Monday, April 02, 2012

બજેટમાં સુધારા

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૧-૦૪-૨૦૧૨ | અધીર અમદાવાદી |     

મમતા દીદીએ ભૂ.પૂ. રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ રજૂ કરેલાં રેલવે બજેટને પાટા પરથી ઉતારી દીધું એ પરથી પ્રેરણા લઈ અન્ય સાથી પક્ષોએ બજેટમાં સુધારા માટે વાંધાવચકા, ગાળાગાળી અને ધમકીઓનો પ્રયોગ કર્યો હતો. અંતે માગણીઓ સામે ઝૂકી ગયેલી સરકારે બજેટમાં આજથી અમલમાં આવે એ રીતે અગત્યના પ્રજાલક્ષી ફેરફારો કર્યા છે. આ ફેરફારોની વિરોધપક્ષોએ હંમેશ મુજબ ટીકા કરી છે. અમુક રાજકીય જ્યોતિષીઓએ આ ફેરફારોને મધ્યસત્ર ચૂંટણી સામે આવી રહી હોવાનો ઇશારો પણ કર્યો છે. આ ફેરફારો શું છે તે જોઈએ.

 • દસ લાખ સુધીના પગારદારોને ઇન્કમટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. ઇન્કમટેક્સ બચાવવા માટે વેપારીઓને ખર્ચનાં ખોટાં બિલો હવે સરકાર માત્ર બે ટકા લઈ પૂરાં પાડશે.
   
 • પેટ્રોલના ભાવોમાં ફેરફાર કરવાની સત્તા રાજ્ય કર્મચારી મંડળને સોંપવામાં આવશે. મંડળ જે નક્કી કરે તે ભાવ ફાઇનલ રહેશે. વરસમાં માત્ર બે વખત ભાવમાં ફેરફાર થઈ શકશે અને એક વાર જો વધારો કર્યો હોય તો બીજી વાર આપોઆપ ઘટાડો કરવાનો રહેશે.
   
 • ટેલિકોમ ડિપાર્ટમેન્ટ ખાસ ‘રાજા પ્રિપેઇડ કાર્ડ’ બહાર પાડશે. આ કાર્ડનો ઉપયોગ લાંચ આપવામાં થઈ શકશે. જેને લાંચ આપવી હોય તેના મોબાઇલમાં આ કાર્ડથી બેલેન્સ ટ્રાન્સફર થઈ શકશે. લાંચ લેનાર કર્મચારી પર આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, પરંતુ તેણે લાંચની રકમ પર ૧૨% ર્સિવસ ટેક્સ સરકારમાં જમા કરાવવાનો રહેશે
   
 • મંત્રીઓની નિવૃત્તિ માટે કોઈ વયમર્યાદા હોતી નથી, તો પછી સરકારી કર્મચારીઓને કેમ? આમેય ઘણા સરકારી કર્મચારીઓ વર્ષો સુધી સરકારી પેન્શન ખાય છે. કર્મચારીઓ તેમની શક્તિ હોય ત્યાં સુધી નોકરી કરી શકે તે ઉદ્દેશ સાથે સરકારી નોકરીઓમાં વયમર્યાદા નાબૂદ કરવાનું સૂચવવામાં આવે છે. આ સાથે એન્ટ્રી માટેની ઉપરની વયમર્યાદા પણ નાબૂદ કરવામાં આવે છે. આ જોગવાઈનો મૂળ ઉદ્દેશ નોકરીમાં જોડાવા કે નિવૃત્ત થવા ખોટા બર્થ ર્સિટફિકેટના ઉપયોગ પર રોક લગાવવાનો છે.
   
