Monday, April 16, 2012

સિંગતેલના ભાવ હજુ વધે તો?

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૫-૦૪-૨૦૧૨ | અધીર અમદાવાદી |
 
સિંગતેલના ડબ્બાના ભાવ બે હજાર ઉપર પહોંચી ગયા છે. આ સમાચાર વાંચીને અમને એ વિચાર આવે છે કે ડબ્બાનો ભાવ બે હજાર છે તો સિંગતેલનો તો કેટલો હશે? સિંગતેલના ભાવ એટલા વધ્યા છે કે સાંજ પડે મજૂરીની કમાણીમાંથી દસ રૂપિયાના ભજિયાં ખાનાર પેલા મજૂરને દસ રૂપિયામાં આંગળીના વેઠે ગણાય એટલા ભજિયા પણ નથી મળતાં. મધ્યમવર્ગની સમજુ ગૃહિણીઓ તો તેલની સ્વયંભૂ બચત કરવા લાગી છે. તેલના ભાવ વધતાં રાતોરાત ભજિયાં, ગોટાં, દાળવડાં,ગાંઠિયા અને ફાફડા મોંઘા થઈ ગયાં છે. બાફેલાં શાક ખાઈને ગુજરાતની ફરસાણપ્રિય પ્રજાની જીભ આળી થઈ ગઈ છે. ગળું ખોરું થઈ ગયું છે. આંતરડી કકળી ઊઠી છે અને સમગ્ર પાચનતંત્રમાં તેલના અભાવે વાયુ ઉત્પન્ન થઈ ગયો છે. આ વાયુ મગજ સુધી પહોંચી જતાં અમુક લોકો 'તેલના ભાવ ભડકે બળે છે', 'સરકાર તેલિયા રાજાઓ સાથે મળી ગઈ છે.' 'ભાજપ તેરા કૈસા ખેલ, સસ્તી દારૂ મહેંગા તેલ' જેવાં સૂત્રોચ્ચાર પણ કરવા લાગ્યા છે. અમને તો વિચાર આવે કે ભઈ, તમને દારૂ સસ્તો છે એ ખબર કઈ રીતે પડી?

પણ, તેલના ભાવ જો આમ જ વધતાં જશે તો લોકોને માથામાં નાખવાના તેલના પણ ફાંફાં પડશે. અમારા જેવા અમુક પાકા અમદાવાદીઓ તો પછી ફરસાણની દુકાનમાં જઈ ભજિયાંના ઘાણમાં હાથ નાખી એ જ હાથ માથામાં ફેરવીને ચલાવી લેશે. પણ અમદાવાદી દુકાનદારો કંઈ એમ કીમતી ભજિયાંમાં મફતમાં હાથ નાખવા દે? જેમ ઘડિયાળની દુકાનમાં મોંઘી ઘડિયાળ લોકમાં રાખે છે તેમ વેપારીઓ પછી ભજિયાં અને ગોટાં લોક એન્ડ કીમાં રખાશે. નકલી પોલીસ પણ પછી સોનાની બંગડીઓ અને ચેઈન છોડીને તેલના ડબ્બા ભોળવીને લઈ જશે. જોકે સૌથી આનંદની વાત એ હશે કે 'તેલ લેવા જા' જેવા તુચ્છકારજનક રૂઢિપ્રયોગ ભાષામાંથી રદ કરવામાં આવશે. હા, તેલના વિકલ્પ તરીકે લેવા મોકલાય એટલું સસ્તું પ્રવાહી હવે કોઈ રહ્યું જ નથી, પાણી પણ નહીં!

જોકે ઇકોનોમિક્સની થિયરી મુજબ સિંગતેલના ભાવ વધતાં તેલનો વપરાશ ઘટશે. એટલે ગૃહિણીઓને રાહત થશે. કાળઝાળ તેલમાં તળતી વખતે જે ગરમી લાગે છે એમાંથી એમને મુક્તિ મળશે. તેલમાં ભજિયાંના ડબકા મૂકતી વખતે એમના નાજુક કરકમળ પર જે છાંટા ઊડવાથી ફોલ્લા પડે છે એ હવે નહી પડે. કડાઈ ગેસ પર ચઢાવતા અને ઉતારતા તેલથી દાઝી જવાના કેસ પણ ઓછા થશે. તેલના ડબ્બામાં કાણું પાડતા જે દસ્તો વાગી જતો હોય છે એ પણ નહીં વાગે. તેલનો ડબ્બો ઊંધો પાડી નાના વાસણમાં કે બરણીમાં તેલ કાઢવાની ક્રિયામાં જે નાજુક બહેનોને પીઠદર્દ થઈ જાય છે એવી ઘટનાઓ પણ ઓછી થશે અને સૌથી મોટી વાત તો એ કે જેની દાઢોમાં દીવા બળે છે એવા સ્વાદરસિક પતિદેવો દ્વારા રાતે સાડા બાર વાગ્યે થતી ફરમાઈશો જેવી કે લે, વન ડેમાં ભારત જીતી ગયું, ભજિયાં બનાવ” પણ બંધ થઈ જશે.
 
જોકે તેલના ભાવ વધવાથી ડોક્ટરો બિચારા દુઃખી થઈ જશે. તેલના ઊંચા ભાવને કારણે લોકો પૂરી, ફરસાણ અને ચરબીયુક્ત ખોરાક ઓછો ખાશે. ઘીના (દૂધના ભાવ પણ વધ્યા છે!) વધેલા ભાવને કારણે લોકો આ મીઠાઈ ઓછી ખાશે એટલે કોલેસ્ટ્રોલ ઓછું થશે એટલે બ્લડપ્રેશર અને હૃદયરોગ ઓછાં થશે. તીખું અને તળેલું નહીં ખાવાથી એસિડિટી ઓછી થશે. ઘી, દૂધની બનાવટો ન ખાવાથી ઝાડા-ઊલટીના કેસ ઓછા થઈ જશે. પછી બિચારા ડોક્ટરો ક્યાં જશે? પછી ડોક્ટરોએ વેકેશન માણવા સ્વિત્ઝરલેન્ડ અને યુરોપ જવાને બદલે બિલ્ડરો જાહેરાતમાં લખે છે એ અમદાવાદ નજીકની સ્કીમો અને ક્લબોને જ યુરોપ માનીને ચલાવી લેવું પડશે. અમને લાગે છે કે ડોક્ટરોએ સત્વરે જાગી તેલ-ઘીના ભાવવધારા સામે એક અવાજે વિરોધ પ્રર્દિશત કરવાની જરૂર છે.

જોકે આ બધાં વચ્ચે ડોક્ટરો માટે એક રાહતની વાત પણ છે. તેલના ભાવ વધશે એટલે કાઠિયાવાડમાં ગાંઠિયાનો (અને અમદાવાદમાં ફાફડાનો પણ) વપરાશ ઘટી જશે અને જે લોકો ગાંઠિયાના ગુણ જાણે છે એમને ખબર હશે કે ગાંઠિયા ખાનારને કબજિયાત નથી થતી. માટે તેલના ભાવવધારાથી બીજા દર્દી ભલે ઓછા થાય, કબજિયાતના દર્દીઓમાં ભારે વધારો જોવા મળશે. કોઈકે ખરું જ કહ્યું છે, કુદરત બધું બેલેન્સ કરે છે.

No comments:

Post a Comment