાં બધાનું લોહી પી જાય છે. સૌને ઇચ્છિત લાઇનમાં પ્રવેશ મળે તે માટે એસટી બસની ‘હાથ ઊંચો કરો અને બેસો’ સેવાની લાઇન પર વિદ્યાર્થીને જોઈતી લાઇનમાં પ્રવેશ આપવામાં આવશે. આમ થવાથી અમુક કોલેજો બધા વિદ્યાર્થીઓને સમાવી ન શકે તો ત્યાં લેક્ચર હોલ કે લેબોરેટરીમાં વહેલા તે પહેલાને ધોરણે પ્રવેશ અપાશે. કોલેજોમાં હાજરીની જરૂરિયાત આમ થવાથી આપોઆપ નાબૂદ થશે.



ડ-બકા
 
શીલા, મુન્ની ને છમ્મક છલ્લો બકા,
ખાલી દેખાવ બધો ઉપરછલ્લો બકા.

Monday, March 26, 2012

બજેટની પડતી મુકાયેલી દરખાસ્તો

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૫-૦૩-૨૦૧૨ |અધીર અમદાવાદી |

મારે એટલાં માટે ક્રૂર બનવું પડે છે કે જેથી દયા દાખવી શકાય’. શેક્સપિયર કૃત હેમ્લેટનાં આ વાક્યનો  હવાલો આપી પ્રણબ મુખર્જીએ રજૂ કરેલું બજેટ ધાર્યા મુજબના પ્રતિભાવો જ જગાવી ગયું છે. સત્તાધારી પક્ષને એ વિકાસલક્ષી લાગ્યું છે. સાથી પક્ષોને આશા મુજબનું નથી લાગ્યું. વિરોધ પક્ષોએ રાબેતા મુજબ બજેટનો વિરોધ કરી બજેટને દિશાહીન ગણાવ્યું છે. વેપારીઓએ તો બજેટના વિરોધમાં બંધના એલાન પણ આપી દીધાં છે. મોટા ઉદ્યોગગૃહોને બજેટ સંતોષજનક નથી લાગ્યું, પણ એમણે જળકમળવત બની પોતાનાં પરની જવાબદારી ખંખેરવા ભાવવધારાની જાહેરાતો કરી દીધી છે. તો અમુક કે જેમને પાછલાં બારણે રાહતો અપાઈ છે એવા છાનાછપનાં પાર્ટી કરી રહ્યા છે. ગુજરાતની ટેક્સપર્ટ ત્રિપુટીને બજેટ કેરી જેવું દેખાયું, પણ ટેસ્ટ કરતાં એ પપૈયા જેવું ફિક્કું લાગ્યું છે. જોકે લોકો ગમે તે કહે, છેવટે બધો ભાર કન્યાની કેડ પર જ આવે છે. આ કન્યા એટલે કે આમજનતા, જમણે બજેટ ગાયને દોહીને કૂતરીને પાયું હોય એવું લાગ્યું છે. ઇલેક્શન પછીના ચાર બજેટમાં કાયમ આવું જ થાય છે.

બજેટમાં જાહેર થયેલ જોગવાઈઓથી તો બધાં હવે પરિચિત છે, પણ આ બજેટમાં સમાવવા લાયક કેટલીક જોગવાઈઓ છેલ્લી ઘડીએ કાઢી નાખવામાં અવી હતી. આ જોગવાઈઓ અધીર ન્યૂઝ નેટવર્કના ચબરાક પ્રતિનિધિઓ ખાસ મુંબઈ સમાચારના વાચકો માટે શોધી લાવ્યા છે. જે અક્ષરશઃ નીચે મુજબ છે.