 • જ્યારે જ્યારે સિંગતેલના ભાવ વધે છે ત્યારે ત્યારે પ્રજા ‘____ તેરા કૈસા ખેલ, સસ્તી દારૂ મહઁગા તેલ’ જેવાં સૂત્રો પોકારે છે. ખાલી જગ્યામાં જે તે સત્તાધારી પાર્ટીનું નામ આવે છે, આથી બજેટમાં સિંગતેલના ભાવ નિયમન કરવા સિંગતેલના ભાવ બ્રાન્ડેડ વિદેશી દારૂની એમઆરપી કરતાં વધારે ન થઈ શકે એવી જોગવાઈ કરવામાં આવે છે. આમ, વિદેશી દારૂ ભાવની સરખામણીમાં સિંગતેલના ભાવ રૂપિયો ઓછો સુધી જ વધી શકશે. સિંગતેલના વેપારીઓ દારૂના ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરી દારૂના ભાવ વધારી પ્રજાને મુશ્કેલીમાં ન મૂકી દે તે હેતુથી સિંગતેલના વેપાર સાથે સંકળાયેલા દારૂની કંપનીમાં રોકાણ ન કરી શકે તેવી વિશેષ જોગવાઈ કરવામાં આવે છે.
   
 • ખોટમાં જતી એરલાઇનના માલિકો કે કર્મચારીઓ આપઘાત ન કરે તે માટે સરકારી અને ખાનગી બધી એરલાઇનનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે છે. જોકે, આના બદલામાં એરલાઇન્સે ગરીબીરેખાથી નીચે જીવનારને વરસની છ મફત રિટર્ન ટિકિટ આપવાની રહેશે.
 • ગરીબીરેખાની વ્યાખ્યા હવે બદલી નાખવામાં આવે છે. રોજની ત્રણ પડીકી મસાલો ખાનાર કે રોજ બે કટિંગ ચા પીનાર કે રોજ પચાસ ગ્રામ ગાંઠિયા ખાનાર કે રોજ ત્રણ મોબાઇલ ફોન કરનાર કે મહિનામાં એક વાર રિક્ષામાં બેસનાર અથવા વરસમાં એક વાર થિયેટરમાં ફિલ્મ જોનાર ગરીબ ગણાશે નહીં. આથી ગરીબોને મળતા બધા લાભ મધ્યમવર્ગને ફાળવવામાં આવશે.
 • મધ્યમવર્ગનાં મા-બાપ અને ગર્લફ્રેન્ડ વચ્ચે પીસાતા શહેરી યુવા બેરોજગારોને ‘ગાંધી નેશનલ એમ્પ્લોયમેન્ટ વેઇટિંગ સ્કીમ’ અંતર્ગત હવે ખાસ પિઝા ભથ્થું આપવામાં આવશે. આ ઉપરાંત વેઇટિંગ પિરિયડમાં વેલેન્ટાઇન્સ ડે, ગર્લફ્રેન્ડનો બર્થ ડે વગેરે માટે ગિફ્ટ એલાવન્સ પણ આપવામાં આવશે. 
 • ફિલ્મો ખર્ચાળ થતી જાય છે. ફિલ્મ નિર્માણનો ખર્ચો ઓછો થાય તે માટે અને સંગીતકારો સંગીતની ધૂન બનાવવામાં સમય બરબાદ ન કરે તે હેતુથી પરદેશી ધૂનને ‘પ્રીતમ વન-વે કલ્ચરલ એક્સ્ચેન્જ સ્કીમ’ હેઠળ હવે મફત આયાત કરી શકાશે.
 • મેડિકલ અને એન્જિનિયરિંગમાં એડ્મિશન મળે તે માટે મા-બાપ છોકરાં અને લાગતાં વળગતાં બધાનું લોહી પી જાય છે. સૌને ઇચ્છિત લાઇનમાં પ્રવેશ મળે તે માટે એસટી બસની ‘હાથ ઊંચો કરો અને બેસો’ સેવાની લાઇન પર વિદ્યાર્થીને જોઈતી લાઇનમાં પ્રવેશ આપવામાં આવશે. આમ થવાથી અમુક કોલેજો બધા વિદ્યાર્થીઓને સમાવી ન શકે તો ત્યાં લેક્ચર હોલ કે લેબોરેટરીમાં વહેલા તે પહેલાને ધોરણે પ્રવેશ અપાશે. કોલેજોમાં હાજરીની જરૂરિયાત આમ થવાથી આપોઆપ નાબૂદ થશે.ડ-બકા
 
શીલા, મુન્ની ને છમ્મક છલ્લો બકા,
ખાલી દેખાવ બધો ઉપરછલ્લો બકા.

No comments:

Post a Comment