મહોદયા, કાળા નાણાનું દૂષણ દેશમાં ફેલાઈ ગયું છે. ગત વર્ષમાં લાંચ અને ભ્રષ્ટ્રાચારના કિસ્સાઓથી છાપાં ભરાઈ ગયાં હતાં. સ્વામીઓ અને બાબાઓ પણ હવે આ નાણાં સરકારને પાછાં મળે તે માટે આંદોલનો કરી રહ્યા છે. ભ્રષ્ટ્રાચારનું દૂષણ રાતોરાત દૂર થાય તેવું નથી દેખાતું એ સંજોગોમાં સરકાર લાંચને સર્વિસ ટૅક્સની જાળમાં સમાવેશ કરી દેશ માટે મોટું ભંડોળ ઊભું કરી શકે છે. આ સરકાર હવે લાંચ લેવા અને આપવા બંને ઉપર ૧૨ ટકાનાં દરે સર્વિસ ટૅક્સ વસુલવા દરખાસ્ત કરે છે. આમ થવાથી ભ્રષ્ટ્રાચારની રકમનાં ચોવીસ ટકા સરકારમાં પાછાં જમા થઈ શકશે. સરકારના લાંચરુશવત વિરોધી ખાતા અને સીબીઆઈનાં આર્થિક બ્યુરોનાં ઘણાં કર્મચારીઓ આથી છુટા કરવામાં આવશે જેમને વધતાં જતાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈ ટ્રાફિક ખાતામાં સમાવેશ કરવાની ભલામણ પણ કરવામાં આવે છે.

આપણને ખબર જ છે કે દેશમાં બેરોજગારોની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. સરકાર અનેક યોજનાઓ દ્વારા નવરાઓને ધંધે લગાડે છે. આવી જ એક યોજના સાયન્સ અને ટેક્નોલૉજી વિભાગનાં સહયોગમાં અમે રજૂ કરી છે. આ યોજના અંતર્ગત હવે તુક્કામાંથી ઊર્જા ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષિત બેરોજગારો માટે તુક્કા કેન્દ્ર ખોલવામાં આવશે. હયાત પાનના ગલ્લાઓ, કૉલેજ કેન્ટીનને તુક્કા કેન્દ્રમાં અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત નિવૃત્ત વડીલો પણ તુક્કા ઊર્જા ઉત્પાદનમાં યોગદાન આપી શકે એ હેતુથી બગીચાની સીનીયર સિટીઝન્સ બાંકડા ક્લબ્સને પણ તુક્કા રિસોર્સ સેન્ટરનો દરજ્જો આપવામાં આવશે. સાયન્સ એન્ડ ટેક્નોલૉજી દ્વારા અપાતી ખાસ ગ્રાન્ટ દ્વારા ખરીદાયેલા મશીન્સ તુક્કા કેન્દ્ર પર લગાવવામાં આવશે. વાતચીત, દલીલો, અને વધુ ઉગ્ર દલીલો દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાને આ મશીન્સ થકી સંગ્રહિત કરવામાં આવશે. આ મશીન્સ અને એ ચલાવવાના કોન્ટ્રાક્ટ કોઈ પણ એમ.પી.ની  ભલામણથી મેળવી શકાશે.

ભારત ઘણી પ્રગતિ કરી રહ્યું છે. કેટલીક ઇન્ડસ્ટ્રીઝનો વિકાસદર સરાહનીય છે. ખાસ કરીને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર હાલ પાંચ કરોડ યુઝર્સ છે અને ગત વર્ષમાં એ ડબલ થયાં હતાં. ફેસબુક જેવા માધ્યમનો વ્યાપ ઘણો વધી રહ્યો છે. કેટલાય લોકોને રાત્રે ઊંઘ ન આવે તે ફેસબુક પર સમય પસાર કરે છે. કેટલાય લગનનાં ચોકઠાં ફેસબુક મારફતે ગોઠવાયા છે. રાજકીય નેતાઓ અને ફિલ્મ અભિનેતાઓ પોતપોતાનું પ્રમોશન આ માધ્યમથી કરે છે. આમ ફેસબુક દ્વારા લોકોને અનેકવિધ લાભ થાય છે. ફેસબુક એ મનોરંજનનું સાધન પણ છે. સમગ્રતયા અભ્યાસ બાદ ફેસબુક પર સોથી વધારે મિત્ર ધરાવનારને હવે પાન નંબર આપવો જરૂર બની જશે. અને દરેક મિત્ર દીઠ એક રૂપિયા પ્રતિ વર્ષ ટૅક્સ લાગુ કરવા દરખાસ્ત હું કરું છું.

મહોદયા, બહુ ખેદ સાથે જણાવવાનું કે આજકાલ ફિલ્મો, સિરીયલો, રીયાલીટી શૉમાં ભરપૂર ગાળો બોલાય છે. ગાળો બોલવાથી પિક્ચર અને સિરીયલો હીટ જાય છે. ગુજરાતમાં સુરત કરીને શહેર છે જે ૧૯૯૪નાં પુર અને પ્લૅગના વાવર પછી સ્વચ્છ શહેર તરીકે જાણીતું થયું છે, જોકે હજુ પણ ત્યાં વાતચીતમાં ગાળોનો ભરપૂર ઉપયોગ સહજતાથી થાય છે. મનોચિકિત્સકો અને ડોક્ટરો પણ ગાળોની તરફેણમાં રિસર્ચ કરી એવું જણાવે છે કે ગાળ બોલવાથી ગુસ્સો કે ટૅન્શન દૂર થાય છે. આમ ગાળોનો પ્રયોગ વિવિધ જગ્યાએ મનોરંજન અને આરોગ્ય માટે થાય છે. આ સંજોગોમાં સરકાર ગાળો પર બીપટૅક્સ નાખવા દરખાસ્ત કરે છે.

અધ્યક્ષ મહોદયા, ભારતની સ્વતંત્રતામાં કવિઓનો અમૂલ્ય ફાળો રહેલો છે. જોકે આજકાલ કવિઓની હાલત ખાસ સારી નથી. કવિ સંમેલનનાં માધ્યમથી કવિઓ પોતાની કૃતિ રજૂ કરે છે. પરંતુ આજકાલ કવિઓને યોગ્ય પુરસ્કાર મળતો નથી. પ્રોફેસર, ઉદ્યોગપતિ, અને સરકારી બાબુ હોય એવા કવિઓને બાદ કરતાં ઘણાં કવિઓ પાસે તો ઇન્કમટૅક્સનાં પરમેનન્ટ એકાઉન્ટ નંબર નથી. હવે પાન નંબર પણ ન હોય એવા કવિઓને ઑડિયન્સ ક્યાંથી મળે ? રાજા રજવાડાના સમયમાં કવિઓને સાલીયાણુ મળતું હતું. સરકાર આ પ્રથામાંથી પ્રેરણા લઈ થોડા ફેરફાર સાથે રિટાયર્ડ કવિઓ માટે ખાસ પેન્શન સ્કીમ જાહેર કરે છે. જોકે આ સ્કીમનો લાભ લેવા કવિઓએ રિટાયર્ડ થવું જરૂરી રહેશે. સળંગ ત્રણ વર્ષ સુધી એકપણ કવિ સંમેલન, કવિતા પઠન, મૅગેઝિન કે પુસ્તક પ્રકાશિત ન કરનાર કવિ જો આગામી દસ વર્ષ સુધી કવિતા નહિ કરવાની લેખિત બાહેંધરી આપશે તેવાં કવિઓને આ કવિ પેન્શન સ્કીમનો લાભ મળી શકશે.

ઉપર જણાવેલી વિશેષ દરખાસ્તો કોઈ ખાસ કારણસર ફાઈનલ બજેટમાં સમાવી શકાઈ નહોતી જેના કારણોની તપાસ ચાલુ છે, અને આ અંગે આધારભૂત માહિતી મળતાં વાચકો સમક્ષ રજૂ કરવામાં આવશે.